વ્યાજનો વારસ/ચારુદત્તને ચીલેચીલે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ચારુદત્તને ચીલેચીલે

દરમિયાનમાં રિખવની રસિકતા તો દિવસે દિવસે બહેકતી ચાલી હતી, જૈનસાહિત્યનાં આગમો તેમ જ સંસ્કૃતમાં ધર્મગ્રંથોનું શિક્ષણ આપવા માટે રોકેલા શાસ્ત્રી માધવાનંદ પાસેથી એણે શૃંગારના રસસ્વામી કાલિદાસનો પરિચય કર્યો; પણ મેઘદૂત અને શાકુન્તલના સેવનથી એની રસવૃત્તિ સાત્વિક બનવાને બદલે રાજસી થતી ગઈ. મૃચ્છકટિક અને સ્વપ્નવાસવદત્તે રિખવની અકાળે ઊઠેલી વાસનાઓને વકરાવી મૂકી.

સંગીતના શિક્ષણ માટે આભાશાએ ઉસ્તાદ અયુબખાન અને બારોટ ખેમરાજને રોક્યા હતા. ઉસ્તાદજી જુદાં જુદાં તંતુવાદ્યો અને રાગરાગિણીઓનું શાસ્ત્રીય જ્ઞાન આપતા અને બારોટ દહેરાસરમાં પ્રતિમાજી સામે ગાવાનાં સ્તવન તેમ જ પૂજાઓનાં ગીતાના ઢાળ બેસાડી આપતા. આભાશાના જીવનની મોટામાં મોટી ઈચ્છા વિમલસૂરીના સૂચન પ્રમાણે ઉત્તરાવસ્થામાં નિવૃત્તિ લેતાં પહેલાં રિખવને બધો કારભાર સોંપતી વેળા સાધુસાધ્વી શ્રાવક તેમ જ શ્રાવિકાઓ ચાતુર્વિધ સંઘ કાઢીને ગિરનાર ઉપર નેમિનાથની પ્રતિમા સમક્ષ રિખવને હાથે મહાપૂજા ભણાવીને પ્રતિમાજીને સવા લાખ રૂપિયાનો હાર પહેરાવવાની હતી. પરસાળમાં અથવા બેઠકના ઓરડામાં જ્યારે સંગીતશિક્ષક પાસે બેસીને રિખવ એના સુમધુર કંઠે ગાતો હોય ત્યારે ત્યાંથી પસાર થતા આભાશા એક દિવાસ્વપ્ન અનુભવી રહેતા : પોતે મોટો સંઘ લઈને ગિરનાર ઉપર ચડ્યા છે ​ અને પ્રતિમાજીની પૂજાનું, સંઘપતિ તરીકે પોતે ઘી બોલી રહ્યા છે.... રિખવ રેશમી દુપટ્ટાઓમાં વિભૂષિત થઈને પૂજા ભણી રહ્યો છે અને પ્રતિમાજી ઉપર સવા લાખનો....

‘શાબાપા, નાના શેઠને ખુદાએ ભારે મીઠું ગળું બક્ષિસ કર્યું છે...’

દિવાસ્વપ્નમાં ડૂબેલા આભાશાને ઉસ્તાદ પોતાની મીઠી જબાનથી જગાડતો.

‘એમ કે ? રિખવનો અવાજ બહુ જ મીઠો છે એમ ?’ આભાશા અર્ધાઅર્ધા થઈને પૂછતા.

‘જી, હાં શેઠ. મેં જયપુર, લખનૌ, કનોજ, દિલ્હી, લાહોર બધાં શહેરની ગાયિકાના કંઠ સાંભળ્યા છે, પણ આવું સૂરીલું ગળું ક્યાંય સાંભળવા નથી મળ્યું.’

‘શી વાત કરો છો !’ આભાશાના અંગરખાની કસો તુટું - તૂટું થઈ રહેતી.

‘જી હાં, રિખવ શેઠને તો આ ખુદાઈ બક્ષિસ છે.’ ઉસ્તાદ કહેતો.

અંદરના ઓરડામાં અમરત જો આવી વાત સાંભળી જાય તો એના પેટમાં તેલ રેડાતું. પોતાના દલુની અસંસ્કારિતાની સામે ભાઈના દીકરાની થતી આવી પ્રશસ્તિ એને ખૂંચતી. તરત એ બહાર આવીને કાંઈક મજાકમાં પણ મનમાં તો ગંભીરતાથી જ વચ્ચે મમરો મૂકતી:

‘ભાઈ, પુરુષની જાતને ગળું મીઠું હોય કે મોળું હોય સંધુય સરખું. રિખવને ક્યાં ગાયિકા થાવું છે કે નાયિકા થઈને નાચવું છે ?’

