વ્યાજનો વારસ/પ્રિયા મુખોચ્છ્‌વાસ વિકમ્પિતં મધુ’...

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રિયા મુખોચ્છ્‌વાસ વિકમ્પિતં મધુ’...

આભાશાની આલીશાન ઈમારતના થંભ થડકતા હતા; મેડી હસતી હતી. મેડીને મોભારે બાંધેલી રૂપાની સાંકળવાળી ખાટ ખટક ખટક ખેલતી હતી. ચારે ખૂણેથી ચૂવાચંદન મહેકતાં હતાં. ધૂપસળીઓમાંથી ઊઠતી વિવિધ સુગંધી ધૂપની સેરો વાતાવરણ માદક છતાં નિર્મળું બનાવતી હતી. રિખવ શેઠે ખાસ વરદી આપીને કનોજ અને લખનૌના અત્તરિયાઓ પાસે તૈયાર કરાવેલ ઋતુને અનુકૂળ અત્તરની ફોરમ નાકને ભરી દેતી હતી. એમાં વળી ઓરડામાં ઠેકઠેકાણે પાથરેલ તાજા ખુશ્બુભર્યાં ફૂલની બિછાતો ઔર ઉમેરો કરતી હતી.

ખાટે હીંચકતા રિખવ શેઠનો ડાબો પગ, ભોંયતળિયે બિછાવેલા મીસરી ગાલીચા સાથે ઠેક લેતો હતો. જમણો પગ ઘૂંટણથી વળીને અદાપૂર્વક ડાબા પગ તળે ગોઠવાયો હતો. અને એ અર્ધ પલાંઠી વચ્ચે સહેજ ત્રાંસે ખૂણે સતાર ઊભી હતી. ઊંચે છતમાં ટિંગાતા ઝુમ્મરમાંથી પ્રગટતી રોશનીમાં ચકચકતા અસલ રેશમી પહેરણની પહોળી ખૂલતી બાંયોમાંથી બહાર નીકળતા રિખવ શેઠના ગૌરવર્ણા હાથનાં આંગળાં એ સતાર ઉપર રમી રહ્યાં હતાં. સતારનો સુમધુર ઝંકાર ગળતી માજમ રાત સાથે ઓગળી એકરસ થતો જતો હતો.

એક ઉપર બીજું, બીજા ઉપર ત્રીજું, એમ ટકોરખાનનાં ચોઘડિયાં વાગતાં જતાં હતાં. છેવટે સતારનો ઝંકાર બંધ થયો ​ અને એની જગ્યાએ શીશા અને પ્યાલીઓનો ખણખણાટ સંભળાયો.

સુલેખા ચોંકી ઊઠી. શીશા અને પ્યાલીઓ સાથેનું રિખવનું ચિત્ર સુલેખા માટે કલ્પનાતીત હતું. એ એટલી તો ડઘાઈ ગઈ કે શું બોલવું કે શું પૂછવું એય એને સુઝી ન શક્યું. દૃશ્ય જોઈને જ જાણે કે એ દાઝી ઊઠી હતી. કંપતે હોઠે માંડ માંડ બોલી શકી :

‘આ શું.. ?’

જવાબમાં રિખવ કશું બોલવાને બદલે માત્ર હસ્યો. એ હાસ્યના ખખડાટનો ધ્વનિ પણ પ્યાલીઓની કર્કશ ખણખણાટ સાથે મેળ લઈ ગયો.

સુલેખાની આંખે ચકર આવવા લાગ્યાં. શીશા સાથે અથડાતી પ્યાલીઓમાં જાણે કે નક્ષત્રમાળાના ગ્રહો એકબીજા સાથે અથડાતા હોય એવો ઉલ્કાપાત દેખાયો. એ આ દૃશ્યને વધારે વાર જોઈ ન શકી. દૃશ્ય અસહ્ય બનતાં બન્ને હાથમાં આંખો તેમ જ મોં ઢાંકી દીધાં.

ફરી રિખવ બેફામ હસ્યો. એ હાસ્યમાં જીવનને હસતાં હસતાં જ જીવી કાઢવાની વિલાસીવૃત્તિનો પડઘો હતો. અને સાથે સાથે સુલેખાના અજ્ઞાન અને ભોટપણાંની એમાં ઠઠ્ઠા પણ હતી.

સુલેખા ભયથી થરથરી ઊઠી. થોથવાતી જીભે એ જ પ્રશ્ન ફરી પૂછ્યો :

‘શું છે આ બધું ? શીશા અને પ્યાલા…?’

‘કોઈ દિવસ આસ્વાદ કર્યો લાગતો નથી !’

