વેણીનાં ફૂલ/પારેવાં લ્યો!

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પારેવાં લ્યો!

પાળે ઘુમે પારેવડાં પારેવાં લ્યો,
ટોડલે ઘૂમે મોર, માના જનમ્યા! પારેવાં લ્યો.

પાંચ ધોળાં પાંચ વાદળી પારેવાં લ્યો,
આંખડી રાતી ચોળ, માના જનમ્યા! પારેવાં લ્યો.

આંગણીયે પગ પાડતાં પારેવાં લ્યો,
ધૂળમાં ગૂંથે ફુલ, માના જનમ્યા! પારેવાં લ્યો.

જોડલું જૂદું થાય નૈ, પારેવાં લ્યો,
રોજ પારેવી સંગ માના જનમ્યા! પારેવાં લ્યો.

આભને આરે ઉડતાં પારેવાં લ્યો,
પોઢતાં પૃથવી માંય માના જનમ્યા! પારેવાં લ્યો.

અસળ ધાન આરોગતાં પારેવાં લ્યો,
નીકર કાંકરી ખાય, માના જનમ્યા! પારેવાં લ્યો.

ચબૂતરે એનાં બેસણાં પારેવાં લ્યો,
રાજમોલુંને ગોખ માના જનમ્યા! પારેવાં લ્યો.

બેનીબાએ બોલાવીયાં પારેવાં લ્યો,
તીતી! તીતી! બોલે માના જનમ્યા! પારેવાં લ્યો.

આંગળીએ ઉડી બેસતાં પારેવાં લ્યો,
હથેળીએ ચણ ખાય માના જનમ્યા! પારેવાં લ્યો.

ઝીણી ઝીણી ચાર ઝાંઝરી, પારેવાં લ્યો,
ઘૂઘરીઆળી ઘડાવો માના જનમ્યા! પારેવાં લ્યો.

ભાભલડી પે'રાવશે પરેવાં લ્યો,
પારેવડાંને પાય માના જનમ્યા! પારેવાં લ્યો.

રૂમઝુમન્ત નેવલે પારેવાં લ્યો,
ઓસરીએ ઘમકાર માના જનમ્યા! પારેવાં લ્યો.