શબ્દલોકના યાત્રીઓ – ૧/રમણલાલ સોની

From Ekatra Foundation
Jump to navigation Jump to search
રમણલાલ સોની

ગયું આંતરરાષ્ટ્રીય બાલવર્ષ ગુજરાતે પણ સારી રીતે ઊજવ્યું. અનેક કવિઓના બાળકવિતા અને વાર્તાના સંગ્રહો પ્રગટ થયા, ગુજરાતનાં સામયિકોએ વિશેષાંકો પ્રગટ કર્યા, ગુજરાતી સાહિત્ય પરિષદે પણ અડધો ડઝન સંગ્રહો પ્રગટ કર્યા, જુદે જુદે સ્થળે પરિસંવાદો પણ યોજાયા, પણ એ સાથે ગુજરાતે પોતાના બાળસાહિત્યકાર શ્રી રમણલાલ સોનીને પણ બિરદાવ્યા. ૧૭મી નવેમ્બરે અખિલ હિંદ શ્રીમાળી સોની મહામંડળ તરફથી શ્રી રમણલાલ સોની ગ્રંથ પ્રકાશન સમિતિએ તેમના ૧૧ ગ્રંથોનો સેટ પ્રકાશિત કર્યો. શ્રી ઉમાશંકર જોશીના પ્રમુખપદે આ સમારંભ થયો. જુદા જુદા સાહિત્યકારોએ તેમની સેવાઓને બિરદાવી. આ પ્રકાશન સમારોહમાં નીચેના ગ્રંથોનો સેટ વિધિપૂર્વક બહાર પાડવામાં આવ્યો : (૧) કુમારકથા (૨) સંસારકથા (૩) ગોરા (૪) મધુર કથા (૫) વિપ્રદાસ (૬) અમૃતકથા (૭) રમણલાલ સોનીનાં બાળકાવ્યો (૮) પ્રેમ ત્યાં પરમેશ્વર (૯) રમૂજકથા (૧૦) બાળ જોડકણાં અને (૧૧) બાળ નાટકો, જોઈ શકાશે કે આમાં મૈલિક બાળસાહિત્ય છે, અધિકૃત અનુવાદો છે અને રૂપાંતર પણ છે. ગુજરાતી સાહિત્યમાં શ્રી રમણલાલ સોનીએ આ પુસ્તકો દ્વારા મહત્ત્વનું અર્પણ કર્યું છે. આ ગ્રંથો સિત્તેર જેટલા લેખકોને ભેટ આપવામાં આવ્યા હતા. આ લખનારે સમારંભમાં કહેલું કે મધ્યકાળનો મહાન કવિ અખો ‘સોનારો’ સોની હતો. અખા વિશે ગોવર્ધનરામે લખ્યું છે કે અખાને સોનું શાંકરવેદાંતમાંથી મળ્યું અને એણે એના ફૅન્સી દાગીના બનાવ્યા. અર્વાચીન કાળમાં શ્રી રમણભાઈ પણ એવા જ સોની સાહિત્યકાર છે, પણ તેમણે પોતાના હૃદયકુંદનમાંથી ફૅન્સી દાગીના બનાવી ગુર્જર ગિરાને કંઠે સમર્પિત કર્યા છે. તેમણે બંગાળીમાંથી રવીન્દ્રનાથ, શરદબાબુ વગેરેની કૃતિઓ ગુજરાતીમાં ઉતારી. રા. વિ. પાઠકે એની પ્રસ્તાવનાઓ લખી. શ્રી રમણલાલે બંગાળીમાંથી આવા અધિકૃત અનુવાદો કર્યા એનો યશ શ્રી નગીનદાસ પારેખને ફાળે જાય છે. નગીનદાસ કહે છે કે તેમની પાસે અનેક લોકો બંગાળી શીખ્યા પણ આ એક જ એવા માણસ હતા જે એક વાર શીખ્યા પછી ફરી વાર એમની પાસે આવ્યા નથી! અનુવાદ કરતાં પણ તેમની વધારે મહત્ત્વની સેવા બાળસાહિત્ય પરત્વે છે. તેમણે બાળકો માટે કાવ્યો, વાર્તાઓ, ચરિત્રો, નાટકો, જોડકણાં, ઉખાણાં ઘણું ઘણું લખ્યું છે. તેમની ભાષા સાવ સાદી, વિશદ અને પ્રવાહી છે. બાળકોના કવિ તરીકે જેમને ઓળખાવી શકાય એવા લેખકોમાં રમણભાઈ જેવા વધુ લેખકો આપણી પાસે નથી. પ્રસિદ્ધ વિવેચક વિ. ૨. ત્રિવેદીએ કહ્યું હતું કે રસવત્તાનો ખ્યાલ રાખીએ તો ગુજરાતી બાળ સાહિત્યના લેખકોમાં શ્રી રમણલાલ સોનીનું નામ મોખરે છે, કદાચ અગ્રતમ છે. કવિ બાલમુકુંદ દવે તેમને યોગ્ય રીતે જ બાળકના ‘અવાજ’માં બોલતા કવિ કહે છે. અનેક સાહિત્યજ્ઞોએ એમના કાર્યને પ્રશંસ્યું છે. ઝીણાભાઈ દેસાઈ તેમને બાળકોના શાલીમાર અને ચશ્મેશાહી તરીકે ઓળખાવે છે. શ્રી રમણલાલ પી. સોનીનો જન્મ સાબરકાંઠામાં મોડાસા પાસે કોકાપુર ગામમાં ૨૫ જાન્યુઆરી ૧૯૦૮ના રોજ થયો હતો. નાનપણથી તે જાહેર પ્રવૃત્તિમાં ભાગ લેતા, ખાદી પહેરતા. સત્યાગ્રહની લડતમાં ભાગ લઈ જેલવાસ ભોગવેલો. માધ્યમિક શિક્ષણ પૂરું કરી ૧૯૩૮માં તેમણે અજમેર બોર્ડની ઇન્ટર આર્ટ્સની પરીક્ષા પાસ કરી, એ પછી ઇંદોરની ક્રિશ્ચિયન કૉલેજમાં દાખલ થયા અને આગ્રા યુનિવર્સિટીની બી.એ.ની પરીક્ષા પસાર કરી. પછી તે મુંબઈ ગયા. મુંબઈ યુનિ.ની બી.ટી.ની પરીક્ષા પસાર કરી. પછી મોડાસા આવ્યા. મોડાસાની હાઈસ્કૂલના આચાર્ય થયા. ૧૯૪૫માં તેમણે નોકરી છોડી દીધી અને બધો વખત સાહિત્ય અને સમાજની સેવામાં આપવા લાગ્યા, એ પછી તેમણે નોકરી કરી નથી. સત્યાગ્રહ દરમ્યાન યરવડા જેલમાં શ્રી નગીનદાસ પારેખ પાસે તે બંગાળી શીખ્યા. ત્યારથી આજદિન સુધી શ્રી નગીનદાસ તેમના મિત્ર, ફિલસૂફ અને માર્ગદર્શક રહ્યા છે. નગીનદાસની પ્રેરણાથી તેમણે શરદબાબુ કૃત ‘સ્વામી’નો અનુવાદ કર્યો, પાઠકસાહેબે એમના અનુવાદની પ્રશંસા કરી, તેમણે એથી પ્રોત્સાહિત થઈ ‘શ્રીકાન્ત’ના ચાર ભાગ, ‘વિપ્રદાસ’, ‘શેષ પ્રશ્ન’, ‘પથેર દાવિ’, ‘પંડિતજી’, ‘સાવકી મા’, ‘દેરાણી જેઠાણી’, ‘અરક્ષણીયા’, ‘કાશીનાથ’, ‘વિરાજવહુ’, ‘બડી દિદિ’, ‘રામેર સુમતિ’, ‘નવવિધાન’, ‘શેષ પરિચય’, ‘શુભદા’, ‘નારીનું