વેળા વેળાની છાંયડી/૧૬. ઉજળિયાત વરણનો માણસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૬. ઉજળિયાત વરણનો માણસ

ડૂબતા સૂરજનાં છેલ્લાં કિરણો મેંગણીમાં એભલ આહીરના વાડામાં પથરાયાં હતાં ત્યારે ડેલીએ સાદ પડ્યો: ‘હીરીકાકી !’

⁠‘કોણ ? ચંપા ?’

⁠‘હા.’

⁠‘આવ્ય, આવ્ય, બેન !’ કહીને હીરબાઈએ ખડકી ઉઘાડી.

⁠બારણામાં, હંમેશના નિયમ મુજબ દૂધ લેવા આવેલી ચંપા ઊભી હતી. એના એક હાથમાં ઊટકેલ કળશો સંધ્યાનાં સોનેરી કિરણોમાં ઝગારા કરતો હતો. પણ ચંપાના સોનવ૨ણા ચહેરા પરના ઝળહળાટ પાસે આ વાસણનો ઝળહળાટ કશી વિસાતમાં નહોતો લાગતો. રોજનાં પરિચિત હીરબાઈ પણ ચંપાના પ્રતિદિન પ્રફુલ્લિત રહેલ મુખારવિંદ તરફ આજે તાકી તાકીને જોઈ રહ્યાં.

⁠‘હજી ધણમાંથી ઢોર નથી આવ્યાં ?’ વાડો આખો ખાલીખમ જોઈને ચંપાએ પૂછ્યું.

⁠‘મારગમાં જ હશે. અબઘડીએ આવી પૂગશે,’ કહીને હીરબાઈએ ચંપાને ખાટલા પર પોતાની પડખે બેસાડી.

⁠ફરી હીરબાઈ આ યુવતીની પાંગરતી દેહયષ્ટિને ઝીણી નજરે અવલોકી રહ્યાં. સ્ત્રીસુલભ કુતૂહલથી બોલ્યાં:

⁠‘એલી તું તો બવ ડિલ ઘાલવા મંડી છો કાંઈ ! પરણ્યા પછી તો આડી ને ઊભી વધવા મંડીશ એમ લાગે છે.’

⁠સાંભળીને, સ્ત્રીની હાજરીમાં પણ ચંપાએ મીઠી શરમ અનુભવી. વિષયાંતર ખાતર જ એણે પૂછી નાખ્યું:

⁠‘એભલકાકાને કેમ આજ મોડું થયું ભલા ?’

⁠કાપડામાં ખાપું ભરતાં ભરતાં જ હીરબાઈએ યંત્રવત્ ઉત્તર આપી દીધો:

⁠‘ઢોરાં ક્યાંક આઘાંપાછાં થઈ ગયાં હશે એટલે ગોત્ય કરતા હશે.’

⁠આરસી જેવા ચકચકિત કળશામાં ચંપા પોતાનું ગોરમટું મોઢું જોવા લાગી.

⁠હીરબાઈએ ફરી વાર ઠેકડી કરી.

⁠‘વગર જોયે જ બવ રૂપાળી લાગશ. ઊજળાં માણહને વળી આભલાંનો શું ખપ પડે !’

⁠‘ઊજળાં ખરાં, પણ તમ કરતાં હેઠ,’ હવે મજાક ક૨વાનો વારો ચંપાનો હતો. હસતી હસતી એ આહીરાણીની સુડોળ દેહલતાને અહોભાવથી નીરખી રહી.

⁠‘અમે તો રિયાં લોકવરણ… દી આખો દાખડા કરવાના… ઢોર-ઢાંખ૨નાં છાણવાસીદાં કરવાનાં,’ અજબ નમ્રતાથી હીરબાઈએ કહ્યું, ‘ને તું કાલ સવારે પરણીને વાઘણિયાની મેડીને ગોખ જઈ બેહીશ.’

⁠આહીરાણીએ અપેક્ષા તો એવી રાખી હતી કે આ વાક્ય સાંભળીને ચંપા આનંદાવેશમાં અરધી થઈ જશે, પણ પરિણામ સાવ વિપરીત જ આવ્યું.

⁠લગ્ન, વાઘણિયું, મેડી-ગોખ વગેરેની વાત સાંભળીને ચંપાએ મણ એકનો નિસાસો નાખ્યો.

⁠ચતુર આહીરાણીની ચકોર નજરથી ચંપાનો આ નિઃશ્વાસ અજાણ્યો ન રહ્યો. હીરબાઈએ પૂછ્યું:

⁠‘તારું મોઢું કાં પડી ગયું, ભલા ?’

