વીક્ષા અને નિરીક્ષા/બે કહેવતો
બે કહેવતો
૧. ભાદરવાનો ભીંડો
કવિ દલપતરામની ભાદરવાના ભીંડા વિશેની કુંડળિયા છંદમાં લખેલી કવિતા જાણીતી છે.
ભીંડો ભાદરવા તણો વડને કહે, `સુણ વીર.’
`સમાઉ નહિ હું સર્વથા, તું જા સરવર તીર.’
`તું જા સરવર તીર’, સુણી વડ ઉચર્યો વાણી,
`વીત્યે વર્ષાકાળ જઈશ હું બીજે જાણી.’
દાખે દલપતરામ, વીત્યો અવસર વર્ષાનો,
ગયો સુકાઈ સમૂળ ભીંડો તે ભાદરવાનો.
હમણાં હું આશારામ દલીચંદકૃત `ગુજરાતી કહેવત સંગ્રહ’ જોતો હતો, તેમાં પૃ. ૨૦૪ ઉપર કવિ ક્હાનનો નીચેનો કુંડળિયો જોવા મળ્યો :
ભીંડા ભાદુ માસકા બડકું કહે જરૂર,
મેં તુમ ઈંહાં આવે નહીં, જગા કરો તુમ દૂર;
જગા કરો તુમ દૂર, બડે તબ અરજી કીની,
વૃષા ઋતુ એક માસ, આરા બસનેકું દીની;
કથે સો કવિયાં ક્હાન, મૂલ નહીં હૈ ઊંડા,
આયા આસો માસ, ભૂખ દુઃખ સૂક્યા ભિંડા.
બંને વચ્ચેનું સામ્ય ઉઘાડું છે.
*
૨. ચોરનો ભાઈ ઘંટીચોર
આ કહેવત ખૂબ જાણીતી છે, પણ એનો શબ્દાર્થ એટલો જાણીતો અથવા સ્પષ્ટ નથી. `ઘંટીચોર’ એટલે ખરેખર ઘંટી ચોરનાર અર્થ છે કે બીજો અર્થ છે એ બધા જાણતા નથી. આશારામ દલીચંદકૃત ‘ગુજરાતી કહેવત સંગ્રહ’માં પૃ. ૧૭૪ ઉપર એ કહેવત આ રૂપે મળે છે. `ચોરનો ભાઈ ગંઠી છોડ.’ અને એમાંનો ‘ગંઠીછોડ’ શબ્દ આજના ખીસાકાતરુ માટે વપરાયેલો છે. પહેલાં લોકો નાણું ગાંઠે બાંધતા એટલે એ નાણું સિફતથી છોડી લેનાર `ગંઠીછોડ’ કહેવાતો. આ વાત ભુલાઈ જતાં `ગંઠી છોડ’નું જ `ઘંટીચોર’ થઈ ગયું. આમ, કહેવતસંગ્રહમાંનો પાઠ ઘંટીચોરની વ્યુત્પત્તિ માટે ખૂબ ઉપયોગી છે. સાર્થ જોડણીકોશની હમણાં પ્રગટ થયેલી પાંચમી આવૃત્તિમાં પણ `ઘંટીચોર’ શબ્દની વ્યુત્પત્તિ વિશે આવી નોંધ મળે છે: `ઘંટીનો ચોર’ કે सं. ग्रंथिछेदक પ્રા. गठिछेअ?’ કહેવત સંગ્રહનો પાઠ જોતાં `ઘંટીચોર’ શબ્દ `ગંઠીછોડ’ ઉપરથી બનેલો લાગે છે.