શબ્દલોકના યાત્રીઓ – ૨/બકુલ ત્રિપાઠી
શ્રી બકુલ ત્રિપાઠીને કોણ ઓળખતું નથી? તમે કોઈ પણ દૈનિક કે સામયિક ઉઘાડો, બકુલ ત્રિપાઠી હાજર જ હોય! છેલ્લાં પચીસ વર્ષથી તે આપણી પ્રજાકીય ખાસિયતો, રાજકારણી આટાપાટા, સામાજિક વિલક્ષણતાઓ અને પ્રશ્નોને ધારદાર રીતે રજૂ કરતા રહ્યા છે. આપણા જીવનમાં હાસ્યનાં બે અમીછાંટણાં નાખનાર પ્રત્યે આપણે ઓશિંગણભાવ અનુભવીએ એ સ્વાભાવિક ગણાય. બકુલ ત્રિપાઠીની નિર્બંધિકાઓનો પ્રથમ સંગ્રહ ‘સચરાચરમાં’ ૧૯૫૫માં પ્રગટ થયો ત્યારે તેમના પૂર્વજ જ્યોતીન્દ્ર દવેએ એમને આવકારતાં લખેલું: “શ્રી બકુલ ત્રિપાઠીનું આ પહેલું જ પુસ્તક પ્રસિદ્ધ થાય છે, પણ આપણે ત્યાં જે ગણ્યાગાંઠ્યા હળવા નિબંધના લેખકો છે તેમાં એમણે અત્યાર અગાઉ ક્યારનુંય સ્થાન મેળવી લીધું છે. ગંભીર વિષયોનું અગંભીર રીતે અને અગંભીર વિષયોનું ગંભીર રીતે નિરૂપણ કરી, પ્રથમ દર્શને ગળે ઊતરી જાય એવી છતાં હેત્વાભાસભરી દલીલોની પરંપરા ખડકી, માનવ સ્વભાવમાં રહેલી નબળાઈઓ ને વિસંગતિઓનું હળવે હાથે પૃથક્કરણ કરી એમણે જે હાસ્યનું નિર્માણ કર્યું છે એ હંમેશ નિર્મળ, નિર્દોષ ને નિર્દંશ રહ્યું છે. ક્વચિત્ કટાક્ષનો પણ એમણે આશ્રય લીધો છે, પરંતુ એમનો કટાક્ષ તીવ્ર કે વ્યક્તિગત કદી બન્યો નથી. વસ્તુ, પ્રસંગ કે વિચારમાં રહેલી અસંગતિ પારખી કાઢવાની સૂક્ષ્મ દૃષ્ટિ સાથે જ એનું રસભરી રીતે નિરૂપણ કરવાની સહજ શક્તિ એમને વરી છે. આથી એમનો વિનોદ સહજ શિષ્ટ અને માર્મિક બન્યો છે. હાસ્ય ઉપજાવવા માટે એમને ક્યાંય મહેનત કરવી પડતી હોય અથવા યુક્તિપ્રયુક્તિઓ કે કૃત્રિમ સાધનોનો આશ્રય લેવો પડતો હોય એમ દેખાતું નથી. પ્રથમ પ્રયાસે જ આવી સિદ્ધિ દાખવનાર શ્રી બકુલ ત્રિપાઠીએ આપણા પ્રથમ પંક્તિના નિબંધકારોમાં સ્થાન લીધું છે એમ કહેવું વધારે પડતું નથી.” સ્વ. જ્યોતીન્દ્રભાઈ સાથે સહમત થવામાં કશી મુશ્કેલી નથી. તેમણે ઘણું લખ્યું છે, લખે છે, જેટલું લખ્યું છે એના પ્રમાણમાં ગ્રંથસ્થ ઓછું કર્યું છે. કદાચ એમાં એમનું આળસ કારણભૂત હશે. લેખક તરીકે તેમની વિશિષ્ટ પ્રકૃતિ (idiosyncrasy) પણ જવાબદાર હોય. દરેક લેખકમાં આવી કોઈ ને કોઈ વિલક્ષણતા હોય જ છે. લખાયું એટલે પોતાનું કામ પૂરું થયું, કદાચ ભાવિ સંપાદકો માટે તે કામ રહેવા દેવા માગતા હોય એમ બને. બકુલભાઈ માટે એ અસંભવિત નથી. સમાચાર છે કે એમના લલિત નિબંધોનો સંગ્રહ ‘આજે અચાનક!’ ટૂંક સમયમાં પ્રગટ થશે. બીજું રેડિયો–નાટક, ટી. વી. નાટ્ય લેખન અને અન્ય હાસ્યલેખોના સંગ્રહો પણ તેમણે આપવા જોઈએ – અલબત્ત એમનાં ધોરણો પ્રમાણેના—પસંદગીપૂર્વકના. શ્રી બકુલભાઈ નડિયાદના છે, નાગર છે. ત્રિપાઠી અટક ધરાવે છે, એટલે તરત ગોવર્ધનરામનું સ્મરણ થશે. ગોવર્ધનરામે બીજા બધા રસો નિરૂપ્યા છે, હાસ્યરસ ખાસ નહિ. બકુલભાઈએ કેવળ હાસ્યરસ જ આરાધ્યો છે. એમનું હાસ્ય એક બૌદ્ધિક સંદર્ભ લઈ આવે છે, એ એની એક વિશિષ્ટતા છે. આ હાસ્ય સસ્તી યુક્તિપ્રયુક્તિઓ વડે બે ઘડી મોજ કરાવવા રેલાતું નથી. એમાં સૂક્ષ્મતા છે, ઊંડાણ છે, માર્મિકતા છે. કદાચ એનું કારણ તેમને બીજાં સાહિત્ય સ્વરૂપોમાં રસ છે — ખાસ કરીને કવિતા અને નાટકમાં એ છે. તે વાંચે છે પણ સારું — ખાસ કરીને અંગ્રેજી પુસ્તકો. બુકસેલરો માહિતી આપશે. આ કારણે તે બોલે છે ત્યારે એક સાહિત્યિક પરિવેશ આપોઆપ રચાઈ જાય છે. શ્રી બકુલ પદ્મમણિશંકર ત્રિપાઠીનો જન્મ ૨૬ નવેમ્બર ૧૯૨૮ના રોજ (કાર્તિક પૂર્ણિમાએ) નડિયાદમાં થયો હતો. તેમણે પ્રાથમિક, માધ્યમિક, કૉલેજ શિક્ષણ ક્યાં લીધું, કયા વ્યવસાયો કર્યા વગેરેની કોઈ માહિતી તે આપતા નથી! ભલે ભવિષ્યમાં કોઈ તેમના વિશે પીએચ.ડી. કરવા પ્રેરાય તો એના માટે કંઈ કામ તો બાકી રાખવું જ જોઈએ ને! કોઈ આમાં આત્મરતિ જોવા પ્રેરાય તો એની એમને પરવા નથી. તે એમના તાનમાં મસ્ત છે. રિલ્કેએ સર્જકને કહેલું કે તારા એકાંતનું રક્ષણ કર. બકુલભાઈ એમની અંગતતાનું રક્ષણ કરે છે! પણ આપણે એટલું તો જાણીએ છીએ કે તે અમદાવાદની પ્રસિદ્ધ એચ. એલ. કૉલેજ ઑફ કૉમર્સમાં વાણિજ્યના અધ્યાપક છે; તેમના વિદ્યાર્થીઓ કેટલા સદ્ભાગી, એમને કેવી મઝા પડતી હશે, પણ આપણે એ શી રીતે જાણી શકીએ? ભવિષ્યના સંશોધકો કામે લાગશે ત્યારે આ વિદ્યાર્થીઓના બજારભાવ પણ ખૂબ વધી જવાના! ‘કુમાર’માં ૧૯૫૧ના અરસામાં તેમણે નિર્બંધિકાઓ લખવાની શરૂઆત કરી. ૧૯૫૨માં તેમને કુમાર ચંદ્રક મળ્યો. એ પછી ‘કુમાર’ ઉપરાંત ‘અખંડ આનંદ’, ‘સંસ્કૃતિ’, ‘મિલાપ’ વગેરેમાં તે નિર્બંધિકાઓ લખવા માંડ્યા. આનો સંગ્રહ ૧૯૫૫માં ‘સચરાચરમાં’ નામે પ્રગટ થયો. દસકા પછી એની બીજી આવૃત્તિ થઈ ત્યારે તેમણે એમાં અડધો ડઝન નિર્બંધિકાઓ ઉમેરી. આ પુસ્તકના નિબંધમાં વિષયવૈવિધ્યની સાથે નિરૂપણશૈલીનું વૈવિધ્ય પણ ધ્યાન ખેંચે છે. નર્મા–મર્મ, કટાક્ષ, વિનોદ, ઉપહાસ આદિ હાસ્યનાં વિવિધ રૂપો ‘લીલા’માં પ્રગટ થયાં છે. તે એકની એક લઢણનો ઉપયોગ કરવાનું