શબ્દલોકના યાત્રીઓ – ૨/ચન્દ્રકાન્ત શેઠ
આઠમા દાયકાના એક આશાસ્પદ કવિ તરીકે ચન્દ્રકાન્તને ઓળખવાનું હું પસંદ કરું. ‘આશાસ્પદ’ શબ્દ વિવેચનની લપટી પડેલી લઢણ તરીકે યોજતો નથી, પણ એના પૂરેપૂરા વજનમાં સાભિપ્રાય પ્રયોજું છું. નિરંજન ભગત પણ આ બાબતમાં સંમત થશે એવો વિશ્વાસ છે. કવિતા ઉપરાંત નાટક, વિવેચન અને અનુવાદ-સંપાદનના ક્ષેત્રે ચન્દ્રકાન્તે કામ કર્યું છે. એમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘પવન રૂપેરી’ ૧૯૭૨માં પ્રગટ થયો. એ વર્ષના ગુજરાતી સાહિત્યના પ્રવાહો વિશે સાહિત્ય અકાદમીના મુખપત્ર ‘ઈન્ડિયન લિટરેચર’માં મેં આ મતલબનું લખેલું: “ચન્દ્રકાંત શેઠ, ‘પવન રૂપેરી’માં પોતાની–પોતાના સ્વત્વને શોધવાની મથામણ પ્રગટ કરે છે. અહીં વિદ્રોહનો સાચો સૂર સંભળાય છે, ‘ક્યાં છો ચન્દ્રકાંત?’ તે પોતાને પૂછે છે અને છેવટે આવીને ઊભા રહે છે ચન્દ્રકાન્તનો ભાંગી ભુક્કો કરીએ / એના મનમાં ખાલી સમય સડે છે. આગળ પરંપરાગત ઇડિયમના ઉપયોગ છતાં એમનાં ગીતોમાં તાજગી આવી છે. પોતાને પામવા મથતા કવિની સાચકલી અનુભૂતિનો સ્પંદ આહ્લાદક છે” એ પછી ‘ઊઘડતી દીવાલો’ નામે બીજો સંગ્રહ ૧૯૭૪માં પ્રગટ થયો. એમાં એમની કાવ્યસાધનાનો સ્પષ્ટ વિકાસ વરતાય છે. આ બન્ને સંગ્રહોને ગુજરાત સરકારનાં પ્રથમ પરિતોષિકો મળેલાં. પહેલા સંગ્રહને સ્વ. પ્રિયકાન્ત મણિયારના અને બીજાને શ્રી સિતાંશુ યશશ્ચંદ્રના ભાગમાં પારિતોષિક મળેલાં. શ્રી ચંન્દ્રકાન્ત ત્રિકમલાલ શેઠનો જન્મ પંચમહાલ જિલ્લાના કાલોલ ગામે ત્રીજી ફેબ્રુઆરી ૧૯૩૮ના રોજ થયો હતો. એમનું વતન ખેડા જિલ્લાનું ઠાસરા ગામ, જ્ઞાતિએ દશા નાગર વણિક, ધર્મે વૈષ્ણવ-પુષ્ટીમાર્ગી. પ્રાથમિક શિક્ષણ હાલોલ અને કંજરીમાં લીધું. માધ્યમિક શિક્ષણ પણ સાત ધોરણ સુધી હાલોલની મહાજન સાર્વજનિક હાઈસ્કૂલમાં અને એ પછીનું અમદાવાદની પ્રોપ્રાયટરી હાઈસ્કૂલમાં. ૧૯પ૪માં એસ.એસ.સી. થયા, ૧૯પ૮માં મુખ્ય વિષય ગુજરાતી અને ગૌણ વિષય સંસ્કૃત સાથે ગુજરાત કૉલેજમાંથી બી.એ.ની પરીક્ષા બીજા વર્ગમાં પસાર કરી. ૧૯૬૧માં ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવનમાંથી એમ.એ.ની પરીક્ષા બીજા વર્ગમાં પસાર કરી. તેમણે અધ્યાપકનો વ્યવસાય સ્વીકાર્યો. જુદી જુદી કૉલેજોમાં કામ કર્યા બાદ હાલ તે ગુજરાત વિદ્યાપીઠમાં ગુજરાતીના રીડર તરીકે કામ કરે છે. તાજેતરમાં તેમણે પીએચ.