વેળા વેળાની છાંયડી/૪. રંગમાં ભંગ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૪. રંગમાં ભંગ

બીજે દિવસે ઓતમચંદને ઘેર વધારે મહેમાનો આવ્યા. ખોબા જેવડું વાઘણિયું ગામ માણસોથી ઊભરાઈ ગયું.

⁠વાસ્તવિધિ સાથે મોટો જમણવાર પણ હતો તેથી ગામ આખામાં એક પ્રકારનું ચેતન ફેલાઈ ગયું. આખા પંથકના વછિયાતી વેપારીઓને ઓતમચંદે આ શુભ પ્રસંગે પોતાને આંગણે નોતર્યા હતા. બજારો અને શેરીઓ બહારગામના માણસોથી ભરચક્ક લાગતી હતી.

⁠ગામલોકોને આ પ્રસંગનું મોટામાં મોટું આકર્ષણ તો અલબત્ત, જમણવારનું જ હતું. ગામમાં ઓતમચંદ જેવા શ્રીમંતો તો આંગળીને વેઢે ગણાય એટલા જ હતા. બાકી ગામની વસ્તી એકંદરે ગરીબ જ હતી. તેથી જ ગરીબગુરબા તથા વસવાયાં સહુ આ મોટે ખોરડે થનાર જમણવારની રાહ જોતાં દાઢ કકડાવીને બેઠાં હતાં. મેડીનું વાસ્તુપૂજન મોટી ધામધૂમથી થવાનું છે એ સમાચાર ફેલાતાં આજુબાજુનાં ઉપરવાડિયાં ગામડાંમાંથી પણ માગણલોક મોટી સંખ્યામાં વાઘણિયામાં આવી પહોચ્યાં હતાં. બીજી રીતે શુષ્ક લાગતાં ગામવાસીઓનાં એકધારા જીવનમાં શ્રીમંતોને ઘે૨ થતાં આવાં જલસા-જયાફતો પણ રસનું સિંચન કરતાં હતાં.

⁠વહેલી સવારથી જ નવી મેડીમાં શરણાઈ-નોબત વાગવા માંડી હતી. દરવાજાની કમાન પર, બારણાની બારસાખે તેમજ ટોડલે આસોપાલવનાં તોરણ ટિંગાતાં હતાં. ગામનો શંભુ ગોર યજ્ઞકુંડની આજુબાજુ વાસ્તુપૂજન માટે પૂજાપાની સામગ્રીઓ ગોઠવી રહ્યો હતો.

⁠ઓતમચંદ પોતાના લગન વખતે સિવડાવેલો રેશમી ડગલો પહેરીને પૂજા માટે પાટલા ૫૨ બેઠો હતો. બાજુમાં બેઠેલી લાડકોરે પણ લગન વખતનું ઘરચોળું પહેર્યું હતું.

⁠બાજુના ૨સોડામાં જમણવા૨ની ધમાલ ચાલતી હતી, તેથી માણસોની અવરજવર વધી ગઈ હતી. પણ એમાં ક્યાંય દકુભાઈનાં દર્શન ન થતાં ઓતમચંદને આશ્ચર્ય થતું હતું.

⁠આ આશ્ચર્ય અવધિએ પહોચ્યું ત્યારે ઓતમચંદે મુનીમને નજીક બોલાવીને ચાલુ પૂજનવિધિએ પૂછ્યું:

⁠‘દકુભાઈ ક્યાં છે ?’

⁠ખંધો મુનીમ બોલ્યો: ‘મને ખબર નથી,’ અને પછી મર્મયુક્ત મુસ્કરાહટ કરીને ચાલ્યો ગયો.

⁠શંભુ ગોર શ્લોકો ગગડાવતો જતો હતો, ઓતમચંદ મૂંગો મૂંગો એ સાંભળી રહ્યો હતો, અને ગોર મહારાજ તરફથી જે જે વસ્તુના ‘સમર્પયામિ’ આદેશ મળે તે તે વસ્તુઓનું સમર્પણ કરતો જતો હતો. બધું યંત્રવત્ જ. ઓતમચંદનું ચિત્ત આ યજ્ઞવિધિમાં નહોતું ચોટતું.