‘આસ્વાદ તો ઠીક, દર્શન પણ નથી કર્યાં.’

‘તો આજે આસ્વાદો. પેટ ભરીને પિયો. આ તો દેવોનું પીણું છે. કોઈ ધન્ય ઘડીએ આ મૃત્યુલોકમાં એ આવ્યું છે.’ આટલું કહીને રિખવે એક પ્યાલી સુલેખાના ઓઠ આગળ ધરી.

પણ તે દરમિયાન તો સુલેખાની અત્યંત સતેજ અને અરુચિવાળી ​ઘ્રાણેન્દ્રિયને આ પ્યાલીની વાસ અસહ્ય થઈ પડી હતી. બીજુ કશું ન સૂઝતાં એણે અંબરના છેડાનો ડૂચો વાળી, નાક આડે ગોઠવ્યો.

‘આ શું કરે છે ?’ રિખવે આંખ કાઢી.

‘માફ કર. મારાથી આ વસ્તુ દૂર રાખ. એની દુર્ગધ નથી ખમાતી.’

‘દુર્ગંધ કે સુગંધ ?’

‘તારે મન એ સુગંધ હશે. મને તો એ નરક કરતાંય બદતર…’

‘એમ કહીને તું આ પીણાનું અપમાન કરે છે.’

‘એ પીણું અપમાનને જ લાયક છે.’

‘ત્યાં જ તારી ભૂલ છે. દેવોએ પણ આ વસ્તુને તો સન્માની છે. દેવલોકમાં પણ સુરાપાન થાય છે. સુરા તો કુદરતની એક સંપત્તિ છે. એનો ઉપભોગ કરવો એ માનવીનો ધર્મ છે.’ રિખવે કહ્યું

‘બહુ થયું લે, હવે. તારા સ્વાર્થ માટે બિચારા દેવો અને દેવલોકને શા માટે વગોવે છે?’ સુલેખાએ કરડાકીથી કહ્યું.

એ કરડાકીએ રિખવને સહેજ મલકાવ્યો. બોલ્યો : ‘દેવોને વગોવવા ન હોય તો આટલો બધો ગુસ્સો કાં કરે છે ? દેવોના અમૃતનું આવી રીતે અપમાન ન કરાય.’

‘એ અમૃત ઝેરથીય બદતર છે.’

‘ઝેર તો ઝેર ગણીનેય એક પ્યાલી તો પીવી જ પડશે.’

‘એ મારાથી નહિ બને.’ સુલેખાએ કહ્યું.

‘તું મારા ઉપર જુલમ કરે છે. આ જામ તો મારા જીવનનું સર્વસ્વ છે. જીવનનો પ્રાણવાયુ કહું તોય ખોટું નથી…’

‘જો એમ હોય તો તું એકલો જ એ પ્રાણવાયુ લઈ શકે છે. મને શા માટે સંડોવે છે ?’

‘ત્યાં જ તારી ભૂલ થાય છે.’ રિખવે ખડખડાટ હસી પડતાં ​ કહ્યું : ‘તું ચાખે નહિ ત્યાં સુધી આ જામ એ જામ નથી. અંદરનો મધુ એ મધુ નથી પણ પાણી જ છે. તારા ઓઠનો મધુ એમાં ઓગળશે ત્યારે જ એ સાચો મધુ બનશે.’

‘આ બધું કાવ્યમાં શોભે, વ્યવહારમાં નહિ.’

‘વ્યવહારને પણ હું કાવ્યમય બનાવવા માગું છું. જીવનને કાવ્ય તરીકે જ જીવવા માગું છું. નાનપણથી જ શાસ્ત્રી માધવાનંદજી ને ઉસ્તાદ ઐયૂબખાને મને કવિતાના મધુ પાયા છે. અત્યારે હું ‘પ્રિયા મુખોચ્છ્‌વાસ વિકમ્પિતં મધુ’ પીવા માગું છું.’ રિખવે પ્યાલી સુલેખાના ઓઠ નજીક ધરતાં કહ્યું : ‘આહાહા ! સંસ્કૃત કવિઓ પણ શી રસિક કલ્પનાઓ કરતા ગયા છે ! પ્રિયા મુખોચ્છ્‌વાસ વિકમ્પિતં મધુ ! વાહ કવિ વાહ !’

‘સંસ્કૃતના અભ્યાસમાંથી સંસ્કાર તો સારા ગ્રહણ કર્યા છે !’

