વ્યાજનો વારસ/લાખિયારની દુઆ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
લાખિયારની દુઆ

બપોર ટાણું હતું.

આભાશા ઓશરીમાં હિંડોળે હીંચકતા હતા. બન્ને બાજુના મખુદાઓ ઉપરની અસલ કીનખાબી કોર ઉપર આભલાં ચમકી રહ્યાં હતાં. ઓશરીની બન્ને બાજુના ઓરડાઓની વચ્ચેના ભાગમાં ઊંચી ગાદી–તકિયાની બેઠક હતી એની ઉપર ચતરભજ બેઠો હતો. જ્યારે જ્યારે નામાંઠામાંનું કામ વધારે ચડી જાય અથવા કોઈ ખાનગી હિસાબકિતાબ લખવાના હોય કે કોઈ નાજુક સ્થિતિમાં આવી ગયેલ ‘કળ’ના કડદા, કબૂલાતો કે કબાલા કરવાના હોય ત્યારે પેઢી જેવી જાહેર જગ્યાને બદલે આ એકાંત ઓશરી પસંદ કરવામાં આવતી. હમણાં હમણાં આભાશા પેઢી ઉપર બહુ વધારે સમય હાજરી આપી શકતા નહિ તેથી તેઓ ચતરભજને જ અહીં બોલાવીને હૂંડીઓની રોજિંદી અવરજવર, જુદા જુદા કળનાં પાકતાં કાંધા, એમાં ચડત વ્યાજની વસૂલાતો વગેરેનોને અહેવાલ જાણી લેતા.

ડેલી બહારથી કોઈનો ખોંખારો સંભળાયો. એ ખોંખારાનો જવાંમર્દી રણકો આ કુટુંબમાં આજ વર્ષોથી પરિચિત હતો. સૌના કાન એ ખોંખારા ઉપરથી એના ખોંખારનારને પારખી કાઢવા ટેવાયેલા હતા. ફરી એક વખત – અને ડેલીની વધારે નજીક – એ ખોંખારો સંભળાયો અને આભાશા બોલી ઊઠ્યા :

‘લાખિયાર આવ્યો !’ ​ તુરત ચતરભજ તાડૂક્યો : 'લાખિયાર આવ્યો તો મારે શું એને ચોખા ચડાવીને પૂજવો? આ ખાતું ચોખ્ખું કરવાનું નામ નથી લેતો, વ્યાજના વ્યાજ ને એનાંય વ્યાજ ચડ્યે જાય છે, ને તમને સૌને તે લાખિયારનો મલાવો માતો નથી !' આ ઘરમાં મુનીમનું જે ચલણ, ઘરોબો ને વટ હતાં એના અધિકારની રૂએ ચતરભજ વખત આવ્યે મોટપ ધારણ કરીને ખુદ આભાશાને પણ ઊંચે સાદે ઠપકો આપી શકતો.

જવાબમાં આભાશા માત્ર એટલું જ બોલ્યા; 'હોય ઈ તો, એમ જ હાલે. એકાદુ કળ મોળુંય આવી જાય. પાંચેય આંગળી થોડી સરખી કરી છે ? બાકી લખિયારનું લેણું લાખ વરસેય ખોટું નઈ થાય. સંધી લોક દાનતના સાચા હોય.'

ડેલીના ઉલાળિયાનો તોતિંગ ધોકો ઊલળીને હેઠો પછડાયો, અને ઉંબરા ઉપર લાખિયારની કડિયાળી ડાંગનો ખડિંગ અવાજ થયો. રજવાડી અદાથી ગૌરવભર્યા ધીમાં ડગલાં ભરતો લાખિયાર ઓશરીનાં પગથિયાં ચડ્યો અને હડપચીની બરાબર વચ્ચે સેંથી પાડીને ડાબેજમણે ઓળેલી કાળીબોઝ દાઢી ઉપર નાજુક અદાથી હાથ ફેરવી લઈ, પહેરણની મૂલતી બાંયો સમાલી, ઓશરીની કોર ઉપર જ પલાંઠી વાળી બેસી ગયો.

