શબ્દલોકના યાત્રીઓ – ૧/સુંદરજી બેટાઈ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
સુંદરજી બેટાઈ

કવિશ્રી સુંદરજી બેટાઈનો પાંચ ખંડકાવ્યોનો સંગ્રહ ‘જ્યોતિરેખા’ નરસિંહરાવની પ્રસ્તાવના સાથે ૧૯૩૪માં પ્રગટ થયો એ પછી ‘ઈન્દ્રધનુ’, ‘વિશેષાંજલિ’, ‘તુલસીદલ’, ‘સદ્ગત ચન્દ્રશીલાને’, ‘વ્યંજના અનુવ્યંજના’ અને ‘શિશિરે વસન્ત’ પ્રગટ થયા. લગભગ તેમની કાવ્યયાત્રા પાંચ-છ વર્ષમાં અર્ધશતાબ્દી ઊજવશે. તેમના ૧૯૬૯માં પ્રગટ થયેલા ‘વ્યંજના’ સંગ્રહની કવિતાને મેં “હૃદય-ઉત્સવની કવિતા” તરીકે ઓળખાવતાં લખેલું કે આ સમયમાં ગુજરાતી કવિનો પ્રવાહ અનેકરંગી રહ્યો છે અને જૂનીનવી કાવ્યરુચિને એકસરખો સંતર્પક નીવડ્યો છે, જેમના કાવ્યસર્જને સાતત્ય અને સ્તર જાળવ્યા છે તેવા પ્રશિષ્ટ પરંપરાના કવિઓમાં શ્રી બેટાઈનું સ્થાન છે. અને તેમનું અર્પણ આપણી કવિતાધારામાં વિશિષ્ટ કોટિનું છે. તેઓ પંડિત-કવિ નરસિંહરાવના વિદ્યાર્થી હતા. નરસિંહરાવની જેમ કાવ્યની સુગ્રથિત એકતા, બાનીની પ્રાસાદિકતા અને છંદની સુઘડતા તો એમની રચનાઓમાં હોય જ; પણ કાવ્યસૌંદર્યની અવનવી છટાએ પણ તે લીલયા નિપજાવે છે. ‘વ્યંજના’માં કવિની લાડીલી પૌત્રી વ્યંજના વિષેની રચનાઓ તે છે પણ અતીતના સંવાદી-વિસંવાદી અનુભવસંભારમાંથી ‘એક ષષ્ટિનો હૃદયસાર’ ગ્રહે છે ત્યારે વિશ્વલીલાની કૌતુકસભર ધ્વનિમયતાનું સ્કુટ-અસ્કુટ સ્વરૂપ પણ કવિની પ્રેમાર્દ્ર આંખે તે નીરખી રહે છે. સમયના વારાફેરા સંવેદનપટુ કવિને કાંઈક અકળાવી પણ મૂકે છે. દુર્ભગતા, વિસંવાદિતા અને ક્ષુદ્રતાનો તિરસ્કાર વેધક રીતે પ્રગટ થાય છે. વર્તમાનની વિષમતાથી ભાગવાની વૃત્તિ નહીં પણ સમગ્ર હૃદયસત્ત્વથી શુભ અને સુંદરની પ્રસ્થાપના માટે નવા જોમ અને ઉત્સાહપૂર્વક સક્રિય થવાની સાત્ત્વિક અભિલાષા પણ વ્યક્ત થાય છે. આપણી અધ્યાત્મરંગી કવિતાધારામાં શ્રી. બેટાઈની રચનાઓ આ કે તે વિચારસરણીના સીધા પ્રવર્તનને બદલે આંતર સત્ત્વજનિત સ્વાભાવિક શ્રદ્ધાબલને કારણે નોખી તરી આવે છે. વાર્ધક્યમાં શૈશવનું સ્મરણ સ્વાભાવિક ગણાય; પણ શ્રી સુંદરછભાઈની કવિતામાં શૈશવ પુનર્જીવિત બને છે અને તેમની સમગ્ર કાવ્યાનુભૂતિનું કેન્દ્ર બને છે. શિશુ-કિશોર અવસ્થાના અનુભવો એમણે એવી સઘનતાથી અને તીવ્રતાથી લીધા છે કે “કૈશોર્યના કૌતુક કલહના સર્વરાગરંગ” તે હૂબહૂ ચીતરે છે એટલું જ નહિ પણ અન્ય અનુભવોને આકાર આપતાં તેમની કાવ્યરીતિ, અવનવી રમતિયાળ છટાઓ પણ નિપજાવે છે. ભૂતકાળને જોવાની નવદૃષ્ટિ, વર્તમાનને સમાધાનપૂર્વક માણવાની શક્તિ અને ભાવિનો આશાઉલ્લાસ તેમની કવિતામાં દેખાય છે એની ગંગોત્રી પણ આ માતબર