શબ્દલોકના યાત્રીઓ – ૧/મનુભાઈ પંચોળી ‘દર્શક’
શ્રી મનુભાઈ પંચોળી, ‘દર્શક’ને પહેલવહેલાં ૧૯૫૪માં મળવાનું બનેલું. સૌરાષ્ટ્રના પ્રવાસમાંથી ફરતો ફરતો ગ્રામ વિદ્યાપીઠ સણોસરાના ઉદ્ઘાટન સમારંભમાં જઈ ચઢેલો. ઉદ્ઘાટન કાકા સાહેબના હાથે થયેલું. એમની સાથેની ટૂંકી મુલાકાત ‘કાલેલકર અધ્યયન ગ્રંથ’માં છપાઈ છે. મુ. નાનાભાઈ ભટ્ટ અને મનુભાઈને મળવાની તક મળેલી, પણ ખાસ વાત થયેલી નહિ. પણ એ પછી ઉમાશંકરભાઈને ત્યાં અને અન્ય સમારંભોમાં મળવાનું બન્યું છે. એક સ્વસ્થ વિચારક અને દેશહિતચિંતક સારસ્વત તરીકેની તેમની છાપ પ્રત્યેક વખતે દૃઢ થયેલી છે. એ બોલે ઓછું પણ સાવ સરળ ભાવે. તેમનો નિખાલસ અને નિર્દંભ વ્યવહાર સામી વ્યક્તિમાં આદર જગાવે. એમનો શબ્દ સોંસરો ઊતરી જાય. શ્રી ઉમાશંકરે એક વાર લખેલું કે “નાનાભાઈ સાથીઓની બાબતમાં સદ્ભાગી છે, બલકે એમની શિક્ષણસાધના એ પ્રકારની છે કે એમને સાથીઓ આવી મળ્યા છે, એમણે સાથીઓ કેળવ્યા છે.” આ લખતી વખતે ઉમાશંકરભાઈના મનમાં મનુભાઈ પંચોલી જ હશે. મનુભાઈએ જીવનભર શિક્ષણના ક્ષેત્રમાં કામ કર્યું અને તે પણ નાનાભાઈ ભટ્ટ જેવાની સાથે. મનુભાઈને આપણે નાનાભાઈના સંસ્કારવારસ કહી શકીએ. નાનાભાઈની આત્મકથા ‘ઘડતર અને ચણુતર’માં જે ‘ચણતર’ છે એના પાયામાં મનુભાઈ જેવા શિષ્યો સાથીદારો રહેલા છે. મનુભાઈએ નાનાભાઈનું કામ ઉજાળ્યું છે અને ગ્રામ વિદ્યાપીઠના સ્વપ્નને સાકાર કરવામાં અને એને સ્થિર ભૂમિકા ઉપર મૂકવામાં બહુમૂલ્ય ફાળો આપ્યો છે. પરંતુ ગુજરાતી સાહિત્યમાં તે નવલકથાકાર તરીકે સવિશેષ ઓળખાય છે. ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ એમની કીર્તિદા નવલકથા છે. એનો પહેલો ભાગ ૧૯૫૨માં પ્રગટ થયો અને એનું અર્પણ તેમણે પોતાના બે ગુરુજનો નાનાભાઈ અને સ્વામી આનંદને કરેલું એ વીગત પણ મનુભાઈને સમજવામાં મહત્ત્વની છે. એનો બીજો ભાગ ૧૯૫૮માં પ્રગટ થયો. અત્યારે એનો છેલ્લો ત્રીજો ભાગ એમના હાથ પર છે, જે ટૂંક સમયમાં પ્રગટ થશે. ગોવર્ધનરામને ‘સરસ્વતીચંદ્ર’ના ચાર ભાગ પૂરા કરતાં પંદરેક વરસ લાગ્યાં તો મનુભાઈને એક પચીસી કરતાં પણ વધુ સમય લાગ્યો. ‘સરસ્વતીચંદ્ર’ કટકે કટકે પ્રસિદ્ધ થઈ ત્યારે એણે પાત્રોની ગતિવિધિ અંગે વાચકોમાં જિજ્ઞાસા પ્રગટાવેલી એવું જ ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ની બાબતમાં બન્યું છે. ગોવર્ધનરામની સમક્ષ જુદા પ્રશ્નો હતા અને નિરૂપણની રીતિ તેમને પોતાને ઊભી કરવાની હતી જ્યારે દર્શકને માટે એવું નથી. દર્શકે માનવ વ્યક્તિત્વનો જાણે કે રુદ્ર મહાલય રચ્યો છે. સામાજિક સમસ્યાઓ એમના નિરૂપણને અવગુંઠિત કરતી નથી’ પણ સમાજથીય પર જે ‘માનુષ સત્ય’ છે