બહેનના આ વાક્યોથી આભાશા દાઝ્યા હોય એમ ચોંકી ઊઠતા. ‘ગાયિકા’ અને ‘નાયિકા’ શબ્દોથી એમના શરીરમાં એક ધ્રૂજારીજ પસાર થઈ જતી. કોણ જાણે કેમ, પણ હમણાં હમણાં અમરતની બોલી આવી અવળચંડી જ થતી જતી હતી એમ ​ આભાશા અનુભવી રહ્યા હતા.

ઉસ્તાદ કહેતો : ‘અરે 'બહેન, મારા નાના શેઠ તો પચાસ ગાયિકા અને નાયિકાને અહીં ઘેર બેઠાં નચાવશે. ભલભલી જાનના અભિમાન ઊતરાવે એવું એમનું ગળું છે. અને નાયિકા તો રિખવ શેઠના પગ ચૂમતી આવશે. એની સૂરત તો જુઓ !’

પુત્રના રૂપના વખાણ સાંભળીને માનવંતી પણ હરખભેર દોડી આવતી અને સહુ, રિખવની દિવસે દિવસે દેદીપ્યમાન બનતી જતી દેહકાંતિ તરફ મીઠી નજરે જોઈ રહેતાં.

બારોટને થતું કે ભાટાઈનો તો મારો ધંધો હોવા છતાં રિખવની આ રૂપપ્રશસ્તિમાં ઉસ્તાદ આટલો બધો આગળ વધી ગયો અને હું પાછળ રહી ગયો છું, તેથી એ પણ એમાં પાદપૂર્તિ કરતો :

‘શા કુટુંબને ખોરડે તો આવા રાજવંશી લોહી જ હોય. એમાં કેવાપણું નો હોય. ભલભલા રાજવંશીનેય આંટી દિયે...’

ઉસ્તાદ વળી બારોટથી એક મુઠ્ઠી ઉચે થવા મથતા :

‘યહ સૂરત શહનશાહ જહાંગીર કી હૈ... ઉસકી તસવીર દેખો ઔર...’

ચતરભજ પોતાના નામાના કામાકાજના યોગમાંથી પણ ધ્યાનભંગ થઈને ટીકા કર્યા વિના રહી ન શકતો :

‘અરે ઉસ્તાદ, હિંદુ રાજા સંધાય મરી પરવાર્યા છે તે મુસલમાન બાદશાહનાં નામ લો છો ! ને ઈયેય પાછું આ શ્રાવકના ઘરમાં !...’

અનાયાસે જ લંબાવાઈ ગયેલા આવા વાર્તાલાપને અંતે રિખવ પોતાની જાતને ઘડીભર ખરેખરો સલીમ અનુભવી રહેતો અને માનસચક્ષુ સામે અનારકલીઓ અને મહેર-ઉન-નિસાઓને કલ્પી રહેતો.

અનેક પ્રસંગોએ ભેગા થઈને રિખવને પોતાની દેદીપ્યમાન મુખકાંતિ તથા દેહવૈભવ અંગે ગજબનો સભાન બનાવી મૂક્યો. ​

સૌન્દર્યના આ સભાનપણાએ એનામાં વિચિત્ર કૃપણતા પ્રેરી. કંજૂસને પોતાની અઢળક મૂડીને પણ અનેકગણી વધારવાનો લોભ લાગે એમ રિખવને પોતાના અપ્રતિમ દેહસૌન્દર્યને અધિક ને અધિય સુન્દર–આકર્ષક બનવાનો છંદ લાગ્યો. એણે છૂપી રીતે ઉપાશ્રય અને ગ્રંથભંડારોમાં જઈ જઈને પ્રાચીન ગ્રંથમાંથી દેહસૌન્દર્ય વધારવાના પ્રયોગોની શોધખોળ કરવા માંડી. બાવાસાધુઓ અને સાંઈમૌલાઓ પાસેથી એના કીમિયાઓ જાણવા માંડ્યા. આ પણ, એની દિવસે દિવસે વકરતી જતી વાસનાઓનો જ એક વિકાર હતો.