'ભાર્યે રાજી થાવા જેવું થ્યું હોં શાબાપા!' અભણ લાખિયારે પોતાને આવડે એવી ભાષામાં ખુશાલી દર્શાવવાની શરૂઆત કરી. આભાશા જોકે ઉંમરમાં લાખિયાર કરતાં કાંઈ બહુ મોટા નહોતા, છતાં લાખિયાર પાસે ભાવપ્રદર્શનનું બીજુ કોઈ સંબોધન ન હોવાથી પોતે તેમ જ પોતાનાં સૌ કુટુંબીઓ આભાશાને 'શાબાપા' કહીને જ સંબોધતાં.

'ઈશ્વરનું કર્યું સંધુય થાય છે. આપણે કીધે તો આ ઝાડનું પાંદડુંયે નથી હાલી શકતું.' આભાશાએ કાંઈક સ્વભાવજન્ય ને કાંઈક ઔપચારિક નમ્રતાથી કહ્યું. ​ 'મેં તો, વાડામાં પડે છે ઈ અંજવાશિયામાંથી કાંહાની થાળી ખખડતી સાંભળી ને તરત મનમાં થયું કે વાહ ખુદા ! તેરી રહમ ! લાખુની. ઇસ્કામતું નો ભોગવનાર આવ્યો ખરો !'

'બધી ઈશ્વરની માયા છે, લાખિયાર !'

'ઈ તો છે જ ભાઈ ! પણ નેકીનો બદલો, દેનારો દઈ જ રિયે છે. ગામમાં આટલા બધા વેપારી વ્યાજવટાવનો ધંધો કરે છે, પણ નેકીથી હાલનાર તો આ જલમભરમાં આભોશા એક જ જોયો. મોઢે મીઠું નથી લગાડતો, પણ મારા આવડા આયખામાં મેં તો ઘણાય વ્યાજવટાવનારાનું ધનોતપનોત નીકળી જતું જોયું છે. કોક વાર કોઈ મિસ્કીનની કદુવા લાગી જાય, કોઈ રાંક માણસની આંતરડી કકળી જાય, તો એની હાય સામા માણસને ખાઈ જાય.'

'દ્રવ્ય-પ્રાપ્તિમાં પણ માણસે ધર્મભાવનાથી વર્તવું જોઈએ એમ વિમલસૂરીજી કહે છે. ખરું ને ચતરભજ ?' આભાશાએ ચતરભજને યાદ આપી.

કોણ જાણે કેમ પણ ચતરભજના મગજની કમાન છટકી : 'ઈ સંધાય પોથીમાંયલાં રીગણાં. સાધુ મા'રાજને તો પાતરાં ફેરવીને ગોચરી ઉઘરાવવાની એટલે આવી બધી વાતું કરવી પોસાય. બાકી એવા વેવલા થાવા જાઈ તો વેપલો નો થાય ને સાંજ મોર આ પેઢીને ખંભાતી લગાડવું પડે.'

લાખિયારે કહ્યુ: 'એમ હોય ભાઈ ? નેકદિલ આદમીની તો વાત જ નોખી. શાબાપાની સાત સાત પેઢીથી આવી રજવાડી સાયબી હાલતી આવી છે; બાપ કરતાં બેટા સવાયા નીકળે એવું જ હું તો આ ડેલીએ જોતો આવ્યો છઉં. દેવાશા કરતાંય આભાશાએ વેપાર વધાર્યો. દેશભરમાં નામ કાઢ્યો. ને આભાશાના નામનો ડંકો આ નવા શેઠ વગાડશે...' ​ 'અરે હજી તે ઘોડિયામાં છે... છાણના કીડા કે'વાય...' આભાશા બોલ્યા.

'ભાઈ, નાનામાંથી જ મોટા થાય ને ?' લાખિયાર વિવેક કર્યે જતો હતો.

'કોને ખબર છે કાલની ભાઈ?' આભાશાએ નિસાસો નાખ્યો 'આ કળિકાળ મહા કઠણ છે. કોઈ જીવને, બધી વાતે સુખી થવા દેતો જ નથી'

આટલું કહીને આભાશા ઊંડા વિચારમાં ડૂબકી મારી ગયા અને થોડી વારે વાત બદલીને લાખિયારને કહ્યું:

'લાખિયા૨, તું હમણાં આવ્યો ઈ પેલાં આ ચતરભજ તારા ઉપર બવ તપી ગ્યો'તો...'