‘અમને રસિકોને મન સારું કે ખરાબ એવા ભેદભાવ હોતા જ નથી. સારા ખરાબના ચુકાદા વિમલસૂરી જેવા વેવલા ધર્મગુરુઓ અને ચોખલિયા નીતિશાસ્ત્રીઓને સોંપ્યા. કવિ લોકોને તો જે ઉચિત લાગ્યું તે બધુંય સારું. ક્ષેમેન્દ્ર ઔચિત્યને કાવ્યનો આત્મા અમસ્તો ગણાવ્યો હશે ?’

‘બિચારો ક્ષેમેન્દ્ર એક બાકી રહી ગયો હતો તો એનેય વગોવી લે.’

‘વગોવવાની વાત નથી, સુલેખા ! આ તો તારી સૂગ દૂર કરાવવા માટે આટલું બોલવું પડ્યું.’

‘મારી સૂગ દૂર થવાને બદલે ઊલટાની વધી છે. આભાશાના ખોરડે આવી ચીજની હાજરી મે નહોતી ધારી…’

‘બાપદાદાઓ અંગેના એવા જુનવાણી ખ્યાલો આજના જમાનામાં ન ચાલી શકે. આભાશાની મેડી આ વસ્તુથી કાંઈ અભડાઈ જવાની નથી.’ ​ ‘મેડી નહિ પણ શરીર અભડાય છે એનું શું ?’ સુલેખાએ પૂછ્યું.

‘અમે રસિકો એવી આભડછેટ રાખતા નથી. અમારે મન તો મદ્ય એ ગંગોદક જેટલું જ પવિત્ર પીણું છે. એનું પાન કરીને પાવન થઈએ અને પ્રેરણા મેળવીએ.’ રિખવે સુલેખાની બાજુમાં નજીક ખસતાં કહ્યું.

રાત્રિના પ્રહર ગળતા જતા હતા. બારી બહાર ધવલોજ્જવલ ચાંદની ચૂઈ પડી હતી. સૂસવતો વાયરો આવીને વસ્ત્રોને વંટોળી જતો હતો.

‘મદ્યપાનથી પ્રેરણા મળે છે ?’ સુલેખાએ કુતહલથી પૂછ્યું.

‘હાસ્તો. મદ્યપાન તો અ–કવિને કવિતા સ્ફુરાવે. ફિલસૂફોને જીવનનાં રહસ્ય સૂઝાડે. જ્ઞાનીઓને પરમ સત્યનો સાક્ષાત્કાર કરાવે. મદ્ય તો મૃત્યલોકનું અમૃત છે.’

સુલેખા અત્યારે પહેલી જ વાર સહેજ હસી. પૂછ્યું, ‘મૃત્યુલોકનું એ અમૃત પીવાથી તને શી પ્રેરણા થાય છે ?’

રિખવે ડાબા હાથ વડે સુલેખાની કમરને ભીંસ લેતાં કહ્યું : ‘પેલી રસ–ટપકતી કાવ્યપંક્તિ યાદ આવે છે ?’

પદ્યા-પયોધરતટી-પરિરંભલગ્ન–
કાશ્મીરમુદ્રિતમુરો મધુસૂદનસ્ય *[૧]

સુલેખા બોલી : ‘આ તો ગીત–ગોવિન્દના કર્તાની પંક્તિ. રાધાકૃષ્ણની લોકોત્તર પ્રણયક્રીડાનું એ વર્ણત છે. આપણા જેવા સામાન્ય પ્રેમીઓના પ્રેમટાહ્યાલાઓનું કેટલું ભવ્ય ઉર્ધ્વીકરણ એ કવિએ કરી બતાવ્યું છે ! કવિતાને અપાયેલું આત્માની કલાનું બિરુદ એ કવિએ સાર્થક કરી આપ્યું.’ ​ જરા વાર રહીને સુલેખાએ પૂછ્યું : ‘પણ એવી અપ્રતિમ કાવ્યપંક્તિની સ્ફુરણા માટે જયદેવને પોતાને મદ્યપાનની જરૂરત ઊભી થઈ હતી કે કેમ, એ તપાસ કરી છે ?’

રિખવ સહેજ દાઝ્યો. બોલ્યો : ‘મારે જયદેવનો વાદ કરવાનું ન પોસાય. અમે રસિક લોકો તો કવિઓ કરતાંય એક ડગલું આગળ વધ્યા છીએ. કવિ લોકો તો કાવ્યો લખી જાણે. અમે તો, હમણાં જ મેં કહ્યું તેમ, કાવ્ય જીવી જવા માગીએ છીએ.’

