શબ્દલોકના યાત્રીઓ – ૧/હસિત બૂચ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
હસિત બૂચ

તમે શ્રી. હસિત બૂચને પોતાનું ગીત ગાતા સાંભળ્યા છે? એ એવી મીઠી હલકથી, સ્વસ્થતાથી અને તલ્લીનતાથી ગાય છે કે તમે પ્રસંગ ભૂલી ના શકો. તમને એમનાં ગીત વારંવાર સાંભળવાનું મન થાય. એમની ગાવાની રીતમાં સુકુમારતા છે જે તેમની શબ્દવરણીમાં પણ જણાઈ આવે છે; પરંતુ એ સાથે તમને જે બીજો ગીતમાધુર્યમાં ભળેલો આસ્વાદ થાય છે તે કાવ્યતત્ત્વનો છે. એ તત્ત્વ કલ્પનાને કોઈ અસ્થૂલ, અસ્પર્શ્ય વસ્તુ કે વાતાવરણનો અનુભવ કરાવે છે. આપણા વ્યવહાર અને દૃશ્ય જગતના પટંતરે રહેલું કોઈ સૌંદર્ય કવિને સમજાય છે. તેમાંથી કૌતુક જન્મી કવિ ઉમળકાભેર ટુહૂકાર કરે છે. કવિનું ચિત્ત અનંતને ઝોલે ચડે છે અને તેને મૃદુથી પણ મૃદુ અને ઘેરાથી પણ ગંભીર સૂરના ભણકાર આવે છે.” આ શબ્દો શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના છે. રમણીયતાના આ ઉપાસકે, આપણા સંમાન્ય વિવેચકે શ્રી હસિત બૂચના કાવ્યસંગ્રહ ‘રૂપનાં અમી’ની પ્રસ્તાવનામાં યોજ્યા હતા. શ્રી હસિત બૂચે કવિતા, વાર્તા, નવલકથા અને નાટક જેવા સર્જનાત્મક પ્રકારમાં કામ કર્યું છે. વિવેચન, સંશોધન અને વ્યાકરણ જેવા વિષયો ખેડ્યા છે, સંપાદનો કર્યાં છે, લલિત અને લલિતેતર નિબંધો લખ્યા છે. પણ આપણે તેમને કવિ-વિવેચક તરીકે ઓળખીએ છીએ, આ બન્નેમાં તેમનું કાર્ય વિદ્વાનોની પ્રશંસા પામ્યું છે. તેમણે કવિ ન્હાનાલાલ વિશે અંજલિ કાવ્ય ‘બ્રહ્મ અતિથિ’ લખ્યું. એ પછી તેમણે ન્હાનાલાલ વિશે ઘણા વિવેચનલેખો લખ્યા છે. એ પછી તેમનો કાવ્યસંગ્રહ ‘રૂપનાં અમી’ પ્રગટ થયો અને સાહિત્યરસિક વર્ગની ચાહના પામ્યો. તેમના ‘સાંનિધ્ય’, ‘ગાંધી ધ્વનિ’, ‘નિરંતર’ અને ‘તન્મય’ કાવ્યસંગ્રહો પ્રગટ થયા છે. બાળકાવ્યોનો સંગ્રહ ‘આગિયા ઝબૂકિયા’ પણ તેમણે આપ્યો છે. કવિતા પરત્વે એમનું વલણ પ્રશિષ્ટતાવાદીનું રહ્યું છે. પ્રયોગશીલતાનો તેમને છોછ નથી પણ પ્રયોગોને નામે આવતી કૃતક કવિતા પ્રત્યે તેમને ખોફ છે. કવિ ન્હાનાલાલ તેમના આરાધ્ય કવિ રહ્યા છે. ગીતોમાં તે વિશેષ દેખાય છે. તેમનાં ગીતોમાં ભાવ અને તદનુરૂપ શબ્દનું માધુર્ય આહ્લાદક નીવડે છે. ગાંધી યુગની કવિતામાં જે કાંઈ ઉત્તમ હતું એનું ઉત્તમ અનુસંધાન હસિત બૂચ જેવા કવિઓની રચનામાં જોવા મળે છે. તેમની કવિતાના અંતરંગ અને બહિરંગમાં સુશ્લિષ્ટતાનું સૌંદર્ય છે. સંગીતના સંસ્કારો તેમને બાળપણથી મળેલા. સંગીત અને કવિતા એ બંને ભિન્ન કળાઓ છે, હસિત બૂચની કવિતામાં એનો સુભગ સમન્વય થયો છે. હસિત બૂચની કવિતા સંસ્કારશોભન