વ્યાજનો વારસ/વછોયાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વછોયાં

અન્નક્ષેત્રની ખ્યાતિ દૂર દૂરના પંથક સુધી પહોંચી ગઈ છે. દૂર દૂરથી વૈરાગીઓ અને સાધુઓ, નાથ બાવાઓ અને નાગા પંથીઓ, વામ–માર્ગીઓ અને શાક્તપંથીઓ, ખાખી બાવા અને મારગી બાવા, પાટના ઉપાસકો અને બિભત્સ પ્રેમના પૂજારીઓ સહુ જાત્રાએ જતાં-આવતાં જસપરમાં મુકામ કરે છે અને અન્નક્ષેત્રનો લાભ લે છે. આ અન્નક્ષેત્રમાં સહુ અભ્યાગતોની યથાશક્તિ ખાતરબરદાસ્ત થાય છે.

ગાંડી અમરત આ બધું જોઈને દાઝી મરે છે. પણ હવે એ દલુ પાસે લાચાર છે. પોતાના પેટે જ એને દગો દીધો છે.

સુલેખા જીવનની કૃતાર્થતા અનુભવી રહી છે. પેઢીના પૂર્વજોનાં સામટાં પાપનું પ્રાયશ્ચિત કરી રહી છે. અને નવરાશને સમયે ‘સુરૂપકુમાર’ના ચિત્રને પૂર્ણ કરવા મથી રહી છે.

પ્રાંતભરમાં ખ્યાતિ પામેલ મહંત બાળનાથની નાની સરખી મંડળીએ એક દિવસ જસપરમાં મુકામ કર્યો. એક વખત મહંત ભેરવનાથની આ જમાત સંખ્યા તેમ જ સમૃદ્ધિમાં આગળ પડતી હતી; પણ પછી દેશકાળ પ્રમાણે એની સંખ્યા અને સમૃદ્ધિ ઘસાતાં ચાલ્યાં : ભેરવનાથના મૃત્યુ પછી મહંતપદ ‘છોટે મહંત’ તરીકે ઓળખાતા પટ્ટશિષ્ય બાળનાથને મળ્યું હતું. ​ આજ દિવસ સુધી અન્નક્ષેત્રમાં આવેલા અભ્યાગતોમાં આ મંડળી એના મહંતના અનેરા વ્યક્તિત્વને કારણે જુદી જ તરી આવતી હતી.

બાળનાથ મીઠું મીઠું બોલે છે અને સહુનાં મન હરી લે છે. એમની આંખમાં કોઈ વિશિષ્ટ પ્રકારનો તેજરાશિ છે, જે સહુ કોઈને આંજી નાખે છે. એમની સુડોળ દેહલતાનો ફૂલગુલાબી ગૌર વર્ણ સહુ કોઈને આકર્ષે છે.

રઘી અને સુલેખા બન્ને જણીઓ બાળનાથ તરફ ટીકીટીકીને જોયા કરે છે,

રાતે ફળિયાના ચોકમાં નીતરતી ચાંદની તળે ભજન બેઠાં.

યુવાન બાળનાથે હાથમાં રામસાગર લીધો.

બારીમાં ઊભી ઊભી મહંતને અવલોકી રહેલી સુલેખાને વર્ષો પહેલાંની એક રાતનું દૃશ્ય યાદ આવી ગયું : થડકતા થંભવાળી આ મેડીમાં ખાટ ખટુકતી હતી. ખાટે હીંચતાં રિખવનો ડાબો પગ ભોંયતળિયે બિછાવેલા મીસરી ગાલીચા સાથે ઠેક લેતો હતો. જમણો પગ ઘૂંટણમાંથી વળીને અદાપૂર્વક ડાબા પગ તળે ગોઠવાયો હતો. એ અર્ધપલાંઠી વચ્ચે સહેજ ત્રાંસે ખૂણે સતાર ઊભી હતી. ઊંચે છતમાં ટિંગાતા ઝુમ્મરમાંથી પ્રગટતી રોશનીમાં ચકચકતા અસલ રેશમી પહેરણની પહોળી ઝૂલતી બાંયોમાંથી બહાર નીકળતા રિખવના ગૌરવર્ણા હાથનાં આંગળાં એ સતાર ઉપર રમી રહ્યાં હતાં. સતારનો સુમધુર ઝંકાર ગળતી રાત સાથે ઓગળીને એકરસ થઈ જતો હતો.