'કાં બાપા? તપવાનું કાંઈ કારણ? કાંઈ વાંકગનામાં આવ્યો હોઉં તો કઈ દિયો ને બાપલા !'

'વાહ રે બાપલાવાળા !' ચતરભજે લાખિયારના શબ્દોના ચાળા પાડીને કહ્યું: 'એક આ મીઠી જીભ સામા માણસને મારી નાખે છે. આટઆટલાં વરસ થયાં તોય ચોપડો ચોખો કરતો નથી ને માથેથી અજાણ્યો થઈને પૂછે છે કે મારો કાંઈ વાંકગનો ! હવે હુકમનામું બજાવીને જપતી લઈને તારાં ગોદડાંગાભા વીંખવા આવું તંયે જ વાંકગનાની ખબર પડશે એમ લાગે છે.'

'હાંઉં કર્ય ચતરભજ !' આભાશાએ ચતરભજના વાક્‌પ્રવાહને રોક્યો.

'જાપ્તી લઈને આવે તોય હું તો શાબાપાનું ફરજંદ છઉં.' 'મારાં છોકરા-છોકરી ઈ બાપાનાં જ છોકરા-છોકરી છે. બાકી, ઘરમાં ગોદડાંનો ગાભો તો સમ ખાવાનોય નથી રિયો એમાં તમે વીંખશો શું ? રીંગણી બાળી મૂકે એવાં હિમ પડે છે, પણ રાત આખી તાપણે તાપીને કાઢવી પડે છે. સામટાં ખાવાવાળાનાં પેટનાં ​ ખાડા નથી પુરાતા ત્યાં ઓઢવા-પાથરવાની વાત ક્યાંથી કરવી ?'

'એલા, હૈયાફૂટો છો તી ટાઢમાં ઠુંઠવાતો બેઠો રે'છ? કોકનો ખપેડો ફાડીને મણમણની તળાઈયું ઉપાડી આવ્યની !' ચતરભજે એક આંખ ફાંગી કરીને સલાહ આપી.

'તમેય મુનીમબાપા ઠીક ટાઢા પોરની સુગલું કર્યા કરો છો ! પણ આ લાખિયારને ખોરડે આવો કામો કોઈ દી થ્યો નથી ને ખુદાતાલા આગળ હું તો અરજ ગુજારું છઉં કે એવો કામો કોઈ દી કરાવે પણ નંઈ.' લાખિયારે કહ્યું,

'હવે જોયો મોટો ખુદાવાળો !' ચતરભજ આજે કોઈ અતિઅર્વાચીન નાસ્તિકની અદાથી વાત કરતો હતો 'ખુદા જેવું કંઈ સાચોસાચ હોય તો તો તારાં બાયડી–છોકરાંને ભૂખ્યાં જ શેનાં રાખે? ઈ અલ્લા ખુદાની વેવલાઈ કરવા કરતાં કોકના ગલામાં ગણેશિયો ભરાવી આવ્યની એટલે બેડો પાર ! ત્રણ પેઢી લગણ છોકરાં ખાધાં જ કરે !'

'એલા ચતરભજ, લાખિયારને આવી આવી શિખામણ આપીશ તો પહેલવહેલું આપણી પછીતમાં જ ફાંકું પાડશે હો !' આભાશાએ હસતાં હસતાં ટકોર કરી અને ત્રણેય જડ ખડખડાટ હસી પડ્યા.

