વીક્ષા અને નિરીક્ષા/‘ઑબ્જેક્ટિવ કોરિલેટિવ’ અને વિભાવાદિ

‘ઑબ્જેક્ટિવ કોરિલેટિવ’ અને વિભાવાદિ

આધુનિક અંગ્રેજી સાહિત્ય-વિવેચનમાં ‘ઑબ્જેક્ટિવ કોરિલેટિવ’ શબ્દપ્રયોગ દાખલ કરનાર ટી. એસ. એલિયટ છે. એમણે હૅમ્લેટ ઉપરના પોતાના નિબંધ(૧૯૧૯)માં કહ્યું છે કે એ નાટક કલાકૃતિ તરીકે નિષ્ફળ ગયું છે તેનું મુખ્ય કારણ એ છે કે એના નાયકનો પ્રધાન ભાવ અભિવ્યક્ત થઈ શકે એવો નથી, કારણ કે જે હકીકતો રજૂ થઈ છે તેના પ્રમાણમાં એ ભાવ वघु पडतो છે; એટલે કે ભાવના પ્રત્યાયન માટે યોજેલાં પાત્રો, પરિસ્થિતિ અને પ્રસંગો પૂરતાં નથી. આપણા દેશની પરિભાષામાં કહેવું હોય તો, એમાં પ્રતીતિ-ઉપાય-વૈકલ્યનો દોષ છે. અને પછી તેમણે કહ્યું છે કે `ભાવને કલાત્મકરૂપે અભિવ્યક્ત કરવાનો એક જ ઉપાય છે અને તે ‘ઑબ્જેક્ટિવ કોરિલેટિવ’ (ભાવાનુરૂપ વિભાવાદિ) શોધી કાઢવાનો. બીજી રીતે કહીએ તો એવા પદાર્થો, પરિસ્થિતિ અને ઘટનાઓની સાંકળ શોધી કાઢવાનો, જે તે भावविशेषના નુસખારૂપ બની રહે; એ એવા હોય કે બાહ્ય હકીકતો રૂપે પ્રત્યક્ષ થતા તત્કાળ ઇષ્ટ ભાવ જાગ્રત થાય.’ આ ‘ઑબ્જેક્ટિવ કોરિલેટિવ’નો ખ્યાલ એલિયટે રજૂ કર્યા પછી એને ખૂબ પ્રસિદ્ધિ મળી છે, અને એને અંગે ચર્ચા પણ ઘણી થઈ છે, તેમ છતાં નોંધવું જોઈએ કે, એ ખ્યાલ કે શબ્દપ્રયોગ, ‘એનસાઇક્લોપીડિયા ઑવ પોયેટ્રી ઍન્ડ પોયેટિક્સ’માં દર્શાવ્યા મુજબ, નવો નથી. ૧૮૫૦માં વૉશિંગ્ટન ઑલ્સ્ટને પોતાના કલા ઉપરના વ્યાખ્યાનોમાં ચિત્ત અને બાહ્ય જગતના સંબંધની ચર્ચા કરતાં કહ્યું છે : `ચિત્તને... પોતાના આવિષ્કારની એક શરત તરીકે ‘ઑબ્જેક્ટિવ કોરિલેટિવ’ની...જરૂર પડે છે.’ એ છે બાહ્ય જગત, જેમાંના પદાર્થો ચિત્તમાં `પહેલેથી અસ્તિત્વ ધરાવતા’ ખ્યાલો સાથે `પહેલેથી નિશ્ચિત’ સંબંધ ધરાવતા હોય છે, અને જે `સુખાત્મક ભાવાનુભવ’ની ચિત્તની સુપ્તશક્તિને પ્રગટ થવામાં સાથ આપે છે. ઑલ્સ્ટન અહીં ચિત્ત વિશે સામાન્યપણે વાત કરે છે, પણ આગળ જતાં કલાકારના વિશિષ્ટ ગુણોની ચર્ચા કરતાં તે કહે છે કે `તે પોતાનામાં રહેલાં स्पष्टरेख બિંબોને કે ભાવોને પોતામાં જેવાં હોય તેવાં ને તેવાં યથાતથ બીજા સમક્ષ રજૂ કરી શકે છે.’ સાન્તાયન પણ પોતાના એક નિબંધ ‘કવિતા અને ધર્મ’ (૧૯૦૦)માં આને મળતું જ દૃષ્ટિબિંદુ અપનાવે છે, પણ ભાવાભિવ્યક્તિની સાથે ભાવોદ્બોધની પણ વાત ઉમેરે છે. તે કહે છેઃ `કવિની કલા, મોટે ભાગે, કોઈ ભાવને સ્વાભાવિક રીતે જાગ્રત કરે એવી વેરવિખેર પડેલી સામગ્રીને ભેગી કરીને તે ભાવને ઘનીભૂત કરવાની કલા છે.’ `સમાન ભાવાભિવ્યંજનની શક્તિ ધરાવતી ભિન્ન ભિન્ન વસ્તુઓને’ એક સાથે જોડીને કવિ તે ભાવ જગાડતો હોય છે. ભાવની અભિવ્યક્તિ માટે તે `કોરિલેટિવ ઑબ્જેક્ટ્સ’ શોધતો અથવા ઉપજાવી લેતો હોય છે. જો કે સાન્તાયનને મતે `અભિવ્યક્તિ’ શબ્દ ગેરરસ્તે દોરે એવો છે, કારણ, એ એવું સૂચવે છે કે જાણે કોઈ પહેલેથી અનુભૂત અને/અથવા જ્ઞાત વસ્તુ `અભિવ્યક્ત’ કરવામાં આવે છે; જ્યારે ખરી વાત એ છે કે અભિવ્યક્તિની ક્રિયા જ વ્યક્ત થતા ભાવમાં કદાચ એવો તો ફેરફાર કરી નાખે કે પરિણામે તે એક નવો જ ભાવ શોધી કાઢ્યા બરાબર થઈ રહે. પ્રાઝ એમ માને છે કે એલિયટના `ઑબ્જેક્ટિવ કોરિલેટિવના સિદ્ધાંતનાં મૂળ પાઉન્ડની એ માન્યતામાં રહેલાં છે કે કવિતા એ `એક પ્રકારનું પ્રેરણાજન્ય ગણિત છે, જે આપણને ત્રિકોણ, વર્તુળ વગેરે જેવી વસ્તુશૂન્ય કે અવાસ્તવ (ઍબ્સ્ટ્રૅક્ટ) આકૃતિઓ માટેનાં નહિ પણ માનવ ભાવો માટેનાં સમીકરણો આપે છે.’

એલિયટના મતને જરા વિગતે સમજવાનો પ્રયત્ન કરીએ. એમને મતે કવિતાનું એક કામ ભાવની અભિવ્યક્તિ અને તેનું અવગમન સાધવાનું છે. ભાવ એવી વસ્તુ છે કે એનું વર્ણન કરીને એને વ્યક્ત કરી શકાતો નથી કે એનું અવગમન સાધી શકાતું નથી. એ માટે તે કવિએ પાત્રો, પરિસ્થિતિ અને પ્રસંગોનો જ આશ્રય લેવો પડે છે. કવિ પોતે જે ભાવ વ્યક્ત કરવા માગતો હોય તેને અનુરૂપ પાત્રો, પરિસ્થિતિ અને પ્રસંગમાળા એણે શોધવાં પડે અથવા ઉપજાવી લેવાં