છે તો ભાવનાપ્રબોધક પણ છે. શ્રી વિષ્ણુપ્રસાદભાઈએ ‘રૂપનાં અમી’ની કવિતાને ‘સુકુમાર કવિતા’ કહી, કદાચ શ્રી બૂચની સમગ્ર કવિતાને કોઈ લેબલ લગાડવું હોય તો ‘સુકુમાર કવિતા’નું જ લગાડી શકાય. તેમણે ‘ચલ અચલ’, ‘આભને છેડે’, ‘મેઘના’ નવલકથાઓ આપી છે. ‘આભને છેડે’નો તો શ્રી શ્યામ સંન્યાસીએ હિંદીમાં અનુવાદ પણ કર્યો છે. ‘આલંબન’ અને ‘વાદળી ઝર્યા કરતી હતી’ એ બે તેમની ટૂંકી વાર્તાના સંગ્રહો છે. એ ઉપરાંત નાટ્યક્ષેત્રે ‘શુભસ્ય શીઘ્રમ્’નાં એકાંકીઓ ખાસ સંભારવા જેવાં છે. આ એકાંકીઓમાં સાંપ્રત સમયની સમસ્યાઓનો વિષય લઈ તેમણે ચોટદાર એકાંકીઓ આપ્યાં છે. સંગ્રહનું નામકરણ જેના પરથી થયું છે તે ‘શુભસ્ય શીઘ્રમ્’માં દેશની કટોકટીમાં નામ પાછળ ઘેલા બની સોનું આપી દેવાનો દંભ કરતા ભદ્ર સમાજનો ઉપહાસ છે. ‘સુદામાચરિત’ એકાંકીમાં આધુનિક સમયમાં કારમી આર્થિક ભીંસ અનુભવતો મધ્યમ વર્ગ તમાચો મારીને મોઢું લાલ રાખતો જોવા મળે છે. ‘લાયક મળે તો’માં સાંપ્રત સમયની યુવતીઓને મૂંઝવતો લગ્નનો પ્રશ્ન માર્મિક રીતે અભિવ્યક્તિ પામ્યો છે. આ એકાંકીઓમાં યથાવકાશ નર્મ-મર્મ અને કટાક્ષોનો સફળ વિનિયોગ થયો છે. પાત્રચિત્રણ પણ સુંદર છે. પન્ના, સરયૂ, પંકજ, નંદલાલ અને મંદાકિની વગેરેનાં વ્યક્તિત્વનો સુરેખ ઊપસ્યાં છે. તેમણે લખેલ ‘સૂરમંગલ’માં પદ્યનો વિનિયોગ ધ્યાન ખેંચે છે. કિશોરોનાં નાટકો પણ તેમણે લખ્યાં છે. પત્ની જ્યોત્સ્નાબહેનના સહયોગમાં લખેલું તેમના પિતાશ્રી હરિરાય ભગવંતરાય બૂચનું ચરિત્રરેખાંકન સુંદર છે. શ્રી હસિત બૂચનો જન્મ જૂનાગઢમાં તા. ૨૬ એપ્રિલ ૧૯૨૧ના રોજ થયો હતો. કુટુંબ વર્ષોથી વડોદરામાં વસેલું એટલે વતન વડોદરા જ ગણાય. સાહિત્યના સંસ્કારો તેમને માતપિતા પાસેથી મળ્યા. માતા સવિતાલક્ષ્મી કવયિત્રી હતાં. તેમનો કાવ્યસંગ્રહ ‘ગઢ ગિરનારી’ પ્રગટ થયેલો. પિતા ‘સયાજી વિજય’માં હતા. પત્રકાર હતા. હસિત બૂચે માધ્યમિક શિક્ષણ વડોદરાની ન્યૂ ઈરા હાઈસ્કૂલમાં લીધું. ૧૯૩૮માં મૅટ્રિક થયા અને કેન્દ્રમાં પ્રથમ આવ્યા. ૧૯૪૨માં વડોદરા કૉલેજમાંથી ગુજરાતી-સંસ્કૃત સાથે બી.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પસાર કરી. ૧૯૪૨-૪૩માં વડોદરા કૉલેજમાં ફેલો હતા. ૧૯૪૪માં એમ.એ.માં પ્રથમ વર્ગમાં પ્રથમ આવ્યા અને દી. બ. કેશવ હર્ષદ ધ્રુવ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો. વડોદરા કૉલેજમાં હસિત બૂચ કવિ-વિદ્યાર્થી તરીકે સૌને સુપરિચિત હતા. હું કૉલેજમાં દાખલ થયો ત્યારે હસિતભાઈનો અભ્યાસ પૂરો થયો હતો. અમારા ગુજરાતીના અધ્યાપક સ્વ. ચતુરભાઈ શં. પટેલ એમનાં વખાણ કરતાં થાકતા નહિ. એમ.