પેઢીમાંથી રિખવને નામે થતા નાણાંનો ઉપાડ વધવા લાગ્યો. નાની નાની રકમમાંથી મોટી મોટી રકમે એ વાત પહોંચી. રિખવના સાગરીતોની સંખ્યામાં દિવસે દિવસે ભરતી થવા લાગી. નાના શેઠની ખરીદી અને ખરચાનો તો હિસાબ જ નહોતો. આજે સુરતથી રેશમી વસ્ત્રો લઈને કાપડિયા આવ્યા છે તો કાલે કનોજથી ભાતભાતના અસલ અત્તરો વેચવા અત્તરિયા આવે છે. રિખવ શેઠ બધી વસ્તુઓનાં મોં-માગ્યાં દામ ચૂકવે છે. કોઈ પણ માણસ, પોતાની ચીજ વેચ્યા વિના પાછો નથી ફરતો. રિખવ શેઠની રસિકતા સહુને પોષણ આપે છે.

ધીમે ધીમે એણે પેઢીના કામકાજમાંથી લક્ષ ઘટાડવા માંડ્યું. ઘણોખરો સમય તો એ રાગરાગિણીઓ સમજવા પાછળ જ ગાળતો એને ગાયનવાદનનો જ નાદ લાગ્યો. રિખવ શેઠના સંગીતશોખની ખ્યાતિ દૂર દૂર પહોંચી ગઈ. એની ઉદારતા અને દિલાવરી દાખલા રૂપ થઈ પડ્યાં. પરિણામે આભાશાની મેડીને બીજે મજલે એકાદબે ઉસ્તાદ કે તંતુવાદ્યના નિષ્ણાત જત્રીઓ તો પડ્યાપાથર્યા જ રહેતા. દલુ અને ઓધિયો હમણાં હમણાં પેઢી ઉપરનું કામ ઓછું કરીને આવા આગંતુક કલાકારોની ખાતરબરદાસ્તમાં જ રચ્યાપચ્યા રહેતા. આભાશાનું ઘર એ ઉસ્તાદોનો અખાડો બની ગયું હતું. ​છતાં હજી આભાશાની આંખ નહોતી ઊઘડી.

એક બનાવે આભાશાની આંખ ઉઘાડી.

પરસાળના વિશાળ ઓટા ઉપર રિખવ શેઠ સ્નાન કરતા હતા. પિત્તળના ચકચકતા ખોભરાંથી મઢેલ પાટલા ઉપર બિરાજેલી સુડોળ, માંસલ તપ્તકાંચનવર્ણી કાયા પાટલાના પ્રકાશને ઝાંખો પાડી રહી હતી. વિશાળ વજ્ર સમી ધોળીકૂલ પીઠ ઉપરનું નીલવર્ણું લાખુ નિરભ્ર શ્વેતરંગી આકાશમાં ઓચિંતી આવી ચડેલ શ્યામલ વાદળી સમું શોભી રહ્યું હતું. પીઠપ્રદેશની વચ્ચોવચ્ચ સહેજ બંકી અદાથી આછો વળાંક લઈને પસાર થતી કરોડ, એ માંસલ પ્રદેશને આબાદ રીતે બે વિભાગોમાં વહેંચી દેતી હતી. ખુલ્લી છાતી ઉપરની ઘેરી રુવાંટીનાં ગુચ્છો વચ્ચે સાચા પાણીદાર મોતીની સેર ડોકિયાં કરતી હતી. અસ્તવ્યસ્ત વિખરાયેલાં ગૂંચળિયાં જુલ્ફાં ઓડ–પ્રદેશ સુધી વિસ્તરતાં હતાં. નાહવાના પાટલાની બાજુમાં તોતિંગ કડાંવાળી મોટી તાંબાકૂંડી પડી હતી અને એની પડખે લાંબી નાળવાળી જલધારી હતી. રિખવ હજી તો અંધોળની શરૂઆત કરે છે ત્યાં તો એક અત્તરિયો હાથમાં અત્તરની શીશીઓની પેટી લઈને ડેલીમાં દાખલ થયો.

રિખવે બૂમ પાડીને અત્તરિયાને પોતાની પાસે બોલાવ્યો. નાહવાનું મોડું કરીને પણ એણે જુદાં જુદાં અત્તરોના નમૂના તપાસ્યા અને હાથના પોંચા ઉપર તેમ જ મૂછોએ ચોપડીને અત્તરની પરીક્ષા કરી, પણ એક્કેય ચીજથી શેઠને સંતોષ થયો હોય એમ લાગ્યું નહિ. છેવટે પેટીના એક ખૂણામાં સારી રીતે રૂના પોલમાં છુપાવેલ શીશા તરફ રિખવે આંગળી ચીંધી અને એનો નમૂનો જોવા માગ્યો. અત્તરિયો આ ગામનો તેમ જ આ શેઠનો અપરિચિત હતો. વળી, કલાકો સુધીની રખડપટ્ટી છતાં તોલાભાર પણ અત્તર વેચાયું ન હોવાથી પોતે કંટાળ્યો પણ હતો. અને આટલું મોંઘું હોવાને કારણે છુપાવી રાખવું પડેલું અત્તર ​આ નાહવા બેઠેલા શેઠ ખરીદશે એવી તો એને સ્વપ્ને પણ આશા નહોતી. આ બધી વસ્તુઓની ચીડ ભેગી કરીને એણે તોછડો જવાબ આપ્યો :

‘શેઠજી આપ એ નહિ ખરીદી શકો.’