તેને પ્રગટ કરવા મથે છે. આ નવલકથાના પક્ષમાં અને વિરુદ્ધમાં ઘણું કહેવાયું છે પણ મને લાગે છે કે ડોલરરાય માંકડે મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષાની ભાવનાની મૂર્ત સ્વરૂપે આ કૃતિને જોઈ છે એમાં એનું હાર્દ પ્રગટ થાય છે. મનુભાઈની જેલ જીવનને અનુલક્ષતી પહેલી નવલકથા ‘બંદીઘર’ ૧૯૩૫માં પ્રગટ થઈ. બીજે વર્ષે ‘કલ્યાણયાત્રા’ આપી. ૧૮૫૭ના સ્વાતંત્ર્યસંગ્રામ વિશેની ‘બંધન અને મુક્તિ’ પણ એક સરસ નવલકથા છે. (એ પહેલાં એમણે ‘૧૮૫૭’ નામે નાટક લખેલું.) ૧૯૪૪માં તેમની ‘પ્રેમ અને પૂજા’ પ્રગટ થઈ, પરંતુ ૧૯૪૪માં તે ઐતિહાસિક નવલકથા ‘દીપનિર્વાણ’ લઈ આવ્યા. ગુજરાતને એમનામાં એક પ્રતિભાશાળી નવલકથાકાર સાંપડ્યો. મનુભાઈ ઇતિહાસના એક ઊંડા અભ્યાસી છે. તેમણે ભારતમાં પ્રાચીન પ્રજાસત્તાક રાજ્યોના વિલયની કથા, ઐતિહાસિકતાને પૂરેપૂરી જાળવી કલાત્મક રીતે કહી છે. વસ્તુગુંફનની, રસની અને પાત્રચિત્રણની દૃષ્ટિએ એ એક સઘન નવલકથા થઈ છે. ઉમાશંકરે એને વિશે લખેલું કે “દીપનિર્વાણને ગોવર્ધનરામ પછીની એક અગ્રગણ્ય નવલકથા, ખાસ કરીને ગોવર્ધનરામે નિરૂપેલા ‘સાક્ષરજીવન’ના ઉચ્ચ આદર્શની જેનામાં કાંઈક ઝાંખી થતી હોય એવા એક લેખકની કૃતિ ઠરાવવા બસ છે.” ‘સૉક્રેટીસ’ ૧૯૭૪માં પ્રગટ થઈ. એને સાહિત્ય અકાદમીનો ઍવોર્ડ પણ મળ્યો છે. ‘સૉક્રેટીસ’ ગ્રીક સંસ્કૃતિના સુવર્ણ યુગ અને એના ધૂપછાંવની કથા આલેખે છે. નવલકથામાં સૉક્રેટીસ કેન્દ્રસ્થાને હોવા છતાં સૉક્રેટીસના જીવનને કે એના જીવનસંદેશને વર્ણવવા માટે એ લખાઈ નથી. નવલકથાના સમગ્ર સ્થાપત્યવિધાનમાંથી એ ઊપસી આવે છે એમાં શ્રી દર્શકની સર્જનકલાનો ઉત્કર્ષ રહેલો છે. સૉક્રેટીસની સાથે સાથે એપોલોડોરસ અને મીડિયાનાં કાલ્પનિક પાત્રોને સાંકળવામાં અને આ ત્રણેની મુખ્ય ઘટનાતંતુ સાથે અન્વિતિ સાધવામાં લેખક સફળ રહ્યા છે. કૃતિમાં સૉક્રેટીસની પાછળ ઘણી વાર ગાંધીજીની મૂર્તિ ઊપસતી દેખાય છે. ગાંધીજીના અને એ પછીના કાળની પણ કાંઈક ઝાંખી આ અતીત કથામાં થતી હોવા છતાં એ તવારીખી બનવામાંથી ઊગરી ગઈ છે. દસ્તાવેજી મહત્ત્વની કલાત્મક કથા બની છે એ. તેમણે ‘જલિયાંવાલા’, ‘૧૮૫૭’ અને ‘પરિત્રાણ’ ત્રણ નાટકો પણ લખ્યાં છે. છેલ્લું રંગભૂમિ પર પણ સારી સફળતા પામ્યું છે. સાહિત્યકાર તરીકે મનુભાઈ ઉપર મુનશી, મેઘાણી, રોમાં રોલાં, ટૉલ્સ્ટૉય અને રવીન્દ્રનાથ-શરદચન્દ્રનો પ્રભાવ પડેલો છે. મનુભાઈએ નાનાભાઈ અને ભગવાન બુદ્ધનાં રેખાચિત્રો દોર્યાં છે, સૉક્રેટીસ વિશે પરિચય પુસ્તિકા લખેલી છે. ઇતિહાસ એ તેમના વિશેષ અભ્યાસનો વિષય રહ્યો છે. ગ્રીસ અને રોમની ઇતિહાસકથાઓ તેમણે આપી છે. બીજાં પણ નાનામોટાં પુસ્તકો