⁠ચંપા કશો ઉત્તર ન આપી શકી. માત્ર પોયણીશી પાંપણમાં ઝળઝળિયાં ઝબકી ગયાં.

⁠‘અરે મારી દીકરી ! આવી પોચા હાડની છો ઈ તો આજે જ જાણ્યું !’ વત્સલ માતાની જેમ હીરબાઈએ ચંપાને ગોદમાં લીધી. પછી પૂછ્યું: ‘એવા તી તારા ઉપર કયા દુઃખના ડુંગર આવી પડ્યા છે તી આમ કોચવાવા માંડી છો ?’

⁠હી૨બાઈની હૂંફાળી ગોદમાં ચંપાના સંતપ્ત હૃદયે ખરેખર શાતા અનુભવી, હૃદયની વ્યથા વ્યક્ત કરવા માટે હમદર્દીભર્યું પાત્ર પણ એને સાંપડી રહ્યું. વાઘણિયેથી કર્ણોપકર્ણ વહેતી આવેલી વાતો ચંપાએ હી૨બાઈને કહી સંભળાવી. પોતાના ભાવિ પતિને વાઘણિયું છોડીને શહે૨માં જવું પડ્યું છે, અને શહેરમાં એ જેમતેમ કરીને દિવસ ગુજારે છે એવી શહેરનાં માણસોને મોઢેથી સાંભળેલી વાતો પણ ચંપાએ વ્યથિત હૃદયે કહી સંભળાવી.

⁠‘અરે ગાંડી છોકરી ! આવી ધૂળઢેફાં જેવી વાતમાં આટલું ઓછું શું આવી ગયું તને ?’ હી૨બાઈએ હસી પડીને ચંપાને હિંમત આપી: ‘સુખદુઃખ તો ચાંદા-સૂરજની જેમ વારાફરતી આવ્યાં કરે. એની કાંઈ નવી નવાઈ છે ? પણ માણહ જેવા માણહથી કંઈ હિંમત હારી જવાય ? બીજી સંધીય ખોટ ખમાય, એક માણહની ખોટ ન ખમાય. માણહ પંડ્યે સાજાં-નરવાં હોય તો સંધાંય સુખદુઃખને પહોંચી વળાય. ઠાલો જીવ બાળ મા, બેન. તમે વરવહુ સાજા-નરવાં રિયો ને તનકારા કરો. બાકી નાણું તો કોણે કર્યું ? —માણહે પંડ્યે જ ને ? નાણાંને તો કૂતરાંય નથી સૂંઘતાં, નાણાં કરતાં સાચો મહિમા તો નેકીનો છે મારી બાઈ !’

⁠અને પછી ચંપાને ગેલમાં લાવવાના ઇરાદાથી હીરબાઈએ હોંશભેર પૂછ્યું:

⁠‘લગન હવે કે’દીનાં છે, બોલ જોઈએ ઝટ !’

⁠મકનજી મુનીમ એક વેળા રોટલા ટાણે આવી ચડેલો ને પિતાને વમળમાં નાખતો ગયેલો એ પ્રસંગ યાદ આવતાં ચંપાને કહેવાનું મન તો થઈ ગયું કે લગનની વાત પણ હવે તો ટોડલે ચડી છે — થાય ત્યારે સાચાં. પણ આવી અણગમતી વાણી ઉચ્ચારવા માટે એની જીભ જ ઊપડી શકી નહીં. હીરબાઈનો પ્રશ્ન રોળીટોળી નાખવા એણે સરળ જવાબ આપી દીધો.

⁠‘બાપુજીનો વિચાર મારાં ને જસીનાં લગન ભેગાં જ કરવાનો છે.’

⁠‘પણ જસીનું સગપણ તો હજી–’

⁠‘બાપુજી આજે જ કરવા ગયા છે.’

⁠‘ક્યાં ? કિયે ગામ ?’

⁠‘ઈશ્વરિયે,’ ચંપાએ કહ્યું.

⁠‘કોને ઘીરે ?’ હી૨બાઈએ કેવળ કુતૂહલથી પૂછી નાખ્યું. ઈશ્વરિયામાં હીરબાઈનાં સગાંવહાલાં ને નાતીલાં સારી સંખ્યામાં રહેતાં તેથી એ ગામ સાથે એમને આત્મીયતા હતી.

⁠‘દકુભાઈ શેઠનું નામ સાંભળ્યું છે ?’