ડી.ની ડિગ્રી માટે ‘ઉમાશંકર-સાહિત્ય સર્જક અને વિવેચક’ એ વિષય પર મહાનિબંધ લખી વિદ્યાપીઠને સુપરત કર્યો છે. તેમણે કવિતા લખવાનો આરંભ તો છેક સાતમા ધોરણમાં ભણતા ત્યારથી કરેલો. કવિતાલેખનની મુખ્ય પ્રેરણા સામયિકોની. તેમનું પ્રથમ પ્રગટ કાવ્ય ‘મૂંગા તે કેમ રહેવું?’ ‘કુમાર’માં પ્રગટ થયેલું. કવિતાલેખનમાં એમને બચુભાઈ રાવત, લાભશંકર ઠાકર, રઘુવીર વગેરેમાંથી પ્રેરણા મળ્યાનું પોતે સ્વીકારે છે. રઘુવીરના તે ખાસ મિત્ર છે. રઘુવીરની કૃતિઓ ઉપર તેમણે સારું એવું ‘ક્રિટિસિઝમ ઇન-ફ્રેંડશિપ’ કર્યું છે. એ તો ઠીક પણ જો કોઈને રઘુવીર ઉપર થીસિસ કરવો હોય તો ચન્દ્રકાન્તને તો મળવું જ પડે એવી એમની દોસ્તી છે. કેટલીક મધુર સાહિત્યિક મૈત્રીઓમાં હું આ બન્નેની ગણાવું. ચંદ્રકાન્તના બે વિવેચનસંગ્રહો પ્રગટ થયા છે. એક ‘કાવ્ય પ્રત્યક્ષ’ અને બીજો ‘અર્થાન્તર’. બંનેમાં સાંગોપાંગ અભ્યાસ, અશેષ નિરૂપણ, પૂર્વગ્રહમુક્ત અભિગમ અને વખાણવા કે વખોડવાના અંતિમોથી સલૂકાઈપૂર્વક દૂર રહી તટસ્થતાપૂર્વકના પ્રતિભાવો ચંદ્રકાન્ત આપે છે. ‘નંદ સામવેદી’ના ઉપનામથી તેમણે લલિત નિબંધો લખ્યા છે. ગૂજરાત વિદ્યાપીઠમાં ગયા બાદ શ્રી મોહનભાઈ પટેલની સાથે તેમણે કેટલાંક સંપાદન કર્યા છે. નૅશનલ બુક ટ્રસ્ટ કે સાહિત્ય અકાદમી તરફથી અનુવાદો પણ કર્યા છે. તેમણે સર્જનાત્મક અને વિવેચનાત્મક ઘણું લખ્યું છે. બીજા સંગ્રહો પણ પ્રગટ થશે. તેમને નાટકમાં પણ જીવંત રસ છે. તેમના ‘સ્વપ્નપિંજર’ નાટ્યસંગ્રહને ચિનુ મોદીની સાથે સરકારનું બીજું પારિતોષિક મળેલું. ચંદ્રકાન્ત પાસે ઘણી અપેક્ષાઓ રહે છે. તે પૂરી થવાની પણ પૂરી શક્યતા છે, અને તે એમના એક વિશિષ્ટ ચારિત્ર્યગુણને કારણે. આ ગુણ તે ‘સંનિષ્ઠા’. ચંદ્રકાન્ત બીજું ગમે તે હોય, ન હોય, પણ નખશિખ સહૃદય – સંનિષ્ઠ છે. એમની કવિતામાં કે વિવેચનમાં આ શીલગત સાચકલાઈ નવું પરિમાણ ઉમેરે છે. ચંદ્રકાન્તને મળવાનું થાય ત્યારે પોતે સાહિત્યકાર છે એવો દૂરનો પણ વહેમ એ નહિ પડવા દે, પણ જો તમો થોડી ક્ષણો વાત કરશો તો એક સાચા માણસને મળ્યાનો આનંદ થશે. શું સાહિત્યમાં કે શું જીવનમાં, આ વસ્તુ આજે તો કેટલી બધી દુર્લભ છે!
૨૭-પ-૭૯