શબ્દલોકના યાત્રીઓ – ૧/પન્નાલાલ પટેલ
અમદાવાદ નવરંગપુરા વિસ્તારમાં સરદાર વલ્લભભાઈ સ્ટેડિયમને રસ્તે કોઈક સાંજે એક અલગારી જેવી, ખ્યાલે મસ્ત વ્યક્તિ તમને ભેટી જાય તો એ પન્નાલાલ પટેલ છે એમ કળાઈ જતાં વાર લાગવી ન જોઈએ! ૧૫, પ્રજ્ઞા સોસાયટીના મકાનમાંથી તે કોઈ સાંજે લટાર મારવા દર્શન સોસાયટીના રસ્તે નીકળે છે! અમદાવાદમાં બધા લેખકો સાથે એમને મૈત્રી સંબંધ. પણ ત્રિપુટી તો પન્નાલાલ, પેટલીકર અને પીતાંબરની! પીતાંબર હમણાં ગયા. પીતાંબરની શોકસભામાં અનેક લેખકોએ એમને અંજલિ આપેલી; પણ સૌથી અસરકારક હતી પન્નાલાલની. કારણ કે એમણે સાચી અંજલિ આપેલી. પન્નાલાલ એટલે જ સત્યનિષ્ઠા, સાચકલાપણું અને સૌમ્યતા. થોડાં વર્ષોથી તે શ્રી અરવિંદજીવન દર્શનથી પ્રભાવિત થયા છે, અમદાવાદમાં ન હોય ત્યારે પોંડિચેરી ગયા હોય! શ્રી માતાજી પ્રત્યે અભિમુખ છે. ક્ષયરોગના તે ભોગ થઈ પડેલા પણ બધા મેડિકલ રિપોર્ટ્સને ધૂળ ચાટતા કર્યા, મા ભગવતીની દિવ્ય શક્તિએ. આ દિવ્ય શક્તિને સમર્પિત થઈને પન્નાલાલ બેઠા છે. એ દિવ્ય શક્તિનું કાર્ય પોતાની અંદર ચાલી રહ્યું છે એમ અનુભવે છે. દિવસનો મોટો ભાગ પ્રાર્થના-ધ્યાનમાં ગુજારે છે. ઉમાશંકર એમના સહાધ્યાયી મિત્ર, પણ હાલ તેઓ મૈત્રી વિશેષ માણે છે સુન્દરમના સાન્નિધ્યમાં. શ્રી પન્નાલાલનો જન્મ ૭ મે ૧૯૧૨ના રોજ રાજસ્થાનની સરહદે આવેલા ડુંગરપુરના માંડલી ગામમાં થયો હતો. પિતા નાનાશા અથવા નાના ભગતને નામે ઓળખાતા. બે વર્ષની ઉંમરે પિતા અવસાન પામ્યા. પિતાની ગામમાં ભારે પ્રતિષ્ઠા. એમનું ઘર “વિદ્યાનું ઘર” ગણાતું. આ ઘરનો છોકરો તો ભણવો જ જોઈએ. પણ ગામમાં નિશાળ જ નહોતી. કિશોર પન્નાલાલનો સ્વભાવ માવડિયો. આખો દિવસ માની પાછળ પાછળ ફર્યા કરે, એવામાં જયશંકરાનંદ નામના સાધુના પરિચયમાં આવ્યા. તેમની સાથે મેઘરજ આવ્યા. ભણવાનું શરૂ થયું. ઈડરના મહારાજકુમાર હિંમતસિંહજી મેઘરજ આવેલા. પેલા સાધુ મહારાજની તાલીમથી તે થોડું ગાતાં વગાડતાં શીખેલા, એટલે મહારાજકુમારની આગળ ‘બંસીવાળા આજો હમારે દેશ’ એવી મીઠી હલકથી ગાયું કે તરત હુકમ છૂટ્યો ‘ટાબરાને ઈડર બોર્ડિંગમાં ભેજ્યો જાય.’ આમ ઈડર ભણવા ગયા. ઉમાશંકર પાછળથી ત્યાં ભણવા આવેલા. એ વખતના પન્નાલાલ કેવા હતા? ઉમાશંકર લખે છે: ‘શરીર નાનકડું હૃષ્ટ પુષ્ટ કહી શકાય એવું. લગભગ યુરોપીય લાગે એવો ગોરો – બલકે લાલ લાલ ચહેરો. ચૂંટી ખણો તો લોહી નીકળે. અવાજ ઊંડો ઘેરો પણ સૌથી વિશેષ તો મીઠાશભર્યો—કહો કે ગળ્યો ગળ્યો. આંખમાં અચૂક વરતાતી ‘હું સમજુ છું બધું’ એવી ચમક. મને સૌથી વધુ આકર્ષતી વસ્તુ તે હતી. એમની મોકળાશભરી વર્તણૂક. કશી રોકટોક અનુભવ્યા વગર બધી પરિસ્થિતિમાં એ એક જાતના આત્મવિશ્વાસ સાથે લીલાપૂર્વક વિચરતા.” પણ સંજોગો અનુસાર તે ભણી ન શક્યા. સંસારમાં પડ્યા, અને અનેક કામગીરીઓ બજાવી. અમદાવાદમાં પાઈપ કાપવાનું, કોઈ દુકાને ગુમાસ્તાનું, ઇલેક્ટ્રિસિટીની કંપનીમાં ઑઈલ મૅન, મિલ કામદાર — અનેક નોકરીઓ તેમણે કરી. ૧૯૩૬ની સાલમાં અમદાવાદમાં ગાંધીજીના પ્રમુખપદે ગુજરાતી સાહિત્ય પરિષદ ભરાયેલી. પન્નાલાલના સહાધ્યાયી મિત્ર ઉમાશંકર પણ મુંબઈથી અમદાવાદ આવેલા. ઉમાશંકર પ્રેમાભાઈ હૉલની બાજુવાળી હોટેલમાં પન્નાલાલને લઈ જાય છે. આ ‘મજૂર માણસને’ લખવાની પ્રેરણા આપે છે. બાજુમાં બેઠેલા સુન્દરમને પન્નાલાલને માર્ગદર્શન આપવાની ભલામણ કરે છે. પન્નાલાલે શરૂઆત તો કવિતાથી કરી પણ એમાં ગાડું ગબડ્યું નહિ. સુન્દરમે વાર્તા ઉપર હાથ અજમાવવા કહ્યું. અને તેમણે પહેલી વાર્તા લખી ‘શેઠની શારદા’ અને ‘ફૂલછાબ’માં મોકલી. મેઘાણીએ એને સરસ રીતે છાપી. અને પછી તો કામ આગળ ચાલ્યું. ગુજરાતને એક મોટા ગજાનો નવલકથાકાર મળ્યો, ખાસ તો પ્રાદેશિક નવલકથાકાર. ‘વળામણાં’, ‘મળેલા જીવ’, ‘માનવીની ભવાઈ’, વગેરે તેમની કીર્તિદા કૃતિઓ છે. આજે તો પન્નાલાલની કૃતિઓની સંખ્યા સાઠ-સિત્તેર સુધી પહોંચે છે. તેમણે નવલકથા, ટૂંકી વાર્તા, નાટક, બાળ સાહિત્ય, મહાકથા, આત્મકથા ઘણું બધું લખ્યું છે; પણ એની પાછળ દિવ્ય શક્તિનો પ્રભાવ રહ્યો છે એમ તે માને છે. તેમણે પોતાની ‘અછડતી ઓળખાણ’ આપતાં લખ્યું છે : “સર્જનશક્તિ એ માનવ પ્રયત્નથી ઉપરની વસ્તુ છે. ભગવાનની કરુણાથી જ એ પામી શકાય અન્યથા નહિ, હાથમાં તેલની કુપ્પી રાખીને યંત્રોમાં તેલ પૂરતા હતા એમાંથી વગર માગ્યે જે શક્તિએ કલમ પકડાવીને માનવચિત્તમાં ‘રસ’ સિંચનનું કામ સોંપ્યું છે એ જ શક્તિ તક આવ્યે ‘અમૃતા આત્મની કલા’ સિદ્ધ પણ કાં તો કરી આપે!” પન્નાલાલને ઘણાં ચંદ્રકો, પારિતોષિકો મળ્યાં છે. ગુજરાત ભારતમાં રજૂ કરી શકે એવા ગણતર સાહિત્યસર્જકોમાંના એક પન્નાલાલ છે. પન્નાલાલે ૧૯૭૧ના ઑગસ્ટની ૧૫મીએ શ્રી અરવિંદના જન્મદિને ‘સાધના પ્રકાશન’ નામની સંસ્થા શરૂ કરી છે. એમાં મુખ્યત્વે એમનાં પોતાનાં પુસ્તકો પ્રગટ થાય છે. પન્નાલાલના સુપુત્ર અરવિંદભાઈ પિતાજીના માર્ગદર્શન હેઠળ એનું સંચાલન કરે છે. પન્નાલાલે હમણાં ‘મહાભારત’, ‘રામાયણ’ અને ‘ભાગવત’ ઉપરથી ચાર પાંચ ભાગની નવલકથાઓ લખી. ‘પાર્થને કહો ચડાવે બાણ’, ‘રામે સીતાને માર્યાં જો’ અને ‘કૃષ્ણ જીવનલીલા’. તેમના આ પ્રયત્નની લેવી જોઈએ એવી નોંધ લેવાઈ નથી. ભારતીય સંસ્કૃતિના આધારસ્તંભ જેવાં આ મહાકાવ્યોનું, એની ગંભીર કથાનું પન્નાલાલે જાણે પુનઃસર્જન કર્યું છે. પન્નાલાલ પટેલ એ ગુજરાતી સાહિત્યની એક ‘ઘટના’ છે, તેમનો શબ્દ વાપરીએ તો એક ‘ચમત્કાર’ છે!
૨૩-૪-૭૮