⁠‘હં… ક… ને ઓલ્યા પરદેશ ખેડી આવ્યા છે ઈ જ ને ?’

⁠‘હા, તમે ઓળખતાં લાગો છો !’

⁠‘દકુશેઠને કોણ ન ઓળખે !’ હીરબાઈ જરા દાઢમાં બોલી ગયાં. પણ પછી એમને ખ્યાલ આવ્યો કે આવી વ્યંગવાણી કદાચ ચંપાને નહીં રૂચે તેથી એમણે વાક્યના ઉત્તરાર્ધમાં વાતનો ધ્વનિ બદલી નાખ્યો: ‘પરદેશથી ગાડા મોઢે નાણું ઉસરડી આવ્યા છે, એમ કહેવાય છે.’

⁠‘હા, એના દીકરા બાલુ વેરે જસીનું સગપણ—’

⁠‘બાલુ વેરે ? દકુભાઈના છોકરા વેરે જસીનું સગપણ ?’ ચંપાને અધવચ્ચે અટકાવીને હીરબાઈએ પોતાનું આશ્ચર્ય વ્યક્ત કર્યું.

⁠‘હા, કેમ ?’ ચંપાએ પણ સામું બમણું આશ્ચર્ય બતાવ્યું.

⁠‘દકુશેઠના છોકરા વેરે આપણી જસીબેનનું સગપણ થાશે, એમ ?’

⁠‘થાશે નહીં, થઈ ગયું જ હશે,’ ચંપાએ કહ્યું, ‘બાપુજી ને મનસુખમામા આજે સવારમાં ઈશ્વરિયે પૂગી ગયા છે. આજે બપોરના તો ગોળ ખવાઈ પણ ગયો હશે.’

⁠‘ખવાઈ ગયો હોય તો ખલાસ હવે.’

⁠‘કેમ ખલાસ બોલો છો ?’ ચંપાએ ચિંતાતુર અવાજે પૂછ્યું: ‘તમે દકુશેઠના દીકરાને ઓળખો છો ?’

⁠‘હું તો ઓળખતી નથી,’ હી૨બાઈ બોલ્યાં, ‘પણ અમારાં નાતીલાં સંધાય ઈ શેઠના છોકરાને સારીપટ ઓળખે છે.’

⁠‘છોકરામાં કાંઈ કે’વાપણું છે ?’

⁠‘કરમીના દીકરામાં કે’વાપણું બીજું શું હોય ? પણ… પણ…’ કાંઈ નહીં, કાંઈ નહીં. જેવાં આપણી જસીબેનનાં નસીબ —’

⁠‘સાચી વાત કરો, હીરીકાકી !’ ચંપાએ વધારે ચિંતાતુર અવાજે પૂછ્યું, ‘મનેય આજ સવા૨ની મનમાં ચિંતા તો થયા જ કરે છે કે, બાપુજીએ બહુ સારું ઠેકાણું તો નથી ગોત્યું.’

⁠‘સાચી વાત તો હું શું જાણું, મારી બાઈ ! આપણે કોઈ થોડાં નજરે જોવા ગયાં છીએ ?’ હીરબાઈએ કહ્યું, ‘આ તો હું અખાતરીજે ઈશ્વરિયે ગઈ’તી તંયે થોડાક ગામગપાટા સાંભળ્યા’તા—’

⁠‘શું ?’

⁠‘કિયે છે કે દકુશેઠના છોકરાની ચાલચલગત સારી નથી.’

⁠‘સાચે જ ?’

⁠‘કાનને દોષ છે, મારી બાઈ ! આપણે નજરે કાંઈ નથી જોયું. પણ સાંભળ્યું છે કે ઈ ઉઠેલપાનિયા છોકરે અમારી નાતની એક છોકરીની છેડતી કરી’તી… મોંસૂઝણાં મોર્ય લગવાનું દૂધ દેવા ગઈ તંયે ઈ છેલબટાવે ચાળો કર્યો’તો—’

⁠‘શું વાત કરો છો !’ ચંપા ચોંકી ઊઠી.

⁠‘સાંભળેલી વાત… નજરે જોવા નથી ગયાં. ગામગપાટા ખોટા પણ હોય,’ હોશિયાર હી૨બાઈએ પોતાનું વક્તવ્ય મોળું કરી નાખ્યું.

