વીનેશ અંતાણીની વાર્તાઓ/૪. ફૂંકણી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૪. ફૂંકણી

ભીમો આગળ દોડી રહ્યો હતો. ઊંધા ખાટલાનો બીજો પાયો ખભા પર ઉપાડીને કાંયો પણ એની સાથે દોડતો હતો. પાછળ બીજા બે જણા બે પાયા ઉપાડીને ઘસડાઈ રહ્યા હોય એમ દોડતા હતા. એકાદ માઈલ આ રીતે દેડ્યા પછી ભીમાને લાગ્યું કે બીજા ત્રણેની દોડવાની ઝડપ ઘટી ગઈ છે અને આખા ખાટલાનું વજન ભીમાના ખભા પર જ આવી ગયું છે. ચારેમાં ભીમો બધાથી નીચો હતો; એટલે પણ બધું વજન એના પર આવી ગયું હતું. ખભા ઉપર ખાટલો અને ખાટલા પર દેવલી... કાંયાનો હાંફતો અવાજ સંભળાયો : ‘હવે...હવે... મુંથી નથી... નથી... દોડાતું...’ ભીમાએ કંઈ સાંભળ્યું જ ન હોય એમ જવાબ ન આપ્યો. પાછલી રાતનો અંધકાર હવે આછો થઈ ગયો હતો. કદાચ આંખો અંધારમાં ટેવાઈ ગઈ હતી. કદાચ સૂરજ નજીક આવી રહ્યો હતો. ભીમાએ સુકાઈ રહેલા હોઠ ઉપર જીભ ફેરવી, દોડતાં દોડતાં થૂંક્યો. ‘સંભાળીને, ભીમલા... મને છાંટાં ઊડ્યાં...’ પાછળથી અવાજ આવ્યો. કાંયાએ પછી એ જ વાત કહી : ‘થોડી વાર ખમી જઈએ...’ ભીમાએ વિચાર્યું : ‘તારી વહુ સૂતી છે ખાટલા ઉપર...મને શું છે! લે, તું કે’તો હોય તો અહીં સાવ ખમી જઈએ. ત્યાં સુધી જવાની જરૂર પણ શું છે?’ પણ જાણે દેવલીનો હાથ એના ખભા પર પડ્યો. દેવલીનો અવાજ પણ સંભળાયો : ‘ભીમા, તું પણ?’ ભીમો ચમકી ગયો. દેવલી તો બેભાન છે. એ ક્યાંથી બોલે? ડેમ પાછળ રહી ગયો હતો. ત્યાંથી નીકળ્યા ત્યારે ભીમાની આંખ સામે બંધાઈ રહેલા ડેમનો આકાર અંધારામાં રાક્ષસ જેવો લાગ્યો હતો. આને લીધે જ બધું થાય છે—એ ઘણી વાર ડેમના બાંધકામને મનમાં ભાંડતો. આખો રસ્તે રોકી લેશે. માંડ માંડ વહે છે એ નદીને પોતામાં ચૂસી લેશે...અમે ય પાછા કેવા! નથી ગમતું એ કામ પણ અમારે જ કરવાનું! ‘અર્ધો પંથ નહીં કપાઈ ગયો હોય?’ રાતના અંધારામાં જોવાની સૂઝ નહોતી પડતી. રસ્તો જાણે કપાતો જ નહોતો. બાવળિયાની ઝાડી એક સરખી ભેગી આવતી હતી. ચારે જણાના ધૂળમાં પડતા પગના થપ થય અવાજ સંભળાતો હતો. ભીમાને કાંટો લાગ્યો હતો. શૂળ અંદર તૂટી ગઈ હતી. ભલેને થોડી વાર ચેબાશે... પછી નિરાંતે બેસીને શૂળનો કાંટો કાઢીશ. અત્યારે તો દેવલીને લઈને દોડ દોડ ભાગવાનું છે. કાંયાનો શ્વાસ ધમણ જેવો સંભળાતો હતો. ‘બીડીની યે તલપ લાગી છે.’ કાંયો બડબડતો હતો. વાંક જાણે ભીમાનો હોય એવું બોલતો હતો. ભીમાએ મનમાં વિચાર્યું–અમને ય તલપ લાગી છે, અમારો યે શ્વાસ ભરાઈ ગયો છે, માંય પરસેવાના રેલા ઊતરે છે, પગમાં શૂળ પેસી ગઈ છે છતાંયે અમે નથી કે’તા કે થોડો વિસામો ખાઈએ. ને તું પોતે ઊઠીને, ભૂંડા! તારી બાયડીના છેલ્લા શ્વાસ હાલે છે ને તું પોતે ઊઠીને કે’શ કે થાક ખાઈએ? આ ચાર જણાના ફડફડ દોડવાના અવાજથી ચમકીને ઝાડીમાંથી બહાર નીકળતું શિયાળવું પાછું ભાગ્યું. આગળ જતાં તળાવડી આવશે. ત્યાંથી આગળ જશે પછી ડામરવાળી સડક આવશે...પછી તો બહુ છેટું નથી... ઘડી વાર ઊભીને દેવલીની હાલત જોઈ લેવાને પણ સમય નથી. પહેલાં તો ઊંકારો પણ સંભળાતા હતા. હવે તો કંઈ નથી સંભળાતું. છે તો ખરીને ખાટલા ઉપર? ક્યાંક લચક લચક થતા ખાટલા પરથી રસ્તામાં નીચે પડી તો નથી ગઈને? ભીમાને વિચાર આવ્યો. પછી પોતાને જ શરમ આવી. છી! જીવનમરણ વચ્ચે તોળાઈ રહી છે એ દેવલીની એણે મશ્કરી કરી? દેવલી... ભીમાને લાગ્યું કે દેવલી પણ એના ભેગી જ પડખે પડખે દોડી રહી છે. એના પગમાં બાંધેલી ઘૂઘરીનો અવાજ પણ ભેળા ભેળા દોડે છે. ભીમાએ વાત માંડી ‘કાં, દેવલી...’ ‘કાં?’ ‘ભેળી કાં હાલશ?’ ‘તું મારા સારુ ભાગ્યો જાશ તો હું તારા ભેળી જ હાલું ને?’ ‘એમ તો કાંયો યે તારા સારુ—’ ‘નામ ન લે એનું...’ ‘કાં?’ ‘ઈ કાંય મારા સારુ નથી દોડતો...’ દેવલીએ છણકો કર્યો. ‘તો?’ ‘ઈની તો જાન છૂટે જો હું મરી જાઉં તો...’ ભીમાએ બાજુમાં જોયું. અધારું ચસક ચસક થતું હતું. તે સિવાય બીજું કંઈ નહોતું. દેવલી બાજુમાં દોડતી હોય એ કેવું ગમે! પણ દેવલી તો માથે સૂતી હતી, ખાટલા ઉપર એની આંખ ખૂલી ગઈ હશે, કદાચ તો આંચકી ખાતી હશે. ભીમાની છાતીમાં જાણે શૂળનો લસરકો પડ્યો. ‘મારાથી નથી દોડાતું...’ કાંયાએ કહ્યું અને એને ઉધરસ ઊપડી. ન છૂટકે બધાં ઊભાં રહ્યાં. ખાટલો નીચે રાખ્યો. ભીમાએ દેવલી સામે ન જોયું. એ ઊંધા ખાટલા પર સૂતી હતી અને પડી ન જાય એટલા માટે બે-ચાર આંટા દોરીના મારી દીધા હતા. કાંયો તો જરા દૂર જઈને જમીન પર ફસડાઈ પડ્યો. એની ઉધરસ બેસતી નહોતી. ભીમાએ આકાશ સામે જોયું. સામેની દિશામાં આકાશ ઊઘડવા લાગ્યું હતું. સૂરજ નીકળશે ને તડકો ચડવા માંડશે તેમ તેમ દેવલીને ઝેર વધારે ચડવા માંડશે. પછી કદાચ કંઈ નહીં થઈ શકે, તડકો નીકળે તે પહેલાં જો દાક્તર સોઈ મારી દે તો...