પડે, જે ભાવક સમક્ષ રજૂ થતાં જ કવિને ઇષ્ટ ભાવની તેને પ્રતીતિ થાય. આ તો જ બને જો એ ભાવોદ્બોધ કે ભાવ-વ્યંજન માટે વપરાતી સામગ્રી પહેલેથી અમુક અમુક ભાવ સાથે સંકળાયેલી હોય અને એ ભાવ પણ ભાવકને પહેલેથી પરિચિત હોય. એવું પાત્ર, આવી પરિસ્થિતિમાં, આવે પ્રસંગે, આવા ભાવથી પ્રેરાઈને આમ વર્તે એવું કંઈક તેના મનમાં હોય તો જ તે કવિએ નિરૂપેલી સામગ્રીમાંથી કવિને ઇષ્ટ ભાવની વ્યંજના પામી શકે. એનો અર્થ એ થાય કે એ સામગ્રી અને તેનો અમુક અમુક ભાવ સાથેનો સંબંધ કવિને અને ભાવકને બંનેને પરિચિત કે જ્ઞાત હોવાં જોઈએ. તો જ અવગમન સધાય. આ માટે આવી સામગ્રી પરંપરાપ્રાપ્ત હોય એ ઇષ્ટ છે. નવી હોય ત્યાં પણ તે લોકોમાંથી જ લીધેલી હોવી જોઈએ, તો જ તે કામ આપી શકે. વળી, આ સામગ્રીએ ભાવકના ચિત્તને અમુક ભાવવિશેષની પ્રતીતિ કરાવવાની છે, એટલે તે બને એટલી સ્પષ્ટ, અસંદિગ્ધ, અને મૂર્ત રૂપે આવે એ પણ આવશ્યક છે. જો એ સામગ્રીની યોજના પૂરતા પ્રમાણમાં કે ઔચિત્યપૂર્વક ન થાય તો વ્યક્ત કરવા ધારેલો ભાવ અસંદિગ્ધપણે સ્ફુટતાથી વ્યક્ત થઈ ન શકે અને તેને વિશે સંશય રહ્યા કરે. આને જ `સંશયયોગ’નું વિઘ્ન કહે છે. હૅમ્લેટ વિશે જે નાના વિધ મતો પ્રવર્તે છે તેનું કારણ ભાવાભિવ્યક્તિ માટે તેમાં થયેલી સામગ્રીની અપૂરતી યોજના હોવાનો સંભવ છે. બીજી પણ એક વસ્તુ અહીં નોંધવી જોઈએ, અને તે એ કે કવિ જે પ્રસંગો નિરૂપે છે તેમાં ઘટના અને ઘટનાએ પાત્રના ચિત્તમાં જગાડેલા ભાવ વચ્ચે પ્રમાણ અને ઔચિત્ય પૂરેપૂરાં સચવાવાં જોઈએ. પાત્રોનો જે સ્વભાવ હોય, તે જે પરિસ્થિતિમાં હોય, તેને લક્ષમાં રાખીને ઘટનાની તેના ચિત્ત ઉપર થયેલી અસરનું નિરૂપણ થવું જોઈએ. ઘટનાની પાત્રના ચિત્ત ઉપર થયેલી અસર પણ કોઈ કાર્ય મારફતે જ પ્રગટ થઈ શકે છે. એટલે એને માટે જે અનુભાવ યોજવામાં આવે તે ઔચિત્ય અને પ્રમાણ સાચવીને યોજવો જોઈએ. આને જ આપણા દેશના કીવ્યશાસ્ત્રમાં વિભાવાદિની ઔચિત્યપૂર્વકની યોજના કહે છે.