શૈશવાનુભવમાં રહેલી છે. ‘અનુવ્યંજના’ની પ્રસ્તાવનામાં મેં લખેલું કે “ગાંધીયુગના આ કવિનાં કાવ્યોમાં સાચકલી ભાવનાઓનો પરિસ્પંદ ન વરતાય તો જ આશ્ચર્ય, અધ્યાત્મિક્તાના કશા ધજાગરા વગર—આ કે તે વિચારસરણીના સીધા પ્રવર્તનને બદલે અંતરમાંથી ઊગી નીકળતું શ્રદ્ધાબલ એમની રચનાઓની એક લાક્ષણિકતા છે. જ્યાં જ્યાં દુર્ભગતા કે ક્ષુદ્રતા જુએ છે ત્યાં ત્યાં તીવ્રતાથી તે પ્રત્યાઘાત આપે છે. સર્વત્ર ‘અંગારમય અંધાર’ ભાસે છે. ફૂલ જેવી કોમળ પાંપણે ઊંચક્યા ઊંચકાય નહિ એવા ઓથાર પથરાયા છે. આનો શું કોઈ ઉગાર જ નથી? કોઈવાર આકાશમાંથી કોઈ નિષાદે છોડેલા તીક્ષ્ણ વજ્રથી કવિનું મનોમય પંખી વિષાદભસ્મે રોળાઈ જાય છે તો કોઈ વાર ચોમેર ઘેરાયેલા અંધકારમાં પોતાની નજર અંધારના શરથી એવી તો પટકાઈ પડે છે કે “ગતિ? સ્થગતિ? પ્રગતિ? વિગતિ? પ્રશ્ન ચક્કર ભમ્મરે!” કવિ તો વાસ્તવિક્તાના, દુરિતના કરાળ પથ્થર-પહાડને ખસી જઈને પોતાને ક્ષણવાર વહેવા દેવાની ઈચ્છા પ્રગટ કરે છે, કારણ કે તેમને તો શ્રદ્ધા છે શાશ્વતીમાં, વિભિન્ન થઈને ય તે અભિન્નની ક્ષણે પહોંચવા માગે છે-ક્ષણાનુભવમાં શાશ્વતીની વ્યંજનાને ગોપવવી છે માટે.” ‘કૌતુક કરે, કૌતુક કરે’ એ કાવ્યમાં કવિ પોતાના જીવનની આનંદદાયક ક્ષણને કૅમેરામાં મઢી નહિ એનો વસવસો પ્રગટ કરે છે, પણ આ સંગ્રહમાં તેમણે કૌતુકની અને વિષાદની કેટલીક ક્ષણોને શબ્દમાં એવી ઝડપી લીધી છે કે સહૃદયોને એ ચિરકાળ આનંદ આપ્યા કરશે. ખંડકાવ્યના ઉત્તમ નમૂનાઓ તેમણે આપ્યા. પ્રકૃતિની, પ્રણયની અને ચિંતનની તેમ જ ગાંધીજીવિષયક કેટલીક સુંદર રચનાઓ બેટાઈ પાસેથી આપણને મળી છે. ખાસ તો સ્વ. પત્નીના મૃત્યુને અનુલક્ષતી કલાકૃતિ ‘સદ્ગત ચન્દ્રશીલાને’ તેમની પાસેથી આપણને મળી તે ગુજરાતી ભાષાની એક અનુત્તમ એલિજિ છે. શ્રી સુંદરજીભાઈનો જન્મ ૧૦મી ઑગસ્ટ ૧૯૦૫ના રોજ (એટલે કે ભાદરવા સુદ બારસ –વામન દ્વાદશી) દ્વારકા પાસે બેટમાં થયો હતો. અરબી સમુદ્રના ખોળે જન્મેલા અને ઊછરેલા આ કવિની કવિતામાં દરિયો વ્યાપેલો હોય એમાં શું આશ્ચર્ય? તેમની અટક ‘બેટાઈ’ તે આ ‘બેટ’ ઉપરથી છે. તેમણે છ ધોરણ સુધીનું શિક્ષણ બેટમાં લીધું. ધોરણુ ૭થી મૅટ્રિક સુધીનો અભ્યાસ દ્વારકામાં કર્યો. કૉલેજશિક્ષણ મુંબઈમાં લીધું. બી. એ.માં મુખ્ય વિષય અંગ્રેજી પણ નરસિંહરાવ દિવેટિયાના આકર્ષણથી ગૌણ વિષય ગુજરાતી લીધેલો. એલએલ. બી.ની પરીક્ષા પણ તેમણે પાસ કરી હતી. તેમની સાહિત્યરુચિ બીજ રૂપે પ્રાથમિક શાળાનાં ઉપલાં ધોરણોમાં વવાઈ. આ બીજ પાંગર્યું હાઈસ્કૂલના શિક્ષકોના – ખાસ કરીને સદ્. કલ્યાણરાય ન. જોશીનાં વ્યંજનાત્મક સૂચનોથી. મૅટ્રિકની પરીક્ષા સુધી ગુજરાતી, અંગ્રેજી અને સંસ્કૃત સાહિત્ય પ્રત્યેની રુચિ વિકસતી રહી. એ વખતે બે શાસ્ત્રીઓના પ્રોત્સાહનથી સંસ્કૃતનો શોખ વિકસ્યો. વૅકેશનમાં તે સંસ્કૃતનો જ અભ્યાસ કરતા. ગુજરાતીનું તો નાનુંસરખું પુસ્તકાલય જ તે સમયે ખરીદેલાં પુસ્તકોનું બની ગયેલું. દેવીપુરાણના કેટલાક અંશો તેમણે જાતે વાંચેલા. સેન્ટ ઝેવિયર્સ કૉલેજના શાસ્ત્રીના આકસ્મિક વચન ઉપરથી. વાલ્મીકિ તરફ તો તેઓ એફ. વાય. બી. એ; એસ. વાય. બી. એ.માં આકર્ષાયેલા. રામચરિત માનસના અમુક અંશો, નર્મગદ્યના અંશો તો હાઈસ્કૂલના ઉનાળાનાં વૅકેશનોમાં તેમણે જોયેલા. ‘કાવ્ય દોહન’ તો તે વાંચતા જ; પરન્તુ સૌથી પહેલું જે પુસ્તક તેમણે સાદ્યન્ત વાંચ્યું તે તો ‘જેમંગલા હાથીની વાર્તા’. પ્રાથમિક શાળાનાં છેલ્લાં ધોરણો દરમ્યાન બેટમાં એ વખતે તેમનો પ્રિય પ્રાચીન ગ્રંથ ‘ધમ્મપદ’ હતો. નાનપણમાં રમતગમતનો શોખ ખરો–અખાડામાં પણ જતા. તરવાની રૂચિ પણ ખરી. આજે ફરવા જવાનો શોખ રહ્યો છે. ૧૯૨૨માં તેમનું ચંદાબહેન સાથે લગ્ન થયું. ૧૯૫૮ના જુલાઈની ૨૧મીએ ચંદાબહેનનું (કવિએ નામ રાખેલું ચન્દ્રશીલા) અવસાન થતાં છત્રીસ વર્ષના પ્રસન્નમધુર દામ્પત્યજીવનનો અંત આવ્યો. કવિએ પોતાની વ્યથા ‘સદ્ગત ચન્દ્રશીલા’માં વ્યક્ત કરી છે. તેમનો વ્યવસાય મોટે ભાગે અધ્યાપકનો જ રહ્યો છે. એસ. એન. ડી. ટી. વિમેન્સ યુનિવર્સિટીમાં લાંબો સમય યશસ્વી કામગીરી બજાવ્યા પછી ૧૯૬૮માં તે નિવૃત્ત થયા. છતાં કોઈને કોઈ રીતે અધ્યાપનકાર્ય સાથે સંકળાયેલા રહ્યા છે. નિવૃત્તિ પછી સુંદરજીભાઈ વ્યાસને ચરણે બેઠા છે. (જેમ ઉમાશંકર કાલિદાસ-ભવભૂતિને ચરણે બેઠેલા) મહાભારતનાં પર્વોના સમશ્લોકી અનુવાદ તેમણે ભારે જહેમત અને ચીવટથી આપ્યા છે. ‘મહાભારતનાં છેલ્લાં ચાર પર્વો’ એ પુસ્તક રૂપે પ્રગટ થયા છે. ૧૯૬૫માં હેનરી ડેવિડ થૉરોના પ્રસિદ્ધ પુસ્તક ‘વોલ્ડન’ને તેમણે ગુજરાતીમાં ઉતાર્યું છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સમશ્લોકી અનુવાદ ‘રોમહર્ષિણી’ પણ પ્રગટ થયો છે. તેમના વિવેચનલેખોનો સંગ્રહ ‘સુવર્ણમેઘ’ પ્રગટ થયો છે. ‘આમોદ’ હવે પછી પ્રગટ થશે. તોંતેર વર્ષના શ્રી સુંદરજીભાઈ આજે પણ અનવદ્ય કાવ્યકૃતિઓ આપે છે. સુન્દરજીભાઈ આનન્દશંકરકથિત સાચા બ્રાહ્મણ છે. આવા સાત્ત્વિક સારસ્વત ગુજરાતી સાહિત્યનું સદ્ભાગ્ય છે. ઘણુંખરું તે મુંબઈમાં જ હોય છે. કોઈ કોઈ વાર તેમની સુપુત્રી સરલાબહેનને ત્યાં દિલ્હી રહે છે. મુંબઈ-દિલ્હી જવાનું થાય ત્યારે સુન્દરજીભાઈને મળવાનો – તેમનું દર્શન કરવાનો લ્હાવો જતો કરવાનું કોઈ પણ સાહિત્યપ્રેમીને ભાગ્યે જ ગમે!

૧૮-૬-૭૮