શબ્દલોકના યાત્રીઓ – ૧/કવિ ત્રાપજકર

From Ekatra Foundation
Jump to navigation Jump to search
કવિ ત્રાપજકર

સૌરાષ્ટ્રમાં ગોહિલવાડે અનેક નરરત્નો આપ્યાં છે. એમાં કવિ ત્રાપજકરનો સમાવેશ થાય. ભાવનગર જિલ્લાનું ત્રાપજ ગામ એ એમનું વતન એટલે તે ત્રાપજકર કહેવાયા. એમનું મૂળ નામ પરમાનંદ મણિશંકર ભટ. ગુજરાતી રંગભૂમિને સવાસો વર્ષ થયાં, એની ઉજવણી ઉત્સાહ ભેર આપણે કરી રહ્યા છીએ ત્યારે જૂની રંગભૂમિને ચાલીસ ઉપરાંત લોકપ્રિય નાટકો આપનાર કવિ ત્રાપજકરની સેવાઓની નોંધ લેવી જોઈએ. શ્રી ત્રાપજકરે મુખ્યત્વે કવિતા અને નાટકમાં કામ કર્યું છે. જુદી જુદી નાટક મંડળીઓએ એમનાં નાટકો ભજવ્યાં. કેટલાંક નાટકો તો દોઢ હજાર ઉપરાંત વખત ભજવાયાં છે. એમનું સૌ પ્રથમ નાટક ‘અનારકલી’ પાલિતાણા ભક્તિ પ્રદર્શક નાટક કંપનીએ ૧૯૨૫માં ભજવેલું. એ પછી ‘સોરઠનો સિંહ’, ‘ભક્ત પ્રહ્લાદ’, ‘વીર અભિમન્યુ’, ‘બાજીરાવ પેશ્વા’ વગેરે નાટકો ભજવાયાં. શ્રી ત્રાપજકરનાં નાટકો ઐતિહાસિક, પૌરાણિક અને કાલ્પનિક એમ ત્રિવિધ વસ્તુવાળાં હતાં. લોકોમાં દિનપ્રતિદિન એ માટેની ચાહના વધવા લાગી. ૧૯૩૦ના અરસામાં ગાંધીજીની સ્વરાજ્ય માટેની લડતના વાતાવરણમાં કવિ ત્રાપજકરે ‘રણગર્જના’ નામે નાટક લખ્યું. ‘રણગર્જના’ એ સ્વાતંત્ર્યની લડતને વેગ આપે એવું નાટક હતું. મુંબઈના બાલીવાલા થિયેટરમાં એણે રંગત જમાવી. આર્યનૈતિક નાટક સમાજે આ નાટકની એક હજાર નાઈટો ભજવી. એની સફળતાની અને પ્રેરકતાની વાત ગાંધીજી પાસે આવી. એમની સૂચનાથી મહાદેવભાઈ દેસાઈ અને કસ્તુરબા આ નાટક જોવા આવ્યાં. કવિ ત્રાપજકર એ વખતે હાજર હતા. નાટક જોયા પછી કસ્તુરબાએ કવિને આશીર્વાદ આપ્યા. બે વર્ષ પછી પ્રેરણા પામી કવિશ્રીએ ‘સમ્રાટ હર્ષ’ નાટક લખ્યું. તે બારસો વખત ભજવાયું. એ પછી ‘જય ચિતોડ’ ‘વીરપસલી’ વગેરે નાટકો તેમણે તૈયાર કર્યાં. ૧૯૫૦માં તેમનું ‘વહુરાણી’ નાટક ખૂબ લોકપ્રિય નીવડ્યું. તે સત્તરસો નાઈટ ભજવાયું અને ૧૯૭૧માં ‘વઢકણી વહુ’ની પંદરસો નાઈટો થઈ હતી. લોકપ્રિયતા એ પણ એક મહત્ત્વનો માપદંડ છે અને કવિ ત્રાપજકર નાટકકાર તરીકે એક પછી એક વિજયો હાંસલ કરતા ગયા. કવિનાં નાટકો અનેક વખત જોનાર પ્રેક્ષકોની સંખ્યા પણ ઘણી છે. એમનાં નાટકો ઑલ ઈન્ડિયા રેડિયો પરથી પણ પ્રસારિત થયાં છે. તેમણે કાવ્યનાં પુસ્તકો પણ પ્રકાશિત કર્યાં છે. ૧૯૫૯માં ‘આતમવાણી’ અને ‘બંસરી મીઠાશભરી’ પ્રકાશિત થયાં. એ પછી ‘પરમાનંદ કાવ્યકુંજ’ અને ‘વાણીનાં