આ મુક્ત હાસ્ય દરમિયાન આભાશાને તો ખરેખર દહેશત લાગી કે ૨ખેને કોક દિવસ લાખિયાર આ ઘર ઉપર જ ઘા કરી જાય ! આભાશાની મેડીનું પછવાડું લાખિયારના ફળિયામાં પડતું હતુ. પછીતની દીવાલની બારીઓ પણ લાખિયારની ઓશરીની બરોબર સામે જ ઊઘડતી હતી. માનવંતીને તો બારીએ ઊભાં ઊભાં જ ઓશરીમાં કામ કરતી લાખિયારની ઘરવાળી સાથે વાતના સેલારા મારવાની આદત હતી. આ રાજમહેલ જેવી આલીશાન હવેલીમાંથી જરા સ્થળ-બદલો કરવાનું મન થાય, ત્યારે માનવંતી, કોઈ જાણે નહિ એવી રીતે લાખિયારના કૂબામાં બેસી ​ આવતી પણ ખરી. અને વળતા વિવેકમાં માનવંતી જ્યારે લાખિયારનાં ઘરવાળાઓને બહુ જ આગ્રહ કરે ત્યારે એ લોકો અત્યંત સંકોચ સાથે આ હવેલીની ઓશરીની કોર સુધી આવીને કલાકેક બેસી જતાં. આ અવરજવર જ્યારથી અમરત દ્વારા આભાશાના જાણવામાં આવી હતી ત્યારથી આભાશા પડોશમાંની આ કાંટિયા વરણની વસાહત અંગે ચિન્તા સેવી રહ્યા હતા. તેમની ઇચ્છા એવી હતી કે લાખિયારના લેણા પટે એનાં મકાન ગીરોમાં ખાંડી લેવાં અને પડોશમાંથી કાંટિયા વરણનો ભય દૂર કરવો. આજે તો આ સંધી કુટુંબ સાથે પેઢી દર પેઢી મીઠાશભર્યા સંબંધો ચાલ્યા આવે છે, પણ કોને ખબર છે કાલની ? નવી પેઢીને એની સાથે ભળ્યું ન ભળ્યું – લાખિયારની નવી પેઢી કોણ જાણે કેવી પાકે ! આ જમાનો પલટાઈ ગયો છે. એમાં સગા પેટના દીકરાનોય વિશ્વાસ કરવા જેવો આ સમો નથી. આ વિચાર આવતાં આભાશાએ ફરી મૂળ વાતનો તાંતણો સાંધ્યો :

'ચતરભજે. પૂછ્યું એનો જવાબ આપ્યો લાખિયાર?'

'શેનો જવાબ, બાપા?'

'ચોપડામાંથી તારું ખાતું હવે કે દી ચોખું કરે છ ?'

'ભાઈશા'બ, આ માઠે વરહે સામેથી પાંચ પૈસા ધીરવાનું કેતા નથી ને ખાતું ચોખું કરવાનું કિયો છો ! કોઠી અરધી ઝાઝેરી તો ઉલેચાઈ ગઈ છે ને દિવાળી મોર તળિયું દેખાઈ જાય એમ લાગે છે...'

'પણ આંયાકણે ખાતામાં મીંડાં ઉપર મીંડાં ચડતાં જાય છે એનું શું ? ચોપડો તારો સગલો થોડો થાય છે?' ચતરભજે કહ્યું.

'ભાઈશાબ, મેં તો કાળા અકશરને કુવાડે માર્યા છે. પણ ચોપડો તો સાચું જ બોલે, લખમી પૂજા ટાણે ગોરદેવતાની સામે એની પૂજા કરો છો એટલે એમાં એક અકશરેય ખોટો થોડો લખતા હશો ?' ​ 'ચોપડો તો શારદામાતા કહેવાય, એમાં સાચાંખોટાં કરનારને રધ ન રિયે.' ચતરભજે કહ્યું : 'પણ તારા જેવા અડબૂથને એની કિંમત જ ક્યાં છે? આટલાં વરસ થાવા આવ્યાં તો ખાતું સરભર કરવાનું તને સૂઝતું નથી.'

'ભાઈસા'બ, ઓણુંકી સાલ જાળવી જાવ તો તમારો પાડ - આટલા ભેગું આટલું વધારે.' લાખિયારે કહ્યું,

'એલા, અમે તી આંય સદાવરત ઉઘાડ્યું છે એમ સમજ છ ? કે આયા ખોડાં ઢોરની પાંજરાપોળ ભાળી ગ્યો છે ?' ચતરભજન મગજની કમાન ફરી છટકવાની તૈયારીમાં હતી.

'ભાઈ, સદાવરતનીય આ મોટે ખોરડે નવાઈ નથી. આ ડેલીને ઉંબરેથી તો હજારો અભ્યાગતું સંતો ખાઈને ગ્યા છ. ઓણુંકા માઠા વરહમાં આ લાખિયારને એક અભ્યાગત ગણીને ‘નભાવો તોય....'