⁠દકુભાઈની ગેરહાજરીએ ઓતમચંદને અકળાવી મૂક્યો હતો. બેચાર જણાને પૃચ્છા કરી જોઈ પણ કોઈ તરફથી સંતોષકારક જવાબ ન મળતાં એ નાસીપાસ થયો. આવા શુભ પ્રસંગે પોતાના સગા સાળાની ગેરહાજરી સહેતુક હોવા અંગે ઓતમચંદને અંદેશો ઊપજ્યો.

⁠આ બધા સમય દરમિયાન સમજુ લાડકોર એકધારું મૌન જાળવી રહી હતી. પણ પૂજનવિધિએ જ્યારે ઓતમચંદે દકુભાઈ અંગે વધારે પડતી પૂછગાછ ક૨વા માંડી ત્યારે લાડકોરથી ન રહેવાયું. પોતાના સ્વભાવ પ્રમાણે એણે પતિને પ્રેમાળ પણ મક્કમ અવાજે મીઠો ઠપકો આપ્યો:

⁠‘તમે મૂંગા રિયો ને ! પૂજા ક૨વા ટાણે તો જીવને શાંતિ રાખો !’

⁠‘પણ દકુભાઈ ક્યાંય દેખાતો નથી !’

⁠‘દેખાશે એની મેળે… ક્યાંક આઘોપાછો ગયો હશે, જરાક—’ લાડકોરે મર્મવાણી ઉચ્ચારી અને ફરી એ જ મીઠાશભર્યો અવાજે આદેશ આપ્યો: ‘હવે પૂજા ટાણે બહુ બોલ બોલ કરો મા, ને ગોર મા’રાજ કહે તેમ કરતા જાઓ.’

⁠પ્રેમાળ પત્નીની આ આજ્ઞાને આધીન થયા વિના ઓતમચંદને હવે છૂટકો જ નહોતો. એ મૂંગો તો થઈ જ ગયો-બોલ બોલ બંધ કરી દીધી. પણ એનું ચિત્ત અસ્વસ્થ થઈ ગયું. દકુભાઈની ભેદી ગેરહાજરીએ ઓતમચંદના મનમાં અનેકાનેક આશંકાઓ ઉત્પન્ન કરી.

⁠વાસ્તુવિધિ આગળ વધતો ગયો અને જેમ જેમ શંભુ ગોરને મોઢેથી ‘સમર્પયામિ’ના સૂત્રોચ્ચાર વધતા ગયા તેમ તેમ ઓતમચંદના મનમાં આ આશંકાઓ વધારે ને વધારે પ્રબળ બનતી ગઈ. પણ પડખે બેઠેલી પ્રેમાળ પત્નીએ આપેલો મૌન જાળવવાનો આદેશ એવો તો અસરકારક નીવડેલો કે લાડકોરની આજ્ઞા કદાપિ ન ઉથાપનાર ઓતમચંદ અત્યારે પણ એ આજ્ઞાનું ઉલ્લંઘન કરી શક્યો નહીં.

⁠પૂજનવિધિ પૂરો થયો અને ગોર મા’રાજે ઊભા થવાની છૂટ આપી કે તરત જ ઓતમચંદે હાક મારી: ‘બાલુ !’

⁠પણ બાલુએ ક્યાંયથી હોંકારો ન દીધો. ફરી ઓતમચંદે હાક મારી અને આજુબાજુ ઊભેલા માણસોને પૂછ્યું: ‘બાલુ ક્યાં ગયો ?’

⁠‘હમણાં ઘર ઢાળો જાતો જોયો,’ એક ખેડૂતના છોકરાએ કહ્યું.

⁠ઓતમચંદનો વિચાર દકુભાઈને બોલાવવા માટે બાલુને દોડાવવાનો હતો, પણ બાલુ પોતે પણ ઘેર ગયો છે એમ જણાતાં તરત એમણે એક કણબીને કહ્યું: ‘ટપૂ, જા ઝટ, ઘેર જઈને દકુભાઈને તેડી આવ.’

