વેરાનમાં/પત્નીના પ્રણયસુખને ખાતર
મીણનાં પૂતળાં બનાવતો હતો એ : સંતકુમારી જોનને હતભાગિની રાણી મેરી એન્તોનેતને, વોલ્ટરને, કૈંક કરુણ, ભયંકર, સુંદર કબ્રસ્તાનસૂતેલાંને કલાકારે પાછાં બોલાવ્યાં હતાં. એ મીણની આકૃતિઓને શિલ્પીએ જાણે કે જનેતા બની ગર્ભમાં સેવી હતી, પૂરે માસે વેદનાની વેણ્ય પુકારતાં પુકારતાં પ્રસવી હતી, ઉછેરી હતી, કલેજાં ચૂસાવીને ધાવણ ધવરાવ્યાં હતાં. કલાકારને બીજું ભાન નહોતું. સ્ટુડીઓમાં એકલો એકલો જ એ પોતાનાં આ બચ્ચાં જોડે વાતો કરતો. એની આંગળીઓ પ્રત્યેક આકૃતિના દેહ ઉપર વહાલપ છાંટતી. દરેક પૂતળીના હમણાં ફફડી ઊઠશે એવા હોઠ અને મટક ન મારતાં નેત્રો પોતાના સર્જકના વદન ઉપર ભવ્ય રૂપ–ઝાપટાં છાંટતાં હતાં. દેશના ઉમરાવજદા જોવા આવ્યા. અતિ–અતિ રાજી થયા ત્યારે કહી ગયા કે ‘જુઓને, બહારગામ જઈએ છીએ. પાછા આવીને રાજકુળ જોડે તમારી ઓળખાણ કરાવી આપશું. બહુ ખુશી થયા અમે. લ્યો જય જય!' “મારી પ્યારી જોન! વ્હાલસોયી એન્તોને! આપણને રાજકુળ જોડે પિછાન થશે. આપણે ધન્ય બનીશું. સુખી થઈશું." શિલ્પીના એવા સુખોદ્ગારની વચ્ચે એક પડછાયો પડ્યો. ને બોલ સંભળાયા. “બહુ થયું. આ ગાંડપણ!”
એ હતો કલાકારનો મુડીદાર ભાગીઓ. વિલંબ એને પોસાતો નહોતો. કલાકારની ટાઢી ટાઢી પ્રગતિ એને અસહ્ય હતી. પૂતળાંને છેલ્લી છેલ્લી કોણ જાણે કેટલીયે રેખાઓ આપવાનું હજુ કલાકારને બાકી હતું. કલાકાર એ મુડીપતિની સામે કરગરતે મોંયે થોડી વધુ મુદત યાચતો હતો. પણ મુડીપતિની નજર મેલી બની હતી. એના હાથમાં એક કાગળ હતો. ‘મારાં નાણાં ઊભાં કરી લેવાનો ઈલાજ, જો, આમાં છે.' એ હતો. આગના વીમાનો કાગળ. નિહાળતાં જ કલાકારને ફાળ પડી. મુડીપતિનો ગુપ્ત આશય એ સમજ્યો. બોલી ઊઠ્યો: “નહિ નહિ, અરે પાગલ! એવું ન કરતો. તારે પગે પડુ છું.” ત્યાં તો મુડીદારે એક પસ્તીનું પતાકડું સળગાવ્યું. ને કલાકાર એને રોકે તે પહેલાં તો કુમારી જ્હોનના ચણીઆ ઉપર ભડકો લાગ્યો. આાગમાં ઓગળતી એ એક પછી એક પૂતળીઓનાં માથાં ખડતાં હતાં. ચીસો પાડતો શિલ્પી એ દરેકને ઓલવવા ધસતો હતો. મૂડીદાર એને બાથ બાથાં ધકેલી બારણાં તરફ લઈ જતો હતો.