“એલા હવે ઝાઝા ટાયલાં રેવા દે, સીધી સટ વાત કરી નાખ્ય, ખાતું ચૂકતે કરવું ન હોય તો ચોખી ના ભણી દે એટલે અમે અમારી જોગવાઈ કરતા થાઈએ. સાંકડા ભોણમાં જ્યાં લગણ ભોડું ન પેહે ત્યાં લગણ સાપ સીધો ન હાલે.' ચતરભજે છેલ્લી વાત કહી નાખી.

લાખિયારે નિઃસહાય બનીને આભાશા સામું જોયું અને બોલ્યો :

'શાબાપા મારે ઘેરે જપતી લઈને આવશે એમાં મારી તો શોભા નહિ જ રિયે, પણ શાબાપાનીય શાખ હળવી થાહે; ઘોડી ને ઘોડેસવાર બેયનાં ઘટશે...'

આભાશાને લાગ્યું કે લોઢું હવે બરાબર, લાલચોળ તપી ગયું છે અને ઘણ લગાવવાનો ખરેખર મોકો આવ્યો છે. તેમણે હળવેથી વાત મૂકી :

'જો લાખિયા૨, અમારો ચતરભજ તો જરાક આકરો છે ​ એટલે વાતવાતમાં તપી જાય છે. તારા ઉપર હુકમનામું ન બજાવવું એમ તું કે'તો હોય તો બીજો એક રસ્તો છે. તારી લાખ રૂપિયાની આબરૂય બાંધી મુઠીમાં સચવાઈ રેશે ને ઘીના ઘડામાં ઘી પડી રેશે.'

'એમ કાંઈ થાતું હોય તો એનાથી રૂડું બીજું શું? મારી તો જંદગાની તમારા હાથમાં છે. તમે મારો કે તમે જિવાડો.'

'અમારે તને મારી નાખીને લાખના બાર હજાર જેવો ધંધો નથી કરવો.' ચતરભજે વળી વચ્ચે ટમકો મેલ્યો.' તુ જીવતો હોઈશ તો બે દોકડા વ્યાજનાય ખાટશું. મરી જઈશ તો ખાપણેય પીળે પાને ઉધારીને અમારે ઓઢાડવું પડશે. એ ખોટનો ધંધો અમારી પાસે કરાવજે મા ભલો થઈને.'

ફરી લાખિયાર અને આભાશા હસ્યા. આભાશાને લાગ્યું કે આ પારસ્પરિક હસાહસની પળનો પૂરેપૂરો લાભ ઉઠાવવો જોઈએ. એમણે ઘા કર્યો :

'લાખિયાર, તારે ખાતે લેણી નીકળતી કુલ રકમને મુદ્દલમાં ફેરવીને એના સાટામાં તારાં ખોરડાં માંડી દે એટલે ખટખટ મટે. પછી તારે માથે ઘીના ઘડા.'

અડીખમ લાખિયારના ડીલનાં અંગેઅંગમાં જાણે કે એકાંતરિયા ટાઢિયા તાવની ધ્રૂજ ઊપડી, બોલ્યો.

'શાબાપા ! તમારી જીભે આ વાત ! મારાં કૂબા જેવાં ખોરડાં ઉપર તમ જેવા દુલા રાજાની નજર બગડી ?'

'હવે બગડી ને સુધરીની માંડવા કરતાં મૂળ મુદ્દાની જ વાત કર્ય ને !' ચતરભજની ધીરજની હદ હવે આવી રહી હતી.

'તારાં ખોરડાં કાંઈ હું ઝૂંટવી લેવાનો નથી, એટલી તો તું ધરપત રાખજે. આ તો બધી કાગળિયાંની રમત છે. કાયદા કરી મેલ્યા છે એટલે એ પ્રમાણે હાલ્યા વિના છૂટકો થોડો છે.' આભાશાએ કહ્યું. ​ 'પણ બાપા, તમારું લેણું સાત ભવેય સાચું છે એમ સમજજો. આ માઠું વરહ નો હોત તે ઓણ જ ચૂકવી દીધું હોત મને જરાક સરખાઈ આવવા દિયોને, તો તમારી પૈયે પૈ દૂધે ધોઈને દઈ દઉં.'