આપ્યાં છે. એ સૌમાં મને તેમનું પુસ્તક ‘આપણો વારસો અને વૈભવ’ ગમે છે. ઠેઠ પ્રાક્ ઐતિહાસિક કાળથી આરંભી આપણી સંસ્કૃતિની વિકાસગાથા રોચક રીતે (જરૂર પડ્યે સાંપ્રત સંદર્ભો આપીને ) તેમણે આપી છે, ‘શાંતિના પાયા’ અને ‘સર્વોદય અને શિક્ષણ’ પણ નોંધપાત્ર પુસ્તકો છે. પહેલા પુસ્તકમાં માનવજાતિમાં સાચી શાંતિ શી રીતે સ્થપાય એનું લેખકનું ચિંતન રજૂ થયું છે. એના એક પ્રકરણ ‘વિશ્વશાંતિની ગુરુકિલ્લી’માં માણેકનાથ બાવાની વાત છે. બાળ-શિક્ષણના કાર્યને માબાપો કેવું હતું ન હતું કરી નાખે છે તે બતાવ્યું છે. બીજા પુસ્તકમાં સર્વોદયને દ્રૌપદીનું અક્ષયપાત્ર કહ્યું છે. શિક્ષણ સર્વોદયલક્ષી હોવું જોઈએ એની જિકર કરી છે. સર્વોદય એટલે ન્યાયપરાયણતા અને ન્યાયપરાયણતા શ્રમ અને સંયમ વગર આવે નહિ માટે જ તો છે નઈ તાલીમનું મહત્ત્વ – આવી વિચારસરણી તર્કપુર:સર રીતે રજૂ થઈ છે. લોકશાહી અંગે પણ તેમણે લખ્યું છે. મનુભાઈ ધંધાદારી વિવેચક નથી, પણ પોતે જે કૃતિઓનો આસ્વાદ લીધો હોય તેના આનંદને એ યથાતથ સંક્રાન્ત કરનારા સહૃદય ભાવક વિવેચક છે. ‘વાગીશ્વરીનાં કર્ણફૂલો’ એ વિવેચન ગ્રંથમાં ટૉલ્સ્ટોયના ‘યુદ્ધ અને શાંતિ’ વગેરેનો તેમણે કરાવેલો આસ્વાદ ફરી ફરી વાંચવો ગમે એવો છે. શ્રી મનુભાઈ રાજારામ પંચોળીનો જન્મ ૧૫ ઑક્ટોબર ૧૯૧૪ના રોજ કાઠિયાવાડના વાંકાનેર રાજ્યમાં પંચશિયા નામે નાનકડા ગામડામાં થયો હતો. એમના પિતા સ્થાનિક શાળામાં શિક્ષક હતા. તે ત્યાંની માધ્યમિક શાળામાં નવમાં ધોરણ સુધી ભણ્યા હતા, પછી તો ૧૯૩૦ની અસહકારની લડત આવી. અભ્યાસ છૂટી ગયો, મીઠા સત્યાગ્રહમાં જોડાયા, જેલવાસ ભોગવ્યો. ૧૯૪૨ની લડતમાં પણ તેમણે ભાગ લીધો અને જેલમાં ગયા. એમની કેળવણી તેમણે જાતે લીધી અને ગુજરાતના કેળવણીકાર બન્યા. નાનાભાઈ સાથે જોડાયા. નઈ તાલીમમાં કામ કર્યું. દક્ષિણામૂર્તિમાં શિક્ષક તરીકે કામ કર્યું અને પછી નાનાભાઈ સાથે આંબલામાં લોકભારતી ગ્રામ વિદ્યાપીઠની સ્થાપના કરી. અત્યારે તે લોકભારતીના મૅનેજિંગ ટ્રસ્ટી છે. ‘કોડિયું’ નામે માસિક ચલાવે છે. ગુજરાત રાજ્યની અનેક સમિતિઓ પર કામ કરે છે, અનેક શૈક્ષણિક સમિતિઓ અને ગ્રામ પુનર્ઘટનાનાં કાર્યોમાં તેમણે પોતાની સેવાઓ આપી છે. જૂના ભાવનગર રાજ્યમાં તે શિક્ષણ પ્રધાન હતા, અને ગુજરાત રાજ્યની સ્થાપના બાદ તે વિધાનસભામાં ચૂંટાયેલા અને થોડો સમય શિક્ષણ પ્રધાન પદે પણ રહેલા. આજન્મ કેળવણીકાર મનુભાઈ ગુજરાતના સંસ્કાર પુરુષોમાં એક આદરણીય વ્યક્તિ છે. સાહિત્યકાર તરીકે મનુભાઈને રણજિતરામ સુવર્ણચંદ્રક મળેલો છે, એમનાં પુસ્તકોને રાજ્ય સરકારનાં પારિતોષિકો મળેલાં છે અને છેલ્લે અકાદમી ઍવોર્ડ પણ મળેલો છે.
૪-૨-૭૯