વ્યાજનો વારસ/અજર–અમર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અજર–અમર

મેઘલી રાત ગટાટોપ જામી હતી. સારી પેઠે રેડો પાણી પડી ગયા પછી દેડકાના ડ્રાંઉ ડ્રાંઉ અવાજો સાથે તમરાંના તમતમ સ્વર ખાળ–પરનાળોમાંથી પડતા પાણીના ધોરિયાઓ સાથે મળી જતા હતા.

‘સરુપકુમાર’નુ ચિત્ર લગભગ પૂરું કરીને ઊભી થયેલી સુલેખાની આંખમાં નીંદ નહોતી.

દૂર દૂરથી શરણાઈના ઘૂંટાયેલા અવાજો આવતા હતા.

‘રઘી, આ આ આડે દિવસે શરણાઈ શાની વાગે છે ?’

‘બહેન !’ રઘીએ સુલેખા સાથે બહેનનો જ વ્યવહાર રાખ્યો હતો : ‘એ તો પછવાડે કણબીવાડમાં ડાકલાં બેઠાં છે. એક માણસને ધુણાવવા સારુ લગનનાં ગીત ગાઈને સામૈયાની શરણાઈ વગાડવી પડે છે.’

‘ધુણાવવા માટે શરણાઈ ?’ સુલેખા માટે આ અનુભવ નવો જ હતો : ‘કોને ધુણાવવાનું છે ? અને કોણ...!’

‘એક છોકરીને ધુણાવવી છે. ને એના પિતરુને સરમાં લાવવા છે. એના પિતરુને શરણાઈ બવ વા’લી છે. શરણાઈ સાંભળે કે ઝટ સરમાં આવી જાય.’

‘એનું કારણ શું ?’ ​ ‘આપણે તો કાંઈ જાણતા નથી, પણ કહેવાય છે કે એના પિતરુનો શરણાઈમાં જીવ રહી ગયો છે. એટલે, શરણાઈ સાંભળે કે તરત હક હક હક કરતાં સરમાં આવી પૂગે.’ રઘીએ ધૂણવાનો લહેકો પણ કરી બતાવ્યો.

‘એવું તે વળી શું કૌતુક હશે ?’

‘કૌતુકબૌતુકનું આપણે તો કંઈ જાણતા નથી, પણ ગામ વાતું કરે એ સાંભળીએ. કહે છે કે એના પિતરુનાં અંતરિયાળ મોત થ્યાં તાં ને એમાંથી શૂરાપૂરા થ્યા.’

‘એમ કે ?’ સુલેખાએ વાતમાં રસ બતાવ્યો.

‘હા બહેન ! એક જાન પરણીને પાછી વળતી હતી, કોક ઠેકાણે ટાઢો છાંયડો ને વાવ દેખીને ટીમણ કરવા બેઠી...’

‘પછી ?’

‘પછી તો ટીમણ કરીને સૌ થ્યાં તરસ્યાં. વાવમાં ઊતરી ઊતરીને જાનૈયા ગયા પાણી પીવા. વરરાજાએ હઠ લીધી કે હું પણ વાવ જોવા આવું. એ પણ પરાણે ભેગા ગયા. હવે થાવાકાળ છે ને, તે વાવનાં પગથિયાં હતાં લપટણાં. આદુકાળની બંધાવેલ વાવનાં પગથિયાં તો ઘસાઈ જ ગયાં હોય ને ? વરરાજાનો પગ લપટ્યો ને સીધા, માથોડાંમોઢ ગળકાં લેતા ભમરિયા પાણીમાં. ભેખડની કોક બોખમાં સલવાઈ ગયા, તે કેમે કર્યા હાથ આવ્યા જ નહિ....’

‘પછીથી એની પરણેતરનું શું થયું ?’ સુલેખાએ અધીરપથી પૂછ્યું.

‘કન્યા ને લૂણાગરી તો વાંહે ગાડામાં બેઠાં બેઠાં વરરાજાની ને જાનૈયાની વાટ જોઈને જોઈને થાક્યાં એટલે કન્યા પણ બધોય મોભોમલાજો મૂકીને વાવ ઢાળી ધોડતી ગઈ. જઈને સંધુંય જોતાંવેંત કન્યા પણ ભફાકો મારીને વાવમાં ખાબકી. ધણીનું મોત ​એનાથી ન જીરવાયું. જાનૈયા તો ઘાંઘા થઈ ગ્યા. લુણાગરી છોકરી પણ ભાઈ–ભાભીની વાટ જોઈને, બોલાશ સંભળાતો હતો એ દિશા કોર હાલવા માંડી. જઈને જુએ છે તો ભાઈનો સાફો ને ભાભીનું પાનેતર વાવનાં લીલા કાચ જેવાં પાણીમાં તરે છે ! છોકરી પણ આંખ મીંચીને ભાઈ–ભાભી ભેગી વાવના ગોઝારા બોખમાં જઈ સૂતી. આમ ત્રણ જીવ ઘડીક વારમાં નંદવાઈ ગયા....’

