વીનેશ અંતાણીની વાર્તાઓ/૯. અજાણી સ્ત્રી
ઘર વરસોથી ત્યાં જ હતું, એની જગ્યાએ, છતાં એને લાગ્યું, બહુ દૂર આવવું પડ્યું છે. રિક્ષા શહેરની બહાર જતી સડક પરથી કાચા રસ્તા તરફ વળી હતી. આ રસ્તો હજી પણ કાચો જ રહ્યો છે. આજુબાજુ ઝાડીઓ, ખેતરો અને છૂટાંછવાયાં ઝૂંપડાં આવ્યાં. રસ્તો વધારે સાંકડો થયો. અચાનક સામે જ ગેટ દેખાયો. એ રિક્ષામાંથી ઊતરી. પૈસા આપ્યા. રિક્ષા ધૂળ ઉડાડતી ચાલી ગઈ. હવામાં ઊતરી રહેલા શિયાળાની સવારની ઠંડક હતી. એણે શૉલ ખભા પર સરખી ગોઠવી. લોખંડના ગેટની કડી ઉઘાડી. ખટાક અવાજ થયો. ઊભી થઈ રહી. કોઈ આવે. ચોકીદાર કે માળી. કોઈ દેખાયું નહીં. હવાનો ધક્કો ઊઠ્યો. પ્રાંગણમાંથી થોડાં સૂકાં પાંદડાં ઊડીને એના પગ પાસે ભેગાં થઈ ગયાં. એ એક ડગલું પાછળ ખસી ગઈ. એક હાથે ગેટ પકડી લીધો. એની નજર ગેટથી ઘર સુધી પથરાયેલી ઈંટોની લાંબી પગદંડી પરથી આગળ વધતી સામે સ્થિર થઈ. સામે જૂના જમાનાનો બંગલો હતો. નિશ્ચલ જેવો, જાણે એને એની અંદર અને બહાર બનતી કોઈ બાબત સાથે સંબંધ જ ન હોય. કોણ રહે છે, કોણ ચાલ્યું જાય છે. નીચેના અને ઉપરના કમરાની લાંબી-મોટી બારીઓ બંધ હતી. એકાદ બંધ બારીના કાચ પાછળથી કોઈ એને જોઈ રહ્યું હોય. કોઈ નહોતું. આછો સંચાર પણ નહીં. પગદંડીની ઈંટોનો રંગ વરસોના તડકામાં ઊડી ગયો હતો. ઈંટો વચ્ચેની ફાટમાં ઘાસ ઊગી નીકળ્યું હતું. પગદંડીની બંને બાજુ સૂકાં પાંદડાં પડ્યાં હતાં. કશુંય ઉજ્જડ નહોતું, છતાં મનમાં વેરાન ભાવ ઊપસી આવ્યો. એકાએક બધું નિર્જન થઈ ગયું, એ આવી તો છે, ઘરમાં કોઈ ન પણ હોય. એ ધીરેધીરે ચાલતી બંગલાના પોર્ચમાં પહોંચી. ત્રણેક પગથિયાં ચઢી. બંધ દરવાજા સામે ઊભી રહી. ધ્યાનથી સાંભળવા લાગી. અંદરથી કોઈ અવાજ સંભળાય. હલનચલનનો, ટીવીનો, કૂકરની સીટીનો. નીરવતા હતી. ડોરબેલ વગાડ્યો. બંધ દરવાજા પાછળથી બેલનો દબાયેલો અવાજ સંભળાયો. થોડી વાર કશું બન્યું નહીં. એ સ્થિર ઊભી રહી. ફરી બેલ મારવા જતી હતી. ત્યાં જ અંદરથી સ્ટોપર ખોલવાનો અવાજ સંભળાયો. એણે ઊંડો શ્વાસ ખેંચ્યો. હવે એ પાછી વળી શકે તેમ નહોતી.
શિવાનીએ દરવાજો ઉઘાડ્યો. બહાર એક સ્ત્રી ઊભી હતી. પહેલી જ નજરે એની ચામડીના ગોરા ચળકતા રંગ પર ધ્યાન ગયું. કપાળમાં મોટો ચાંદલો હતો. મોઢા પર મૂંઝવણ હતી, જાણે એને આવવું ન હોય, છતાં આવી ચઢી હોય અથવા ખોટા ઘરનો ડોરબેલ વગાડી, દરવાજો ઊઘડ્યા પછી, પાછી જઈ શકતી ન હોય. ‘યસ?’ શિવાનીએ પૂછ્યું. બહાર ઊભેલી સ્ત્રીએ પાછળ જોયું. એ ધીરેધીરે માથું ફેરવતી બંગલાનું વિશાળ પ્રાંગણ જોઈ રહી હતી. એની નજર ફરતી ફરતી શિવાની ૫૨ સ્થિર થઈ. એટલી ક્ષણોમાં કોઈ વાદળું ખસી ગયું હોય તેમ એની અસમંજસતા દૂર થઈ ગઈ હતી. ‘શિવાની?’ એ બોલી. પ્રશ્ન નહોતો, જાણે એ જાણતી જ હોય એની ખાતરી કરતી હોય. શિવાનીએ માથું હલાવ્યું. ‘સૉરી.. હું તને–’ એ ખચકાઈ, ‘તમને જણાવ્યા વિના જ આવી ગઈ. આયમ સૉરી... વેરી સૉરી...’ શિવાની એને ધારીધારીને જોતી હતી, ક્યાંય જોઈ છે? ‘ઇટ્સ ઑલ રાઇટ... પણ તમે?’ સ્ત્રીના હોઠ ૫૨ આછું સ્મિત આવ્યું. એમાં પ્રસન્નતા ન હતી, પુછાયેલા પ્રશ્નની અનિવાર્યતાનો સ્વીકા૨ હતો. બંને વચ્ચે અરધો ખૂલેલો દરવાજો હતો. એને અચાનક વર્તમાનની વાસ્તવિકતા સમજાઈ – એ બહાર હતી અને શિવાની અંદર હતી. શિવાનીને પણ યાદ આવ્યું, એણે એને અંદર આવવા કહ્યું ન હતું. એ બાજુમાં ખસી. ‘આવો.’ એ ત્યાં જ ઊભી રહી. કદાચ એણે સાંભળ્યું ન હતું. ‘અંદર આવો.’ શિવાનીએ પુલ-ઓવર પહેર્યું હતું. એની લાંબી બાંય થોડી વાળેલી હતી. ‘આપણે ત્યાં બેસીએ?’ એણે એક જગ્યા તરફ હાથ લંબાવ્યો. શિવાનીએ તે બાજુ જોયું. ત્યાં? ત્યાં તો... લીમડા અને ગુલમહોરની ઘટા નીચે નેતરની ખુરસીઓ અને ટિપાઈ પડ્યાં હતાં. ‘સૉરી... શિવાની, તને... તમને નવાઈ લાગશે, પણ... મને ત્યાં બેસવું ગમશે.’ શિવાનીનું આશ્ચર્ય વધતું જતું હતું. કશુંક બહુ નજીક હતું અને એટલું બધું ધૂંધળું હતું કે... એણે એની ઓળખાણ આપી નહોતી, નામ પણ જણાવ્યું નહોતું. અચાનક આવી ચઢી હતી – અને ક્યાં બેસવું તે પણ એ જ નક્કી કરતી હતી. ‘ત્યાં શિયાળામાં સવારે સારો તડકો આવે, નહીં?’ સ્ત્રીનો અવાજ સંભળાયો. શિવાની જવાબ આપે તે પહેલાં એ પગથિયાં ઊતરી તે બાજુ જવા લાગી. શિવાની એને રોકવા માગતી હતી, કહેવા માગતી હતી કે... પરંતુ એ કંઈ કરી શકે તે પહેલાં સ્ત્રી ત્યાં પહોંચી ગઈ હતી. એક ખુરસી પર પડેલાં પાંદડાં શૉલથી ખસેડતી હતી. એણે પાછળ જોયું. શિવાની હજી બારણામાં જ ઊભી હતી. ‘શિવાની, એક કપ ચા મળશે? હું હોટલથી સીધી જ આવી છું. મેં સવારની ચા પણ પીધી નથી.’ એ બીજી ખુરસીઓ અને ટિપાઈ પરથી પાંદડાં સાફ કરવા લાગી છે. પર્સ ટિપાઈ પર મૂક્યું. ઊડેલા વાળ બે હાથે સરખા કરે છે. માથું ઊંચું કરીને લીમડા અને ગુલમહોરને જુએ છે. શિવાની વિરોધ કરવા માગતી હતી, પરંતુ એ કઈ વાતનો વિરોધ હતો તે સમજાતું નહોતું, કશુંક હતું એ અજાણી સ્ત્રીમાં, શિવાની જાણે અવશ થઈ ગઈ હતી. મનમાં ઊઠતા બધા જ પ્રશ્નોને દાબી દેતી હોય તેમ એણે અંદરની બાજુ જોઈ બૂમ પાડી : ‘મા’રાજ, બે-ત્રણ કપ ચા બનાવીને બહાર લાવો. હું ત્યાં બેઠી છું.’ શિવાની પણ ત્યાં ગઈ. ખુરસી પાછળ ઊભી રહી. સ્ત્રીએ તો જાણે એની નોંધ જ લીધી નથી. એની નજર કોઈક જગ્યાએ અટકી ગઈ હતી. શિવાનીએ જોયું. અત્યારે ખાલી પડેલી ખુરસી પર મકરંદ બેસતા અને સવારની ચા ત્યાં જ પીતા. એનું ધ્યાન ખેંચવા શિવાનીએ હળવો ખોંખારો ખાધો. સ્ત્રીએ એની સામે જોયું. ખુરસીની પીઠ પર પડેલા શિવાનીના હાથ પર હાથ મૂક્યો. શિવાનીએ હાથ ખેંચી લીધો. કોઈ પરિચય વિના – ‘મને સમાચાર મળ્યા ત્યારે... તરત આવી શકી નહીં. હું ઇન્ડિયામાં નહોતી.’ સમાચાર? એ કયા સમાચારની વાત કરે છે? બીજી જ ક્ષણે શિવાનીના મનમાં ઝબકાર થયો. એ એને વધારે ધ્યાનથી જોવા લાગી. ‘બેસ... બેસોને!’ એણે કહ્યું. એ પોતે શૉલ ટિપાઈ પર મૂકી ખુરસી પર બેઠી. શિવાની શરીર ખેંચી રાખતી હોય તેમ ઊભી જ રહી. ‘તમને તું કહી શકું? મેં તારા વિશે હંમેશાં આ રીતે જ વિચાર્યું છે. ઉંમરમાં તો મોટી છું અને –’ શિવાનીના શરીરમાંથી લખલખું પસાર થઈ ગયું. એ બહારની ઠંડીને લીધે ન હતું. શું... શું એ વિચારી રહી છે તે સાચું હશે? એણે બોલવા માટે હોઠ ઉઘાડ્યા, પણ શબ્દો નીકળ્યા નહીં. બહાર નીકળવા માગતું એક નામ અંદર ગૂંગળાતું રહ્યું. એનું અનુમાન ખોટું પણ હોય. એ ન હોય... ન જ હોય... એ તો... તો પછી એને ખબર કેમ પડી કે આ ઘરમાં સવારની ચા લીમડા અને ગુલમહો૨ નીચે જ... ‘શું વિચારે છે?’ શિવાની જવાબ આપ્યા વિના એને તાકી રહી. સ્ત્રીના મોઢા પર આછું – ખૂબ જ આછું – સ્મિત હતું. કોઈ સ્મિત આટલું તરડાયેલું હોઈ શકે? સ્મિતની પાછળ પણ કોઈ લાંબી પીડા.... અથવા બીજું કશુંક... ‘એટલી બધી નવાઈ લાગે છે?’ ધીમો પણ સ્પષ્ટ અવાજ સંભળાયો. ‘તમે...’ એણે માથું હલાવ્યું. ‘હા, હું.’ એની આંખો અદૃશ્ય વજનથી બંધ થઈ ગઈ. એ ખુરસી પર થોડી નીચે સરકીને ઢળી ગઈ.
માયા મારાથી ત્રણ વરસ મોટી. અમારી ઉંમરનો તફાવત હંમેશાં મારો પીછો કરતો. મારા દરેક જન્મદિવસે મને લાગતું કે ઉંમરનો આ મુકામ માયા મારાથી પહેલાં જીવી ચૂકી છે. એ સમયે મને જે કંઈ થતું કે મારી સાથે જે કંઈ બનવાનું હોય, તે બધું જ જાણે માયાએ પહેલેથી અનુભવી લીધું હોય. એ મને બચાવી લેવા માગતી હોય તેમ કહેતી રહેતી કે મારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. મારી અકળામણ વધી જતી. મને લાગતું, હું મારી રીતે કશુંય પહેલી વાર જીવી શકતો નથી. મારે માયાએ બોટી લીધેલી વયને જ જીવવાની છે. કોઈ ચોક્કસ કારણ નહોતું, એ માત્ર મારો વિચાર જ હતો, છતાં મને અકળાવા માટે એક વધારાનું બેહુદું સત્ય હાથ લાગી જતું. શિવાની સાથે જુદું હતું. એ મારાથી સોળ વરસ નાની હતી. માયા મને સ્પષ્ટપણે બતાવી શકતી તેમ હું શિવાનીને બતાવી શકતો નહીં. ક્યારે કેવા ખાડા આવશે કે ક્યાં કેટલાં ઢેફાં પડ્યાં હશે. એ જે ઉંમરે પહોંચતી તે ઉંમર વિશે હું બધું જ ભૂલી ચૂક્યો હોઉં. મને હંમેશાં લાગતું કે શિવાની મારી સાથે છે, છતાં મારાથી ઘણી દૂર પાછળ-પાછળ ખેંચાતી આવે છે. માયા મારાથી આગળ પહોંચીને ઉ૫રથી મને જોતી, શિવાનીએ ખૂબ નીચેથી માથું ઊંચું કરીને મને જોવો પડતો. એ મને ઊભો રાખવા બૂમ પાડતી, પણ વચ્ચેનાં સોળ વરસમાં એની બૂમ ક્યાંક ખોવાઈ જતી. હું ઊભો રહેતો નહીં. એ મારાં ભૂંસાયેલાં પગલાં પર ડગ માંડતી મારા સુધી પહોંચવાની કોશિશ કરતી. એ પહોંચે તે પહેલાં હું વધારે આગળ નીકળી ગયો હોઉં. હવે માયા અને શિવાની – બંને સાથેનું મારું અંતર ભૂંસાઈ ગયું છે. હું એમનાથી ઘણો આગળ – ઘણો દૂર – પહોંચી ગયો છું. એમને મારા સુધી પહોંચવું હોય તો વચ્ચે ઘણાં વાદળ આવી જશે. એ બંને મને જોઈ શકશે નહીં. હું જોઈ શકું છું. માયા ખુરસી પર ઢળી ગઈ છે, શિવાની બીજી ખુરસીની પીઠ પકડીને ઊભી છે. એક ખાલી ખુરસી એ બંનેને તાકી રહી છે.
