વેવિશાળ/કામે લાગી જા!

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કામે લાગી જા!

મોડી રાતે ખુશાલભાઈ અને સુખલાલના પિતા પાછા ફર્યા. માળાના બારણા સુધી દેકારા બોલાવતી આવેલી ખુશાલની જીભ અને એના જાડા જેતપુરી બૂટ પહેલા દાદર પરથી જ ચૂપ બન્યાં. ઘસઘસાટ સૂનારો એ પોતે બીજાઓની નીંદ પ્રત્યે પણ ઘણો જતનવાન હતો. દાદર પછી દાદર વટાવતા ગયા, નસકોરાંની નવનવી બંસીઓ સંભળાતી ગઈ, અને કેટલીએક ઓરડીઓમાં મુંબઈની બાફ જેમનાં બિછાનાંનો શેક કરી રહી હતી, તેઓનો પાસાં ફેરવવાનો અને કાગળનાં પૂઠાં વડે વીંજણો ખાવાનો પણ સંચાર સંભળાતો હતો. કાપડ-માર્કિટની પીઠમાં હારબંધ ઊભેલાં પેશાબખાનાં આ બફાયેલી હવા ઉપર પોતાની બદબોનો બોજ લાદી રહ્યાં હતાં. વાયુની પીઠ જાણે કે એ દુર્ગંધની ગાંસડીઓ હેઠળ ભાંગી પડી હતી. ચોથા માળ પરની હવા એ પેશાબખાનાના પંજામાંથી જાણે મુશ્કેલીથી છટકીને છુપાઈ રહી હતી. ધરતી પરની એ બદબોના ફૂંફાડાએ ખુશાલની ઓરડીને પણ છેક જ કોરી નહોતી છોડી દીધી. છતાં નસકોરાંના અવાજ બાતમી દેતા હતા કે સુખલાલ ગહેરી નીંદરમાં લપેટાઈ ગયો છે. એ નસકોરાંના નાદમાંથી ખુશાલે સુખલાલનાં ફેફસાંની સંપૂર્ણ તંદુરસ્તી ઉકેલી કહ્યું કે `ફુઆ, આને હવે નખમાંય રોગ નથી.' સવારે જાગેલા સુખલાલે પણ પહેલી વધાઈ એ દીધી કે થોરવાડથી આવ્યે છ મહિના થયા, એમાં આવી નીંદર પહેલી જ વાર મળી. `થઈ જા ત્યારે તૈયાર, સુખા!' ખુશાલે કહ્યું. `શેના માટે?' `આપણી સાથે પિત્તળ-ઍલ્યુમિનિયમનાં ઠામડાંની ફેરી કરવા માટે. તારે પોસાય તો રોજના રોકડા રૂપિયા બે ઉપાડી લે, ને હિંમત હોય તો વેચાણ કરી લાવ તેને માથે કમિશન લઈ લે. તારે સાંજે ઘેર આવ્યા પછી કોઈના બાપની સાડીબાર નહીં. ઉપર પાછી લટકામાં આંહીંની જ ઊંઘ તારે રોજ લેવી. તારી ભાભી ગઈ છે સુવાવડ કરવા : બાર મહિના સુધી પાછી તેડાવે ઈ બેટ્ટા! ભાદરનાં પાણી પી કરીને, જે દી ભાદરની પાંચ હેલ્ય ખેંચવાના વાવડ આપશે તે દી પાછી મુંબઈમાં લાવવી છે.' `હું તૈયાર છું.' રોજના રૂપિયા બેનું વેતન સાંભળી સુખલાલના કલેજાની રહીસહી નબળાઈ પણ જતી રહી. `રોજની ત્રણ-ચાર ગાઉની ટાંટિયાતોડ થાશે, પણ ડરીશ નહીં તો એક જ મહિનામાં ધરતી તારા પગ હેઠળ ખમા ખમા કરવા માંડશે, હો સુખા!' સુખલાલના પિતા બહાર રવેશમાં દાતણ કરતા હતા. તેમને આ મશ્કરી ચાલતી લાગતી હતી. એ મોં ધોવા નળ ઉપર ગયા એટલે સુખલાલે ખુશાલભાઈનો હાથ ઝાલ્યો. પૂછ્યું : `સાચું જ કહો છો ને, ભાઈ?' `તારી મશ્કરી હું ન કરું.' `તો મારા બાપાને કહેજો હો, મને કોઈ બહાને પાછો દેશમાં ન લઈ જાય.' બોલતો બોલતો સુખલાલ જાણે કે પિતાના આગ્રહથી ને મરતી માતાની કલ્પનામૂર્તિની કાકલૂદીથી, નાની બહેનના નાના નાના કૂંણા હાથના આકર્ષણથી ને બીજી અનેક લાગણીઓથી ઘર તરફ ઘસડાઈ જવાની બીકે ખુશાલના હાથે બાઝી પડ્યો. એ ખડો થયો. એણે કહ્યું : `ખુશાલભાઈ, મને નખમાંય રોગ નથી. મારે સૂઈ નથી રહેવું. મને કોઈ રીતે તમારી સાથે લઈ જાવ.' એ ઊભેલી સ્થિતિમાં હતો, ત્યાં પિતા મોં ધોઈને આવ્યા. એણે ફાળ ખાઈને કહ્યું : `પણ તું ઊઠ્યો