વેણીનાં ફૂલ/ગામડાંના વિસામા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ગામડાંના વિસામા
[બાર બાર વરસે નાવણી ગળાવી - ઢાળ]

નાનાં શાં ગામડાંના નાના વિસામા
ચોરો ને બીજો ચબૂતરો જી રે

ચોરે પૂછાય મારા બાપુનાં બેસણાં
ચબૂતરે પોપટડા જી રે!

ચોરે ડોલે છે રાજદરબારી ડાયરા
ચબૂતરે પારેવડાં જી રે!

ચોરે પરભૂનાં ગીત ગાતા પટેલીયા
ચબૂતરે પારેવડાં જી રે!

ચોરે સાધૂડલાંને દેતાં સદાવ્રત
ચબૂતરે ચણ્ય નીરતાં જી રે!
ચોરે બેસીને ધ્યાન રાખે છે ચોકીયાત
ચબૂતરે ધ્યાન વાણીયા જી રે!

ચોરામાં દેવ રામસીતાનાં જોડલાં
ચબૂતરે દેવ મોરલા જી રે!

ચોરે ઠાકોરજીની ઝાલર ઝણંકે
ચબૂતરે ઘૂઘવાટા જી રે!

નાનાં શાં ગામડાંના નાના વિસામા
ચોરો ને બીજો ચબૂતરો જી રે!