શબ્દલોકના યાત્રીઓ – ૧/ગની દહીંવાળા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ગની દહીંવાળા

પ્રસિદ્ધ ગીત-ગઝલકાર ‘ગની’ની અટક ‘દહીંવાળા’ શી રીતે પડી હશે? સુરતના ઝાંપા બજારમાં એમના દાદાજીની દહીંની દુકાન હતી. એ વખતના ના. મુલ્લાંજી સાહેબના પુત્રના લગ્નમાં એક મહિના સુધી જમણવાર ચાલેલો અને તેમણે દહીં પૂરું પાડેલું. મુલ્લાંજીએ ખુશ થઈ સુરતના ગોપીપુરાનું એ મકાન ભેટ આપેલું. શ્રી ગની દહીંવાળાનો જન્મ ૧૭મી ઑગસ્ટ ૧૯૦૮ના રોજ સુરતમાં ગોપીપુરા વહોરાવાડમાં થયેલો. તેમને સાત વર્ષની ઉંમરે બડેખાં ચકલાની પોલીસચોકી નજીકની ઉર્દૂ શાળામાં દાખલ કરવામાં આવેલા. ભણવામાં ગનીભાઈ તેજસ્વી હતા. શાળાના આચાર્ય મુનશી ગુલામરસૂલને બાળ ગનીમાં કંઈક દેખાયું. તેમણે ઉર્દૂના પ્રખ્યાત કવિ અમીર મીનાઈનો કાવ્યસંગ્રહ તેમના હાથમાં મૂક્યો. એ વાંચતાં પોતે જાણે ગઝલોના અભ્યાસી હોય તેવો ભાસ થયો. કવિતાના અંકુર ત્યારથી ફૂટ્યા. પિતાની આર્થિક મુશ્કેલીને કારણે તેમનો અભ્યાસ આગળ વધી શક્યો નહિ. સાહિત્યસર્જનનું બીજ તો પડેલું જ હતું; તેમણે સ્વપુરુષાર્થથી બાકીનું કરી લીધું. એવામાં આઝાદીની લડત આવી. એક દિવસ એમના હૃદયમાંથી નીચેની પંક્તિઓ સરી પડી :

દુષ્ટ પાપીઓના અત્યાચારથી ડરતા નથી
તોપ કે બંદૂક, ગોળીબારથી ડરતા નથી.
નાનાં નાનાં બાળકો મરવા અહીં તૈયાર છે,
છે હજી નાદાન, અત્યાચારથી ડરતાં નથી.
લાલ મોંનાં વાંદરાં પાળ્યાં પછી મોઢે ચડ્યાં,
એ વિલાતી વાંદરાં કિરતારથી ડરતાં નથી!!

પછી તો ગનીભાઈની ગઝલો સ્થાનિક પેપરમાં પ્રગટ થવા લાગી. પછી ‘કુમાર’, ‘સંસ્કૃતિ’માં પણ આવવા લાગી.. અમદાવાદ જતા ત્યારે ઉમાશંકર અને સ્વ. જયંતી દલાલ વગેરેને મળતા. એ વખતે લેખકમિલનો યોજાતાં. ગની પણ એમાં હાજરી આપતા. ઝવેરચંદ મેઘાણીના પરિચયમાં આવ્યા. મેઘાણીએ તેમને હૈયા સરસા ચાંપી લીધા. ચોથા દાયકામાં મહા ગુજરાત ગઝલ મંડળના તે સ્તંભ બની રહ્યા. ૧૯૫૨માં ગનીભાઈના શુભેચ્છકોએ એમનું સન્માન કર્યું અને રૂ. ૧૦૦૦ની થેલી અર્પણ કરી. એ જ સમિતિએ ‘ગાતાં ઝરણાં’ નામે તેમનાં ગીત-ગઝલનો પ્રથમ સંગ્રહ પ્રગટ કર્યો. ઉમાશંકર જોશીએ એની પ્રસ્તાવના લખી ગુજરાતને આ ગઝલકારનો પરિચય કરાવ્યો. સંગ્રહની ‘લઈને આવ્યું છું’ રચનામાં કવિ પોતાનો પરિચય આમ આપે છેઃ

‘ગની’ ગુજરાત મારો બાગ છે, હું છું ગઝલ બુલબુલ;
વિનયથી સજ્જ એવી પ્રેમબાની લઈ આવે છું
ઊડીને જેમ સાગરનીર વર્ષા થઈને વરસે છે;
જીવન ખારું છતાં દૃષ્ટિ કળાની લઈને આવ્યો છું.