કાં, ભાઈ? આવી મૂરખાઈ કાં કર?' `પણ મને કાંઈ નથી.' `તું ડાહ્યો કે તારી નરસ ડાહી? તું સમજ કે એ સમજે? એણે શું તારે માથે દાઝકે અદાવત રાખીને કહ્યું હશે મને, કે તુંને ઊઠવા જ ન દેવો?' `તો હાલો એને મોઢે થાવા. હવે તો એના હાથમાંથી મારો છૂટકો કરાવો!' સુખલાલના કંઠમાં કઈ જાતનો કચવાટ હતો? લીના પર દાઝહતી? કે લીનાને ફરી એક વાર મળવાની છૂપી ઝંખના હતી? ખુશાલે કહ્યું : `આ નરસ તે કોણ છે નવીનવાઈની? દાકતરો કરતાં વધુ ડાહીલી કોણ નીકળી છે આ? હાલો, હું આવું એની પાસે. મને સમજી લેવા દ્યો, આવી ભડક વળગાડવામાં એને શો સવારથ છે.' બાપાએ કહ્યું : `હાલો, મારેય ત્યાં આંટો જવું છે.' એને એનું વચન પાળવું હતું. ત્રણે જણા ગાડી કરીને હૉસ્પિટલ પર ગયા. લીના ત્યાં નહોતી. મહેતરાણીઓ અને વૉર્ડ-બૉય મળ્યા; ખબર મળ્યા કે લીનાબાઈને તાવ ચડ્યો છે, એ નોકરી પર હાજર નથી થઈ શક્યાં. દરવાને સુખલાલને આગલા દિવસના સમાચાર આપ્યા : કોઈ બે બાઈઓ મોટર લઈને તમારી ખબર કાઢવા આવી હતી; તમારો પત્તો માગતી હતી; એક બાઈ જુવાન ને શામળી હતી : જે અગાઉ એક વાર આવેલી, ને બીજી બાઈ મોટી ઉંમરની હતી : ગૌર વર્ણ હતો; આંહીં સૌને જબરદસ્તીથી રૂપિયા પાંચની બક્ષિસ વહેંચી ગઈ; લીનાબાઈએ રૂપિયા હાથમાં પણ ન ઝાલ્યા વગેરે વગેરે. સુખલાલે અને પિતાએ પરસ્પર નજરો નોંધી. પિતા-પુત્રની શાંત આંખો વચ્ચે ઝૂલતા દોર પર બે સ્ત્રીઓ હીંચકા ખાઈ રહી હતી. સામસામા પૂછવાની જરૂર નહોતી; બંને સમજી ગયા કે કોણ હશે. એ સહેલી સમજણનું કારણ હતું. પુત્રના બિછાના પાસે રાતદિવસ બેસીને બાપે કેટલાએક પ્રશ્નો પૂછી લીધા હતા. તેના પુત્રે દીધેલા જવાબોમાં કોમળ ઝંકાર હતા. સુખલાલે જે ભાંગીતૂટી વાત કરી હતી, તેનાં ચોસલાં બંધબેસતાં કરીને બાપે અનુમાન બાંધ્યું હતું કે સુશીલા દવાખાને આવી ગઈ હતી; સુશીલા વિશેની વધુ પૂછપરછ જ્યારે જ્યારે કરેલી ત્યારે ત્યારે બાપે પુત્રના શરમથી મૂગા રહેલા ચહેરા પર પણ સળવળતી પ્રેમ-વાણી, આશાની ને ઉમેદોની વાણી, ભીની ભીની દિલસોજીની વાણી વાંચી હતી. `ઈ વળી કોણ બે જણિયું મોટરવાળિયું?' ખુશાલની પણ બત્રીશી ખડ ખડ થઈ. `નરસ બાઈને તો ત્યારે આજ નહીં જ મળાય ને?' પિતાએ દરવાનને પૂછ્યું. દરવાને અશક્યતા બતાવી. `ફિકર નહીં, હાલો હાઉસ-સર્જન પાસે,' કહીને ખુશાલે બેઉને ઉપાડ્યા. અનેક રોગીઓને વારંવાર મૂકવા-લેવા આવતો ખુશાલ અજાણ્યો નહોતો. હાઉસ-સર્જને એને કહ્યું : `આ ભાઈને કશું જ રોગનું ચિહ્ન નથી રહ્યું. એને છૂટથી કામ કરાવો.' `પણ નરસ…' સુખલાલના પિતાના એ શબ્દો સામે હાઉસ-સર્જને હસીને કહ્યું : `અમારી લીના ને? એને બિચારીને એવી ટેવ જ છે. એના કહેવા પર દોરવાશો નહીં. એ તો અમને સૌને પીટે છે.' પિતા હારેલા માણસ જેવો ખસિયાણો પડી ગયો. એણે છેલ્લું તરણું ઝાલ્યું : દાક્તરને પૂછ્યું, `એને હવાફેરની જરૂર તો ખરી ને?' `એને જરૂર છે એક જ : મન મજામાં રહે એવા કોઈ કામે લગાડી દો.' પિતાનો વિશેષ પરાજય થયો. ખુશાલે, દાકતરે અને દીકરાએ ત્રણેએ પોતાનો ગંભીર ગુનો કર્યો હોય તેવા દુભાયેલા ચહેરે એણે દવાખાનું છોડ્યું.