વેણીનાં ફૂલ/પીળો રંગ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પીળો રંગ

હાં રે મને પ્યારો છે
આભમાં ઘુમન્તી એ વીજળીનો પીળેરો રંગ,
હાં રે બીજો પ્યારો છે
બાગમાં ખીલેલી ચંપાની કળીનો પીળેરો રંગ.

હાં રે મને પ્યારો છે
ભાભી કેરી વેણીના કેવડાનો પીળેરો રંગ.
હાંરે બીજો પ્યારો છે
પીઠી ભરી લાડીને અંગ ઉઠ્યો પીળેરો રંગ.

હાં રે મને પ્યારો છે
ચંદ્ર સૂર્ય તારાનો તેજ ભર્યો પીળેરો રંગ,
હાં રે બીજો પ્યારો છે
દીન તણા ઝાંખા ઘરદીવડાનો પીળેરો રંગ.
હાં રે મને પ્યારો છે
પાદશાહ! તારી ફુલ-પામરીનો પીળેરો રંગ,
હાં રે બીજો પ્યારો છે
ચીન કે જાપાની બેની! તમારો પીળેરો રંગ.

હાંરે મને પ્યારો છે
ઈશ્વરે દીધેલો આછો કે ઘેરો પીળેરો રંગ.
હાં રે બહુ આકરો છે
દોષ દેખનારી કો આંખડીનો પીળેરો રંગ.​