ભાવાભિવ્યક્તિ માટે યોજતી સામગ્રી માટે એલિયટે `ઑબ્જેક્ટિવ કોરિલેટિવ’ શબ્દ વાપર્યો છે. જે બે પદાર્થો પરસ્પર નિત્ય સંબંધથી જોડાયેલા હોય તે એકબીજાના કોરિલેટિવ(નિત્ય સંબંધી) કહેવાય. જેમ કે ધનુષ અને બાણ. ધનુષ શબ્દ સાંભળતાં જ બાણ પણ આપણા ચિત્તમાં હાજર થઈ જાય છે, તે એટલે સુધી કે `ધનુર્ધારી’ શબ્દમાં બાણનો અને `બાણાવળી’ શબ્દમાં ધનુષનો ઉલ્લેખ નથી છતાં એ બંને શબ્દોનો અર્થ `ધનુષ વડે બાણ છોડનાર’ એવો જ સમજાય છે. આમ, ધનુષ અને બાણ એ એકબીજાના નિત્યસંબંધી છે. અને એ બંને પદાર્થો છે. એ જ રીતે, પ્રિયજનનું મૃત્યુ એટલે કે મૃત્યુ પામેલું પ્રિયજન અને શોક, પરસ્પર નિત્ય-સંબંધથી જોડાયેલાં છે, એટલે કે એકબીજાના નિત્યસંબંધી છે. એમાં મૃત્યુ પામેલું પ્રિયજન એ પદાર્થ છે અને શોક એ ભાવ છે, એટલે મૃત્યુ પામેલું પ્રિયજન એ શોકરૂપી ભાવનો પદાર્થરૂપ નિત્યસંબંધી (ઑબ્જેક્ટિવ કોરિલેટિવ) છે અને શોક એ મૃત્યુ પામેલા પ્રિયજનનો ભાવરૂપ નિત્યસંબંધી છે. અથવા, આપણે સાન્તાયનને અનુસરીને એમ પણ કહી શકીએ કે મૃત્યુ પામેલું પ્રિયજન એ શોકભાવનો નિત્યસંબંધી પદાર્થ છે. અને શોક એ મૃત્યુ પામેલા પ્રિયજનનો નિત્યસંબંધી ભાવ છે. આમ, `ઑબ્જેક્ટિવ કોરિલેટિવ’ એટલે પદાર્થરૂપ નિત્યસંબંધી, જે ભાવક સમક્ષ રજૂ થતાં જ પોતાના નિત્યસંબંધી ભાવને જાગ્રત કરે. આપણે જોઈ ગયા કે કવિ પાસે ભાવને અભિવ્યક્ત કરવાની એક જ રીત છે અને તે ઇષ્ટ ભાવના પદાર્થરૂપ નિત્યસંબંધીનું અથવા ઇષ્ટ ભાવના નિત્યસંબંધી પદાર્થોનું નિરૂપણ કરવાની. હવે કવિ એ પદાર્થોનું નિરૂપણ શબ્દો વડે જ કરી શકે છે. એટલે એલિયટે પોતાના બીજા એક નિબંધ (`ઑન ધ મેટાફિઝિકલ પોયેટ્સ’-૧૯૨૧)માં કહ્યું છે કે એ કવિઓ `બહુ બહુ તો, ચિત્તવૃત્તિ અને લાગણીને માટે `વર્બલ ઇકિવવૅલન્ટ’ શોધવાના કાર્યમાં રોકાયેલા હતા.’ આ `વર્બલ ઇક્વિવૅલન્ટ’ માટે આપણે `વાઙ્મય’ પર્યાય એવો શબ્દ વાપરી શકીએ. વાઙ્મય પર્યાયનો અર્થ પણ આપણા દેશની પરિભાષામાં કરીએ તો વિભાવાદિ જ થાય. કવિ કાવ્ય દ્વારા અમુક ભાવની અભિવ્યક્તિ અને તેનું અવગમન સાધવા ઇચ્છતો હોય છે, એટલે તેણે તેના નિત્યસંબંધી પદાર્થોનું નિરૂપણ કરવું જોઈએ, જેથી તે પ્રત્યક્ષ થતાં જ ઇષ્ટ ભાવ જાગે. આને માટે આપણો `વિભાવિદિ’ શબ્દ સારો પર્યાય છે. એલિયટે ઑબ્જેક્ટિવ કોરિલેટિવને સમજાવતાં કહ્યું છે કે એમાં પદાર્થો, પરિસ્થિતિ અને ઘટનાપરંપરાનો સમાવેશ થાય છે. એનો અર્થ એ કે આપણે જેને વિભાવ, અનુભાવ અને સંચારી કહીએ છીએ તે બધાનો એમાં સમાવેશ થઈ જાય છે. એક રીતે જોઈએ તો, રસાનુભવ જગાડનાર આ સામગ્રીનો લોકનાં કારણ, કાર્ય અને સહકારીને લક્ષમાં રાખીને વિભાવ, અનુભાવ અને સંચારીરૂપે વ્યવસ્થિત કરેલી છે અને વિભાવના પણ વળી આલંબન અને ઉદ્દીપન એવા બે ભાગ કલ્પેલા છે તે યુક્તિસંગત અને કાવ્યની સમજ અને વિવેચન માટે વધુ ઉપકારક છે.

