શબ્દલોકના યાત્રીઓ – ૧/સારંગ બારોટ
લેખનને વ્યવસાય તરીકે સ્વીકારનાર અને લેખન દ્વારા પ્રજાને મનોરંજન અને ભાવનાબોધ આપનાર, પ્રજાના સામાજિક અને સાંસારિક પ્રશ્નોને વાચા આપનાર, એમનાં સુખદુઃખ અને આશા–અરમાનોને અભિવ્યક્તિ આપનાર લેખકોમાં આજે શ્રી સારંગ બારોટનું સ્થાન મોખરે છે. તે ઘણું લખે છે અને સિદ્ધ વિવેચકોએ એમાંનું ઘણું ન વાંચ્યું હોય એ સંભવિત છે, પણ ઊંચા બીજા વર્ગમાં અને સામાન્ય પ્રજા સુધી એમની કૃતિઓ પહાંચી છે. આજે નવલકથા અને ટૂંકી વાર્તા લખનારા લેખકોમાં સારંગ બારોટ લોકપ્રિય લેખક છે. તેમણે અત્યાર સુધીમાં બે ડઝન જેટલી નવલકથાઓ, એક ડઝન જેટલા વાર્તાસંગ્રહો અને ત્રણેક નાટકો પ્રગટ કર્યાં છે. પચાસેક જેટલી રેડિયો સ્ક્રિપ્ટ લખી છે, એક ફુલ-લેંગ્થ ટી.વી. પ્લે લખ્યું છે. તેમની નવલકથાઓમાં ‘નંદનવન’, ‘અગનખેલ’, ‘કુર્યાત્ સદા મંગલમ્’, ‘આનંદ ભૈરવી’, ‘સૂર્યમુખી’, ‘ઘટા ઘનઘોર’ જાણીતી છે. ‘અનંત સીમા’, ‘ચડતા સૂરજની વેળા’, અને ‘દહેશત’ પ્રેસમાં છે તે ટૂંક સમયમાં પ્રગટ થશે. ટૂંકી વાર્તાના સંગ્રહોમાં ‘રાગ-વૈરાગ’, ‘કોઈ ગોરી કોઈ સાંવરી’, ‘નારી નમણું ફૂલ’ વખણાયા છે. નાટકમાં ‘પ્રેમસગાઈ’ આપ્યા બાદ ‘એક ડાળનાં પંખી’ અને ‘દૂરના દીવા’ બે પુસ્તકો પ્રગટ થવામાં છે. રાજ્ય સરકારે તેમની ‘વિલાસવહુ’ નવલકથાને, ‘પ્રેમસગાઈ’ નાટકને અને ‘રાગ-વૈરાગ’ અને ‘નારી નમણું ફૂલ’ એ વાર્તાસંગ્રહોને પુરસ્કાર આપ્યા છે. સારંગ બારોટની લેખક તરીકેની કારકિર્દી કોક આંતરપ્રેરણાથી અને ભારે પુરુષાર્થથી ઘડાયેલી છે. અત્યારે તે મુંબઈમાં વસે છે અને ત્યાં જ સ્થાયી થયેલા છે. પણ મૂળ તે ઉત્તર ગુજરાતના. શ્રી સારંગ બારોટનો જન્મ ૪ સપ્ટેમ્બર ૧૯૧૯ના રોજ ઉત્તર ગુજરાતમાં વિજાપુર ગામે થયો હતો. મૅટ્રિક પછી કલાભવન ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ વડોદરામાં ફોટોગ્રાફી અને બ્લૉક મેકિંગનો ત્રણ વર્ષનો ડિપ્લોમાં કોર્સ પૂરો કરી ૧૯૪૧થી ૧૯૫૦ સુધી મુંબઈમાં ફિલ્મ લાઈનમાં ઍસિસ્ટન્ટ કૅમેરામૅન તરીકે તેમ જ થોડો સમય પ્રેસ ફોટોગ્રાફર અને રિપોર્ટર તરીકે તેમણે કામ કર્યું. ૧૯૫૦માં લેખનને વ્યવસાય તરીકે અપનાવવાનો તેમણે નિર્ણય કર્યો. આ કઈ રીતે શક્ય બન્યું? અમેરિકા માટે બની રહેલા એક દસ્તાવેજી ચિત્રની ફોટોગ્રાફી સંભાળવાનું કામ તેમને મળેલું પણ મુંબઈના બેફામ ચોમાસામાં એ કામ અટકી પડ્યું. તેમણે એક દસકો ફિલ્મ કૅમૅરામેન અને દિગ્દર્શક બનવા પાછળ ખરચ્યો હતો, પણ ધારી સફળતા મળી ન હતી. તેમના શરમાળ, ઓછાબોલા અને સ્વકેન્દ્રી સ્વભાવને કારણે એમાં બહુ ગતિ થઈ નહિ. ૧૯૫૦ના મુંબઈના ચોમાસામાં તેમને વિચાર આવ્યો કે એવો કોઈ વ્યવસાય શોધી કાઢવો જેમાં કોઈની કૃપાની યાચના કરવાની ન રહે, જે સંપૂર્ણપણે સ્વાયત્ત હોય, અને તે વ્યવસાય તેમને મળી ગયો લેખનનો. તેમણે એક વાર્તા લખી ‘કુમાર’ને મોકલી, તે સ્વીકારાઈ. તેમનો ઉત્સાહ વધ્યો. પછી ‘બીજી વાર્તા ‘અખંડ આનંદ’ને મોકલી, તે પણ સ્વીકારાઈ અને પછી તો અન્ય સામયિકોને તેમણે પોતાની કૃતિઓ મોકલવા માંડી અને એમ લેખનનો એક વ્યવસાય તરીકે તેમણે સ્વીકાર કરી લીધો. ૧૯૫૧-૫૨ના વર્ષ દરમ્યાન તેમણે ચાર પુસ્તકો પ્રગટ કર્યાં અને ચારે લોકોએ અપનાવી લીધાં. ૧૯૬૬-૬૮માં બે નાટકો ‘પ્રેમસગાઈ’ અને ‘એક ડાળનાં પંખી’નું લેખન અને નિર્માણ કર્યું, ત્રીજું નાટક ‘દૂરના દીવા’ ૧૯૭૨ના અરસામાં રજૂઆત પામ્યું. ૧૯૬૨માં ‘નંદનવન’ નવલકથા પરથી કથા-પટકથા-સંવાદ સાથેની ફિલ્મ સ્ક્રિપ્ટ લખી. ચિત્રને રાજ્ય તેમ જ રાષ્ટ્રીય પુરસ્કારો મળ્યા. ૧૯૬૫માં તેમણે ‘રેનબસેરા’ પરથી બીજી ચિત્રકથા લખી જે ‘મજિયારાં હૈયાં’ નામે રજૂઆત પામી. ફિલ્મ અને નાટકમાં કાર્યરત રહેવા છતાં તેમની મુખ્ય લેખનપ્રવૃત્તિ તો વાર્તા અને નવલકથા લખવાની જ રહેલી છે. ૧૯૫૨ના ફેબ્રુઆરીમાં સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલયે તેમનો વાર્તાસંગ્રહ ‘અક્ષયપાત્ર’ પ્રગટ કર્યો અને રવાણીએ ‘મોરનાં આંસુ’ પ્રકટ કર્યાં ત્યારથી તેમનાં પુસ્તકો અવિરત પ્રગટ થતાં રહ્યાં છે. તેમનાં બધાં પુસ્તકો હાલ જાણીતા પ્રકાશક આર. આર. શેઠ પ્રગટ કરે છે. સારંગ બારોટ માને છે કે લેખકે જનતા સુધી પહોંચવું જોઈએ, લોકપ્રિય બનવું જોઈએ અને એ માટે જિવાતા જીવન સાથે એણે સંપર્ક રાખવો જોઈએ. લેખક તરીકેના તેમના અનુભવ પરથી તે કહી શકે છે કે સ્વતંત્રતા મળ્યા પછી લોકોની સ્થિતિ ખાસ સુધરી નથી એ માટે લેખકોની પણ જવાબદારી તે સ્વીકારતાં કહે છે: ‘આવી જવાબદારીઓ પ્રત્યે, પછી તે રાજકીય હોય કે સામાજિક, આધ્યાત્મિક હોય કે નૈતિક, સાંસ્કૃતિક હોય કે શિક્ષણિક, લોકોને સજાગ રાખવા એ દરેક લેખકનું પ્રથમ કાર્ય છે; પણ આ કાર્ય લેખકે નેતા બનીને કરવાનું નથી, ભાષણો ઝૂડીને કરવાનું નથી. શબ્દ નામનું જે સાધન છે એની પાસે તેના હૃદયસ્પર્શી અને કલાત્મક ઉપયોગથી કરવાનું છે.” ‘સત્ય’ને શોધવું શી રીતે? તેમણે પોતે આ શોધ શી રીતે કરી? તેઓ કહે છે, “હું ઈશ્વરને સત્ય સમજીને ચાલ્યો, પ્રકૃતિને સત્ય સમજીને ચાલ્યો, પ્રેમને સત્ય સમજીને ચાલ્યો, શ્રદ્ધાને સત્ય સમજી ને ચાલ્યો અને સૌન્દર્યને સત્ય સમજીને ચાલ્યો. આ બધાને જે દૂષિત કરે, વિકૃત કરે, એનું મૂલ્ય ઘટાડે, એને મેં અસત્ય માન્યું. ઈશ્વર અને શ્રદ્ધાને સત્ય સમજીને લખાયેલી મારી કેટલીક વાર્તાઓની સાથે સાથે જ મેં પ્રેમ અને સૌંદર્યને સત્ય ઠરાવતી વાર્તાઓ લખવા માંડી ત્યારે હું કઈ કક્ષાનો લેખક છું એની થોડી ચર્ચાઓ શરૂ થઈ. મારી કેટલીક વાર્તાઓએ મને મોટી ઉંમરના પીઢ વાચકો મેળવી આપ્યા, તો બીજી કેટલીક વાર્તાઓ યુવાન વર્ગમાં લોકપ્રિય બની.” ગુજરાતે ‘અક્ષયપાત્ર’નો સત્કાર કર્યો તો ‘મોરનાં આંસુ’ની પ્રેમકથાઓનો પણ સત્કાર કર્યો. ફિલ્મ લાઈનના વાતાવરણવાળી ‘અગનખેલ’ સ્વીકારાઈ તો ‘જિંદગીના ફેરા’ જેવી સામાજિક નવલકથા પણ આવકાર પામી. હાલ તેઓ ‘યુવદર્શન’ સાપ્તાહિકમાં ‘દહેશત’ નામે નવલકથા આપી રહ્યા છે. ટૂંકી વાર્તાઓ અને રેડિયો માટે પણ લખે છે. સારંગ બારોટ, સાહિત્ય રાજકારણથી પર હોવું જોઈએ એમ માને છે. કોઈ વિચારસરણી કે વાદની તેમણે કંઠી બાંધી નથી. તેઓ જીવનમાં અખૂટ રસ લેનારા લેખક છે અને પ્રેમ, સૌન્દર્ય, સત્ય વગેરેનું જ્યાં જ્યાં દર્શન થાય ત્યાં ત્યાં તે એનો ખુલ્લા મને સ્વીકાર કરે છે. સાહિત્યની ટેકનીક કે વાર્તાના ઘટનાલેપ કે આકૃતિ વિધાનની ચર્ચાઓમાં તેમને રસ નથી; કારણ કે તેઓ સ્પષ્ટ રીતે માને છે કે “સામાન્ય જનસમુદાય સમજી ન શકે એવું સાહિત્ય લોકો માટે નિરૂપયોગી છે.” “કહેવાતું ઉચ્ચ સાહિત્ય એ સામાન્ય વાયક માટેનો સાચો ખોરક નથી પણ બનાવટી પ્રજીવકોની ટીકડીઓ છે,” એમ દૃઢપણે માનનાર સારંગ બારોટ “સાહિત્યની ઉપયોગિતા વિદ્વાનોની મંડળીઓમાં ચર્ચાનો વિષય બની રહેવામાં નથી પણ વાચકના હૈયાને સ્પર્શવામાં રહેલી છે.” શ્રી સારંગ બારોટ વાચકોના હૃદયને સ્પર્શતી અને એમના જીવનને ઉન્નતગામી બનાવતી કૃતિઓ આપ્યા કરે એમ ઈચ્છીએ. પ્રજાની પાસે આવા સ્પષ્ટ ઉચ્ચાશયી લેખકો પણ હોવા તો જોઈએ જ.
૧-૧૦-૭૮