તો જ કદાચ... બાકી ફૂંકણી જેવા જંતુની ફૂંક ગળામાં ઊતરી જાય પછી કોઈ બચી શકે એ વાતમાં માલ નથી... ‘કાંયા, બેસી કાં પડ્યો છે? ઊભો થા, ઊભો...’ એક જણાએ કહ્યું. ભીમાએ પણ માથુ હલાવ્યું. ‘કાંયાની છાતીમાં કાણાં પડી ગયાં છે...જરા દોડ્યો ત્યાં તો ધાંઉં ધાંઉં કરે છે...’ ‘બાયડી એની મરવા પડી છે ને ઈ પોતે જ બેસી પડ્યો છે...’ કાંયો ઊભો જ નહોતો થતો. બીડી સળગાવતો હતો. ‘કાંતો કે’ છે કે ઉધરસ આવે છે ને બીડી વગર રહી નથી શકતો...’ ભીમાથી ન રહેવાયું. એણે બૂમ પાડી : ‘એય, કાંયા! ઊભો થાશે કે પાણો મારું? શરમ નથી આવતી?’ એની રાડથી ડરી જઈને કાંયો ઊભો થઈ ગયો. ‘સૂવર સાલો...’ ભીમો બડબડ્યો. પાછો ખાટલો ઉપાડ્યો. ‘ધીમે ધીમે દોડજો...મારાથી—’ કાંયો કરગરતો હતો. અંધારામાં ધૂળ ઉપર પાછો થપથપ અવાજ સંભળાયો. સવાર નજીક હતી તો યે જાણે અંધારું પાછું વધવા લાગ્યું. ચારે તરફ સૂમસામ હતું. રાત વીતી ગઈ છતાં ઠંડક ન થઈ. ખારો પટ જાણે ગરમી પાછી ઓકતો હતો. તેમાં યે સતત દોડવાથી વધારે ગરમી લાગતી હતી. આ બધું ઓચિંતું થયું. ડેમ બંધાઈ રહ્યો હતો. તેના પર કામ કરવા ગામે ગામથી કેટલાયે મજૂરો આવ્યા હતા. ખુલ્લી જગ્યામાં ઝાંખરાં કાપીને રહેવા માટે જગ્યા બનાવી હતી. ત્રણ પથ્થર ગોઠવીને ચૂલા બનાવવામાં આવ્યા હતા. નાનકડી વસાહત જેવું થઈ ગયું હતું. આખો દિવસ કાળી મજૂરી કરીને સાંજે અંધારું થવા માંડે ત્યારે સોંપો પડી જતો. ડેમની દીવાલ ઊભી થઈ ગઈ હતી અને અંધારામાં એ દીવાલ લાંબા અજગર જેવી કાળી થઈ જતી. સુક્કાં ઝાંખરાં ચૂલા પર સળગવા માંડે ત્યારે ચારે તરફ એના તણખા ઊડતા. થોડી વારે સેકાઈ રહેલા રોટલાની સુગંધ ફેલાઈ જતી. ક્યારેક થોડા મજૂરો ભેગા થઈને મોડી રાત સુધી ગાતા એનો અવાજ સંભળાતો. ઈંટો ગોઠવી, માથે પતરાનું છાપરું કરીને સિમેન્ટ રાખવા ગોદામ બનાવ્યું હતું. ત્યાં મિસ્ત્રી રહેતો. એની પાસે ફાનસ હતું. ફાનસના અજવાળામાં મિસ્ત્રી મોડી રાત સુધી હિસાબ કરતો. કોઈ કોઈ વાર કોન્ટ્રાક્ટર જીપ લઈને આવી જતો. તે દિવસે મિસ્ત્રીનો ખાટલો સિમેન્ટના ગોદામની અંદર રાખવામાં આવતો. મિસ્ત્રી બહાર ચોકી કરતો અને અંદર કોન્ટ્રાક્ટર— બીજા દિવસે ખાલી બૉટલ બહાર ફેંકી દેવામાં આવતી અને મજૂરો અંદર અંદર વાતો કરતા— ‘કાલે અંદર ગઈ હતી ઈ કોણ હતી?’ પછી બધા અનુમાન કરતા. ભીમાને એમાં કંઈ રસ નહોતો. એ ક્યાંય જતો નહીં. પોતાના ખાટલા ઉપર પડ્યો પડ્યો આકાશના તારા જોયા કરતો. એ એકલો જ કામ કરવા આવ્યો હતો. અને ક્યારેક એને પોતાનું ગામ યાદ આવી જતું. ઊંડો શ્વાસ લઈને એ પડખું વાળી દેતો. એક વાર એ ટાંકણાંથી પથ્થર ઘડતો હતો ત્યારે અચાનક દેવલી બાજુમાં આવી હતી. એણે ધીમા અવાજે પૂછ્યું હતું : ‘ભીમા, બીજુ કોઈ ઈંયાં છે એની ખબર પડે છે કે નંઈ?’ ભીમો ચમકી ગયો હતો. ‘ખબર તો છે, પણ શું થાય?’ ‘બસ તો...ખબર હોય તો બસ...’ ‘જા હવે જા... ક્યાંક તારો કાંયો જોઈ જાશે તો—’ ‘ઈને શું છે? ઈ તા પૈસા સારુ મને કોન્ટ્રાક્ટર પાસે જઈ આવવાનું કે’ છે!’ ભીમાનાં રૂંવાડાં ઊભાં થઈ ગયાં હતાં. એને વિચાર આવ્યો હતો–દેવલીને કેમ ખબર પડી ગઈ હશે કે હું ઈનો વિચાર કર્યા કરું છું? ભીમાને નવાઈ લાગી હતી. ખબર પડી ગઈ હશે એટલે જ આવી હશે ને! આખા દિવસની કાળઝાળ ગરમીમાં બળી રહેલી ચામડી નીચે એક શરીર જીવતું હતું. એ શરીરમાં એક મન હતું અને એ મનમાં દેવલીનું મોં છુપાયેલું હતું. એ ડેમ પર કામ કરવા માટે આવ્યો, પછી થોડા દિવસોમાં જ એને દેવલી ગમવા લાગી હતી. દેવલીને ખબર ન પડે તેમ એને જોયા કરતો. રાતે દેવલી અને કાંયો સૂતાં એ દિશા તરફ પડખું વાળીને સૂઈ જતો. કંઈ થઈ શકે તેમ નહોતું, દેવલી કાંયાની વહુ હતી અને ભીમો સારો માણસ રહેવા માગતો હતો. ક્યારેક ક્યારેક દેવલી સાથે બે-ત્રણ વાતો થઈ જતી અને તે રાતે ભીમાને ઊંઘ બહુ મોડી આવતી. ‘હજી કેટલુંક આઘું છે?’ કાંયાનો અવાજ સંભળાયો. ભીમો જાણે ઊંઘમાંથી જાગ્યો. બહુ આઘું નહોતું છતાં બહુ આઘું થઈ ગયું હોય એવું લાગ્યું. ધૂળવાળો રસ્તો પૂરો થઈ ગયો હતો અને હવે ડામરની સડક આવી ગઈ હતી. પગના અવાજ બદલી ગયા હતા. ‘હવે તો લગભગ પહોંચી આવ્યા, કાંયા...’ પાછળથી અવાજ આવ્યો. પછી શાંતિ થઈ ગઈ. કાંયો વચ્ચે વચ્ચે ખાંસતો હતો અને ચારેના શ્વાસ હાંફતાં હતા તેનો અવાજ આવતો હતો. ઉપર પડી છે એના શ્વાસનું શું થયું હશે? ગઈ કાલે સાંજે ભીમો ઝાંખરાં સળગાવવા ચૂલામાં ફૂંકતો હતો. ત્યાં જ એક વાસણમાં પાણી લઈને પાછી ફરી રહેલી દેવલીના અણસાર એણે પારખ્યો હતો. દેવલી જરા ખચકાઈ હતી. ભીમો ફૂંક મારતો હતો. ‘નથી સળગતોને ચૂલો?’ દેવલીનો દબાયેલો અવાજ સંભળાયો હતો. ‘ના... નથી સળગતો...’ ‘શું કામ દુઃખી થાશ! કો’ક ગોતી લે ને ચૂલો મૂકવાવાળી!’ ‘દેવલી, હવે જા...’ ‘નકર–’ ‘નકર હાથ પકડીને મારા રોટલા ઘડવા બેસાડી દઈશ...’ ભીમાથી કહેવાઈ ગયું. ‘લે, પકડ હાથ...’ ‘જા, કાંયો જોઈ જશે...’ ‘ઈ તો કોન્ટ્રાક્ટર પાસે દારૂ પીવા ગયો છે.’ ‘કાં?’ ‘કોન્ટ્રાક્ટરને એનું કામ છે...’ દેવલીના અવાજમાં હાસ્ય ઉમેરાયેલું હતું, પણ એના હસવા જેવો અવાજ રડતી હોય એવો કેમ સંભળાયો? ભીમો કંઈ જવાબ આપે તે પહેલાં તો દેવલીએ ધીમા અવાજે કહ્યું હતું : ‘સળગાવી દઉં?’ ‘તે તેં સળગાવ્યું જ છેને મારી માંય.’ ધુમાડાને લીધે ભીમાની આંખ બળવા લાગી હતી. ‘લે!’ દેવલીએ પગ ઉપાડ્યા. કોઈ જોઈ જાય એ પહેલાં પાછી વળી હતી. એની આંખમાંયે ધુમાડો ઘૂસી ગયો હોય એમ આંખ લૂછતી હતી. ‘જરાક વે’લો મળ્યો હોત તો, ભીમા?’ એટલું કહીને એ ચાલી ગઈ હતી. ગામના મંદિરની ધજા દેખાઈ. ‘આવી ગયાં, નંઈ?’ કાંયાએ પૂછ્યું, ‘હા, આવી ગયા...જમણી કોર વળી જાશું ત્યાં જ દવાખાનુ છે.’ ભીમાએ ખાતરી કરી લીધી—સૂરજ તો ઊગી નથી ગયો ને? રાતે ભીમો સૂતો ત્યારે કાંઈ નહોતું. ચારે તરફ સોપો પડી ગયો હતો. ભીમાને ઊંઘમાં જ એકાએક કોઈની ચીસ સંભળાઈ હતી અને એ બેઠો થઈ ગયો હતો. અંધારામાં કંઈ દેખાયું નહીં. ચીસ સાંભળીને બીજા માણસો પણ બેઠા થઈ ગયા હતા. ‘શું થયું?’ ‘જલદી આવો... દેવલીને કાં’ક થાય છે...’ કાંયાનો અવાજ સંભળાયો હતો. ભીમો ફડાક દેતોકને બેઠા થઈ ગયો હતો. બધા કાંયાના ખાટલા પાસે દોડ્યા. દેવલી જમીન પર સૂતી હતી અને કણસતી હતી. એક જણ મિસ્ત્રીનું ફાનસ લઈ આવ્યો. ‘શું થયું?’ ‘ખબર નહીં ...દેવલીએ મને ઉઠાડ્યો ને કે’ કે મારું ગળુ બળે છે... એના હાથ ઉપર કોઈએ થાપટ મારી હોય એવું થયું; એટલે એ સફાળી જાગી ગઈ...’ કાંયાએ કહ્યું. ‘હેં? લાવ... ફાનસ લાવ... ફૂંકણી હશે... ફૂંકણી જ દેવલીના ઉઘાડા મોંમાં ફૂંક મારી ગઈ લાગે છે. ઈ તો પાછી જગાડતી જાય ને કે લે મેં મારી ફૂંક મારી છે...’ ‘ફૂંકણી? તો તો... ’ દેવલી તરફડતી હતી. ‘હવે?’ ‘હવે શું? આને ઉપાડીને માંડો ગામ તરફ ભાગવા... તડકો ચડશે તેમ તેમ ઝેર ચડી જશે તો એને કોઈ બચાવી નહીં શકે... જલદી દવાખાને લઈ જાઓ...’ કાંયો તૈયાર નહોતો. ‘દવાખાને? ગામ તો ઈંયાંથી પાંચ માઈલ છેટે છે...’ ‘તે ભાગવા માંડ...’ ‘પણ એકલો જાઉં?’ ભીમાએ એના ખભા પર હાથ મૂક્યો. ‘એકલા જાવાનું તને કોણ કે’ છે? દેવલીને ખાટલા પર સુવડાવીને આપણે ભાગવા માંડીએ. વાત કરવાથી કાંઈ નંઈ વળે...’ ‘કન્ટ્રાક્ટરની ગાડી નથી?’ ‘ના... ઈ તો રાતે જ ગઈ...’ ‘બીજા કોણ હાલે છે બે જણ?’ બીજા બે તૈયાર થઈ ગયા હતા અને ત્યારથી દોડવા માંડ્યા છે. દવાખાનું દેખાયું અને ભીમાના પગ ઢીલા થઈ ગયા. એણે વિચાર્યું—. ફૂંકણીની ફૂંકથી કોણ બચી શક્યું છે? ઈ તો સીધી મોંમાં ફૂંક મારે... દવાખાનાનાં ચોકમાં ખાટલો નીચે રાખીને ભીમો છેટે જઈને બેસી ગયો. માર માર કરતો આવ્યો છે એને થાક એની પિંડીમાં વલોવાઈ રહ્યો હતો. છાતી ફાટી પડશે હમણાં. કાંયો દવાખાનાનાં પગથિયાં પર બેસીને બીડી કાઢવા લાગ્યો. દૂર સૂરજ દેખાઈ રહ્યો હતો. શું થાશે? દેવલી બચી જાશે? ભીમો આગળ વિચારી ન શક્યો. કાં નથી સળગતોને ચૂલો? દેવલીએ જાણે પૂછ્યું. ભીમો જવાબમાં નિરાશાથી માથું હલાવી બેઠો. દેવલીને અંદર લઈ ગયા છે. કાંયા અને બીજા બે સાથે આવ્યા હતા એ પણ અંદર ગયા છે. ભીમો અંદર નથી ગયો. એના શ્વાસ અંદર ને અંદર ઘૂંટાય છે. તું બચી જઈશ ને, દેવલી, તો— તો શું, ભીમા? ભીમાની આંખમાં આંસુ આવી ગયાં. એ કંઈ આગળ વિચારે ત્યાં જ સામેથી કાંયાને પકડીને બે જણા આવતા દેખાયા. ભીમો ઊભો થઈ ગયો, પણ સામે ન ગયો. કાંયો વારંવાર માથું ધુણાવતો હતો. તો શું... તો શું ... આસપાસના બધા ચૂલા ઠરી ગયા. કાંયા અને બીજા બે જણા આ ગામના સ્મશાનમાં જ દેવલીને બાળવા લઈ ગયા. એની નાતના બીજા માણસો પણ આવી ગયા. ભીમો સ્મશાને ન ગયો. એના પગ જાણે લૂલા થઈ ગયા હતા. કાંયો કહી રહ્યો હતો કે આપણે સાંજની બસમાં ડેમ તરફ પાછા હાલ્યા જાશું. ભીમો ઊભો થયો. ખાટલો ઊભો કર્યો. પછી ખાલી ખાટલાને પોતાની પીઠ પર નાખીને ચાલવા લાગ્યો. હવે અહીં કંઈ કામ નહોતું. સાંજ સુધી રોકાવાની પણ શું જરૂર હતી? બળબળતા બપોરે ખારાપટ તરફ જઈ રહેલા ભીમાની પીઠ ઉપર ખાટલો હતો અને સામે પાંચ માઈલના રસ્તા ઉપર બળબળતી ધૂળ એની રાહ જોતી હતી. સૂરજ માથે આવી ગયો હતો. ભીમાનો પડછાયો નહોતો પડતો. માત્ર ખાલી ખાટલાનો સંકોચાઈ ગયેલો પડછાયો એકલો ચાલ્યો જતો હતો. ભીમાના મનમાં પણ ઝેર પ્રસરવા લાગ્યું હતું. દેવલીનું ઝેર?