⁠દકુભાઈની હાજરી માટેનો પતિનો આ વધારે પડતો ઉત્સાહ જોઈને લાડકોર મનમાં જરા ખિજાતી હતી, પણ કશું બોલી શકતી નહોતી. વળી, એ એક પ્રકારની મૂંઝવણ પણ અનુભવી રહી હતી. દકુભાઈ અત્યારે શા માટે ગેરહાજર છે એનું કારણ લાડકોર તો જાણતી જ હતી. પણ પતિને એ અંગે વાકેફ કરતાં એ અચકાતી હતી. સાળાની ગેરહાજરીથી ઓતમચંદ આટલા બધા અકળાઈ ઊઠશે એવી તો લાડકોરને કલ્પના પણ નહોતી.

⁠લાડકોર કામે વળગી પણ કામમાં એનું ચિત્ત ચોટ્યું નહીં.

⁠દરમિયાન દકુભાઈને તેડવા ગયેલા ટપૂ કણબીએ આવીને ઓતમચંદને સમાચાર આપ્યા:

⁠‘દકુભાઈને સુવાણ નથી એટલે સૂતા છે. એણે કીધું છે કે મારી વાટ જોજો મા.’

⁠પડખેના ઓરડામાં લાડકોરે આ વાક્ય સાંભળ્યું અને સગા ભાઈની આવી વિચિત્ર વર્તણૂક જાણીને એ મનમાં ને મનમાં સળગી રહી.

⁠હવે લાડકોરને લાગ્યું કે પતિને સાચી હકીકતની જાણ કરવાની જરૂ૨ છે. જે વાત વહેલી કે મોડી છતી થયા વિના રહેવાની જ નથી એને હવે છુપાવવાનો નિષ્ફળ પ્રયત્ન શા માટે કરવો ? આમ વિચારીને લાડકોર બહાર ઓશરીમાં આવી ત્યાં તો મકનજી મુનીમે કહ્યું:

⁠‘શેઠ તો ગયા દકુભાઈને ઘેર… પગમાં પગરખાં પહેરવાનુંય ભૂલી ગયા…’

⁠લાડકોર મૂંગી મૂંગી સાંભળી રહી. મુનીમ વધારે મર્માળાં વાક્યો ઉચ્ચારતો રહ્યો:

⁠‘પગરખાં તો ભુલાઈ જ જાય ને ! દકુભાઈ પથારીએ પડ્યા છે એમ સાંભળ્યા પછી શેઠનો જીવ કેમ હાથ રહે ?’

⁠મુનીમ આ બધું દાઢમાંથી બોલે છે એ સમજતાં ચતુર લાડકોરને વા૨ ન લાગી. મુનીમ અને દકુભાઈ મૂળથી જ મળતિયા હતા એ હકીકત લાડકોર જાણતી હતી. અને આજે સવારે બની ગયેલ બનાવની પણ દકુભાઈએ મુનીમને જાણ કરી દીધી છે. દકુભાઈની ગેરહાજરીનું કારણ મુનીમની જાણ બહા૨ નથી જ, એ વાત લાડકોર પામી ગઈ.

⁠અને સવારના પહોરમાં બનેલા એ અઘટિત બનાવ બદલ લાડકોર વ્યથા અનુભવી રહી. એનું વ્યથિત હૃદય પોતાના વર્તન બદલ થોડી વિમાસણ અનુભવી રહ્યું. આજના મંગલ પ્રસંગે આવો અઘટિત બનાવ ન બન્યો હોત, પોતે ભોજાઈ સમક્ષ જે આકરાં વેણ બોલી નાખ્યાં એ ન બોલાયાં હોત તો સારું હતું એમ લાંબો વિચાર કરતાં લાડકોરને લાગ્યું.

⁠પણ હવે શું થાય ? લાડકોરનાં એ આકરાં વેણ તો પણછમાંથી તીર છૂટે એમ છૂટી ગયાં હતાં. છૂટેલું તીર પાછું ખેંચી શકાય તો જ બોલાયેલાં વેણ પાછાં વાળી શકાય. છૂટેલાં વેણે પણ જે હોનારત સર્જાવાની હતી એ તો સર્જી નાખી હતી, હવે તો એના પ્રત્યાઘાતો જ ભોગવવાના રહ્યા હતા.