'હવે દૂધ–ઘીની વાતું રેવા દે ને ! તું મોટો સતો છો ઈ સૌ જાણે છે.' ચતરભજને વચ્ચે વચ્ચે બોલ્યા વિના ચેન નહોતું પડતું.

'જો તારે ચૂકવી દેવાની જ દાનત છે તો પછી ખોરડાનું અમથું લખત કરી દેવામાં તને શું વાંધો છે ?' અભાશા પોતાની ગોફેણમાં કાંકરા તરીકે લાખિયારની જ દલીલોનો ઉપયોગ કર્યે જતા હતા.

'બાપા, લખી દેવામાં મને જરાય વાંધો નથી. મારાં ખોરડાં સંચોડાં તમે જ વાપરો તોયે મને વાંધો નથી. હું તો તમારા પગની રજ છઉં, પણ મારી નાતમાં જી ઘડીએ ખબર પડે કે લાખિયારનાં ખોરડાં ગીરો મેલાણાં તી ઘડીએ મારું નાક વઢાઈ જાય; મારી લાખ રૂપિયાની આબરૂ કોડીની થઈ જાય, મારી સાત પેઢીની શાખ ઉપર પાણી ફરી જાય, લાખિયાર આવેશમાં આવીને બોલ્યે ગયો. છેવટે જરા શ્વાસ ખાઈને એક જ વાક્ય, આર્દ્ર ભાવે ઉમેર્યું: 'સંધીના લોહીનું બુંદ લજવાય.'

'હવે બુંદ ગુંદની ક્યાં આદરીને બેઠો? સીધી ને સટ હા પાડી દે ને !' ચતરભજે ફરી વચ્ચે ઠપકો આપ્યો. અને પછી લાખિયારના ચાળા પાડતાં કહ્યું: 'સંધીના લોહીનું બુંદ લાજે ! લ્યો બોલ્યા ! મમ્‌મમ્‌નાં ફાંફાં હોય તોય લાજનાં પૂછડાં ભારે !'

તે સાંભળીને લાખિયારની આંખના ખૂણાં લાલ થયા, પણ એણે અજબ સંયમ દાખવ્યું. એટલું જ બોલ્યો : 'શાબાપા જેવા માવતર સામા બેઠા છે એટલે હવે શું જવાબ દઉં ! પણ ચત્તાભાઈ, જરાક મોઢું સંભાળીને વેણ બોલતા જાજો. બીજી બધીય ​ ચીજની ઠેકડી કરજો પણ સંધીની લાજની ઠેકડી મા કરજો.' થોડી વાર લાખિયાર સાવ મૂંગો જ રહ્યો, છતાં એના હોઠ ઊઘડું ઊઘડું થઈને બિડાઈ જતા હતા. છેવટે એટલું જ ઉમેરી શક્યો : 'લાજની કિંમત તો લાખું છે, ચત્તાભાઈ!'

અહીં આભાશાએ ફરી એક વખત લાખિયારની દલીલને પોતાની ગોફણમાં ગોઠવીને બરાબર નિશાન તાકીને સામી ફંગોળી :

'લાજની કિંમત તારે મને લાખ રૂપિયાની છે એટલાં સારું તો આ બાંધી મૂઠી લાખની રિયે એ રસ્તો સુઝાડું છઉં, પણ તારું તો સંધુય મોટાઈમાં જ તણાઈ જાય છે.'

'મોટાઈ તો શું ભાઈશા'બ, આ તો બાપદાદાના વખતનો ખોરડાનો એક મોભો હાલ્યો આવે છે ઈમાં મારાથી વધારો ન થઈ શકે તો કાંઈ નઈ, પણ જેટલો છે એટલો તો સાચવી રાખું ! અમ જેવા વરણમાં સોનારૂપાની ઇસ્કામતું તો ક્યાંથી હોય? પણ નાતજાતની આબરૂ છે ઈ ગલઢાવની પુનાઈની કમાણી છે. આ કમાણીની કિંમત આંકવા જાવ તો કોડીનીય ન ગણાય. ને ગણીએ તો લાખુંમાં આંકીએ તોય ઓછું છે. મારો બાપ વારેઘડીએ કે'તો : લાખ જજો પણ લાજ મા જજો, આ લાજ–આબરૂનું તો જાનને જોખમેય જતન કરવું પડે.'