⁠ચંપા વ્યથા અનુભવતી રહી: ‘અરેરે… જરાક વહેલી ખબર પડી હોત તો ?… બાપુજીને કાને વાત નાખી હોત તો ફેર પડત… પણ મકનજી મુનીમની ને મોલિમનની કમાણીની વાતું સાંભળીને સહુ આંધળાભીંત થઈ ગયા. મનસુખમામા જેવા શહેરી માણસ પણ દકુશેઠની સાહ્યબી સાંભળીને મોહી પડ્યા… બિચારી જસીના કરમમાં કોણ જાણે કેવાં વીતક માંડ્યાં હશે !’

⁠વાત વાતમાં જ પોતે આ રીતે ચંપાને વમળમાં નાખી દીધી છે, એ હકીકતનું ભાન થતાં હીરબાઈ વિષયાંતર કરવા બોલી ઊઠ્યાં:

⁠‘અરે ? આ અંધારાં થવાં આવ્યાં તોય હજી ધણ ક્યાં રોકાણાં ? કે પછી ખાડા ઉ૫૨ દીપડો પડ્યો હશે ?’

⁠‘હમણાં કહે છે કે આપણી કોર્ય દીપડો બહુ હર્યો છે… સાચી વાત ?’ ચંપાએ પૂછ્યું.

⁠‘હા, તરભેટે બકરાં-સસલાંનું મારણ કરીને ખળખળડીમાં રોજ પાણી પીવા આવે છે.’

⁠‘પણ એભલકાકાના ડોબા ઉપર પડવાનું દીપડાનું ગજું નહીં.’ ચંપાએ અહોભાવથી હસતાં હસતાં કહ્યું. ‘એભલકાકા તો એક ડંગોરા ભેગો દીપડાને ગૂંદી નાખે.’

⁠‘પણ આજુ ફેરે મૂવે દીપડે લોહી ચાખ્યું લાગે છે,’ હીરબાઈએ કહ્યું, ‘હજી ચાર દન મોર્ય એક ગવતરીને ચૂંથી ખાધી’તી, ને હવે તો રોજ હરી ગયો છે. એકેય ડોબું છૂટું મેલાય એમ નથી.’

⁠હીરબાઈ આવી ફિકર કરતાં હતાં ત્યાં જ પાદરમાં રમવા ગયેલો બીજલ આવી પહોંચ્યો ને બોલ્યો:

⁠‘મા, મા, ધણ આવી ગયાં…ઝટ ખાટલો ઢાળો, ખાટલો.’

⁠‘કાં ? ખાટલાનું શું કામ પડ્યું વળી ?’

⁠‘બાપુને ખંધોલે ભાર છે, મને કીધું કે જા ઝટ, ખાટલો ઢળાવ્ય !’

⁠‘શું હશે ? કોણ હશે ? શું થયું હશે ?’ એવી ફિકર કરતાં કરતાં હીરબાઈ ઓરડામાં ગયાં ને ઝટ ઝટ ખાટલો ઢાળીને માથે ધોળીફૂલ ધડકી બિછાવી દીધી.

⁠ચંપા મૂંગી ઇંતેજારીથી આ બધું અવલોકી રહી.

⁠વાડાના ખુલ્લા બારણામાંથી ઢોર ધસારાબંધ અંદર ધસી આવ્યાં.

⁠એમની પાછળ ખભે બાંધેલી પછેડીની ફાંટના વજનથી સહેજ વાંકો વળી ગયેલ એભલ આહીર દાખલ થયો.

⁠આહીરાણીએ મૂંગા મૂંગા આંખના અણસા૨થી જ પતિને ઓરડામાં ખાટલા ભણી દોર્યો.

⁠ખંધોલે ભારેખમ ભાર ઉપાડીને થાકી ગયેલા એભલે ખાટલા ૫૨ પછેડીની ફાંટ છોડતાં છોડતાં જ શ્વાસભેર પત્નીને હુકમ કર્યો.

⁠‘ચૂલે દેવતા કરો, દેવતા… ને ખોરડેથી બેચાર નળિયાં ઉતારી લ્યો ઝટ. શેક કરવો પડશે.’

⁠‘છે શું પણ ?’ હીરબાઈએ ગભરાતાં ગભરાતાં પૂછ્યું.

⁠‘જુઓ આ !’ ખાટલા ૫૨ એક બેશુદ્ધ માનવશરી૨ને સુવડાવતાં એભલે કહ્યું.

⁠‘આ કોણ ?’ દૃશ્ય જોઈને હી૨બાઈ ધ્રૂજી ઊઠ્યાં.

⁠‘હું ક્યાં ઓળખું છું ?’

⁠‘ક્યાંથી લઈ આવ્યા ?’

⁠‘ખળખળિયાને કાંઠેથી,’ એભલે કહ્યું.