સુલેખાના મોંમાંથી સિસકારો નીકળી ગયો : ‘પછી શું થયું એ કહે !’

‘જાનમાં કાળો કકળાટ બોલી ગયો. સહુનાં મોં ઉપરથી નૂર ઊડી ગયાં. ઘેરે સહુ સામૈયાંની તૈયારી કરીને બેઠાં તાં... ઓચિંતાં જ એક સાચક ડોસીના સરમાં વર–કન્યા ને લૂણાગરી આવ્યાં ને બોલ્યાં કે તમતમારે વાજતેગાજતે સામૈયાં કરો અમે નાગ–નાગણીનાં જોડલાં થઈને બાજઠ ઉપર ઊભાં રેશું....’

‘વાહ ! સરસ !’ સુલેખા બોલી.

‘બહેન, જેના કપાળમાંથી કંકુ નથી સુકાણાં એવા વરઘોડિયાંનો જીવ તો રહી જ જાય ને ? સામૈયાં માણવાં કોને ન ગમે. ઘરનાં માણસોએ તો સાચક ડોસીના કહેવા પ્રમાણે ‘મારા છોગલાને છેડે હાલી આવ્ય, રાયજાદી રે !... લાલ છેડો લટકા કરે !’ કરીને સામૈયાં કર્યાં ને બાજઠ ઉપર નાગ–નાગણી આવીને ઊભાં રિયાં એને પોંખી લીધાં… આ લ્યો તે દીથી એ પિતરુ શૂરોપૂરો થ્યો છે. ને શરણાઈ સાંભળીને સરમાં આવી ઊભો છે.’

વાત પૂરી કરીને રઘી ઘોંટી ગઈ.

પણ સુલેખાને તો એ શરણાઈના સૂર વધુ ને વધુ સણકો બોલાવતા હતા સામેની ભીંતે પડેલ ચિત્ર તરફ નજર કરતી કે તરત એની આંખ સામે રિખવ આવીને ઊભો રહેતો હતો.....

રાતના પ્રહર ઉપર પ્રહર પસાર થતા જતા હતા. પણ ​ રિખવની સ્મૃતિઓની સતામણી આડે સુલેખા જંપી શકતી નહોતી.

મોડી રાત્રે રઘી જાગી જતાં સુલેખાને ચિત્રની સન્મુખ બેઠેલી જોઈ.

‘અટાણ સુધી શું કરો છો, બહેન ?’

‘તેં કહેલી વાત ઉપર વિચાર કરું છું !’

‘કઈ વાત ?’ રઘીને ખ્યાલ પણ નહોતો રહ્યો કે પોતે થોડા સમય પહેલાં એક ભયંકર કથા કહીને સુલેખાની ઊંઘ લૂંટી લીધી હતી.

‘ઓલ્યાં વાવમાં પડી ગયેલાં વરકન્યા ને લૂણાગરીની વાત. શરણાઈ સાંભળીને હાજર થતા શૂરાપૂરાની વાત.’

‘હાય હાય ! એવી વાત યાદ રાખવાની હોય ? એવું તે કોઈ દી બનતું હશે કે નાગ–નાગણી બાજઠ ઉપર ઊભાં રહે, ને એનાં પોંખણાં થાય ? આ તો શૂરાપૂરાની વાતું કહેવાય એને સાચી ન મનાય હો મોટી બહેન !’ રઘીને વાત કહ્યા બદલ હવે વસવસો થતો હતો.

‘એ વાત સાચી હોય કે ન હોય. પણ ભુલાતી નથી.’ સુલેખાએ કહ્યું,

‘ઓય મારાં બહેન ! આવી વાતું તો અમથી સમજવાની હોય, સાચી માનવાની ન હોય... આ તો, ઓલી એક કથામાં આવે છે એમ–

...દીના કાંઈ દેખાય નંઈ, રાતે હોય રંગમોલ;
કરતાં બેઉ કલ્લોલ, ભળકડે ભડકા બળે...

‘એના જેવું છે... એને સાચું માનજો માં.’

‘એ કઈ કથા વળી ?’ સુલેખાનું કુતૂહલ વધતું જતું હતું.

‘કાં ? ભૂલી ગયાં ? પદ્માવંતી ને માંગડાની કથા. ‘વડલા તારી વરાળ, પાને પાને પરઝળી, કિસે જંપાવું ઝાળ, મને ભડકા લાગે ભૂતના !’ વાળી વાત. માંગડો ભૂત પદ્માવંતીને પરણીને વચન ​ પ્રમાણે વડલામાં ભરાઈ ગયો... એને લોચનિયેથી લોહી ઝરે... પણ પદ્માવંતીનો સાચો સ્નેહ જોઈને માંગડો વડલેથી નીચે ઊતરીને રોજ રાતે રંગમોલ રચતો. પણ ભળકડું થાતાં પાછો ભડકો થઈને વડલામાં ભરાઈ જતો. માંગડોય ગૌધણ વાળવા જાતાં વડલામાં શિરપેચ અટવાતાં કમોતે મરી ગયો તો...’