એને દાઝેલો, બેશુદ્ધ, જમીનદોસ્ત છોડી દઈને મુડીદાર બહાર નીકળ્યો. રખે કલાકાર કોઈને મદદે બોલાવી શકે તે સારુ બહારથી બારણું બંધ કર્યું. ચાલ્યો ગયો–વીમાનાં નાણાં લેવા… ને એ બાર વર્ષની સરજેલી કલા–સંતતિના ભસ્મઢગમાંથી કુલાકાર પણ આખરે ઊઠ્યો–જીવતો!--હા, જીવતો, પણ પ્રેતદેહે: હાથનાં સળગી ગયેલ આાંગળાં ફરીથી મીણનો પીંડ પકડી શકશે નહિ. ચહેરા ઉપર અગ્નિની જીભોએ માનવતાને ચાટી લઈ મૃત્યુની કદરૂપતા મઢી દીધેલી.
એ ચાલ્યો: પોતાનાં બાલબચ્ચાંને જીવતાં બાળી મૂકનાર મુડીપતિની પાસે શરણ માગવા. એને અપમાન મળ્યું, ધક્કો મળ્યો. શેઠના ઘરમાંથી શિલ્પી ગલીની પગથી પર પટકાયો. એનું હૃદય કિનાને પથે પળ્યું. પોતાના કલા–કુલનોને નરમેધ કરનાર આ એક માલેતુજારની મૂર્તિમાં એણે આખા સમાજને ઊભેલો નિહાળ્યો. મારાં મુએલાં બચ્ચાંને હું આ દુનિયાની પાસેથી જ પાછાં લઈશ: આવા નિશ્ચય સાથે એણે સમુદ્રને પાર એક વિદેશની વાટ પકડી.
પોતાના ભયાનક ચહેરા ઉપર એણે મીણ ચાંદી દઈ અસલ હતી તેવી હૂબહૂ શકલ બનાવી લીધી છે. દાઝી ગયેલા હાથ હવે મીણની કરામત કરી શકે તેમ નહોતા. ને સળગેલાં બચ્ચાંને, એકોએકને સજીવન કર્યે જ જંપ વળવાનો હતો. જગતે જેને ભરખેલાં છે તે જગતે જ પાછાં આપવાં રહ્યાં એવો એનો નિરધાર હતો.
થોડાએક મહિના પછી— નગરમાં એક પછી એક સુંદરીઓના આત્મઘાત શરૂ થયા. ને પોલીસ–કચેરીમાંથી એ પ્રત્યેક શકમંદ મુર્દાની ચોરી થતી ચાલી. કદાવર જુવાનો અને ભવ્ય વૃદ્ધોની પણ કેટલીક આત્મહત્યાઓએ ને તેમનાં ગુમ થતાં શબોએ નગરને વિસ્મયમાં નાખ્યું. પોલીસની અક્કલ બેહોશ બની ગઈ.
એ આત્મધાતો નહોતાં. મીણનાં પૂતળાંનું સંગ્રહાલય નવેસર રચાતું હતું. પોતાની જૂની ભસ્મીભૂત આકૃતિઓની પ્રતિકૃતિઓને કલાકારે જે જે માનવના મોં ઉપર દીઠી, તે તે માનવને એ મરી ગયાં દેખાય તેવાં બેભાન બનાવી, અને શબસ્તાન (મોર્ગ)માંથી ચોરાવી, ફરી સજીવન કરી, પછી ખદખદતા પાણીના કુંડમાં જીવતાં ને જીવતાં ઝબકાળેલાં એ ખોળીઆાં ઉપર ધગધગતા મીણની કારીગરી સજાવી, ફરીવાર કલાકારે સરજ્યાં એ કુમારી જોન, ભયાનક મહાપુરુષ વોલ્તેર વગેરે ઐતિહાસિક પાત્રો: પોતાનાં સમગ્ર વહાલાં આત્મજનો. અને સૌથી છેલ્લે એણે મીણથી મઢ્યો જીવતા પેલા મુડીદારને. બાકી રહી હતી એક હતભાગિની રાણી એન્તોને. કલાકારનાં નયનો એન્તોનેના કો’ જીવતા અવતારને જગતમાંથી શોધતાં હતાં.