'માળાં ટેંટાવ કીધાં એટલે થૈ રિયું. ભૂખ ભેગા થૈ ગ્યા પણ હજી લાજ–આબરૂનો ફાંકો ઓછો નો થ્યો...' ચતરભજથી હવે મુંગા રહેવાતુ જ નહોતું.

'મુનીમબાપા, તમે જરાક મોં સમાલો તો સારી વાત છે હો !' લાખિયાર બોલ્યો : 'આ શાબાપા બેઠા છે એટલે મારી જીભ ને હાથ સંધુય સીવાઈ ગયું છે, પણ તમે અબઘડી બોલ્યા ઈ વેણ આ ઘરની ઓસરીએ નો શોભે...'

લાખિયારની આંખના ખૂણાની લાલાશ જોઈને ચતરભજને આખે ડિલે ધ્રુજારી આવી ગઈ, અને તરત તેણે પવન પ્રમાણે સઢ ​ ફેરવવા પોતાના કથનને ફેરવી બાંધ્યું : ‘ઓહોહો ! કાંઈ મોટપ, કાંઈ મોટપ, કાંઈ મોટ...૫ ! આ તો રાણાને કાણો ન કેવાય !’ અને પછી જરા વાર રહીને પોતાને જ સંભળાવવા બોલ્યો : ‘હજી તો એટલું સારું છે કે આને ભગવાને ભૂખે મરતા જ રાખ્યા છે. નીકર તો મોટાઈમાં ને મોટાઈમાં ફુલાઈ જઈને કોણ જાણે આભમાં જ પાટું મારત !’

‘ચતરભજ, તું હમણાં મૂંગો જ બેસ. ઠાલો લાખિયાર તપી જાય છે. લાજ–આબરૂ તો સૌને વા’લી હોય જ ને ?’ આભાશાએ હવે લાખિયારને શીશામાં ઉતારવા માંડ્યો હતો : ‘તારી લાજઆબરૂ સાચવવા સારુ તો મારે આ કારહા કરવા પડે છે. નીકર કૂબા જેવા તારાં ખોરડાને ગીરોમાં લઈને મારે શું ગૂમડે ચોપડાંવાં છ ? પણ તારા ઉપર હુકમનામું બંજાવું તો તારી આબરૂના કાંકરા થાય. ને અમનેય કોક બે ડાયા માણહ ઠપકો આપે કે ગામમાં બીજું કોઈ ન જડ્યું તી આ ચકલાંનો માળો પીંખ્યો ? એમ કરવામાં આપણા બેમાંથી કોઈની ભલીવાર ન ગણાય. એના કરતાં, આ કાગળિયા ઉપર તારો અંગૂઠો દાબી દે, એટલે પછી મારે ખેંખાટ મટે. ને તુંય બેફિકર થઈને મોકળો ફર્યા કર્ય. એકાદું કાઘું વે’લું મોડું થાય તોય તારું નામ કોઈ ન લિયે.’

આભાશાએ એ દરમ્યાન ચોથિયા કાગળ ઉપર લખત કરવા માંડ્યું હતું. ચતરભજને ઉદ્દેશીને હુકમ કર્યો : ‘ચતરભજ, દોતનો છેડો ખડિયામાં બોળીને લાખિયારને અંગૂઠે ચોપડ્ય…’

‘શાબાપા, આ ઠીક નથી થાતું હો !…’ લાખિયાર હજીય વિરોધ કર્યે જતો હતો.

‘હવે બેહને ઠીક ને અઠીકવાળી !’ ચતરભજે લાખિયારને મીઠો ડારો દીધો, ‘શળીનું સંકટ સોયથી ટળે છે એનો પાડ તો માનતો નથી ને માથેથી ઠીક–અઠીકનો ટરડ કર્યા કર છ!’

‘ભાઈ શા’બ, તેમ આ મારાં કાંડાં કાપી લ્યો છો હો !’ શાહી ​ ચોપડાઈ રહ્યા પછી પણ લાખિયારનો ગણગણાટ તો ચાલુ જ હતો.