સંગ્રહનું ‘ભિખારણનું ગીત’ કાવ્ય ખૂબ લોકપ્રિય થયું છે. ઉમાશંકરે કહ્યું છે તેમ “ગગનવિહારિણી આશા અને હૃદય કંપાવનારી વાસ્તવિક્તા એ બંને ઉપર એકએક આંખ રાખીને કવિ ગાય છે.” આ કાવ્ય સાહિત્ય અકાદમીના ‘ભારતીય કવિતા’ ૧૯૫૩ના સંચયમાં સ્થાન પામ્યું છે. ૧૯૫૫ના સંચયમાં તેમનું ‘સ્વજન સુધી’ કાવ્ય લેવાયું છે. ‘ગાતાં ઝરણાં’ની આજ સુધીમાં ત્રણ આવૃત્તિઓ થઈ છે. ‘મહેક’ કાવ્યસંગ્રહ ૧૯૬૨માં શ્રી ઉશનસની પ્રસ્તાવના સાથે પ્રગટ થયો અને ૧૯૭૧માં ‘મધુરપ’ પ્રગટ થયો. ‘મધુરપ’ની પણ બે આવૃત્તિઓ થઈ છે. છૂટક પંક્તિઓનો સંચય ‘ગનીમત’ ૧૯૭૧માં શ્રી જયન્ત પાઠકની પ્રસ્તાવના સાથે પ્રગટ થયો. ગઝલો અને ગીતોનો સંગ્રહ ‘નિરાંત’ હવે પછી પ્રગટ થશે. હમણાં તેમને સુરત મળવાનું થતાં ‘નિરાંત’ની હસ્તપ્રત તૈયાર છે એમ તેમણે કહ્યું. કોઈ પ્રકાશકે એ માટે અગાળ આવવું જોઈએ. અત્યારની પ્રયોગશીલ ગઝલો વિશે પણ તેમની સાથે ચર્ચા થઈ. કવિએ પોતાનો પ્રતિભાવ આપતાં કહ્યું, “અબખે આવી ગયેલી ગઝલની બસો વર્ષ પુરાણી પરંપરાથી જુદો જ ચીલો પાડવાના પ્રયત્નો આજના નવોદિત ગઝલકારો કરે છે. પરંતુ એમાં મને સરિયામ નિષ્ફળતા ભાસે છે. કારણ કે જે રીતે જૂની ગઝલના પ્રયોગો અને પ્રતીકો, શમા–પરવાના, સનમ-સાકી વગેરે ઘસાઈ ગયાં છે છતાં આધુનિક ઉર્દૂ-હિંદી ગઝલ પરંપરાની કેડી પર પગ મૂકીને નવા પ્રયોગો કરે છે. હું આ પ્રયોગોમાં માનું છું. ગુજરાતી ગઝલકારોમાં આજે પણ નવગઝલકારો પરંપરાનો સૂઝપૂર્વક ઉપયોગ કરી સરસ ગઝલો લખે છે, તે માણું છું.” “ગનીભાઈ, તમારી દૃષ્ટિએ ઉત્કૃષ્ટ આધુનિક ગઝલકારો કયા?” એમ પૂછતાં તેમણે કહ્યું: “જૂનામાં મરીઝ, અમૃત ઘાયલ, બરક્ત વિરાણી વગેરે સારી ગઝલો આપે છે. નવાઓમાં હરીન્દ્ર દવે, આદિલ મન્સૂરી, મનોજ ખંડેરિયા વગેરે.” ગનીભાઈએ જિંદગીભર દરજીનો વ્યવસાય કરેલો. હવે તો તે એમાંથી સંપૂર્ણપણે નિવૃત્ત થઈ ગયા છે. હમણાં બોતેર વર્ષના આ બુઝુર્ગ કવિને મળવાનું થતાં એ જ તાજગી અને પ્રસન્નતાનો અનુભવ થયો. ગનીભાઈને સિત્તેર વર્ષ થયાં ત્યારે સુરતમાં શ્રી ગની દહીંવાળા સન્માન સમિતિ રચાઈ, એણે કવિનું ઉચિત સન્માન કર્યું. આ આ પ્રસંગે ‘શ્વાસ ઉચ્છ્વાસ’ નામે એક અભિનંદન ગ્રંથ પણ પ્રગટ કરવામાં આવ્યો છે. એમાં પ્રસિદ્ધ વિવેચક વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ ગનીભાઈને “મૃદુ સૌરભ”ના કવિ તરીકે ઓળખાવ્યા છે. ડૉ. જયન્ત પાઠક, ભગવતીકુમાર શર્મા, રતિલાલ ‘અનિલ’, સરોજ પાઠક, હરીન્દ્ર દવે, ઉશનસ્ આદિએ એમની કવિત્વશક્તિને પ્રમાણી એમનાં કાવ્યોનો રસાસ્વાદ કરાવ્યો છે. ગની દહીંવાળાને સાંભળવાનો પ્રથમ પ્રસંગ આ લખનારને કૉલેજના અભ્યાસકાળ દરમિયાન મળેલો. એ પછી આકાશવાણી કવિ સંમેલનો અને અન્યત્ર લાભ મળ્યો છે. ગનીભાઈ મીઠી હલકથી ગઝલો ગાય છે. જાણે શબ્દો સીધા હૃદયમાંથી ટપકતા ન હોય! એમનું કવિતાઝરણ મધુર-મંજુલ રવે ગાન કરતું સાંભળવું એ એક લહાવો છે. હજુ પણ ગનીભાઈ ખૂબ કવિતાઓ આપે અને આપણને સંભળાવ્યા કરે અને એ માટે પ્રભુ તેમને સ્વાસ્થ્યયુક્ત દીર્ઘાયુ અર્પે એ પ્રાર્થના સાથે આ બુઝુર્ગ કવિને સલામ.

૪-૧૧-૭૯