મૂલ્ય’, ‘બિન્દુર છેલે’ ‘લેણદેણ’ વગેરને ગુજરાતીમાં ઉતારી. ૧૯૭૭માં શરદબાબુની જન્મશતાબ્દી દેશભરમાં ઊજવાઈ. અખિલ હિંદ બંગ સાહિત્ય સંમેલને મુંબઈના અધિવેશનમાં શ્રી રમણલાલ સોનીની અનુવાદસેવા માટે તેમને એક સન્માનપત્ર અને શરદબાબુની પ્રતિકૃતિવાળું ચાંદીનું પ્રતીક અર્પણ કર્યું. આ જ રીતે તેમણે ટાગોરની ‘ગોરા’, ‘ચોખેર વાલિ’, ‘ચરિત્રપૂજા’ વગેરે કૃતિઓને ગુજરાતીમાં ઉતારી. એ સેવા અંગે કાકાસાહેબે કહ્યું છે કે “રવીન્દ્રનાથને ગુજરાતીમાં ઉતારી રમણભાઈએ ગુજરાતની સોના જેવી સેવા કરી છે.” અનુવાદક તરીકે તેમણે કવિને યોગ્ય કીર્તિ મેળવી છે. શ્રી રમણલાલ સોનીનાં અનુવાદિત અને મૌલિક પુસ્તકોની સંખ્યા સો ઉપરની છે. પણ રમણભાઈની બાળ સાહિત્યની સેવા બેનમૂન છે. કવિશ્રી સુન્દરમે યથાર્થ જ કહ્યું છે કે “ગુજરાતમાં એવું એક પણ બાળક નહિ હોય કે જે રમણભાઈ સોનીનું કાંઈક વાંચ્યા વિના મોટું થયું હોય. એમનાં બાળકાવ્યો, વાર્તાઓ અને અનુવાદો એ ગુજરાતની ખાસ સમૃદ્ધિ છે.” નગીનદાસ પારેખે એમના સમગ્ર જીવન અને સાહિત્યને મૂલવતાં કહ્યું છેઃ “એમણે શરૂથી જ આદર્શ-પ્રેરિત જીવન ગાળ્યું છે, અને સાથે સાથે મબલક સાહિત્યસેવા પણ કરી છે. વિવિધ પ્રવૃત્તિમાં પણ એમની રેખાપાતળી કાવ્યઝરણી સતત વહેતી રહી છે. એમણે બાલસાહિત્યના જેટલા પ્રકાર ખેડ્યા છે તેટલા ભાગ્યે જ બીજા કોઈ લેખકે ખેડ્યા હશે. એમની કવિતાનુંય વૈવિધ્ય પાર વગરનું છે. એમાં એમણે પ્રાચીન પરંપરાને અનુસરીને પશુપંખીઓમાં માનવભાવ આરોપી આખી એક નવી સૃષ્ટિ ઊભી કરી છે, અને બાળકના ચિત્તમાં ઊઠતા કુતૂહલ, આશ્ચર્ય, રોમાંચ, ટીખળ, વિનોદ વગેરે અનેક ભાવોથી તેને સભર બનાવી છે.” શ્રીમતી હીરાબહેન પાઠક તે રમણભાઈને જાદુગર કહે છે. તેમનાં બાળકાવ્યો અને જોડકણાં તો ‘આતશબાજીની લીલા’ છે. ‘આનંદપરીની દુનિયા’ રચનાર રમણભાઈએ બાળકોને ન્યાલ કરી નાખ્યાં છે. શ્રી રમણભાઈ મોટેરાંઓને પણ વીસર્યા નથી. અલ્પશિક્ષિત પ્રૌઢો માટે પણ તેમણે સત્ત્વશીલ સાહિત્ય સર્જ્યું છે. જાતક કથાઓમાંથી પસંદ કરીને કેટલીક રોચક અને બોધપ્રદ કથાઓ તેમણે ‘અમૃતકથા’માં આપી છે. ‘પ્રેમ ત્યાં પરમેશ્વર’માં ટૉલ્સ્ટૉયની કથાઓનું રૂપાંતર કર્યું છે. ઉપનિષદ, રામાયણ, મહાભારત, ભાગવત વગેરેનાં કથાનકો તેમણે ‘ભારતીય કથામંગલ’માં આપ્યાં છે. છેલ્લાં વર્ષોમાં તેમણે શ્રી દિલીપકુમાર રાયના ગ્રંથો ગુજરાતીમાં ઉતાર્યા છે. ‘ચમત્કારો આજે પણ બને છે’, ‘શ્રીકૃષ્ણપ્રેમ’ અને ‘અનંતના યાત્રીઓ’ ખાસ ઉલ્લેખપાત્ર છે. શ્રી રમણલાલ સોનીનું સમાજસેવાનું કાર્ય પણ માતબર છે. ગામડામાં રહીને કામ કરવાનો ગાંધીજીનો આદેશ તેમણે મોડાસાને પોતાનું કાર્યક્ષેત્ર બનાવી પાળી બતાવ્યો છે. અડધી સદી સુધી તેમણે લોકોની સેવા કરી છે. મોડાસામાં જે હાઈસ્કૂલમાં તેઓ ભણેલા એના કેળવણીમંડળના ઘણાં વર્ષો સુધી તે હોદ્દેદાર રહ્યા. અનેક સંસ્થાઓ ઊભી કરી. મોડાસામાં સાર્વજનિક હૉસ્પિટલ, બાલમંદિર, મહિલા મંદિર, ટેકનિકલ કૉમર્શિયલ હાઈસ્કૂલ, કૉલેજો, વીજળીઘર, વૉટર વર્ક્સ, ભૂગર્ભ ગટર યોજના, શામળાજીમાં ‘શ્યામ સરોવરનું નિર્માણ કરી મોડાસા તાલુકાની બાવીસ હજાર એકર જમીનને પાણીની સુવિધા લાવી આપવામાં, ચાર ધોરી માર્ગો મંજૂર કરાવવામાં, ત્યાં રેલવેની જરૂરિયાત ભારત સરકાર પાસે સ્વીકારાવવામાં આમ અનેક પ્રજાહિતનાં કાર્યોમાં તેમણે ફાળો આપ્યો છે. સાબરકાંઠાની સહકારી પ્રવૃત્તિના તે પ્રણેતા બન્યા. ઘણાં વર્ષો સુધી મોડાસા નગર પંચાયતના અધ્યક્ષ, જિલ્લા વિકાસ મંડળના મંત્રી, જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ વગેરે સ્થાનો તેમણે શોભાવ્યાં છે. મુંબઈની ધારાસભાના સભ્યપદે પણ તે ચૂંટાઈ આવેલા. તેમના એ સ્થાનની રૂએ ગુ. યુનિ. સેનેટના સભ્ય પણ બનેલા. ગુજરાતી સાહિત્ય પરિષદે જ્ઞાનસત્રની યોજના કરી ત્યારે પહેલું જ્ઞાનસત્ર મોડાસામાં ભરાયું એ પણ રમણભાઈના સત્પ્રયત્નોથી શક્ય બન્યું. આવા બાળકોના કવિ અને લેખક, સંનિષ્ઠ અનુવાદક, સેવાભાવી સામાજિક કાર્યકર અને સાચા ગાંધીવાદી શ્રી. રમણલાલ સોનીની સાહિત્ય અને સમાજસેવા નિઃશંક પ્રેરણાદાયી છે. હાલ તે નિવૃત્ત છે. ‘કર્મયોગ’ ફલૅટ્સમાં અમદાવાદમાં રહે છે, પછી સંપૂર્ણ નિવૃત્ત તો શી રીતે રહી શકતા હશે? લોકસંગ્રહની ભાવનાથી અનેક સત્કાર્યોમાં પરોવાયેલા જ હોય!

૧૮-૫-૮૦