વેણીનાં ફૂલ/જાણે કુંજની કોયલડી બ્હેન હિન્દવાણી!

From Ekatra Wiki
Jump to navigation Jump to search
જાણે કુંજની કોયલડી બ્હેન હિન્દવાણી!

ગોરી ગભરૂડી ગાવલડી બ્હેન હિન્દવાણી! તારાં રૂપ તણાં અંબાર બ્હેન હિન્દવાણી! એનો કોઈ નહિ રખવાળ બ્હેન હિન્દવાણી!
-આવો૦
આવો આવો રે પંજાબી બ્હેન હિન્દવાણી!
તારાં સિંહ સમાં સંતાન જેને મરવામાં છે માન ઝુલે કમરમાં કિરપાણ
ઘર્મવીરને ધવરાવતી બ્હેન હિન્દવાણી! ગીત ગુરૂનાં ગવરાવતી બ્હેન હિન્દવાણી! તારા ઘુંઘટ પટ ખોલ બ્હેન હિન્દવાણી! ઘોર શૌર્ય શબદ બોલ બ્હેન હિન્દવાણી!
-આવો૦
દ્રાવિડ દેશની આવો રે બ્હેન હિન્દવાણી!
તારા માથડા કેરી વેણ જાણે નાગની માંડે ફેણ તારાં હીરલે જડ્યાં નેણ મુખે ખટમધુરાં વેણ

તારે દેવ-દેરાં નવ માય બ્હેન હિન્દવાણી!
તારી તોય લાજું લૂંટાય બ્હેન હિન્દવાણી!
તારે સાગરે બાંધી પાજ બ્હેન હિન્દવાણી!
રોળ્યાં રાવણ કેરાં રાજ બ્હેન હિન્દવાણી!
સીતાવરની રાખ્યે લાજ બ્હેન હિન્દવાણી!
-આવો૦

આવો રણઘેલી રજપૂત બ્હેન હિન્દવાણી!

તારી ભોમ તપે રેતાળ
સંગે નીરભર્યો મેવાડ
ડુંગર દૈત સમા ભેંકાર
માથે ગઢ કોઠાની હાર
બોલે જૂગ જૂના ભણકાર

ધરમ ધેન ને સતી બ્હેન સાટ હિન્દવાણી!
તારા સાયબા સૂતા મૃત્યુ-વાટ હિન્દવાણી!
તારાં શીળ ચડ્યાં સળગન્ત કાષ્ટ હિન્દવાણી!
એની જશ-જ્યોતુંના ઝગમગાટ હિન્દવાણી!
સૂરજ ભાણ સમોવડ પૃથવી-પાટ હિન્દવાણી!
-આવો૦
આવો સહુ મળી સંગાથે બ્હેન હિન્દવાણી!

આવો ઉતરો ગુજ્જર દેશ
જેની બેટડી લાંબે કેશ
દિલે સ્નેહ રંગીલે વેશ

ઘૂમે ગરબે માઝમ રાત બ્હેન હિન્દવાણી!
માથે ચુંદડી મોહન ભાત બ્હેન હિન્દવાણી!
ગાતી સુખ દુઃખોની વાત બ્હેન હિન્દવાણી!
જેની ભેર પાંચાળી-ભ્રાત બ્હેન હિન્દવાણી!
-આવો૦