રઘીની આંખ સામે એક જુદું જ દૃશ્ય તરવરતું હતું : પોતે નદીને કાંઠે કપડાં ધોઈ રહી છે અને સામે કાંઠે ગાયો ચારતો ગોવાળનો છોકરો મોતનાં વળામણાંનું કારુણ્યભરપૂર ગીત લલકારી રહ્યો છે : ​

નદી કાંઠેના રૂખડા,
         પાણી વિના સુકાય...
                  જીવ તું શિવને સંભાળજે.....

મહંત સામે નજર કરતાં રઘી તેમ જ સુલેખા બન્ને રોમાંચ અનુભવે છે.

બાળનાથે રામસાગર ઉપર આંગળાં ફેરવવા માંડ્યાં. સાથીઓએ દોકડ અને ભોરણ ઉપર તાલ આપ્યા. મંજીરાનો મંજુલ રવ આવવા લાગ્યો અને ભર્યે રાગે ભજનપંક્તિ શરૂ થઈ :

એ... જી... ગરુ, તારો પાર ન પા... યો...
         એ... જી પાર ન પાયો...
પ્રથમીના માલિક ! તારો હો... જી...

પૃથ્વીના માલિકનો પાર પામવાની અશક્તિ આ લોકો કબૂલ કરે છે !

સુલેખા સ્તબ્ધ બનીને બારીએ ઊભી ઊભી સાંભળી રહી છે.

ભજનિકો મંગળ ગીતમાં ગવરીનંદ ગણેશને અને શારદામાતાને સ્મરીને અખંડ ગુરુને ઓળખવા મથે છે :

હાં... રે... હાં
જમીં–આસમાં બાવે મૂળ વિણ માંડ્યાં
         જી... હો... જી…
એ... જી, થંભ વિણ આભ ઠેરાણો રે...
         એ વારી ! વારી ! વારી
અખંડ ધણીને તમે આળખો...
         જી... હો... જી...

અખંડ ગુરુના આ ઉપાસકો ! મૂળ વિનાનાં જમીન–આસમાન માંડનાર અને થંભ વિના આભને ઠેરવી રાખનાર કયા ‘બાવા’ની આ લોકો પ્રશસ્તિ કરે છે ? અખંડ ધણી ! પ્રથમીનો માલિક ! એનું અલૌકિક સ્વરૂપ કેવું છે ? ​

હાં... રે... હાં...
         ગગનમંડળમાં ગૌધેણ વિંયાણી....
                  જી... હો...
એ... જી... માખણ વિરલે પાયો રે...
         અખંડ ધણીને તમે ઓળખો હો... જી…
હાં... રે... હાં
         ગગનમંડળમાં બે બાળક ખેલે...
એ... જી... બાળકનો રૂપ તો સવાયો રે
         એ વારી ! વારી ! વારી !
બાળકનું રૂપ ! સવાયું રૂ૫ ! સુલેખા વિચારે છે : આવી અદ્‌ભુત કાવ્યપંક્તિઓનો કર્તા તે કેવોક કવિ હશે ! મારા ચિત્ર પાછળ આટઆટલાં વર્ષોની મહેનત પછી પણ આવી નાજુક અને અલૌકિક કલ્પના મને સૂઝી નથી. અને આવી સુંદર વાણી અત્યારે ગાઈ રહેલો ગાયક પણ ક્યાં ઓછો સુંદર છે !

કવિત્વભરી કલ્પનાની અકેકથી અદકી ઉત્તુંગ ટોચ ભજનિકો સર કરતા જાય છે :

હાં... રે... હાં...
         સુન રે શિખર પર અલખ—અખેડા
                  જી... હો... જી...
એ... જી... વરસે નૂર સવાયો રે
         એ વારી ! વારી ! વારી !
         અખંડ ધણીને તમે ઓળખો હો... જી...
         હાં... રે.... હાં...
                  ઝળહળ જિયોતું દેવ તારી ઝળહળે...
જી... હો... જી...
એ... જી... દરસન વિરલ પાયો રે
         એ વારી ! વારી ! વારી !
અખંડ ધણીને તમે ઓળખો હો... જી...

સુલેખા કાવ્યરસની પરાકાષ્ટા અનુભવી રહી. જે ચિત્ર પાછળ એણે સમસ્ત જિંદગી ખર્ચી હતી અને છતાં જે અધૂરું રહેતું હતું તે આજે એક ક્ષણના કાવ્યપાનથી જાણે કે સાંગોપાંગ સંપૂર્ણ બનીને નજર સામે તરવરવા લાગ્યું. પ્રકૃતિનાં જે અપાર્થિવ તેજ પોતે પીંછી દ્વારા મૂર્ત કરવા મથી રહી હતી એ તેજને અલક્ષ્યના ધામમાંથી ઝળહળતી જ્યોત રૂપે, ‘સવાયાં નૂર’ રૂપે આ લોકો પોતાની શબ્દશક્તિ વડે તાદૃશ્ય કરી રહ્યા છે !...… અને એનો ગાયક બાળનાથ ? ખરેખર, એ તો જાણે કે હજીય બાળક જેટલો જ કમનીય – સવાયાં નૂરે ઓપતો લાગે છે ! સકળ વિશ્વનું મંગલ સ્વરૂપ એનામાં મૂર્ત થતું લાગે છે.