શિવાની એક જ ક્ષણમાં આજુબાજુના પરિવેશમાંથી બહાર ફેંકાઈ ગઈ. થોડી વાર પહેલાં સાવ અજાણી હતી તે સ્ત્રી અહીંની બની ગઈ હતી અને શિવાની આગંતુક જેવી. એને ક્યાંક ભાગી જવાની ઇચ્છા થઈ, કોઈ એને જોઈ શકે નહીં એવી જગ્યાએ, પરંતુ એવી કોઈ જગ્યા બચી નહોતી. એ ખુરસી પર બેઠી. ‘માયાબહેન...’ એના હોઠ વચ્ચેથી ધીમા શ્વાસ જેવો અવાજ નીકળ્યો. માયાની આંખો બંધ હતી, જાણે એ કશુંક ધ્યાનથી સાંભળતી હોય – લીમડાની ડાળીઓમાંથી પસાર થતી હવા, બંગલામાં વરસોથી ગોંધાયેલા અવાજ... કદાચ એ સામે પડેલી ખુરસી પરથી ઊઠતો અવાજ પણ સાંભળતી હોય. માયાની આંખના ખૂણે આંસુ લટકતું હતું. ‘સૉરી...’ એ એટલું જ બોલી. શિવાનીને સમજાયું નહીં – એ કઈ વાતની અને કોની માફી માગતી હતી? માફી માગવા જેવું કશુંય હોય તો તે બહુ પાછળ રહી ગયું હતું. ‘મારે અહીં નહોતું આવવું જોઈતું... પણ....’ શિવાની ચુપચાપ એને જોતી રહી. માયાનો એકાદ ફોટો પણ જોવા મળ્યો હોત તો એ પહેલી જ નજરે એને ઓળખી ગઈ હોત. તે સમયના ફોટા હશે જ નહીં કે મકરંદે કાઢી નાખ્યા હશે? શિવાની એક વાર ડ્રેસિન્ગ ટેબલનું સાફ કરતી હતી ત્યારે એમાં બહુ જૂનો ચાંદલો જોયો હતો. એણે તે ચાંદલો ખાનામાં જ રહેવા દીધો હતો. કદાચ હજી પણ ત્યાં જ પડ્યો હશે. વચ્ચે વીતેલાં વરસો... માયા આ ઘરમાં રહેતી હતી તે વરસો. તે સમયે શિવાની આ શહેરમાં રહેતી નહોતી. એ એના પિતા સાથે દિલ્હીમાં હતી. પિતાના અવસાન પછી મોટા ભાઈ પાસે આ શહેરમાં આવી ગઈ હતી. તે વખતે માયા ચાલી ગઈ હતી. એને બધું જ યાદ લાગે છે. એ લોકો પણ સવારે સાથે બેસતાં હશે. અહીં જ. માયા ચા બનાવતી હશે. મકરંદ છાપું ખોલીને બેસતા હશે. શિયાળાના હૂંફાળા તડકામાં ચાની વરાળ ઊડતી રહેતી હશે, ઉનાળાની વહેલી સવારે લીમડાના મૉરની સુગંધ ઊઠતી હશે અને ગુલમહોર ફૂલોથી લચી પડતો હશે. છતાં પણ? એવું શું બને છે કે કશુંક દબાતા પગલે આવી જાય છે અને એની હાજરીની ખબર પડે તે સાથે જ બધું હડસેલીને કોઈ ઊભું થઈ જાય છે. તે વખતે માયા ઊભી થઈ ગઈ હશે. હવે મકરંદ, બે મહિના પહેલાં, પાછળ એકલી શિવાની રહી ગઈ હતી. માત્ર શિવાની જ? તો પછી માયા આજે અચાનક આવી ચઢી છે એનું શું? ‘મારાથી રહેવાયું નહીં. હું આવવા માગતી નહોતી... નહોતી જ આવવા માગતી... મને યુ.કે.માં સમાચાર મળ્યા હતા... બે મહિના મારી જાત સાથે લડતી રહી. મને સમજાતું નહોતું કે મારે શા માટે આવવું જોઈએ કે શા માટે ન જ આવવું જોઈએ. પછી મને થયું. મારે કશુંય અધૂરું છોડવું જોઈએ નહીં.’ એ જાણે જાત સાથે જ વાત કરતી હતી. ‘છેવટે.. સૉરી, શિવાની.’ એણે આંખના ખૂણામાં આંગળી ફેરવી. ‘હું મારા માટે આવવા માગતી હતી અને એના માટે અને કદાચ... કદાચ તારા માટે પણ...’ શિવાનીનું ડૂસકું છૂટી ગયું. એ બે મહિના પછી પહેલી વાર કોઈની સામે રડી રહી હતી. માયા આગળ નમી. શિવાનીને નજીક ખેંચી લીધી. એ એના ખોળામાં ઢગલો થઈ ગઈ. માયા એની પીઠ પર હળવેથી હાથ ફેરવતી રહી. શિવાનીએ મોઢું ઊંચું કર્યું. એક ચહેરો દેખાયો. એની ઉપર ઝળૂંબેલો. તટસ્થ અને છતાંય સમ્મિલિત. પીડા એક જ હતી, પણ અલગ-અલગ દિશામાંથી આવતી હતી. એકની પીડા જૂના સમયમાંથી ઊઠતી હતી, બીજીની એક મધરાતની ઘડીઓમાંથી ઊઠતી હતી, જ્યારે એ આઈ.સી.યુ.માં મકરંદનો હાથ પકડીને બેઠી હતી અને એ વિદાય લઈ રહ્યો હતો. ‘ક્યારે આવ્યાં?’ ‘મુંબઈ બે દિવસ પહેલાં. અહીં આજે વહેલી સવારે.’ મહારાજ ચાની ટ્રે લાવ્યો. શિવાની ચા બનાવવા લાગી. માયા દાંત વચ્ચે બિસ્કિટ કાતરતી હતી. એની નજર શિવાની પર હતી. એ હજી નાની હતી. કોઈ હોય જ નહીં તેમ રહેવા માટે બહુ નાની.