ફૂલ’. કાવ્ય રચના પરત્વે કવિ જૂની શૈલીએ જ લખે છે. ગઝલો તેમને વધુ અનુકૂળ છે. ‘ધરાની ધૂળ થાવું છે’ વાળી ગઝલ જાણીતી છે. રોમેન્ટિક ભાવોદ્રેક એમની કવિતાને સહજ છે. તેમનો જન્મ ૨૪ ફેબ્રુઆરી ૧૯૦૨ના રોજ ભાવનગર જિલ્લાના ત્રાપજ ગામે થયો હતો. તેમના પિતા મણિશંકર માવજી ભટ ટ્રાન્સવાલ (આફ્રિકા)માં મોટા વેપારી હતા. ગુજરાતી સાત ધોરણ સુધીનો અભ્યાસ તેમણે ઘરઆંગણે કરલો. એ પછી તેઓ ભાવનગરમાં પોતાની ઔદિચ્ય જ્ઞાતિની બોર્ડિંગમાં દાખલ થયા. તેમનાં માતુશ્રી બેનકુંવરબા પાસેથી તેમને સંસ્કારો મળેલા. નાની વયે જ કવિતાનું ઝરણું ફૂટી નીકળ્યું; પરંતુ કવિ ત્રાપજકરે પિંગળશાસ્ત્ર અને નાટ્યશાસ્ત્રનો અભ્યાસ સ્વકીય પુરુષાર્થથી કર્યો. બાવીસ વર્ષની નાની ઉંમરે જ તેમને રંગભૂમિએ પોંખ્યા. કવિ પાલિતાણા ભક્તિ પ્રદર્શક નાટક કંપનીમાં જોડાયા. પહેલું નાટક ‘અનારકલી’ સફળતા પામ્યું અને ચારે બાજુથી કવિનાં નાટકોની માંગ થવા લાગી. મુંબઈની રંગભૂમિના દિગ્દર્શક સ્વ. વિઠ્ઠલદાસ ભોજકે કવિની શક્તિઓ પારખી પોતાને ‘વિશ્વ નાટક સમાજ’માં બોલાવી લીધા. પછી તો આર્યનૈતિક નાટક સમાજ, લક્ષ્મીકાન્ત નાટક સમાજ વગેરેએ કવિનાં નાટકોની માગણી કર્યા કરી અને કવિ લખતા ગયા. મુંબઈ અને ગુજરાતમાં કવિ ત્રાપજકરના નામની બોલબાલા થવા લાગી. દૂર દૂરથી લોકો એમનાં નાટકો જોવા આવવા લાગ્યા. અનેક ગામોએ કવિનું સન્માન કર્યું. પાકિસ્તાન સાથેના યુદ્ધ વખતે કવિનું ‘જય જવાન’ નાટક પણ ખૂબ પ્રશંસા પામ્યું. રાજ્યની સંગીત અકાદમીએ પણ કવિનું સન્માન કર્યું. કવિશ્રીએ પોતાના વતનમાં સામાજિક સેવાના ક્ષેત્રે પણ કામ કર્યું છે. ૧૯૪૨માં ત્રાપજ કેળવણી મંડળના પ્રમુખ તરીકે અને ત્રાપજ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે સેવાઓ આપી હતી. જૂના ભાવનગર રાજ્યની ધારાસભામાં પણ તે હતા. તેમની સેવાઓની કદર રૂપે ત્રાપજ પંચાયતે ત્રાપજ સ્ટેશનથી મણાર તરફ જતા રસ્તાનું નામ ‘કવિશ્રી ત્રાપજકર માર્ગ’ રાખ્યું છે. ભિન્ન રુચિવાળા લોકોને સંતોષ આપે એવું સફળ સ્વરૂપ તે નાટક છે. નાટક એ સર્વ ઈન્દ્રિયોની ભાષા છે. ગુજરાતી રંગભૂમિને જીવંત રાખનાર ગણ્યાગાંઠ્યા નાટકારોમાં ત્રાપજકરનું પ્રદાન મૂલ્યવાન છે. નાટકના માધ્યમ દ્વારા મનોરંજન અને લોકશિક્ષણ એ બંને આપવાનું કામ ત્રાપજકરે કર્યું છે. ગુજરાતી રંગભૂમિના ઈતિહાસમાં ભજવાઈ શકે એવાં અભિનેય નાટકો આપનાર કવિ ત્રાપજકરની સેવાઓ ચિરકાળ સ્મરણીય રહેશે.

૩-૧૨-૭૮