શબ્દલોકના યાત્રીઓ – ૨/મોહમ્મદ માંકડ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
મોહમ્મદ માંકડ

શ્રી મોહમ્મદ માંકડને પહેલી વાર મળ્યો ત્યારે એક લેખકને મળું છું એવી લાગણી ન થઈ. કદાચ એમાં એમની નિર્વ્યાજ સરળતા અને વર્તનની નિર્દંભ સાહજિકતા કારણભૂત હશે. માંકડ મળવા જેવા માણસ છે. પ્રત્યેક બિંદુએ સજ્જન અને સાલસ. તેમનો જન્મ પાળિયાદમાં. જન્મ તારીખ ૧૩ ફેબ્રુઆરી, ૧૯૨૮. બોટાદ હાઈસ્કૂલમાં દસેક વર્ષ શિક્ષક તરીકે રહ્યા. ૧૯૬૩થી સુરેન્દ્રનગરમાં કાયમી વસવાટ કર્યો અને કેવળ લેખનનો વ્યવસાય સ્વીકાર્યો. સંપૂર્ણપણે તે કલમજીવી છે. અત્યાર સુધીમાં તેમની ૨૩ નવલકથાઓ, ૮ વાર્તાસંગ્રહો અને ‘બિગ સિટી લિટલ બૉય’નો ‘મહાનગર’ નામે અનુવાદ પ્રગટ થયો છે. મુખ્યત્વે તે કથાલેખક છે. જોકે તેમણે લેખનનો આરંભ બધા લેખકો કરે છે તેમ કવિતાથી કરેલો. ૧૯૪૭-૪૮માં ‘ગીતાંજલિ’ની ધાટીએ તેમણે ગદ્યકાવ્યો લખેલાં. તેમની પહેલી વાર્તા ‘રહેંસાતાં જીવન’ ‘અખંડ આનંદ’માં પ્રગટ થયેલી. તેમને વાચનનો ખાસ શોખ છે. અંગ્રેજી અને યુરોપીય નવલકથાઓ અને વાર્તાઓ તે વાંચે છે. ચેખૉવ, ટૉલ્સ્ટૉય, ફ્લોબેર, કામૂ, બાલ્ઝાક, કાફકા, એમિલી બ્રૉન્ટે, હેમિંગ્વે, ફૉકનર વગેરે તેમના પ્રિય લેખકો છે. ઉમર ખય્યામ, ગાલિબ, ઈકબાલ, ફણીશ્વરનાથ રેણુ પણ તેમને ગમે છે, ‘વૉર એન્ડ પીસ’, ‘અમેરિકા’, ‘આઉટસાઈડર’, ‘વુધરિંગ હાઈટ્સ’ જેવાં તેમનાં પ્રિય પુસ્તકો છે. મોહમ્મદ માંકડ કલમજીવી છે એમ મેં કહ્યું. તેઓ નિયમિત સવારથી બપોરના બે-અઢી સુધી લખે છે. તેમનો રસ મિત્રો સાથે વાતો કરવી અને વાંચવું એ છે. તેમની બે ડઝન જેટલી નવલકથાઓમાં તેમની મનગમતી નવલકથાઓ કઈ એમ મેં પૂછ્યું તો કહે મુશ્કેલ પ્રશ્ન છે. અને છતાં ‘ધુમ્મસ’, ‘અજાણ્યાં બે જણ’, ‘દંતકથા’, ‘ખેલ’, ‘ભદ્રા’, ‘કાયર’ તેમની માનીતી કૃતિઓ છે. ‘કાયર’ એ તેમની સૌ પ્રથમ છપાયેલી નવલકથા છે. જોકે ‘મનોરમા’ પહેલી લખાયેલી. ‘કાયર’માં રેલવે અકસ્માતમાં કરોડરજ્જુમાં થયેલ ઈજાને કારણે પુરુષત્વ ગુમાવી બેઠેલા ગિરધર નામે શિક્ષિત યુવકની કરુણ કથા છે. એનું લગ્ન સંસ્કારી યુવતી ચંપા સાથે થયેલું. પત્નીને તે કહી શકતો નથી અને મનમાં વેદનાને ભંડારીને જીવે છે. એક વાર આંતરવેદના ન સહેવાતાં તે ચંપાને વાત કહી દે છે અને ચંપા એનો ઉત્તર આપે છે : “મારું નામ શું? કહો જોઉં. તમારી બધી માથાકૂટ નકામી જ છે. ચંપાને ભમરા સાથે કદી મેળ થયો છે? આ ચંપાને તો ભમરાની અબળખા જ નથી. એને તો... ગિરધર સંગ લાગી પ્રીત...” અને ગિરધરને એ જ વખતે યાદ આવે છે: “ચંપા તુજ મેં તીન ગુન...” પણ મનમાં થાય છે કે ‘આ તો ભમરામાં જ અવગુણ ભર્યો છે. ચંપામાં તો એકેય અવગુણ નથી.’ અને કથા કરુણતા તરફ આગળ વધે છે. ‘કાયર’ એ કરુણતા અને કારુણ્યની કથા છે. ભમરામાં જે ‘અવગુણ’ની વાત ઉપર કહી છે તે સર્વસામાન્ય સ્વરૂપને મનુષ્યસ્વભાવમાં રહેલો શંકાશીલતાનો અવગુણ છે. અને ગિરધરને એની જાતીય નબળાઈને કારણે એ હોય તે તદ્દન સ્વાભાવિક છે. વહેમ-શંકા (doubt)નો ઉપયોગ જગતના લેખકોએ પોતાની કૃતિઓમાં કર્યો છે. પણ અહીં એ તાલમેલિયો લાગતો નથી, પણ કૃતિની પરિકોટિ સાધવામાં સહજ રીતે ઉપકારક નીવડે છે. મોહનને ચંપા તરફ સાચો અનુરાગ હતો એ હકીકત છે; પણ ચંપાની નિષ્ઠા તો ગિરધર પ્રત્યે જ છે. ચંપા એક ભાવનાશાળી સુશીલ સ્ત્રી છે; એક વાર ચંપા ગિરધરને શોધવા વાડીએ ગયેલી, બેભાન થઈ ગયેલી ચંપાને ગરમ કપડાથી શેક કરતા મોહનને જોઈને ગિરધરની નિરાધાર શંકા મજબૂત બને છે અને તે પોતાના જિગરજાન મિત્ર મોહનને ગોળી મારે છે. તે મોહનની ખોપરી વીંધીને ચંપાની છાતીમાં ઊતરી જાય છે. (આ નિરૂપણ પણ કેટલું સૂચક છે!) મોહનને મારી નાખ્યા પછી ગિરધરને કામવાળી શામુ દ્વારા ખ્યાલ આવે છે કે ચંપા મોહનને મળવા નહિ પણ પોતાને શોધવા આવેલી, ત્યારે પાછળ વધેલી કાર્ટ્રિજનો ઉપયોગ પોતાની જ ઉપર તે કરે છે અને જીવનનો અંત લાવે છે. આમ, નવલકથાનો અંત કલાત્મક આવે છે. એ વિશે ગુલાબદાસ બ્રોકર કહે છે: “આટલા થોડા શબ્દોમાં અને ટૂંકાં વાક્યોમાં કેટલું બધું લેખક સીંચી શક્યા છે! એ એમનો વિજય છે. અને ગુજરાતનું સદ્ભાગ્ય છે.” ