શબ્દલોકના યાત્રીઓ – ૧/પંડિત સુખલાલજી
દોઢેક મહિના પહેલાં શ્રી ઉમાશંકરભાઈની સાથે તેમના નિવાસસ્થાન ‘સેતુ’થી ચાલતો ચાલતો પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીને મળવા જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં નાનકડો અકસ્માત નડવાથી અધવચ્ચે ઘરે પાછા ફરવું પડ્યું અને પછી તો આ માસની ત્રીજી તારીખે તેમના દેહવિલયના સમાચાર આવ્યા! મનમાં ઘણો વિષાદ થયો. પંડિતજીનાં પ્રેમ અને વાત્સલ્યનો પરિચય એ મારા જીવનની મોંઘી મૂડી છે. આવા સાત્ત્વિક સારસ્વતનું પૃથ્વી પર ‘હોવું’ એ જ માનવજાતિને માટે પરમ આશ્વાસક વસ્તુ હતી. ‘સરિત્ કુંજ’માં મળવાનું થતું ત્યારે સાંભળેલા ઉષ્માસભર બલિષ્ઠ અવાજના પડઘા આજેય કર્ણપટલ પર જેમના તેમ અથડાય છે અને પંડિતજીની પુણ્યસ્મૃતિને તીવ્રતર બનાવે છે. તેમણે પ્રેમથી આપણા બે હાથ પકડી લીધા હોય, તેમનાં તરલ આછા કંપવાળાં આંગળાંમાંથી વાત્સલ્યજનક નિર્વ્યાજ સ્નેહ સંક્રાન્ત થતો હોય એ અનુભૂતિ સમગ્ર ચેતનાને ભરી દે છે. ગુજરાત યુનિવર્સિટીએ તેમને ડી. લિટની માનદ પદવી એનાયત કરેલી. એ પદવીદાન સમારંભમાં મોટાં મોટાં મકાનો એ યુનિવર્સિટી નથી એ વાત કહેતાં તેમનો અવાજ સહેજ ઊંચો થઈ ગયેલો, પણ કેળવણીનું હાર્દ એ દ્વારા તેમણે બરોબર પ્રગટ કરેલું. પોતાની વાણી અને પોતાના આચાર દ્વારા તે એક વિદ્યાપીઠ સમા થયા હતા, આશ્રમિક કેળવણી પ્રથાનો જેને સ્વાનુભવ હતો અને ગુજરાત વિદ્યાપીઠમાં તેમ જ બનારસમાં જેમણે આ પ્રથાથી અનેક વિદ્યાસાધકોનાં જીવનમાં અમીસિંચન કર્યું હતું તે વિદ્યોપાસક સાચી કેળવણીનો મર્મ આપે એ તદ્દન સ્વાભાવિક છે. પંડિતજીનું જીવન ભવ્ય પુરુષાર્થની એક ગાથા છે. સંવત ૧૯૩૭ના માગશર સુદ પાંચમ ને આઠમી ડિસેમ્બર ૧૮૮૦માં એમનો જન્મ. પિતાનું નામ સંઘજી અને માતાનું નામ સંતોક. ચારેક વરસની બાલવયે માતા ગુમાવ્યાં. સાયલાના એક દૂરના સગા મૂળજીકાકાએ તેમને ઉછેર્યા. શાળાજીવનમાં તે એક સંનિષ્ઠ અને મહેનતુ વિદ્યાર્થી હતા. સાહસિક પણ ખરા. એક વાર તળાવની પાળ ઉપર ચાલીને આગળ નીકળવાની હોડમાં થોરની વાડમાં પટકાઈ પડ્યા. ભાનમાં આવ્યા ત્યારે હજામો શરીરમાંથી કાંટા કાઢી રહ્યા હતા. સૌરાષ્ટ્રના એક નાના ગામડામાં વણિક કુટુંબમાં સ્વાભાવિક એવી જાતમહેનત પણ એ ઉમરે સુખલાલજી કરતા. સત્તર વર્ષની વયે તેમણે આંખો ગુમાવી અને તે પ્રજ્ઞાચક્ષુ બન્યા. તેમણે પોતાના