‘કેમ ભલા ?’

‘એનો ભાવ ઘણો જ ઊંચો છે. છતાં આપની શક્તિ હોય તો એકાદ આનીભાર નમૂનો…’

‘આ શીશીમાં કેટલું અત્તર છે ?’ રિખવે વચ્ચે પૂછ્યું.

‘શેઠજી, એ તો પાંચ તોલાની શીશી છે. રાજદરબારોમાં પણ એ ચાર આનીથી વધારે નથી ખપી શક્યું.’

‘બહુ સારું ત્યારે,’ રિખવે હાથમાં જળધારી લેતાં, પાણીની કૂંડી તરફ આંગળી ચીંધાડતાં કહ્યું : ‘આ શીશો આ ચરુમાં રેડી દિયો અને હિસાબે જે કિમ્મત થાય એ પેઢી ઉપર જઈને મુનીમજી પાસેથી ગણી લિયો.’

અત્તરિયો તો થોડી વાર આભો બની ગયો અને કાંઈ ન સમજાતાં આ યુવાન શેઠની સામે જ જોઈ રહ્યો. પણ તે દરમિયાન તો રિખવને નાહવામાં થતો આ વિલંબ અસહ્ય થઈ પડ્યો તેથી એણે જાતે જ અત્તરિયાની પેટીમાંથી પેલો શીશો ઊંચકીને કૂંડીમાં રેડી દીધો અને ફરી કહ્યું :

‘હિસાબે જે થાય તે મુનીમજી પાસેથી ગણી લિયો.’

બાળાશેઠના આ કૃત્યને રોષ ગણો કે રહમ એની દ્વિધા અનુભવતો અત્તરિયો માંડ માંડ ડેલી બહાર નીકળીને પેઢી તરફ વળ્યો.

આવા આગન્તુકોને પેઢીએથી ચતરભજને હાથે નાણાં ચૂકવાતાં. અત્તરિયો એ કાંઈ નવા પ્રકારનો આગંતુક નહોતો, આભાશા આવી વ્યક્તિઓથી સારી પેઠે પરિચિત હતો. આ દિશાઓમાં રિખવને હાથે થતા અથોક ખરચા પણ આભાશાને હવે તો કોઠે પડવા આવ્યા હતા. છતાં આજે આ આગંતુકને ચતરભજે જે ​ ગંજાવર રકમ ચૂકવી તેથી આભાશાની આંખો ચાર થઈ ગઈ.

બપોરે આભાશા રાબેતા કરતાં જરા વહેલા વહેલા જમવા ગયા. તેમની ઈચ્છા તો એવી હતી કે આજે આટલી મોટી રકમ ખરચીને અત્તરનો કેટલોક મોટો જથ્થો ખરીદ કર્યો છે એની પૃચ્છા કરવી. પણ શેરીનું નાકું વળોટ્યું નહિ એ પહેલાં તો આભાશાનું નાક અત્તરની મહેકથી ભરાઈ ગયું. શેરી આખી સુવાસિત થઈ ગઈ હતી. ડેલીનાં પગથિયાં જ્યાં પરસાળની બધી ખાળ–મોરીઓ ભેગી થતી હતી, એ તો મઘમઘી ઊઠ્યાં હતાં. ડેલી, પરસાળ તથા ઘરના ઓરડામાંથી અત્તરની સુવાસ ફોરતી હતી.

વગર કહ્યે જ, વસ્તુસ્થિતિએ જ આભાશાને સમજાવી દીધું કે પુત્રે આજે મહામૂલાં અત્તરનાં અંઘોળ કર્યા છે. પ્રયત્નપૂર્વક રોકવા છતાં આભાશાના મોં ઉપર કારુણ્યામિશ્રિત આછો મલકાટ આવી ગયો.

શાસ્ત્રી માધવાનંદજીને આ બનાવની જાણ થઈ ત્યારે પોતાના શિષ્યની આ રસિકતા ઉપરથી તેમને ચારુદત્તની કથા યાદ આવી. મનમાં બોલ્યા : ‘ચારુદત્ત પાક્યો, પણ એની સાત્ત્વિકતા વિનાનો, નર્યો રાજસી.’

*