ભજનો સાંભળીને સુલેખા જ્યારે આવી આહ્‌લાદકતા અનુભવી રહી હતી ત્યારે રઘીના હૃદયમાં વર્ષો પહેલાં ભારી રખાયેલો શોકાગ્નિ ગાયકનાં વેણેવેણનો પવન ખાઈ ખાઈને પ્રજળતો હતો.

રામસાગર ઉપર અજબ કૌશલ્યથી રમતાં જતાં ગાયકનો મનહર મીઠો સ્વર સાંભળીને સુલેખા વિચારતી હતી :

‘આ માણસ સાધુ શા માટે બન્યો ?’

ગાયકના ગળાની પરિચિતતા અને નાક–નેણનો અણસાર જોઈને રઘી વિચારતી હતી :

‘આ માણસ સાધુ શી રીતે મટે ?’

બન્ને વિજોગણો વિચારે છે. રાત ગળતી જાય છે. ભજનો જામતાં જાય છે.

સુલેખા કે રઘી કોઈની આંખમાં નીંદ નથી. બન્નેનાં હૃદયમાં બાળનાથ અંગે કુતૂહલો અને શંકાઓના વલોપાત મચ્યા છે. એમનાં એ કુતૂહલો, શંકાઓ અને એ અંગેનાં સ્પષ્ટીકરણો પણ જાણે છૂટાંછવાયાં ભજનોમાં પડઘાતાં લાગે છે : ​

શાને કારણીએ રાજા મુંડ રે મૂંડાવી ને,
         શાને કારણ પે’રી કંથા હો... જી... ?
શાને કારણીએ રાજા ખપર ધરાયો ને
શાને કારણે લીયા ડંડા હો... જી...?

હા ! ઠીક આપમેળે પ્રશ્નો પુછાયા ! અમને પણ એ જ કુતૂહલ ઊઠે છે : શા કારણે તમારે મુંડાવવું પડ્યું ? એવા તે કયા દુઃખના ડુંગર ઊગ્યા હતા કે કંથા પહેરવી પડી ? ખપ્પર ધારણ કરવું પડ્યું ? હાથમાં ડંડો લેવો પડ્યો, ભલા ?

શંકિત હૃદયો સરવા કાન કરીને ઉત્તર સાંભળી રહ્યા છે.

મુગતિને કારણ મૈયા મુંડ તો મૂંડાવી ને,
         કાયા ઢાંકણ પે’રી કંથા હો જી
વસ્તી માગણ કું મૈયા ખપર ધરાયો ને,
         કાળ મારણ લીયા ડંડા હો જી...

પણ કોઈની શંકાનું સમાધાન થતું નથી. ઊલટાનાં કુતૂહલ વધારે ઘેરાં બને છે. કુતૂહલ સાથે સાથે હવે તો દયાર્દ્રતા પણ ઊપજે છે. ભજનમાંની પ્રશ્નોત્તરી એ દયાર્દ્રતામાં વધારો જ કરે છે ! ભેખધારી રાજા ગોપીચંદ પાસે રાણીઓ પ્રલોભન ઊભાં કરવા પ્રશ્નો કરે છે ;

કોણ કોણ રાજા, તેરી સંગમેં ચલેગી ને
         કોણ રે કરેગી દો દો બાતાં હો જી ?
કોણ કોણ રાજા તેરા ચરણ પખાળશે ને
         કિંયા જઈ જમશો દૂધ ને ભાતાં હો જી ?

હા, અમે પણ એ જ જાણવા માગીએ છીએ – પણ ગોપીચંદની પત્નીઓની જેમ નહિ. માતાઓ તરીકે, અમને પણ તમારા દૂધ–ભાતની, ભોજનની જ ફિકર થાય છે... શો જવાબ આપો છો ?

ધૂંણી ને પાણી મેરા સંગ ચલેગી ને
         રેન કરેગી દો દો બાતાં હો જી...

​
ગંગા ને જમના ચરણ પખાળશે ને,
         ઘેર ઘેર જમશું દૂધ ને ભાતાં હો જી...