'એલા તને બોલવાનું કાંઈ ભાન બળ્યું છે કે નંઈ?' ચતરભજે ફરી લાખિયારને ધમકાવ્યો 'કાપવું કાપવું બોલ્યા કર છ તી અમને કેટલું પાપ લાગે એની કાંઈ ખબર પડે છ? કે પછી સંધી ભાઈ કીધા એટલે હાંઉં થઈ રિયું ? હાલતાં ને ચાલતાં કાપવા સિવાય બીજી વાત જ નંઈ ! આંયા તને કોણે કાપી નાખ્યો છ તી આમ લવરી કર્યા કરે છ?'

'મારાં એકલાંનાં જ નંઈ પણ મારા વારસદારનાંય આમાં કાંડાં કપાઈ ગયાં.' આભાશાએ ધરેલ કાગળ ઉપર પોતાનો અંગૂઠો ચાંપતી વખતે પણ લાખિયાર મૂંગો તો નહોતો જ.

'તું તો ભાર્યેવળ ખાવાવાળા નીકળ્યો ભાઈ !' ચતરભજે કાર્યસિદ્ધિ થઈ ચૂક્યા પછી લાખિયારને 'લાડ' લડાવવા માંડ્યા. અંગૂઠાની છાપ કરવામાં કિયો બાવળિયો ફાટી પડવાનો છે તી કાંડાં ને હાથ લગણ પોગી ગ્યો ? તમે સંધીની જાત્ય ડિલમાં જ જોરૂકી, બાકી છાતીના તો સાવ પોચા, તારા કરતાં તો અમે પાપડ ખાનારા સારા કે પ્રથવીનો પ્રલે થઈ જાય તોય મનનું ધારણ ન ખોઈએ. તને તો ગીરોખત કરવામાંય હૈયાપીટ ઊપડી છે...'

'પણ ભાઈશાબ, આપણી આ દેહોદ જેવડી કાયામાં નાક તો સાવ કેવડું નાનું છે ! પણ ઈ જાય પછી વાંહે શું વધે ઈ તમે જ કિયો.'

'આ તો માળો ચપચપિયો ભાર્યે ! તને કીધું નંઈ કે તારું નાક આમાં કોઈ નથી કાપી લેવાનું ! આ તો અમથું લખત કરવા ખાતર કર્યું છે. તારા કુબામાંથી અમને ક્યાં સોનામોરના ચરુ જડવાના છે ?' ચતરભજ લાખિયારના જખમ ઉપર પાટાપિંડી કર્યે જાતો હતો.

છેવટ લાખિયાર વીલે મોંએ ઊભો થયો અને જીવનનું સર્વસ્વ : ​અહીં હોડમાં હારી ચૂક્યો હોય એમ હતાશ થઈને ડેલી બહાર નીકળવા જતો હતો ત્યારે આભાશાએ આ આખા પ્રસંગની કડવાશ ઉપર મીઠો ગલેફ ચડાવવા લાખિયારને કહ્યું :

'તું તારે મોજ કર્યની મૂળાને પાંદડે ! તારું કોઈ નામ ન લ્યે. આ લખત તો એટલા સારુ કરવું પડ્યું કે લખ્યું ભાખ્યાને ઠેલે. સમજ્યો ? લખ્યું કોક દી વંચાય. જા હવે, પછી નવરો થા તંયે પટારામાંથી તારા ખોરડાના ખતનું ભૂંગળું આંયા ફેંકતો જાજે. બાકી કાંઈ ભો રાખીશ મા. જા, મજા કર્ય તું તારે...'

આભાશાની આટલી બાંયધરીથી તો લાખિયાર ખુશ ખુશ થઈ ગયો. બોલ્યો : 'વાહ મારા બાપા ! વાહ માલિક ! આનું નામ અમીર ને એની અમીરાત !'

અને આભાશાને ત્યાં થયેલા પુત્રજન્મનો પ્રસંગ યાદ આવતાં લાખિયારે એ બાળક માટે પણ દુઆ ગુજારી :

તુમ સલામત રહો હજાર સાલ
ઔર હર સાલ કે દિન હો પચાસ હજાર!

*