ઑબ્જેક્ટિવ કોરિલેટિવ અને વિભાવાદિનો ખ્યાલ આપણે રામાયણમાંના એક દૃષ્ટાંતથી સમજી લઈએ. પોતાના વૃદ્ધ અને અંધ માતાપિતાની સેવામાં રત શ્રવણ (આ નામ રામાયણમાં નથી) રાતે તેમને તરસ લાગતાં પાણી લેવા સરોવરે જાય છે અને ત્યાં શિકારે નીકળેલા રાજા દશરથના શબ્દવેધી બાણથી વીંધાઈને ચીસ પાડીને ઢળી પડે છે. એની ચીસ અને વાણી સાંભળીને દશરથને સમજાય છે કે મારે હાથે કોઈ નિર્દોષનું મૃત્યુ થયું છે. દોડી જઈને જુએ છે અને આખી પરિસ્થિતિ સમજાતાં તેને પારાવાર પરિતાપ થાય છે. તે જઈને પુત્રના વિલંબથી નાનાવિધ તર્કવિતર્ક અને ચિંતા કરતા શ્રવણના માતાપિતાને પગે લાગી ક્ષમા યાચે છે ને સાચી હકીકત જણાવે છે. પુત્રમરણના સમાચારથી બંને વૃદ્ધોને અપાર દુઃખ થાય છે અને તેઓ હૃદયભેદક આક્રંદ કરે છે. `તું પણ અમારી પેઠે પુત્રવિયોગથી મૃત્યુ પામીશ’ એવો શાપ દશરથને આપી તેઓ બંને અગ્નિપ્રવેશ કરે છે. હવે, એલિયટની દૃષ્ટિએ આ ઘટનાના પાત્રો, પરિસ્થિતિ અને એમાંનાં બનાવો એ બધું એમાંના ભાવોની અભિવ્યક્તિ માટેની સામગ્રી - ઑબ્જેક્ટિવ કોરિલેટિવ છે. વિગતે કહીએ તો શ્રવણની પિતૃભક્તિ, તેનાં માતાપિતાનો શોક અને દશરથના પરિતાપનું આ આખી ઘટના સંપૂર્ણ ઑબ્જેક્ટિવ કોરિલેટિવ છે. આપણા દેશના કાવ્યશાસ્ત્રની રીતે કહીએ તો આમાં શ્રવણની પિતૃભક્તિનો આલંબન વિભાવ એના માતાપિતા છે, તેમની અસહાય દશા ઉદ્દીપન વિભાવ છે, અને એ તેમની જે સેવા કરે છે, બાણથી વીંધાતાં `મને મારા મૃત્યુનો શોક નથી, પણ મારા અપંગ માબાપને માટે મને શોક થાય છે. તે તરસ્યા છે, ઝટ જઈને તેમને પાણી પાઓ.’ એમ દશરથને કહે છે એ બધું એના અનુભાવ છે, અને પોતે ઘાયલ થતાં `હવે મારા માબાપનું શું, કોણ તેમની સંભાળ લેશે?’ વગેરે જે નાનાવિધ ભાવો તેના મનમાં જાગે છે તે સંચારી છે. એના માતાપિતાના કરુણની દૃષ્ટિએ શ્રવણ અને તેનું મૃત્યુ આલંબન વિભાવ છે, તેના શબનો સ્પર્શ અને તેણે પાછા વળી કરેલું સંબોધન ઉદ્દીપન વિભાવ છે, અશ્રુપાત, વિલાપ વગેરે અનુભાવ છે અને પ્રલાપ, નિર્વેદ વિષાદ વગેરે સંચારી છે. દશરથના પરિતાપની