રઘી તો ફરી હુતાશન પેટવીને ઊંઘી ગઈ.

પણ સુલેખાને તો ચિત્રમાંની રિખવની મૂર્તિ સતાવે છે... રાત ભાંગતી જાય છે.

સુલેખા આ આભાસ અંગે વિચારે છે. વર્ષો પહેલાંની આવી જ એક ગડમથલ યાદ આવે છે : મૃત પતિની વ્યક્તિમત્તામાં શું અલ્પાંશ પણ ચિરંજીવી છે ? હા, હોય પણ ખરો. આવા વિલાસમૂર્તિ રિખવ શેઠમાંથી રસના ઉપાસક રસ–ભોગી રિખવ જેટલો ટુકડો મારે માટે કદાચ ચિરંજીવી નીવડે પણ ખરો.

ફરી ચિત્ર સામે નજર કરે છે અને પોતાની આવી મુગ્ધ માન્યતા અંગે શ્રદ્ધા ઉપજે છે !

એ શ્રદ્ધાથી મત્ત બનતાં, સુલેખા જરા જંપી ગઈ.

એકાદ પ્રહર પછી એ જાગી ઊઠી.

દૂરદૂરથી સંભળાતા શરણાઈના સૂર વધારે ઘૂંટાયેલ આવતા હતા.

દૃશ્ય જોઈને સુલેખા હેબતાઈ ગઈ.

‘કોણ ?’

‘હું રિખવ ! મને ન ઓળખ્યો ? જીવતા માણસને શેં ભૂલી જાઓ છો ?’

બારી બહાર ઊભેલી વ્યક્તિના હાથમાં ખાલી જામનો પ્યાલો હતો.

‘રિખવ તો ઘણાં વર્ષ પહેલાં મૃત્યુ પામેલ...’

‘હા, એ પછી જ ખરું જીવન શરૂ થયું છે...’

‘હું ન માનું !’ ​ ‘માનવું પડશે. હું મૃત્યુ પામી જ ન શકું. જુઓ, આ જામ અધૂરો છે... મારે તમારા મુખોચ્છ્‌વાસથી વિકમ્પિત થયેલ મધુ જોઈએ.... એ જામ, એ લબ અને એ બોસા...!’

‘હજી પણ એની એ જ વાત.....?.....?’

‘હા, હવે તો એ જરૂરિયાત અસહ્ય બને છે.’

ભળકડું થવા આવ્યું હતું પણ આકાશમાં વાદળાં એવાં તો ઘટાટોપ જામ્યાં હતાં કે પો ફાટવાનાં ચિહ્ન જણાતાં ન હતાં. ફક્ત ચિરજાગૃત કૂકડાઓ પોતાની સમયભાનની સમજથી પરોઢના નેકી–પોકાર પાડી રહ્યા હતા.

સુલેખાનું હૃદય ઉષાની તાજગી અનુભવી રહ્યું હતું છતાં હજી એને રિખવના અજરામર૫ણા અંગે ઊંડે ઊંડે થોડી શંકા હતી.

‘ખરેખર તમે જીવતા છો ?’

‘હું મૃત્યુ પામી જ કેમ શકું ?... મારો આત્મા હજી અહીં છે આ સ–કલંક મયંક જેવી મુખાકૃતિમાં, આ બાળા–યોગી જેવા બાળનાથમાં – આ સરૂપકુમારના ચિત્રમાં; આત્માને માર્યા વિના માણસનું મોત થાય કદી ? આ મકાન અને મેડીના પથ્થરેપથ્થરમાં મારો આત્મા છે, એ વચ્ચે હું ચિરકાળ ભમ્યા કરીશ.

સુલેખા આગળ વધી.

‘હાં !...હાં ! દૂર જ ઊભજો. આ આગના ભડકા સાથે બાથ ભીડવાની બેવકૂફી ન કરશો કદી... બળીને ખાખ થઈ જશો.’

‘ભલે પરવા નથી. એ આગમાં ખાખ થતાં પણ પરમાનંદ પામીશ.’

સુલેખાની આંખો સામે વર્ષો પૂર્વેનો પ્રસંગ રમતો હતો. એ જ કાન્તિ, એ જ લાવણ્ય, એ જ રેખામાધુર્ય અને સુન્દરતા ! એનું આલિંગન અને ચુંબન...કોઈક અણદીઠ બળથી પ્રેરાઈને ​એ આગળ વધી.

પણ આગંતુક તો તે પહેલાં જ અંધારામાં અલોપ થયો હતો.

છેક મધરાતથી તોળાઈ રહેલો મેઘ અનરાધાર તૂટી પડ્યો; અને સાથે, વર્ષોથી સંચિત થયેલાં અને પાંપણની પાળ ઉપર તોળાઈ રહેલાં સુલેખાનાં આંસુ પણ.

*
* *