વીક્ષા અને નિરીક્ષા/‘ભરત’ એટલે ‘નાટક’ કે ‘નાટ્યશાસ્ત્ર?’
‘ભરત’ એટલે ‘નાટક’ કે ‘નાટ્યશાસ્ત્ર’?
ડૉ. રાઘવન પોતાના ગ્રંથ ‘ભોજઝ્ શૃંગારપ્રકાશ’માં ‘ગુણોનો ઇતિહાસ’ નામના પ્રકરણમાં પ્રતિહારેન્દુરાજના ગુણવિચારનો સાર આપતાં કાવ્યનો આત્મા રસ છે, અલંકાર નથી. શબ્દાર્થ એ તેનું શરીર છે. રસની અભિવ્યક્તિ માધુર્ય-ઓજની ઓછીવત્તી મદદથી પ્રસાદ નામના ગુણથી થાય છે. કાવ્ય જો સરસ અને સગુણ હોય તો જ અલંકારો તેના સૌંદર્યમાં વધારો કરી શકે છે, નહિ તો નહિ; આટલું કહ્યા પછી કહે છે કે `આ પછી પ્રતિહારેન્દુરાજ ભારે ભૂલ કરે છે. તે કહે છે કે આ કારણથી જ નાટક કાવ્ય નથી, જોકે એ સરસ છે! કાવ્ય સરસ અને સગુણ હોવું જોઈએ. વ્યાકરણ, એ નીરસ છે અને નાટક એ કાવ્ય નથી કારણ, એ નિર્ગુણ છે! તેમ છતાં નાટકને જો કાવ્ય કહેવામાં આવતું હોય તો તે માત્ર ઉપચારથી! કદાચ તે અહીં નાટકના પ્રયોગનો જ વિચાર કરતો હશે, અભિનયનો અથવા નાટકની રજૂઆતનો અને નાટકના પાઠનો નહિ; પણ તે પણ ત્રણ ગુણો વિરહિત તો હોઈ જ ન શકે; અથવા અહીં નાટકનો ઉલ્લેખ કરવાનો કંઈ અર્થ જ નથી.’ એ પછી ડૉ. રાઘવન પ્રતિહારેન્દુરાજનાં મૂળ વચનો આ પ્રમાણે ઉતારે છે : यद्येवं गुणशून्यत्वान्नीरसे व्याकरणादौ, भरतादौ च (निर्गुणे) काव्यव्यपदेशो न प्राप्तः... उच्यते । मुख्यया तावदवृत्या गुणसंस्कृतशब्दार्थशरीरमेव काव्यम्। गुणरहितशब्दार्थशरीरे तु काव्यमात्रे काव्यशब्दस्य काव्यसादृश्यात् उपचारात् प्रयोगो भविष्यति । અને અંતે કહે છે કે `અમે પ્રતિહારેન્દુરાજનું દૃષ્ટિબિંદુ સમજી શકતા નથી.’ ડૉ. રાઘવને ઉપર જે રીતે પ્રતિહારેન્દુરાજનું વક્તવ્ય રજૂ કર્યું છે તેવું જ જો તે ખરેખર હોય તો તો તેમની આ ટીકા વાજબી છે. પણ મૂળ જોતાં લાગે છે કે અહીં પ્રતિહારેન્દુરાજની નહિ પણ તેને સમજવામાં ડૉ. રાધવનની ‘ભારે ભૂલ’ થઈ છે. આ ભાગ મૂળમાં આ પ્રમાણે છે : तदेवं गुणसंस्कृतशब्दार्थशरीरत्वात् सरसमेव काव्यम् । यद्येवं गुण-शून्यत्व।न्नीरसे व्याकरणादौ भरतादौ च काव्य व्यपदेशो न प्राप्तः । ततश्च
वृत्तदेवादिचरितशंशि चोत्पाद्यवस्तु च ।
कलाशास्त्राश्रयं चेति चतुर्धा मिद्यते पुनः ॥
इति भामहोदित विरुध्यते । अत्र हि कलाश्रयशब्देन भारताद्यभिहितं शास्त्राश्रय. शब्देन च व्याकरणादि । अतो वक्तव्यमेतत् कथं तत्र काव्यव्यपदेश इति । उच्यते । मुख्यया तावद्वत्त्या गुणसंस्कृतशब्दार्थशरीरमेव काव्यम् । गुणरहित- शब्दार्थशरीरे तु काव्यमात्रे काव्यशब्दस्य काव्यसादृश्यादुपचारात्प्रयोगो भविष्यति । उत्कंच — काव्य शब्दोऽयं गुणालंकारसंस्कृतयोः शब्दार्थयोः वर्तते भक्तया तु शब्दार्थमात्रवचनोऽत्र गृह्यते — इति । (–काव्यालंकारसारसंग्रहः पृ. ८३-४) એનો અર્થ આ પ્રમાણે થાય : `એટલે આ રીતે ગુણથી સંસ્કૃત થયેલા શબ્દાર્થો રૂપી શરીરવાળું હોઈને કાવ્ય સરસ જ હોય છે. જો એમ હોય તો તો ગુણ વગરનાં હોઈને નીરસ વ્યાકરણ વગેરેને અને ભરતાદિને કાવ્ય નામ ન આપી શકાય. (અહીં ‘ભરત’નો અર્થ ડૉ. રાધવને `નાટક’ એવો કર્યો છે. ખરું જોતાં, અહીં એનો અર્થ ‘નાટ્યશાસ્ત્ર’ એવો જ કરવાનો છે. અને એમ ન કર્યું તેથી જ બધો ગોટાળો પેદા થયો છે.) પણ તો પછી ભામહે જે એમ કહેલું છે કે–`કાવ્યના ચાર પ્રકારો છે : ૧. દેવાદિના ચરિત્રને લગતું; ૨. ઉત્પાદ્ય વસ્તુવાળું; ૩. કલાના આશ્રયવાળું, અને ૪ શાસ્ત્રના આશ્રયવાળું,’ તેની સાથે વિરોધ આવશે. અહીં કલા શબ્દથી ભારતાદિ કહેલાં છે અને શાસ્ત્ર શબ્દથી વ્યાકરણ વગેરે કહેલાં છે. (અહીં પણ ‘ભારત’નો અર્થ ‘ભરતનું નાટ્યશાસ્ત્ર’ એવો જ કરવાનો છે એ સ્પષ્ટ છે. અહીં કહેવાનું એ છે ભરતનું નાટ્યશાસ્ત્ર એ કલાના આશ્રયવાળું કાવ્ય છે અને વ્યાકરણ છે તે શાસ્ત્રના આશ્રયવાળું કાવ્ય છે.) એટલે કહેવાનું એ કે એમને પણ કાવ્યનામે શી રીતે ઓળખવાં? તો એનો જવાબ એ છે કે મુખ્યવૃત્તિથી તો ગુણથી સંસ્કૃત થયેલા શબ્દાર્થરૂપી શરીરવાળું હોય તે જ કાવ્ય કહેવાય, ગુણરહિત શબ્દાર્થશરીરવાળા કાવ્યમાત્રમાં તો કાવ્યના સાદૃશ્યને લીધે ઉપચારથી કાવ્યશબ્દનો પ્રયોગ થાય છે. કહ્યું છે કે ‘કાવ્યશબ્દ ગુણાલંકારથી સંસ્કૃત શબ્દાર્થને માટે વપરાય છે. પણ ભક્તિથી-લક્ષણાથી-ઉપચારથી અહીં ફક્ત શબ્દાર્થને માટે એનો ઉપયોગ કર્યો છે.’ આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે ડૉ. રાધવને ‘ભરત’ શબ્દનો અર્થ ‘નાટક’ એવો કર્યો છે તે બરાબર નથી; ‘નાટ્યશાસ્ત્ર’ એવો કરવો જોઈએ. અને તો જ પ્રતિહારેન્દુરાજનું અહીં જે વક્તવ્ય છે તે સમજી શકાય. સંસ્કૃતમાં નાટ્યશાસ્ત્રના જાણકાર માટે ‘ભરતજ્ઞ’ એવો શબ્દ વપરાય છે તે અહીં નોંધવું જોઈએ. અહીં બીજો પણ એક નાનો મુદ્દો જોવા જેવો છે. ડૉ. રાઘવને પ્રતિહારેન્દુરાજનાં મૂળ વચનો ઉતાર્યાં છે તેમાં એક સ્થાને કૌંસમાં ‘નિર્ગુણ’ શબ્દ ઉમેર્યો છે અને ત્યાં એવો અર્થ ઘટાવ્યો છે કે વ્યાકરણ નીરસ છે. અને નાટક નિર્ગુણ છે, માટે કાવ્ય નથી, પણ મૂળમાં એમ નથી. ત્યાં વ્યાકરણને અને નાટ્યશાસ્ત્રને બંનેને ગુણવગરનાં હોઈ નીરસ કહ્યાં છે. અને જે ગુણ અને રસ વગરનું હોય તે કાવ્ય હોઈ ન શકે એમ કહ્યું છે. ‘બુદ્ધિપ્રકાશ’, જુલાઈ ૧૯૭૫