શબ્દલોકના યાત્રીઓ – ૧/બાબુભાઈ પ્રા. વૈદ્ય
શ્રી બાબુભાઈ વૈદ્ય સામાજિક અને રાજકીય કાર્યકર તરીકે જેટલા જાણીતા છે તેટલા લેખક તરીકે નથી; પણ તેમણે સાહિત્યક્ષેત્રમાં નવલકથા, વાર્તા અને નાટક દ્વારા પોતાની આત્માભિવ્યક્તિ સાધેલી છે. તેમણે ૨૪–૨૫ પુસ્તકો પ્રગટ કર્યાં છે અને આજે નિવૃત્તિમાં બધો સમય સાહિત્ય લેખન પાછળ જ આપે છે. શ્રી બાબુભાઈનો જન્મ દ્વારકામાં ૨૩મી જુલાઈ ૧૯૦૯ ના રોજ થયો હતો. તેમના પિતાશ્રી ડૉ. પ્રાણજીવન મયારામ વૈદ્ય એ સમયે દ્વારકામાં સરકારી ડૉકટર હતા. તેમનું બાળપણ દ્વારકામાં વીત્યું. દ્વારકાનો ઘૂઘવતો સમુદ્ર, દ્વારકાધીશનું મંદિર અને ત્યાંનું ઠીક ઠીક સમૃદ્ધ પુસ્તકાલય તેમના બાળ માનસ પર ઊંડી અસર પાડી ગયાં. એ દિવસોમાં વાઘેરોનાં બહારવટાં ચાલતાં હતાં, અડાબીડ વાઘેરોને તેમણે જોયેલા. સાતમે વર્ષે જેતપુરની શાળામાં પ્રાથમિક શિક્ષણ લીધું. એક વર્ષ પાદરાની પ્રાથમિક શાળામાં પણ ભણેલા. ૧૯૨૦માં માધ્યમિક શાળામાં જોડાયા. જેતપુર કમરીબાઈ હાઈસ્કૂલમાંથી પહેલે નંબરે પાસ થઈ શિષ્યવૃત્તિ મેળવી. ૧૯૨૭માં બહાઉદ્દીન કૉલેજ જૂનાગઢમાં દાખલ થયા. એક વર્ષ (૧૯૨૮-૨૯) વડોદરા કૉલેજમાં ગયેલા. ત્યાં વક્તૃત્વ સ્પર્ધામાં ઈનામ મેળવ્યું. ૧૯૨૮-૩૦માં જુનિયર બી.એ.માં પાછા બહાઉદ્દીન કૉલેજમાં દાખલ થયા. સત્યાગ્રહની લડતના એ દિવસોમાં ભણતર કરતાં લડતમાં વિશેષ ધ્યાન રહેતું. ૧૯૨૯માં પિતામહ મયારામ સુંદરજી વૈદ્યના અવસાન પછી અભ્યાસની સાથે દાદાનું ઔષધાલય પણ ચલાવતા. તેમના લેખનનો પ્રારંભ વડોદરા અને જુનાગઢની કૉલેજનાં મૅગેઝીનોમાં લેખો લખવાથી થયેલો. સત્યાગ્રહની લડતોમાં પ્રવચનો પણ કરતા. ઈ.સ.૧૯૩૬માં ઈબ્સનના પ્રસિદ્ધ નાટક ‘વાઈલ્ડ ડક’ ઉપરથી ‘હંસી’ નામે અનુવાદ પુસ્તકાકારે પ્રગટ કર્યો. જુદાં જુદાં સામયિકોમાં લેખો લખવા માંડ્યા. એ પછીનાં બે વર્ષોમાં ઈબ્સનના નાટકનો અનુવાદ ‘વિધિનાં વિધાન’ અને પ્રથમ મૌલિક વાર્તાસંગ્રહ ‘પારકી છઠ્ઠીનો જાગતલ’ પ્રસિદ્ધ થયો. ૧૯૩૭થી ‘ફૂલછાબ’માં સ્વ. ઝવેરચંદ મેઘાણીના સંપાદન નીચે પુસ્તકોનાં અવલોકનો લખવાનું શરૂ કર્યું. ૧૯૩૦થી ૧૯૪૩ સુધી જેતપુરમાં રાજકીય અને સામાજિક પ્રવૃત્તિઓમાં રત રહ્યા. ૧૯૪૩ના અંતભાગમાં સ્વ. ઝવેરચંદ મેઘાણીના આગ્રહથી ‘ફૂલછાબ’માં સહતંત્રી તરીકે જોડાયા. અહીં તેમને પત્રકારત્વની દીક્ષા મળી. લેખિનીનો પણ વિકાસ થયો. પણ દોઢેક વર્ષના સહયોગ બાદ ૧૯૪૫માં તેઓશ્રી તથા શ્રી મેઘાણીભાઈએ ‘ફૂલછાબ’ છોડ્યું. ૧૯૪૬માં શ્રી રવિભાઈ મહેતાના સાથી તરીકે મુંબઈ ‘સાંજ વર્તમાન’ દૈનિકમાં જોડાયા. આ દૈનિકમાં તે રાજસ્થાનના પ્રશ્નો અને અવલોકનોના વિભાગો ચલાવતા. ૧૯૪૭ના અંતભાગમાં રાજકોટથી ‘જયહિંદ’ નામે દૈનિક શરૂ કરવા તે રાજકોટ આવ્યા અને એના આદ્યતંત્રી બન્યા. આ દિવસોમાં પ્રસિદ્ધ કવિ મકરંદ દવે અને ‘જન્મભૂમિ’વાળા ત્ર્યંબક મહેતા તેમના સાથીદારો હતા. ૧૯૪૮માં તેમણે ‘જયહિંદ’ છોડ્યું. સૌરાષ્ટ્ર રાજ્યના પછાત વર્ગ બોર્ડના માનદ મંત્રી થયા. ૧૯૫૨થી ૧૯૫૭ સુધી તે સૌરાષ્ટ્રના સક્રિય ધારાસભ્ય રહ્યા. ૧૯૫૭થી ૧૯૬૨ સુધી તેમણે પુસ્તક પ્રકાશન, હરિજન કાર્ય અને સાહિત્ય પ્રવૃત્તિ કરી. ૧૯૬૨થી ૧૯૬૭ સુધી ગુજરાત રાજ્યમાં અપક્ષ ધારાસભ્ય રહ્યા. તેમણે પ્રજાના પ્રશ્નો વિશે કરેલાં અભ્યાસપૂર્ણ લાંબાં પ્રવચનોએ ગુજરાતની ધારાસભાના ઈતિહાસમાં વિક્રમ નોંધાવ્યો. ૧૯૬૭ના અંતમાં તેમણે સંપૂર્ણ નિવૃત્તિ લીધી. એ પછી એકમાત્ર સાહિત્ય પ્રવૃત્તિ જ તે કરે છે. હાલ તે મુંબઈમાં પોતાના પુત્ર સાથે રહે છે. ‘ઉપમા’, ‘નંદબાબુ’, ‘ગોદાવરી’, ‘વિશ્વામિત્ર’ જેવી તેમની મૌલિક નવલકથાઓ જાણીતી છે. ‘આ. સૌ. વિધવા’, ‘મા વિનાનાં’, ‘નિરાંતનો રોટલો’, ‘વહેતું વાત્સલ્ય’, ‘રોતી ઢીંગલી’, ‘છેતરી ગઈ’ જેવા તેમના વાર્તાસંગ્રહો એમની શિષ્ટ રુચિ અને સામાજિક સભાનતા પ્રગટ કરે છે. મૌલિક નાટકોમાં ‘એ...આવજો’ અને ‘પ્રેરણા’ ઉલ્લેખનીય છે. અન્ય નાટકોનાં અનુવાદ-રૂપાંતર પણ તેમણે કર્યાં છે. ૧૯૭૫માં પ્રગટ થયેલું તેમનું પુસ્તક ‘રેતીમાં વહાણ’ આમ તો ગુજરાતના લોકસેવક શ્રી કુંવરજીભાઈ વિઠ્ઠલભાઈ મહેતાએ કહેલાં આઝાદીની લડતનાં સંસ્મરણો આપે છે પણ એમાંથી બારડોલી સત્યાગ્રહ સમયના ગુજરાતના સંસ્કાર જીવનની એક છબી ઊપસે છે. સ્વ. ઝવેરચંદ મેઘાણીએ રવિશંકર મહારાજનાં સંસ્મરણો ‘માણસાઈના દીવા’ રૂપે આલેખેલાં એવી ધાટીનું આ પુસ્તક ‘રેતીમાં વહાણ’ છે. શ્રી બાબુભાઈ વૈદ્યે ‘ઝવેરચંદ મેઘાણી’, ‘અકબર’ વગેરે ચરિત્રાત્મક પુસ્તિકાઓ પણ લખી છે. સાહિત્ય અને પત્રકારત્વ ઉભય ક્ષેત્રોમાં તેમણે પ્રદાન કર્યું છે. અનુવાદ-રૂપાંતરો દ્વારા પણ તેમણે ગુજરાતી સાહિત્યની સેવા કરી છે. તેમની મૌલિક નવલકથા ‘શાકુન્તલેય ભરત’ હાલ છપાઈ રહી છે તે ટૂંક સમયમાં પ્રગટ થશે.
૨૪-૬-૭૯