સુલેખાને ફરી હસવું આવ્યું. આ વખતના તેના હાસ્યમાં રિખવની બાલિશ વાતો પ્રત્યે એક જાતનો તિરસ્કાર પણ હતો. તેણે પૂછ્યું :

‘રસિક કોને કહેવાય તે સમજાવીશ ?’

‘રસના ભોક્તા તે રસિકો. રસના પિપાસુઓ તે રસિકો.’

રિખવના અવાજમાં એક જાતનું ઘેન પરખાતું હતું, વાતાવરણમાં નીરવતા હતી. ઓરડાની હવામાં ઉત્તેજના હતી.

‘રસિકોના, એ સિવાયના કોઈ લક્ષણો ખરાં કે ?’ સુલેખાએ મર્મમાં પૂછ્યું.

‘રસિકોને રસતરસ્યાં ગણાવ્યાં, એમાં સર્વ લક્ષણો સમાવિષ્ટ થઈ ગયાં જાણવાં. જેવી રીતે ભ્રમર જ્યાં જ્યાં મધુ દેખે ત્યાં ત્યાં એનો સંચય કરવા દોડી જાય તેવી રીતે રસિકો પણ જ્યાં જ્યાં રસદર્શન કરે ત્યાં ત્યાં એનો આસ્વાદ માણવા દોડી જાય. સાચા રસિકોને રસયોગી કહેવાય.’ રિખવે કહ્યું.

‘રસિક લોકોનાં આટલાં બધાં લક્ષણો ગણાવે છે પણ એમાંનું મુખ્ય લક્ષણ તો તું ભૂલી જાય છે…’

‘કયું છે એ લક્ષણ વળી ?’ રિખવે ઉપેક્ષાથી પૂછ્યું.

‘રસિકો કામવર્જિત હોય, એ લક્ષણ. રસિકતા તો પરમ સાત્ત્વિક હોવી જોઈએ. વિલાસીપણું તો લંપટતામાં ખપે. મદ્યપાન ​ કરનારને હું રસિક ન ગણું પણ દારૂડિયો કહું.’

રિખવની આંખના ખૂણા ખેંચાયાં. સુલેખાનાં વાક્યો સાંભળીને પગથી માથા સુધી ઝાળ લાગી. પણ બીજી જ ક્ષણે એ આવેશને દબાવી દીધો અને પોતાની ખાસિયત પ્રમાણે ખડખડાટ હસી પડતાં બોલ્યો :

‘ફિકર નહિ. કશી ફિકર નહિ. મને મોજથી દારૂડિયો કહે. મને એની લગીરે પરવા નથી. દારૂડિયા કરતાંય બીજા વધારે ખરાબ શબ્દ હોય તો એ વડે મને સંબોધો. પણ મારી આટલી યાચના તો પૂરી કરો જ. મારે ‘પ્રિયા મુખોચ્છ્‌શ્વાસ વિકમ્પિતં મધુ’ જોઈએ. તારા ઉચ્છ્‌વાસ વડે આ પ્યાલીને વિકમ્પિત કરી આપ. પછી મને દારૂડિયો કહે. વિલાસી કહે, લંપટ કહે એની મને પરવા નથી.’

રિખવની વિહ્‌વળતા વધતી જતી હતી. એની આંખ બદલતી જતી હતી. એનું અંગેઅંગ સુલેખાની કૃપાદષ્ટિ યાચી રહ્યું હતું પણ સુલેખા પાસેથી કૃપાદૃષ્ટિને બદલે કશું જુદું જ મળવાનું રિખવનાં ભાગ્યમાં લખાયું હતું.

‘રિખવ, આ તારી રસિકતા નથી કોક વિકૃતિ છે.’ સુલેખાએ કહ્યું.

રિખવનો ડોળો લાલ થયો. સુલેખા આટલું બેધડક બોલી નાખશે એમ એણે નહોતું ધાર્યું. પોતે એનો કશો ઉત્તર આપે એ પહેલાં તો સુલેખાએ જ આગળ ચલાવ્યું :

‘મેં કલ્પેલી રસમૂર્તિ આવું નર્યા વિલાસનું પૂતળું હશે એવી મને ખબર નહોતી…’

રિખવનો રોષ ક્યારનો ધૂંધવાતો હતો, એમાં સુલેખા એક પછી એક ઓબાર ભર્યે જતી હતી. હવે એમાં ભડકો પેટાવવા માટે એક જોરદાર ફૂંકની જ જરૂર હતી.

રિખવે હળવા ગુસ્સાથી કહ્યું : ‘વિલાસીપણાની આટલી સૂગ ​ ક્યાં સુધી રાખશે ? એની આટલી ભડક શી ?’