મકરંદ, તમે કહ્યું હતુંઃ શિવાની, તું મારાથી બહુ નાની છે. તે કહે છે તે શક્ય જ નથી. મને લાગ્યું હતું, કદાચ તમને એ જ એક વાતનો વાંધો છે. મેં કહ્યું હતું : હું નાનો છું તો શું થયું? એ તો મોટી થઈ જઈશ, સમયની સાથે. તમે હસી પડ્યા હતા. હા, તું મોટી તો થઈશ, પણ મારાથી તો નાની જ રહેવાનીને! તારાથી સોળ વરસ મોટો છું. હું પણ મોટો થતો જઈશ, સમયની સાથે. અને... તમે અચાનક બહુ ગંભીર થઈ ગયા હતા. શિવાની, મારી સાથે જીવવું તું ધારે છે એટલું સહેલું નથી. તું મને ઓળખતી નથી, તને મારા વિશે કશી જ ખબર નથી. મેં વિરોધ કર્યો હતો : ઓળખતી નથી એટલે? કેવી વાત કરો છો? એ વખતે મને તમારા મોઢા પર જે દેખાયું હતું તેનાથી હું અકળાઈ ગઈ હતી. તમે કહ્યું હતું : કહે તો, તને શું ખબર છે? શું જાણે છે તું મારા વિશે? હું બોલી નહોતી, પણ મારા મનમાં માયાનું નામ ઊપસ્યું હતું. તમે અને એ અલગ થઈ ગયાં છો... પાંચ વરસથી... તો શું થયું? એની સાથે જે બન્યું તે... એવું તો નથી જ કે એકની જગ્યા બીજું લઈ શકે નહીં. તમે મારા ખભા પર હાથ મૂક્યો હતો – મને સમજાવવા કે મને ફોસલાવવા. તમને ભલે લાગ્યું હશે કે હું કંઈ સમજતી નથી, હું બધું સમજતી હતી. તમે કબૂલ કરવા માગતા નહોતા. તમારી જિંદગીમાં કોઈ આવે એ જ વાતનો તમને વાંધો હતો. તમને વિશ્વાસ જ નહોતો રહ્યો કે તમે કોઈની સાથે રહી શકો અથવા કોઈ તમારી સાથે જીવી શકે. એટલી બધી ખાલી જગ્યાઓ હતી તમારા જીવનમાં કે – તમે ડરતા હતા. ખબર તો તમને નહોતી. હું કેટલાય સમયથી તમને ધ્યાનથી જોયા કરતી હતી, તમારા વિશે બધું જાણવા મથતી હતી. એક સાંજે તમે મને પૂરેપૂરા દેખાઈ ગયા હતા. તમે અમારે ઘેર મારા મોટા ભાઈ સાથે બેઠા હતા. ત્રણ-ચાર પેગ પછી તમે બોલવા લાગ્યા હતા : મને મારી પાસેથી શું જોઈએ છે એની જ મને ખબર પડતી નથી, ક્યારેય પડી નથી. હું મારા સિવાય બીજા કોઈની હાજરી ખમી શકતો નથી. માયા મને છોડી ન દે તો શું કરે, એની પાસે બીજો રસ્તો જ ક્યાં બચ્યો હતો. મેં પણ એ સાંભળ્યું હતું. હું તરત જ બારણા પાછળથી ખસી ગઈ હતી. તમે તમારા નજીકના મિત્ર પાસે કશુંક કબૂલી રહ્યા હો તે મારે સાંભળવાનું નહોતું. એ રાતે હું પહેલી વાર તમારા માટે રડી હતી. તમે આખી રાત મને દેખાતા રહ્યા હતા – તમારા વાળ વીખરાયેલા હતા, આંખો સૂજી ગઈ હતી, તમે કારણ વિના હસવાનો પ્રયત્ન કરતા હતા. એ રાતે તમે અમારે ઘેર રોકાઈ ગયા હતા, ભાઈએ તમને જવા દીધા નહોતા. હું સવારે તમારા માટે ટુવાલ મૂકવા આવી ત્યારે તમે ઊંધા સૂતા હતા. એકલા બાળક જેવા. એ સવારે જ મેં નક્કી કર્યું હતું, તમને એકલા રહેવા દેવાય નહીં.
તડકો વધ્યો હતો, પણ ખુલ્લામાં ફૂંકાતી હવામાં ઠંડક હતી. શિવાનીએ વાળ બાંધી લીધા. એણે ક્યારેય ધાર્યું નહોતું કે એ માયા સાથે આ રીતે બેઠી હશે. સાવ અજાણી, છતાં જાણે ચિરપરિચિત. એક એવી સ્ત્રી, જેને એણે એની ગેરહાજરીમાં પણ હાજર જેવી અનુભવી હતી. એણે પણ શિવાનીએ જોયું હતું તે જ બધું જોયું હશે કે એનો અનુભવ જુદો હશે? બંને સ્ત્રીઓ એક જ પુરુષ સાથે જુદા જુદા સમયમાં જીવી હોય એથી એમના અનુભવ અલગ હોઈ શકે? શિવાનીને માયા પાસેથી બધું જાણી લેવાની ઇચ્છા થઈ. પરંતુ બીજી જ પળે એનું મન પડી ગયું. શું જાણવાનું હતું – માયાનું હતું તે માયાનું હતું અને શિવાનીનું હતું તે શિવાનીનું હતું. હવે એનો અર્થ પણ રહ્યો નહોતો. કશુંય બદલાવાનું નહોતું. વચ્ચેની કડી – જો એ કડી હોય તો – હવે ક્યાંય નહોતી. ‘પેલું મકાન હજી છે કે વેચી નાખ્યું?’ માયાનો અચાનક ઊઠેલો પ્રશ્ન શિવાની તરત સમજી શકી નહીં. ‘આ બંગલો ખરીદ્યો તે પહેલાં શહેરમાં હતું તે મકાન?’ શિવાની સમજી ગઈ, માયા એના કોઈ જૂના સમયમાં હતી. કદાચ એ પણ બધું જાણવા માગતી હતી. એ અને મકરંદ આ બંગલો જોવા આવ્યાં હશે. કેવું લાગતું હશે – પોતે વસાવેલા ઘરમાંથી વચ્ચેથી જ ચાલ્યા જવું. મને તો એ ઘર પણ બહુ ગમતું, પણ મકરંદને કામ કરવા માટે આ જગ્યા વધારે ગમી હતી. શહેરથી દૂર, એકાન્તમાં....’ ‘એ તો ક્યારનું વેચી નાખ્યું હતું. કદાચ–’ શિવાની ખચકાઈ પછી બોલી જ લીધું, ‘કદાચ તમે ગયાં ત્યાર પછી તરત... તે વખતે હું અહીં નહોતી...’ એક લાંબો અંતરાલ સ્પષ્ટ થઈ ગયો. માયા ચાલી ગઈ હતી અને શિવાની હજી મકરંદના જીવનમાં આવી નહોતી. એ એકલો હતો. માયાએ આંખ બંધ કરીને મકરંદને એના એકલા સમયમાં જોવાનો પ્રયત્ન કર્યો. આ જ ઘરમાં રહેતો હશે, બધાથી કપાઈને, એની સાથે કોઈ નહીં હોય. સવારે અહીં જ બેસતો હશે? કદાચ થોડાં વરસ માટે લીમડા અને ગુલમહોર નીચે બેસવાની આદત ભૂલી પણ ગયો હોય. માયાએ તે સમયમાં પોતાને યાદ કરવાનો પ્રયત્ન કર્યો. એ અહીંથી સીધી મુંબઈ ગઈ હતી. એનો પરિવાર યુ.કે.માં હતો. એ લોકો એને બોલાવતાં હતાં. એ થોડા મહિના પછી યુ.કે. ચાલી ગઈ હતી. ‘માયાબહેન...’ માયાએ અવાજની દિશામાં જોયું. ભૂલી જ ગઈ હતી કે એ અત્યારે યુ.કે.માં નથી, એના એક સમયના પરિચિત સ્થળમાં બેઠી છે અને બાજુમાં એક યુવતી બેઠી છે. શિવાની, એ એની ગેરહાજરીવાળા સમયમાં અહીં આવી ગઈ હતી. ‘એક વાત પૂછું?’ શિવાનીએ કહ્યું. માયા એની સામે જોતી રહી. ‘તમે અને એ... ક્યાં મળ્યાં હતાં?’ માયાએ પર્સમાંથી રૂમાલ કાઢ્યો. મોઢું લૂછ્યું. ‘આ સવાલ તેં એને પૂછ્યો નહોતો?’ ‘ક્યારેય પૂછી શકાતું એમને? તમે પૂછી શકતાં? એ બંધ જ રહેવા માગતા હોય તો તમે એને ખોલી શકતાં, માયાબહેન?’ શું એ ફરિયાદ હતી? માયાએ તે વિશે વધારે વિચારવાનું માંડી વાળ્યું. બધી ફરિયાદો હવે સળગી ગઈ હતી. માત્ર સ્મૃતિઓ રહી હતી. એ સ્મૃતિઓમાં પ્રસન્નતા હતી અને પીડા પણ હતી. એક જ વ્યક્તિને યાદ કરતી વખતે માયાના મનમાં જે જાગશે તે શિવાનીની સ્મૃતિથી સાવ ભિન્ન હશે. ‘હું ફાઇન આટ્ર્સમાં પેઇન્ટિન્ગનું ભણતી હતી, એ શિલ્પમાં કામ કરતો હતો. મારાથી જુનિયર. મેં એને ના પાડી હતી. મેં કહ્યું હતું, હું ત્રણ વરસ મોટી છું. એ માન્યો નહોતો.’ માયા અધવચ્ચે જ ચૂપ થઈ ગઈ, જાણે એનાથી વિશેષ કંઈ યાદ ક૨વા જેવું ન હોય. શિવાનીએ માયાના મૌનને ભેદવાનો પ્રયત્ન કર્યો નહીં. કહેવું હશે તો પોતે બોલશે, નહીંતર વરસોથી અજાણ્યું રહ્યું છે તે અજાણ્યું જ રહે તો કોઈ ફરક પડવાનો નહોતો. ‘પેલી નદી હજી છે?’ માયાના અણધાર્યા સવાલથી શિવાનીને નવાઈ લાગી. એમના બંગલાથી થોડે આગળ ગયા પછી ભેખડ જેવી જગ્યા આવતી. તેના પરથી નીચે ઊતરીને નદીના કાચા કિનારા સુધી જઈ શકાતું. શિવાનીએ માથું હલાવ્યું. ‘નદી ક્યાં જાય! છે હજી પણ...’ ‘અમે ઘણી વાર ત્યાં જતાં. વ૨સાદ પછી પાણી વધ્યું હોય ત્યારે તો ખાસ. એને તરતાં આવડતું નહોતું, મને આવડતું હતું. હું નદીના વહેણમાં તરું. એ કિનારે બેસી, પાણીમાં કાંકરા ફેંક્યા કરતો.’ ‘તમે શીખવ્યું નહીં?’ ‘શું? તરવાનું? એને?’ માયા હસી પડી. આછા ખરોંચવાળું હાસ્ય. શિવાનીએ પોતે પણ ઘણી વાર એવું જ સ્મિત અરીસામાં પોતાના મોઢા પર જોયું છે. પવન ઊઠ્યો. થોડાં પીળાં પાંદડાં લીમડા પરથી ખર્યાં. માયાએ ઉપર જોયું. આ લીમડાએ અને આ ગુલમહોરે ઘણું જોયું છે. કેટલાક સાક્ષી મૂંગા રહે છે, પરંતુ એમણે જોયું બધું જ હોય છે. ‘શિવાની, તને ક્યારેય લાગ્યું છે કે તેં ભૂલ કરી હોય?’ ‘ભૂલ?’ ‘એની સાથે જોડાવાની?’ શિવાની વિચારતી રહી. કદાચ એ માયાના પ્રશ્નથી નારાજ પણ થઈ હોય. ‘ના.... મને ક્યારેય એવું લાગ્યું નથી. એમની સાથે રહેવું મારી પસંદગી હતી. એ તૈયાર નહોતા, મેં હઠ કરી હતી. હું મારા માટે નહીં, એમના માટે એમની સાથે જોડાઈ હતી. ના, મેં ભૂલ નથી કરી.’ લાંબા વિરામ વચ્ચે શિવાનીના શબ્દો હવામાં તરતા રહ્યા. ‘હવે હું તમને પૂછું, માયાબહેન... તમને ક્યારેય લાગ્યું છે કે તમે ભૂલ કરી હોય?’ શિવાનીનો સવાલ ઝડપથી અને અચાનક આવ્યો હતો, છતાં માયા એનો જવાબ તરત આપી શકી. ‘હા, મને લાગે છે કે – એ મારી ભૂલ હતી. એની સાથે રહેવાની નહીં, એને છોડી દેવાની... મારે એને છોડવો જોઈતો નહોતો...’ બીજી જ ક્ષણે હસી પડી, ‘પણ સારું થયું, હું ગઈ ન હોત તો તું એની જિંદગીમાં આવી ન હોત... કદાચ એને તારા જેવી છોકરીની વધારે જરૂર હતી....’ ‘જરૂર?’ શિવાનીના મોઢા પરથી આછી છાયા પસાર થઈ ગઈ. ‘એમને કોઈની જરૂર નહોતી, માયાબહેન. એમને ખબર જ નહોતી કે એમને શું જોઈએ છે. પોતાની તકલીફોની પણ કદાચ એમને ખબર નહોતી.’ ‘ના, શિવાની, એને માત્ર પોતાની તકલીફોની જ ખબર હતી.’ માયાનું વાક્ય પણ લાંબા વિરામની વચ્ચે લટકતું રહ્યું, જાણે એમાં ન બોલાયેલું પણ સંભળાતું હોય. ‘હું ઘણી વાર તમને યાદ કરતી.’ ‘મને? તું તો મને ઓળખતી નહોતી, મને મળી પણ નહોતી.’ ‘છતાં પણ... કશુંક બનતું – અમારા વચ્ચે... ત્યારે હું વિચારતી કે મારી જગ્યાએ તમે હોત તો શું કર્યું હોત.’ માયા હસી પડી. ‘હું પણ... એક સમયે તારી જગ્યાએ જ હતીને!’ ‘ના, તમે મારી જગ્યાએ નહોતાં. તમારા પહેલાં તે જગ્યા કોઈની નહોતી. હું આવી ત્યારે એ જગ્યા પર મારાથી અગાઉ કોઈ રહી ચૂક્યું – અને તે વાત મકરંદ ક્યારેય ભૂલ્યા નહોતા.’ એકાએક નિઃસ્તબ્ધતા છવાઈ ગઈ. ‘હું અહીં રહેવા આવી ત્યારે એમણે મને કહ્યું હતું... કહ્યું નહોતું, શરત મૂકી હતી...’ ‘શરત?’ ‘હા, શરત. એમણે કહ્યું હતું, ઘરમાં કશું જ બદલાશે નહીં. મને સમજાયું નહોતું કે એ શું સાચવી રાખવા માગતા હતા, તમે ગયાં પછીની વ્યવસ્થા કે–’ શિવાની ખચકાઈ, પછી બોલી ગઈઃ ‘કદાચ, માયાબહેન, એ તમારી જગ્યા સાચવી રાખવા માગતા હતા.’ માયાની આંખો બંધ થઈ ગઈ. એની ગેરહાજરીવાળા સમયની એક સાંકળ શિવાનીએ અજાણતાં જ ખોલી નાખી હતી. એ હવે તે ઓરડામાં પ્રવેશ કરવા માગતી નહોતી. ‘અંદર નથી જવું?’ ‘અંદર?’ માયા ચમકી ગઈ, પછી સમજી. શિવાની ઘરમાં ચાલવાનું કહેતી હતી. શિયાળાનો તડકો પણ આકરો લાગવા માંડ્યો હતો. અહીં વધારે બેસી શકાશે નહીં. એણે ટિપાઈ ૫૨થી શૉલ ઉપાડી. વિના કારણે બે-ત્રણ વાર ઝાટકી. ઊભી થતી હોય તેમ ખુરસીના હાથા પર હાથ દાબ્યા. ‘મને લાગે છે, મારે જવું જોઈએ.’ ‘ક્યાં?’ બીજી જ ક્ષણે શિવાનીનો પ્રશ્ન અપ્રસ્તુત બની ગયો. માયા બહારથી આવી હતી. એણે પાછા જવાનું હતું. એ પાછી જઈ શકે તેવી જગ્યા એણે શોધી લીધી હતી. બહાર નીકળી ન જાઓ ત્યાં સુધી ખબર પડતી નથી કે બીજી જગ્યાઓ પણ હોય છે. તમારે એક જ જગ્યાએ કે કશાકની સાથે ગોંધાઈને જીવવાની જરૂર રહેતી નથી. ‘હું આજે સાંજની ફ્લાઇટમાં મુંબઈ પાછી જઈશ. બે દિવસ પછી લંડનની ફ્લાઇટનું બુકિન્ગ છે.’ એ ઊભી થઈ. શૉલ ખભા પર ગોઠવી. વાળમાં હાથ ફેરવ્યો. ગેટ તરફ જવા લાગી. પાછળ વળીને જોયું પણ નહીં કે શિવાની આવે છે કે ત્યાં જ ઊભી છે – પેલી ટિપાઈ પાસે, જ્યાં ટ્રેમાં ખાલી કીટલી અને બે કપ પડ્યાં હતાં. એણે ગેટની કડી ખોલી. ખટાક અવાજ થયો. એ અરધા ખોલેલા ગેટમાંથી બહાર નીકળતી હતી ત્યાં જ પાછળથી સંભળાયું : ‘માયાબહેન...’ શિવાની ઝડપથી આવતી હતી. માયા ગેટ વચ્ચે ઊભી રહી. શિવાની એની પાસે આવી. ‘વિસ્મય... એ કેમ છે?’ માયાએ જતી વખતે બંગલા તરફ ન જ જોવાનો કરેલો સંકલ્પ તૂટી ગયો. સામે દેખાતું ઘર... વિસ્મય એમાં જન્મ્યો હતો. ‘ફાઇન.’ શિવાનીએ ગેટ પર પડેલા માયાના હાથ પર હાથ મૂક્યો. ‘માયાબહેન...’ એનો અવાજ ગળી ગયો, ‘એને.... મકરંદને અગ્નિદાહ મેં આપ્યો હતો... એ ગયા પછી મેં પહેલો વિચાર તમને સમાચાર આપવાનો કર્યો હતો... હું વિસ્મયને બોલાવવા માગતી હતી... અગ્નિદાહ આપવાનો અધિકાર એનો હતો...’ માયાએ શિવાનીનો હાથ ધીમેથી થપકાવ્યો અને ગેટની બહાર આવી ગઈ. ‘ને બીજી એક વાત... અમે સાથે રહ્યાં, પણ એણે મારી સાથે લગ્ન કર્યું નહોતું...’ માયાની નજર ગેટની અંદર ઊભેલી શિવાની પર સ્થિર થઈ ગઈ. શિવાનીના મોઢા પર કશુંક હતું, જાણે કોઈ પણ ક્ષણે લોહી ફૂટી નીકળશે. ‘મેં તમને કહ્યું હતુંને – મકરંદ કશું બદલવા માગતા નહોતા.’