જીવનની આ ઘટના આ રીતે વર્ણવી છે : ‘વિ. સં. ૧૯૫૩નો ઉનાળો આવ્યો. હોળી પછી ક્યારેક હું ધંધામાં પળોટાવા વઢવાણ કૅમ્પ (આજનું સુરેન્દ્રનગર)ની દુકાને ગયો. રૂના ધંધાને લગતા જિન–પ્રેસનાં કામોમાં બીજા નોકરો સાથે હું કાંઈ ને કાંઈ કામ કરતો. ક્યારેક કાલાં ફોલવાનું તે ક્યારેક ગાંસડી બંધાવવા જિનપ્રેસમાં જાઉં. તડકો વધ્યે જતો હતો. એક વાર ખરા બપોરે ભોગાવાને સામે કિનારે શૌચ માટે જતો હતો ત્યારે આંખે ઝાંખપનું ભાન થયું. બધું ધોળું ધોળું લાગે. બીજે દિવસે સ્ટેશને ફોઈને લેવા ગયો તો ત્યાં તે સામે ઊભાં હતાં છતાં તેમને તત્કાળ ઓળખી શક્યો નહીં. કાકીએ પોસ્ટમાં નાખવા આપેલ એક પત્રનું ઠેકાણું આંખ ખેંચી ખેંચીને વાંચેલું એમ યાદ છે. આ ઉપરથી મને લાગ્યું કે આંખે ગરમી ચડી હશે એટલે રોજ સાંજે લીમલી પાછા જતા બાપુ સાથે ઘેરથી મોતીના સુરમાની શીશી મંગાવી...કુટુંબમાંનાં એક ડોશીમાએ જોઈને કહ્યું કે કદાચ છોકરાને માતા નીકળે. સવારે દાણા દેખાયા. મારાં માતા લાંબાં ચાલ્યાં. માતા દરમિયાન આંખે સ્પષ્ટ દેખાયું હોય એમ યાદ નથી. હાથ, પગ અને માથામાં તો એવી સ્થિતિ આવેલી કે એની આખી ખોળો જ ઊખડી ગયેલી. આંખમાં માતાનું જોર અસાધારણ હતું. એક આંખ એટલી બધી ફૂલી કે તેનો સોજો નાકના ટેરવા સુધી પહોંચેલો અને અસહ્ય દર્દને અંતે તેમાંથી ડોળો બહાર નીકળી ગયો.’ આ રીતે પંડિતજી અચક્ષુ થયા, પણ સ્વપુરુષાર્થથી પ્રજ્ઞાચક્ષુ થયા. લીમલીના ઉપાશ્રયમાં તેમણે સંસ્કૃત વગેરેનો અભ્યાસ શરૂ કર્યો. સગપણ થઈ ગયું હતું, પણ અંધાપો આવ્યો એટલે એનો વિચ્છેદ કર્યો. આચાર્ય વિજયધર્મસૂરિએ કાશીમાં જૈન પાઠશાળા સ્થાપેલી. કુટુંબીજનોને સમજાવી ત્રેવીસેક વર્ષની વયે તે કાશી અભ્યાસ કરવા ગયા. જૈનવિદ્યાનો પરિચય તો હતો જ; એટલે એમણે જૈનેતર વિદ્યાનું જ્ઞાન મેળવ્યું. સાથે સાથે અધ્યાપનકાર્ય પણ ચાલતું. તેમણે થોડા પ્રવાસો પણ કર્યા. આગ્રામાં વિદ્યાકાર્ય શરૂ કર્યું. ગાંધીજીના પરિચયમાં આવ્યા, ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા અને ભારતીય દાર્શનિક સાહિત્યના સંપાદનમાં મહામૂલ્યવાન એવું સન્મતિકર્મનું સંપાદન કર્યું. અંગ્રેજીનો અભ્યાસ શરૂ કર્યો. શાન્તિનિકેતનમાં પણ જઈ આવ્યા. છેવટે ૧૯૩૩માં બનારસ યુનિવર્સિટીમાં જૈન દર્શનના પ્રાધ્યાપક બન્યા. સાહિત્ય પ્રવૃત્તિ વેગ પકડે છે. વિદ્યાસાધનાનાં સુફળ આવવા માંડે છે. ૧૯૪૪માં