વેણીનાં ફૂલ/કાળૂડો રંગ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કાળૂડો રંગ

હાં રે મને વાલો છે
આભમાં ઉભેલી કો વાદળીનો કાળૂડો રંગ,
હાં રે બીજો વાલો છે
હીરલે મઢેલી મધરાતડીનો કાળૂડો રંગ.

હાં રે મને વાલો છે
ભાભી તણા ઘાટા અંબોડલાનો કાળૂડો રંગ,
હાં રે બીજો વાલો છે
માવડીનાં નેણાંની કીકીઓનો કાળૂડો રંગ.

હાં રે મને વાલો
ગોવાળણીની જાડેરી કામળીનો કાળૂડો રંગ,
હાં રે બીજો વાલો
ગોવાળ તારી મૂછોને દાઢી તણો કાળૂડો રંગ.

હાં રે મને વાલો છે
કાગડા ને કોયલની પાંખ તણો કાળૂડો રંગ,
હાં રે બીજો વાલો છે
સીદી! તારાં બાલૂડાં સીદકાંનો કાળૂડો રંગ.

હાં રે મને વાલો છે
ઈશ્વરે રચેલો રૂડો રૂપાળો કાળૂડો રંગ,
હાં રે એક દવલો છે
માનવીનાં મેલાં કો કાળજાંનો કાળૂડો રંગ!