હદ કરી. હવે બંધ કરો. નથી સંભાળતું, નથી સહન થતું. તમારો આવો આકરો ભેખ અમારાં માતૃહૃદયો જીરવી નથી શકતાં.

સુલેખા અને રઘી બન્ને જણીઓ વલોપાત વેઠી રહી છે. અલખ — અખેડાની વાતો કરનાર આ બાળનાથનો ભેદ જાણવા માટે સુલેખા ઉત્સુક છે. ત્યારે, રઘી ઉત્સુક છે, દોડતી જઈને બાળનાથને ભેટી પડવા માટે; એ તલખી રહી છે આ બાળકને પોતાના બાહુમાં ભીંસી નાખવા માટે, એને ઇચ્છા થઈ છે એ ગાયકના ગૌરવર્ણા મોંને ચૂમીઓથી નવડાવી મૂકવાની.

રઘીની નસોમાં લોહીના ધબકારા વધી રહ્યા છે. આજે એનું ચિત્ત સુલેખા તરફ નથી. રોજને રાબેતે અદ્‌ભુત રસવાળી કથાવાર્તા કહેવાનુંય એને યાદ આવતું નથી. સુલેખા અત્યારે મને અવલોકી રહી છે, એનુંય રઘીને ભાન નથી. ડેલીના બારણાં પાસે લાખિયાર ખાટલો ઢાળીને ખોં ખોં કરતો સંભળાતો હતો એની પાસે જઈને પોતાનો વલોપાત વ્યક્ત કરવાનું એને મન થઈ આવ્યું. પણ સુલેખાને કશોક વહેમ જશે એવી દહેશતે એ વિચાર માંડી વાળ્યો.

ગામમાં સોપો પડી ગયો છે. સઘળો બોલાશ બંધ પડી ગયો છે. અમીવર્ષણ ચાંદની મન મૂકીને ચોકમાં રેલાઈ રહી છે. ઘરમાં સહુ જંપી ગયાં છે. ચોવીસે કલાક ગાંડપણમાં બોલબોલ કર્યા કરતી અમરતને પણ અત્યારે જરાક જંપવાનું સદ્‌ભાગ્ય સાંપડ્યું લાગે છે.

આવા નીરવ વાતાવરણમાં રામસાગરના સૂર અદકા મનહર લાગે છે. દોકડ અને ભોરણ ઉપર પડતી થાપીઓ વધારે જોરદાર અવાજ ઉઠાડે છે. મંજીરાના રણકાર વધારે ઘેરા બને છે. ગાયકોનાં ગળાં પણ વધારે મીઠાં લાગે છે. ​ સાંભળનારાઓને તીરકસ વીંધ્યે જતી અનેક ભજન–કડીઓમાંની એક સંભળાઈ :

વેલ્યેથી વછૂટ્યું રે સખિ ! એક પાંદડું...

રઘી મનમાં હોંકારો ભણે છે. હા, વેલ્યેથી જ વછૂટ્યું હતું. ધાવતા છોરુને માને થાનલેથી ઉતરડી લે એમ ઉત૨ડાઈ ગયું હતું.

ભજન–કડીની ટીપ પૂરી થાય છે :

ઈરે પાંદડું ભવે ભેળું નંઈ થાય...

બારીમાંથી ભફાકો સંભળાયો. ઝાડના પડછાયા તળે કોઈકે કૂદકો માર્યો હતો.

ગાયક ચમકી ઊઠ્યો. અને શું બન્યું છે એ જાણવાનો પ્રયત્ન કરે એ પહેલાં તો એક સ્ત્રી ઝડપભેર આવતીકને પોતાને વળગી પડી. અને ઉષ્માભર્યા આલિંગન સાથે ચૂમીઓનો જાણે કે વરસાદ વરસાવીને ગાયકને ગૂંગળાવી જ દીધો.

ખાટલે પડ્યા પડ્યા લાખિયારે સંતોષ સૂચક એક ખોંખારો ખાધો.

બાજુના ખંડની બારીમાં ઊભાં ઊભાં સુલેખાએ આ સઘળાં દૃશ્ય જોયાં.

બીજે દિવસે સવારમાં બાળનાથ કૌપીનભર આવીને કૂવે નાહવા બેઠો ત્યારે એના વાંસામાંનું નીલવર્ણ લાખું સુલેખાએ ધ્યાનપૂર્વક જોયું.

રઘી અને બાળનાથનાં સંબંધોની સાંકળ સુલેખાને સાંપડી ગઈ.

*