શબ્દલોકના યાત્રીઓ – ૨/કુન્દનિકા કાપડિયા

કુન્દનિકા કાપડિયા

શ્રી કુન્દનિકાબહેન સાથેનો પ્રયત્ન પરિચય તો ૧૯૪૪માં તે કવિ શ્રી મકરન્દ દવે સાથે લગ્નસંબંધથી જોડાયાં તે પછી થયો. શ્રી મકરન્દભાઈ સાથે જોડાયેલી એકે એક ચીજ મને ગમે છે. શ્રી કુન્દનિકાની વાર્તાઓ મને ગમતી, હવે એમાં વધુ રસ પડ્યો. સમકાલીન ટૂંકી વાર્તામાં માત્ર ટેકનીકથી ન દોરાતાં નિરૂપિત ઘટનાઓની પાછળ રહેલાં પરિબળો, એની વૈચારિક ભૂમિકામાં તેમને વધુ રસ છે. જીવનના કોઈ ખંડને પ્રકાશિત કરતી વેળા પણ જીવન જે તત્ત્વોને આધારે ઘડાય છે, એમાં રસ લેનાર ગણ્યાગાંઠ્યા વાર્તાકારોમાં કુન્દનિકાબહેનની ગણના થાય. આ રીતે ચિંતનાત્મક અભિગમ અને રસકીય દૃષ્ટિકોણનો સુંદર સમન્વય કરતી તેમની ટૂંકી વાર્તાઓ ગુજરાતી નવલિકા સાહિત્યમાં નોખી તરી આવે છે. શ્રી કુન્દનિકા કાપડિયાએ ટૂંકી વાર્તા અને નવલકથાના પ્રકારમાં કામ કર્યું છે. અડધો ડઝન જેટલાં પુસ્તકો પ્રગટ કર્યાં છે, એકાદ પ્રકીર્ણ લેખોનો સંગ્રહ પણ કર્યો છે. ૧૯૬૮માં પ્રગટ થયેલી તેમની નવલકથા ‘પરોઢ થતાં પહેલાં’ (હમણાં એની બીજી આવૃત્તિ થઈ છે)માં જીવનમાં પડેલા દુઃખના તત્ત્વને અતિક્રમીને મનુષ્ય પોતાના આનંદરૂપ સાથે શી રીતે અનુસંધિત થઈ શકે એ મૂળભૂત પ્રશ્ન છેડાયો છે. જીવનમાં રહેલાં વિવિધ દુઃખોનું પ્રતિનિધિત્વ કરતાં પાત્રોની નાનકડી સૃષ્ટિ ખડી કરવામાં કળાત્મક અંશ પ્રગટ થયો છે અને એના ઉકેલની દિશામાં વિચારણા ચલાવવામાં ચિંતનાત્મક અંશ પ્રગટ થયો છે; પણ એ ચિંતનાત્મકતાનો અનુબંધ પરિસ્થિતિ અને પાત્રમાનસ સાથે એવો થયો છે કે આ બંને અંશો એકબીજામાં ઓગળી જાય છે. મરણની ક્ષણે અંજનાશ્રી સુનંદાને સંદેશો આપે છેઃ “ચંડીદાસે કહ્યું હતું, સબાર ઉપરે માનુષ, તેના ઉપર કાંઈ નહિ. પણ હું કહું છું, સબાર ઉપરે જીવન. મનુષ્યથી પણ ઉપર જીવન. ...જીવનને સુંદર સાર્થક બનાવવું તે જ ધર્મ.” જીવનમાં કરુણતા તો ભરપૂર ભરેલી જ છે, એમાંથી જ જીવનની સાર્થકતા significance શોધવાની છે. ગોવર્ધનરામ જેને ‘મહેચ્છા’ કહે છે એમાં વૈયક્તિક ઈચ્છાને ભેળવી દેવી એ આનંદપ્રાપ્તિનો કીમિયો છે. સુનંદાને એનું સત્ય સાંપડશે? અનિશ્ચિતતાને પાર કરીને તે કોઈક સુનિશ્ચિતતાને આરે પહોંચશે? પરોઢ થતાં પહેલાંની દશા લેખિકાએ વર્ણવી છે. કલાત્મક ધ્વનિમયતાથી પરોઢનાં આશાકિરણની ઝાંખી કરાવતી આ નવલકથા હૃદયંગમ અને પ્રેરક બને છે. એ પછી તેમણે ‘અગનપિપાસા’ નવલકથા પણ આપી છે. એમાં બુદ્ધિ કરતાં હૃદય પરની આસ્થા પ્રગટ કરીને નવો દૃષ્ટિકોણ પ્રગટ કર્યો છે. શ્રી કુન્દનિકા નરોત્તમદાસ ઝવેરીનો જન્મ ૧૧મી જાન્યુઆરી ૧૯૨૭ના રોજ લીંબડી(સૌરાષ્ટ્ર)માં થયો હતો. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ તેમણે ગોધરામાં લીધું. પછી કૉલેજ અભ્યાસ માટે વડોદરા આવ્યાં. પછી ત્રણ વર્ષ ભાવનગર શામળદાસ કૉલેજમાં અભ્યાસ કર્યો અને ઈતિહાસ અને રાજકારણ એ વિષયો સાથે બી.એ. થયાં. મુંબઈ સ્કૂલ ઓફ ઇકૉનૉમિક્સમાં ‘એન્ટાયર પૉલિટિક્સ’ સાથે એમ.એ.નો અભ્યાસ કર્યો પણ પરીક્ષા આપી ન શકાઈ. તે ફ્રીલૅન્સ લેખિકા તરીકે કામ કરતાં રહ્યાં છે. ૧૯૫૫-૫૭માં તેમણે ‘યાત્રિક’ સામયિક બે વર્ષ ચલાવેલું. ‘અખંડ આનંદ’, ‘જન્મભૂમિ’ વગેરેમાં તેમણે નિયમિત લખેલું. ‘ફિલ્મ ડિવિઝન’માં કૉમેન્ટરી પણ તે લખતાં. ૧૯૬૨થી તેમણે ‘નવનીત’ના સંપાદક તરીકેની જવાબદારી સ્વીકારી. ૧૯૮૦ના ઑક્ટોબરથી તે એમાંથી પણ નિવૃત્ત થયાં છે. તેમને મુખ્યત્વે પ્રેરણા, ઘર-આંગણાના ધૂમકેતુ, શરદબાબુ અને ટાગોરમાંથી અને પરદેશના શેક્સપિયર અને ઈબ્સનમાંથી મળી છે. આ ઉપરાંત જે કાંઈ વાંચ્યું એની અસર એમને પર થતી ગઈ, રુચિ ઘડાતી ગઈ અને સાહિત્ય દ્વારા કશુંક આપવાની ભાવના પ્રબળ બનતી ગઈ. કુન્દનિકાની પ્રથમ રચના ‘પ્રેમનાં આંસુ’ ટૂંકી વાર્તા છે. ટૂંકી વાર્તાની વિશ્વહરીફાઈમાં જન્મભૂમિ પત્રોએ યોજેલી સ્પર્ધામાં આ વાર્તાને બીજું ઈનામ મળેલું. ત્યારથી લખવાની શરૂઆત કરી. પછી તો અનેક વાર્તાઓ લખાઈ, સામયિકોમાં પ્રગટ થવા માંડી. પ્રથમ વાર્તાસંગ્રહ ‘પ્રેમનાં આંસુ’ નામે ૧૯૫૪માં પ્રગટ થયો. એ પછી ૧૯૬૮માં ‘વધુ ને વધુ સુંદર’ અને ૧૯૭૮માં ‘કાગળની હોડી’ એ વાર્તાસંગ્રહો પ્રગટ થયા. પ્રકીર્ણ લેખોનો સંગ્રહ ‘દ્વાર અને દીવાલ’ ૧૯૫૫માં પ્રગટ થયો હતો. તેમણે અનુવાદો પણ કર્યા છે, ‘વસંત આવશે’ અને ‘પૂર્ણ કુંભ’. લેખિકા તરીકે શ્રી કુન્દનિકાબહેનની વિશિષ્ટતા ટૂંકી વાર્તામાં જ છે. કોક ગૂઢ સંવેદનમાંથી તે વાર્તાઓ લખે છે. ચીલેચાલુ ફૅશનપરસ્તીથી તે દૂર રહ્યાં છે. પોતાની આગવી સંવેદનશીલતાને તેમણે સ્વાભાવિક્તાથી વહેવા દીધી છે. જીવન છે તો એના પ્રશ્નોને પણ છે, એ પ્રશ્નોના કશા હાથવગા ઉકેલો આપવા તે પ્રવૃત્ત થતાં નથી, પણ એ પ્રશ્નો પર ટૉર્ચલાઈટ નાખે છે. પ્રશ્નોને એની પૂરેપૂરી સંકુલતામાં પ્રગટ કરે છે અને એના ઉકેલ પણ જીવન પ્રત્યે જોવાની સ્વસ્થ દૃષ્ટિમાંથી જ સાંપડે એવાં ઇંગિતો વાર્તાને અંતે આપણને સુલભ થાય છે. આ કાળમાં જેની સવિશેષ જરૂર છે તે જીવનસાધનાજનિત ભાવનામયતાથી ઓપતી વાર્તાઓ તેમણે આપી છે. વાર્તામાં ઘટના તો આવે જ નહિ, ચમત્કૃતિ અમુક બિંદુએ જ આવવી જોઈએ, અમુક રૂપાળાં વર્ણનો ખાસ કરીને મૉડર્ન લાઈફનાં એમાં વણાઈ ગયેલાં જ હોવાં જોઈએ એવા કોઈ અભિગ્રહથી તે સંચાલિત થતાં નથી. જીવનને જ પ્રગટ થવા દે છે, અને પ્રગટ થવાની પ્રક્રિયામાં જ એનું કોઈક રહસ્ય, એનું કોઈક સૌન્દર્ય, એનો કશોક મર્મ ઊઘડતો આવે છે. તેમની કેટલીક વાર્તાઓ સ્ત્રીના