“એન્તોને! ઓ મારી એન્તોને! તું મને મળી ગઈ! ગભરા નહિ. હું તને ચિરયૌવન બક્ષીસ. તું કદાપિ નહિ પલટી જાય. તારા રૂપલાવણ્યને જગત સેંકડો વર્ષો સુધી પૂજ્યા કરશે ઓ મારી વહાલી એન્તોને!…” એવાં બોલ સંગ્રહાલયની અંદર ગોઠવાએલાં માનવ–મુર્દાની સૃષ્ટિ વચ્ચે એક દિવસ રાત્રિએ ગુંજી ઉઠ્યા. કલાકારની બાથમાં તે વખતે એક યૌવના હતી. શિલ્પીનું બનાવટી મોં ઊખડી ગયું હતું. એનો ભયાનક ચહેરો તાકી રહ્યો હતો, ને પોતાની અગમ ઉશ્કેરાટભરી વાણીમાં એ યુવતીને સંભળાવતો હતો કે : “મારી આ દશા! મારાં સંતાનોની આ દશા! મારાં બાર બાર વર્ષોની પલપલની કારીગીરીની આ દશા! એ કરનાર કોણ જો! જો! જો!… ને એક મોટી પેટી ઊઘડે છે. તેમાંથી ડોળો ફાડી રહેલ છે પોતાના મુડીદાર ભાગીઆનું જીવતું બેભાન કલેવર.
પછી તો એ પ્રેતમુખો શિલ્પીએ આ સુંદરીને કલાના નરમેધકુંડને કાંઠે ઉઠાવી–એક મેજ પર નગ્ન સુવાડી. વિજળીનાં યંત્રો ચાલુ કર્યા. એક ક્ષણમાં તો પાણીનો કુંડ ખદખદતી દેગ બની રહ્યો. મીણનો રસ ઉકળવા લાગ્યો. ને જીવતા માનવદેહને એવું ને એવું અણચિમળાયું રાખવા માટે કલાકારે એક ઇંજેક્શનની પિચકારી ભરી ત્યાં તો —
છુપી પોલીસ આવી પહોંચી. કલાકારની છેલ્લી ઘડીઓ પાગલ બની ગઈ. મારફોડ, વેરણછેરણ, આક્રંદો ને વેદનાચીસોની કાળી લાય લાગી. ને ઊંચેથી કોઈ એક માનવી એ ખદખદતા કુંડમાં પટકાઈ બફાવા લાગ્યો. એ હતો કલાકાર!—પ્રેક્ષકોએ તાળીઓ પાડી.
મીણની પૂતળીઓના સંગ્રહાલયનો ભેદ: Mystery of The Wax Museum: એ એક દિલવલોવણ ચિત્રપટ છે. એના પ્રત્યેક ખેલને અંતે આવી લાખો કરોડો તાળીઓ પડી ગઈ હશે. શા માટે આ તાલીનાદ! શા આનંદે! કયા ઉદ્ધારને કારણે? ડીટેક્ટીવ ‘સ્ટંટ’નો આહાર કરી કરી વિકૃત બનેલી લોકદૃષ્ટિ આટલા મોટા ધ્વંસની પાછળ ઊભેલી એ કલાકારની કરુણતા ક્યાંથી જોઈ શકે? બસ, કલાકારે જે દારૂણુ નરમેધ રચ્યો હતો તે પકડાયો: શાબાસ છુપી પોલીસને…
પણ કલાકારની માનસસૃષ્ટિને આટલી વિકૃત બનાવનાર પેલા શિલ્પમેધને શો હિસાબ ચૂકવ્યો સમાજે? એના બચ્ચાંને જેણે જીવતાં બાળ્યાં, એના જીવતે દેહને જેણે પિશાચી સ્વરૂપ પહેરાવ્યું, તે ધનલોભને કઈ છુપી પોલીસે હાથ કર્યો? કો' અદ્દભુત કલાવિધાનીએ જનતાનાં અંતરનાં ઊંડાણો વલોવવા માટે આલેખેલું આ ચિત્રપટ આખરે તો ડીટેક્ટીવ ખાતાની ફતેહ ગણાઈને લોકોના ભ્રમિત હર્ષનાદને હવાલે થયું!