સુલેખાના અવાજમાં દૃઢતા વધતી જતી હતી : ‘આ તારી રસિકતા નથી પણ કોક વકરેલી વાસનાઓની વિકૃતિ છે.’

સાંભળીને રિખવના રૂંવેરૂંવા ઊભા થઈ ગયાં. સુલેખાનાં આ વાક્યો નાને મોંએ મોટી વાત થતી હોય એવાં લાગ્યાં. રિખવને ઘણુંઘણું બોલવાનું મન થયું, પોતાને અપમાનકારક એવાં આ વેણનો ઉત્તર આપવાની ઈચ્છા થઈ, છાતીમાં ફૂંફાડા મારતા રોષમાંથી થોડો બહાર ઠલવવાની પણ જરૂરત જણાઈ, પણ એ રોષ વ્યક્ત કરવાનું કામ એની જીભ કરી શકત એથીય વધારે સફળ રીતે એની આંખ કરી રહી હતી. રિખવની અણિયાળી આંખોમાંથી જાણે કે સુલેખા ઉપર ધગધગતા અંગારા વરસતા હતા. એના મોંના ઉપલા–નીચલા જડબાંઓએ એકબીજા ઉપર ત્રાંસી ભીંસટ ભીડી હતી. ફૂલીને ભૂંગળા જેવા બનેલા નાકના ફોરણામાંથી ઊનો ઊનો શ્વાસ બહાર ધસી રહ્યો હતો. અને આવી નાલેશીભરી વાતો કરનાર વ્યક્તિને એક પાટુ મારીને ભોંય ભેગી કરી દેવા માટે એનો પગ ચચળતો હતો.

૫ણ દરમિયાનમાં, રિખવની અજાયબી વચ્ચે તેના હાથમાંની પ્યાલી સુલેખાએ પોતાના હાથમાં લઈ લીધી હતી, તેથી રિખવનો પાટુ મારવા માટે ચચળતો પગ જરા વાર કાબૂમાં રહી શક્યો હતો. સુલેખાએ કૃપાદૃષ્ટિ કરી અને પોતાના ઉચ્છ્‌વાસ વડે પ્યાલીમાંના મદ્યને વિકમ્પિત કરશે કે શું, એવી એક સુભગ આશા રિખવ સેવી રહ્યો. પણ ત્યાં તો સુલેખાએ જ ધડાકો કરી દીધો. હાથમાંની પ્યાલીને બળપૂર્વક સામેની ભીંત પર ફેંકતાં બોલી :

‘કોઈની વકરેલી વાસનાઓનો તું વારસ બન્યો છે. તારી આ વિકૃતિઓ વારસાગત છે.’

પત્યું. ધૂંધવાતા ઓબારના સંભારમા વીંઝણો વાઈ ગયો. પાટું મારવા માટે ચચળતા રિખવના પગને પ્રયત્નપૂર્વક પકડી ​ સખનાર ડામણ તૂટી ગઈ. ભીંત પર અગણિત ટુકડાઓમાં ભાંગીને ભુક્કો થતી પ્યાલીનો ખણખણાટ હજી તો પૂરો શમે એ પહેલાં જ નશામાં ચકચૂર રિખવના પગનું મોજડીસોતું પાટુ સુલેખાના શરીર ઉપર લાગ્યું અને ચમકીને સુલેખા બે–ત્રણ ડગલાં પાછળ હટી ગઈ.

આંખમાંથી અંગારા વેરતી એ જ મુખમુદ્રાએ રિખવ આગળ વધ્યો.

સુલેખા સંપૂર્ણ સ્વસ્થ હતી. જરીકેય ડઘાયા વિના કે મોંની એક પણ રેખા બદલવા દીધા વિના દાંત વચ્ચે ઓઠ ચાવતી ચાવતી મક્કમ પગલે એ પાછળ હઠી અને અનાયાસે જ ઉંબરો ઓળંગાઈ જતાં બારણાની બહાર નીકળી ગઈ.

રિખવે રોષમાં ને રોષમાં બન્ને બારણાં વાસીને અંદરથી ભોગળ ભીડી દીધી; અને હાથમાં અધૂરો શીશો ગટગટાવી જઈ, બત્તી બુઝાવી, ભફ્ કરતોકને પલંગમાં પડી ગયો.

બહાર છજામાં આખી રાત સુલેખા જાગતી ઊભી રહી.

*
  • પદ્યાના પયોધરને ગાઢ રીતે આલિંગન કરવાથી એના પયોધર ઉપર રહેલ કેસરની છાપ પોતાના વક્ષ:સ્થળમાં મધુસૂદને ધારણ કરી છે.