દૃષ્ટિએ જોઈએ તો અજાણતાં મારે હાથે એક નિર્દોષ માનવીનું મૃત્યુ નીપજ્યું એવું જ્ઞાન એ વિભાવ છે, એ જઈને શ્રવણનાં માતાપિતાને ૫ગે લાગી ક્ષમા યાચે છે વગેરે અનુભાવ છે, અને તેના મનમાં હવે આ લોકો મને શું કરશે, મને આવું કેમ સૂઝ્યું વગેરે જે જાતજાતના ભાવો જાગે છે તે સંચારી છે. એ બધાની અહીં ઔચિત્યપૂર્વક યોજના થયેલી છે, એટલે કે એમાં ઘટના અને લાગણીનું પ્રમાણ અને ઔચિત્ય બરાબર સચવાયેલાં છે. શ્રવણપક્ષે એની પિતૃભક્તિ કેટલી ઊંડી છે તે એણે માતા-પિતાની કરેલી નિષ્ઠાપૂર્વકની સેવા અને અંત સમયે પણ સેવેલી તેમની જ ચિંતા વગેરે દ્વારા બરાબર વ્યક્ત થયું છે. પોતે અંધ અને જાતે હરીફરી શકે એવાં નથી એ પરિસ્થિતિમાં પોતાના એકમાત્ર આધારરૂપ પુત્રનું અવસાન થતાં શ્રવણનાં માતાપિતાને જે આઘાત લાગે તે એટલો પ્રબળ હોય કે તેમની જીવવાની ઇચ્છા જ મરી જાય એ સમજી શકાય એવું છે, અને એટલે એમણે અગ્નિમાં પ્રવેશ કર્યો એ એમના ભાવની ઔચિત્યપૂર્વકની અભિવ્યક્તિ બની રહે છે. દશરથને માટે એને પણ થયેલો પરિતાપ સાચો અને ઊંડો હતો માટે જ તે જાતે જઈને વૃદ્ધોની ક્ષમા યાચે છે, સાચી હકીકત જણાવે છે અને તેમનો શાપ માથે ચડાવે છે. આમ, અહીં ભાવને વ્યક્ત કરવા માટે યોજાયેલી ઘટના અને ઘટનાથી જાગેલો ભાવ બંને ઔચિત્યપૂર્ણ અને સપ્રમાણ છે, અને માટે જ તે ભાવની અભિવ્યક્તિ પ્રતીતિકર અને સ્કુટરૂપે થઈ શકે છે.

અંતમાં એટલું નોંધવું જેઈએ કે એલિયટમાં `ઑબ્જેક્ટિવ કોરિલેટિવ’નો વિચાર છૂટક વિચાર તરીકે આવે છે. જ્યારે આપણે ત્યાં વિભાવાદિનો વિચાર એક સમગ્ર કાવ્યદર્શનનો અંગ તરીકે આવેલો હોઈ એની વિચારણા વધુ વ્યાપક, વધુ સૂક્ષ્મ, વધુ વિગતે, વધુ ઊંડાણથી અને શાસ્ત્રીય પદ્ધતિએ થયેલી છે. જેમ કે, આપણે ત્યાં વિભાવાદિનું કાર્ય તે તે ભાવ જગાડવાનું નહિ પણ તે તે ભાવની ચર્વણા જગાડવાનું મનાયું છે અને એ રીતે લૌકિક કારણકાર્યાદિને મળતા હોવા છતાં વિભાવાદિ કાવ્યમાં વિભાવન, અનુભાવન અને સંચારણરૂપ જુદાં જ કાર્યો બજાવતા હોઈ નવે નામે ઓળખાય છે, અને અલૌકિક મનાયા છે; વગેરે.

૬-૯-’૭૪