બનારસ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. રાધાકૃષ્ણનના આગ્રહ છતાં એ નિવૃત્ત થયા અને મુંબઈ ભારતીય વિદ્યાભવનમાં જિનવિજયજી સાથે રહ્યા. પણ છેવટે અમદાવાદમાં ગુજરાત વિદ્યાસભામાં માનાર્હ પ્રાધ્યાપક તરીકે જોડાયા. તેમણે પ્રાકૃત-સંસ્કૃત ગ્રંથોના હિંદી અનુવાદો, સંપાદનો અને ટીકા-ટિપ્પણ પ્રગટ કર્યાં છે. ભારતીય દર્શનશાસ્ત્રના તેઓ વિશ્વવિખ્યાત પંડિત બન્યા. આટલું બધું લેખનકાર્ય તેઓ કઈ પદ્ધતિએ કરતા હતા એવો પ્રશ્ન ઉદ્ભવે છે. તાજેતરમાં પંડિતજીના અંતેવાસી શ્રી દલસુભાઈ માલવણિયાએ ‘ગુજરાતી ગ્રંથકાર શ્રેણી’માં ‘પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી’ પુસ્તક પ્રકટ કર્યું છે. આ પુસ્તકમાં શ્રી દલસુખભાઈ કહે છે: ‘પ્રશ્ન થશે કે પંડિતજી લખવાની તૈયારી કેવી રીતે કરે છે. સર્વ પ્રથમ તે જે વિષે લખવું હોય તેની યથાસંભવ પૂરેપૂરી માહિતી એકત્ર કરાવી એ સાંભળી લે છે. આ માટેના સમયની કોઈ મર્યાદા હોતી નથી; પણ જ્યારે લખાવવાનું શરૂ કરવું હોય ત્યારે પ્રથમ શરત એકાંત સ્થાનની હોય છે, જ્યારે લખાવવાનું હોય છે ત્યારે આહારની માત્રા અત્યંત ઓછી કરી નાખી લખાવવાનું શરૂ કરે છે. લખાણ એકધારું જ હોય છે... અને ચાલતું હોય ત્યારે કુદરતી હાજત અને આહારનો સમય બાદ કરતાં નિયમિત જ ચાલુ રાખે છે. પ્રથમ બધો જ સંદર્ભ મનમાં ગોઠવી લીધો હોય છે એટલે, લખાણ વખતે વિચાર માટે સમય આપતા નથી, પણ એકધારું લખાવ્યે જાય છે.’ પંડિતજી પ્રાચીન ધર્મગ્રંથોના આરૂઢ વિદ્વાન હોવા છતાં એમની ધર્મદૃષ્ટિ ધર્મજડ બની નથી. એમની જીવનસૃષ્ટિ પર ગાંધીજીનો પ્રભાવ પડેલો છે. તેઓ હંમેશાં પ્રગતિશીલ દૃષ્ટિબિંદુ ધરાવતા રહ્યા અને ધર્મચર્ચાને એક ચેતનવંતી ભૂમિકાએ મૂકી સાચા આધ્યાત્મિક પુરુષ બની રહ્યા. ગુજરાતી ભાષામાં પણ ‘અધ્યાત્મ વિચારણા’, ‘દર્શન અને ચિંતન’ના બે ભાગ, ‘ભારતીય તત્ત્વવિદ્યા’ વગેરે ગ્રંથો આપણા દાર્શનિક સાહિત્યનાં મૂલ્યવાન આભરણ છે. વિનોબાજીએ પંડિતજીની તટસ્થ બુદ્ધિની પરિપૂર્ણતાની પ્રશંસા કરેલી. નાનાભાઈ ભટ તેમને પુરાતત્ત્વવિદ્ છતાં અદ્યતન તરીકે જોતા. ગુરુદયાલ મલ્લિકજીએ તેમને વિદ્યાના વિશ્વકોશ તરીકે વર્ણવેલા. આ બધું છતાં ભારતના આ પશ્ચિમ ભાગમાં પ્રગટેલા પંડિત સુખલાલજી એ પ્રભુની એક મહાન ભેટ છે. તેમના જેવા સાત્ત્વિક સારસ્વતનો આત્મા આપણા સૌ પર આશિષ વરસાવતો રહો!
૧૬-૪-૭૮