હૃદયને આબેહૂબ પ્રગટ કરે છે. એક લેખિકા જ લખી શકે એવી એ વાર્તાઓ છે. તેમણે આલેખેલાં પાત્રોમાં ભિન્ન ભિન્ન સ્તરનાં અને કક્ષાનાં, ગ્રામ જીવનનાં અને શહેરી જીવનનાં, પુરુષો, સ્ત્રીઓ અને કિશોરો છે. એમના વિશેની રજેરજ બાબત લેખિકા જાણે છે. જીવનનાં ઊજળાં અને મ્લાન બંને પાસાને તેમની વાર્તાઓમાં ઉઠાવ મળે છે. સર્વત્ર સહાનુકંપાનું અમીસિંચન તો થયા જ કરે છે. અમિતા, સોના, કેટી, અક્ષય, સુહાસી, નિમિષા, બિહારીલાલ, તનિયો, સુધીર જેવાં પાત્રો સ્મૃતિપટ પર અંકાઈ જાય છે. મોટા ભાગે તે પાત્રોનાં નામ પાડતાં નથી. પત્ની, હું, જેઠાણી, વૃદ્ધા વગેરેથી તેમનું કામ ચાલે છે, પણ પાત્રોનાં વ્યક્તિત્વ ઊપસે છે. શ્રી કુન્દનિકાની વાર્તાઓમાં નામીઅનામી પાત્રો દ્વારા પણ “મનુષ્ય” પ્રગટ થયો છે. આ “મનુષ્ય”ના મનની સંકુલતા તે યથાતથ પ્રગટ કરી આપે છે. વિવિધ પરિસ્થિતિમાં મુકાયેલા આ મનુષ્યોમાં ક્યાંક એવી તેજરેખા પડેલી છે જે એમની જીવનયાત્રાને ઝંઝાવાતોમાંથી પાર કરીને એના ગન્તવ્ય સ્થાને લઈ જશે. આવું કોઈક તત્ત્વ, વિપથગામી પરિસ્થિતિમાં જીવતાં મનુષ્યોમાં પણ તેમણે મૂકી આપ્યું છે. તેમની ‘ફરી વરસો’ વાર્તા જુઓ. એમાં ટૂંકી વાર્તાની એક નવી જ ગતિનું દર્શન થાય છે. એમાં વૃદ્ધ દંપતી મહિને સાડાચાર હજાર કમાતા સમૃદ્ધ અને પ્રેમાળ પુત્ર અને સેવાભાવી સ્નેહાળ પુત્રવધૂ અને મીઠાશથી મોરતાં બાળકોથી દૂર ચાલ્યા જવાનો નિર્ણય કરે છે. કોઈ દેખીતું કારણ તો છે જ નહિ! સમજાવટ કામયાબ નીવડી નહિ. સલામતી, ભય, હૂંફ, સુખ–સગવડ કશાથી અભિભૂત થયા વગર એક નવો જ રસ્તો ખૂંદવા માટે પોતાનાં નામ પણ વિસર્જીને બંને નીકળી પડે છે. ક્યાં? “મેઘમંડિત ગગન નીચે, શામળી ધરા પર, જ્યાં ફરી વરસાદ પડ્યો હતો, ફરી મહેક વછૂટી હતી અને ફરી મોલ ખીલવાનો હતો!” જાણે પુરુષ અને પ્રકૃતિની સહ-યાત્રા, સહ-લીલા, નામ-રૂપથી પાર, અસલ રૂપ પામવાની અભીપ્સા — સંસ્કૃતિના ચળકાટથી દૂર સુદૂર સ્વ-દેશમાં જવાની અભીપ્સા — પ્રગટ થઈ છે. અહીં બાહ્ય કે આંતરિક કશા સંઘર્ષ વગર ‘સસ્પેન્સ’ ટકાવી રાખ્યો છે તે નોંધપાત્ર છે. આવી વધુ વાર્તાઓ તે આપે એમ ઈચ્છીએ. શ્રી કુન્દનિકાબહેનને ફિલસૂફી, પ્રકૃતિ અને સંગીતમાં વિશેષ રસ છે. તેમના એક વાર્તાસંગ્રહનું શીર્ષક છે ‘કાગળની હોડી’. સાચી સંવેદનશીલતાથી મહેકતી અનેક કૃતિઓ દ્વારા તેમણે જીવનના પ્રવાહમાં જે કાગળની હોડીઓ તરતી મૂકી છે તે ડૂબી જાય એવી નથી! એક સર્જક તરીકે પોતાના આગવા વ્યક્તિત્વથી અંકિત જે રચનાઓ શ્રી કુન્દનિકા કાપડિયાએ આપી છે તે એમને છેલ્લી પચીસીની લેખિકાઓમાં ઉચ્ચ સ્થાનનાં અધિકારી બનાવે એવી છે. તેમની પાસેથી વધુ સમૃદ્ધ, સભર અને કલાત્મક કૃતિઓની આપણે પ્રતીક્ષા કરીએ.

૪-૧-૮૧