⁠આટલું સાંભળીને ચંપાની જિજ્ઞાસા વધતાં એ ઉંબરા નજીક આવી ઊભી.

⁠‘પણ જણ બોલતોચાલતો કાં નથી ?’ હીરબાઈએ પૂછ્યું.

⁠‘આમ, અવાચક જ પડ્યો’તો,’ એભલે કહ્યું, ‘હું ડુંગરની ધારેથી ઢોરાં લઈને ઊતર્યો ને ખળખળિયામાં પગ મેલવા જાતો’તો ત્યાં આંબલી નીચે કોક આડું પડીને સૂતું હોય એમ લાગ્યું. પે’લાં તો મને થયું કે કોક થાક્યોપાક્યો વટેમાર્ગુ પોરો ખાતો હશે. પણ આટલા અસૂરા પોરો ખાવાનું તો કોને પોસાય, એમ સમજીને હું જરાક ઓરો ગયો તો લાગ્યું કે, જણ ઊંઘતો નથી. ‘એલા ભાઈ ! એલા ભાઈ !’ બેચાર સાદ પાડ્યા પણ હોંકારો નો દીધો એટલે મને વેમ ગયો—’

⁠‘પછી ?’ હીરબાઈએ અધ્ધર શ્વાસે પૂછ્યું.

⁠ચંપા વધારે જિજ્ઞાસાથી નજીક આવી.

⁠‘પછી તો મારો જીવ હાથ નો રિયો એટલે મેં તો એને હલબલાવી જોયો પણ તોય હોંકારો નો દીધો એટલે પેટમાં ફાળ પડી. હાથપગ ટાઢાબોળ લાગ્યા એટલે થયું કે કદાચ રામ રમી ગયા હશે પણ તાળવે હાથ મેલ્યો તો જરાક તપાટ લાગ્યો ને નાક ઉપર આંગળી મેલી જોઈ તો ખોળિયામાં ધીમો ધીમો સાસ હાલતો’તો એટલે જણ હજી જીવતો છે એમ લાગ્યું…’

⁠‘એરુબેરુ તો નહીં આભડ્યો હોય ને ?’ હીરબાઈએ પૂછ્યું.

⁠‘મનેય મૂળ તો એવો જ વહેમ હતો, પણ એને ડિલે આખે નજર કરી તો વાંસામાં લાકડીઉના લીલા લીલા સોળ ઊઠી આવ્યા દેખાણા એટલે સમજાયું કે જણને સારીપટ મૂઢ માર લાગ્યો છે, બીજું કાંઈ બીક જેવું નથી. પણ એવી બીકાળી જગામાં આવા અજાણ્યા માણહને રેઢો મેલીને આવતાં મારો જીવ માન્યો નહીં. ઓલ્યો કૂતરો રોજ રાતે બકરાં-ગાડરાંનાં મારણ કરીને ખળખળિયામાં પાણી પીવા પડે છે ઈ કાળી રાતે આનો તો કોળિયો જ કરી જાય ને ! એટલે હું તો લાંબો વિચાર કર્યા વિના, ભગવાનને ભરોસે પછેડીની ફાંટમાં બાંધીને એને ભેગો લેતો આવ્યો છું…’

⁠‘ભલે લઈ આવ્યા,’ હીરબાઈએ કહ્યું, ‘લાગે છે તો કોઈ ઉજળિયાત વરણનો જીવ.’ અને પછી પુત્રને હુકમ કર્યો: ‘બીજલ બેટા, ખોરડે ચડીને નેવેથી બેચાર નળિયાં સાજાં જોઈને ઉતાર્ય…’ અને પછી ચૂલા તરફ ફરતાં બોલ્યાં: ‘લ્યો, હું નવો ઓબાર ભરીને શેક કરું તો મૂઢ મારનો નતોડ ઊતરી જાય–

⁠‘લાગે છે તો કોઈ ઉજળિયાત વરણ, પણ ડિલે જનોઈ કે ટીલાટપકાં નથી એટલે ભામણ તો નથી લાગતો,’ એભલે કહ્યું, ‘કદાચ વાણિયો વેપારી હોય.’

⁠‘કોણ છે, એભલકાકા ?’ કરતીક ચંપા ખાટલા સામે આવી ઊભી અને બેભાન અવસ્થામાં સૂતેલા માણસનું મોઢું જોતાં જ એ ડઘાઈ ગઈ.

⁠ચંપાએ સ્વયંસ્ફુરણાથી જ કપાળ પર ઓઢણીનો છેડો જરી ઓરો ખેંચ્યો.