એ. થયા પછી મુંબઈમાં માહિતી અને પ્રસારણ ખાતામાં ગુજરાતી વિભાગના તંત્રી તરીકે જોડાયેલા, પણ થોડા જ સમયમાં તેમણે ગુજરાતીના અધ્યાપક તરીકેની કામગીરી સ્વીકારી, વિસનગર, અમદાવાદ અને રાજકોટની સરકારી કૉલેજમાં અધ્યાપક તરીકે અને રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કૉલેજમાં આચાર્ય તરીકે કામ કર્યું. ૧૯૭૧થી તેઓ ગાંધીનગરમાં ગુજરાત રાજ્યના ભાષાનિયામક છે. ભાષાનિયામક તરીકે તેમણે ગુજરાતી ભાષા અને સાહિત્યના ઉત્કર્ષ માટે પોતાનાથી બનતી તમામ સહાય કરી પ્રશસ્ય સેવા બજાવી છે. એક પચીસી જેટલો સમય તેમણે ઉચ્ચ શિક્ષણક્ષેત્રે કાર્ય કર્યું અને યુનિવર્સિટીમાં વિવિધ સત્તામંડળોમાં પોતાના અવાજને પ્રભાવક બનાવ્યો. આગામી એપ્રિલ માસમાં તે ભાષાનિયામકપદેથી નિવૃત્ત થશે. હસિતભાઈ એક સારા એકૅડેમિશિયન છે. વિવેચન-સંશોધન ક્ષેત્રમાં તેમના વ્યક્તિત્વનું આ પાસું સુપેરે વ્યક્ત થયું છે. દલપતરામ ઉપરનો તેમનો સ્વાધ્યાયગ્રંથ આજે પણ અભ્યાસીઓને જોવો પડે એવો છે, ‘અન્વય ‘ અને ‘તદ્ભવ’ એ તેમના અભ્યાસનાં સુફળ છે. ગુજરાત સાહિત્ય સભાએ ૧૯૬૧ના ગ્રંથસ્થ વાઙ્મયની સમીક્ષા તેમની પાસે તૈયાર કરાવેલી. તાજેતરમાં ‘ગુજરાતી ગ્રંથકાર શ્રેણી’માં તેમણે ભારે જહેમત પૂર્વક ‘મીરાં’ વિશેની પુસ્તિકા તૈયાર કરી આપી. આ પુસ્તિકા વિવેચકોની પ્રશંસા પામી છે. અનેક સંદર્ભગ્રંથો ઝીણવટપૂર્વક જોઈને તેમણે મીરાંનું અને મીરાંની કવિતાનું ચિત્ર આપ્યું છે. નિવૃત્તિમાં તે આવી જ રીતે નરસિંહ: અધ્યયન કરવાના છે. વિવેચક તરીકે શ્રી હસિત બૂચમાં સહૃદયતા, પરિપક્વ રસવૃત્તિ, વ્યાપક અભ્યાસશીલતા અને વિવેકયુક્ત મૂલ્યાંકન જોવા મળે છે. તેમના વિવેચનગ્રંથ ‘અન્વય’ની પ્રસ્તાવનામાં આ લખનારે લખેલું કે, “વિવેચનાનું કાર્ય લેખક અને વાચક વચ્ચે એક પ્રકારની અન્વિતિ સ્થાપવાનું છે. શ્રી હસિત બૂચનું સમન્વિત વિવેચન સૌ સાહિત્યરસિકોનો સમાદર પામશે એવી આશા અવશ્ય રાખી શકાય.” તેમનાં પુસ્તકોને રાજ્ય સરકારનાં પારિતોષિકો મળ્યાં છે, અનેક સરકારી અર્ધ સરકારી સમિતિઓમાં તેમણે સેવા આપી છે. ‘નૂતન ગુજરાત’માં તે દર અઠવાડિયે ગુજરાતી કવિતાનો આસ્વાદ કરાવે છે, ‘ક્ષણો જે ચિરંજીવી’ની તેમની કૉલમના લખાણો સત્વર ગ્રન્થસ્થ થાય એમ ઈચ્છીએ. હસિતભાઈ મૈત્રીના માણસ છે. તેમના સાંનિધ્યમાં સંવાદિતા, માધુર્ય અને નાગરી સુઘડતાનો સહેજે પરિચય થાય. સાહિત્યકાર તરીકે, અને વ્યક્તિ તરીકે હસિતભાઈમાં રસ પડે એવું ઘણું છે. બીજું ઘણું બધું હશે, પણ સૌ પ્રથમ તે કવિ છે, એ કળી જતાં ભાગ્યે જ વાર લાગે.

૪-૩-૭૯