વેણીનાં ફૂલ/ચલ ગાગર!

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ચલ ગાગર!

ચલ ગાગર ચલ ગાગર પનઘટ પર જઈએ,
નાવલીનાં બોળાં નીર રે ગાગર ઘૂમે છે.

પાણીડાંની હેલ્ય મારી ડોલંતી આવે,
ડોલે જેવી હંસલાની ડોક રે ગાગર ઘૂમે છે.

બેડલે ચડીને એક પોપટજી બેસે,
નિત નિત બોળે એની ચાંચ રે ગાગર ઘૂમે છે.

પાણીડાં પીવે ને વળી પીછડાં પલાળે,
ચીર મારાં મોતીડે ટંકાય રે ગાગર ઘૂમે છે.

પાણીભીની આંખ એની ફરફરતી આવે,
જાણે મુને વીંઝણલા વાય રે ગાગર ઘૂમે છે.

વીંઝણા કરે ને વળી ગીતડાં સુણાવે,
શીળી એની છાંયડી છવાય રે ગાગર ઘૂમે છે.