સામાન્ય રીતે ટાળે છે. ‘લગ્નની ભેટો’ની શૈલી કરતાં ‘પ્રભુતામાં પગલાં’ની શૈલી ભિન્ન છે, ‘ઑટોગ્રાફ’ કરતાં ‘સાહિત્યમાં અપહરણ’નું નિરૂપણ જુદી રીતનું છે. બકુલ પ્રયોગશીલ હાસ્યકાર છે. નવી નવી ટેકનીકનો તે ઉપયોગ કરતા રહે છે. એથી એમના હાસ્યનિબંધો તાજગી અને જીવંતતાનો અનુભવ કરાવે છે. તેમનું હાસ્ય આયાસસિદ્ધ હોવાની છાપ પડતી નથી. એમની બૌદ્ધિક ચપળતા એક તરલ વ્યક્તિત્વનો સ્પન્દ આપી જાય છે. ૧૯૬૬માં તેમનો બીજો સંગ્રહ ‘સોમવારની સવારે’ પ્રગટ થયો. સિદ્ધ હાસ્યકાર તરીકે તે ખ્યાતિ પામ્યા. ગુજરાત સરકારનું પ્રથમ પારિતોષિક એને મળ્યું. સંગ્રહનું ટાઈટલ સૂચવે છે તેમ એમાં ‘ગુજરાત સમાચાર’ની લેખશ્રેણીના જ લેખો નથી, બીજા પણ ઘણા છે. આ પુસ્તકમાં નિબંધ સ્વરૂપથી થોડાંક જુદાં એવાં ડાયરી, પત્રો, નાટ્યાત્મક સંવાદો વગેરેનો પણ વિનિયોગ તેમણે કર્યો. ‘સચરાચર’માં એક તત્ત્વચર્ચા કરનારા હાસ્યકાર તરીકે તે પ્રગટ થયા, તો આમાં સામાજિક જીવન અંગેની સભાનતા અને નિસ્બત પણ ઉમેરાયાં. બકુલ ત્રિપાઠીને માસિકો/સામયિકો, દૈનિકો, રેડિયો, રંગભૂમિ, દૂરદર્શન વગેરેમાં પણ પોતાની અભિવ્યક્તિનાં માધ્યમો મળ્યાં છે. તેમણે રેડિયો પર લાંબો સમય ધ્વનિ-પ્રહસન શ્રેણી ચલાવેલી. નામ રાખેલું ‘ગપસપ’. રવિવારની અઢી વાગ્યાની આ શ્રેણી લોકપ્રિય થયેલી. તેમણે કંઈ કેટલાંય રેડિયો–નાટકો રજૂ કર્યા છે. એમાંથી ચૂંટીને પ્રગટ કરવાં ઘટે. ‘ગુજરાત સમાચાર’માં પાંચેક વાર (તેમના મૂડ પ્રમાણે) ‘કક્કો અને બારાખડી’, ‘સોમવારની સવારે’ અને ‘જન્મભૂમિ’માં દર અઠવાડિયે બે વાર ‘તરંગ અને તુક્કા’ની તેમની કૉલમ આવે છે. બહોળો ચાહક વર્ગ તેમણે મેળવ્યો છે. અગાઉ ‘વ્યક્તિ અને વિચાર’નાં રેખાચિત્રોનો વિભાગ પણ તેમણે ચલાવેલો. અગાઉ સૂચવ્યું તેમ બકુલ ત્રિપાઠીને નાટકમાં પણ એટલો જ રસ છે. ૧૯૭૪માં તેમણે ત્રિઅંકી નાટક ‘લીલા’ લખ્યું. જાણીતી દર્પણ સંસ્થાએ એ રજૂ કરેલું. ભવાઈના સ્વરૂપમાંથી અંશો લઈને તેમણે આધુનિક સામગ્રીને એમાં ઢાળી છે. ‘મેનાં ગુર્જરી’ કે ‘જસમા ઓડણ’માં લોકકથા, દંતકથા અને ઈતિહાસનું સંમિશ્રણ થયેલું, પણ ‘લીલા’માં કૉન્ટ્રાકટર, નેતા, પ્રધાનપુત્ર, મિલમાલિકો, સાધુ સંતો, ફિલ્મવાળાઓ એ સૌના નવા ‘વેશો’ સમાવતી આ રચના વિશિષ્ટ છે. દિલ્હીના નાટ્ય મહોત્સવમાં એ મૌલિક નાટક તરીકે પસંદગી પામ્યું હતું. ‘ટાઈમ્સ’માં તે નાટકો અને ચલચિત્રોની સમીક્ષા કરે છે.
૧૮-૧-૮૧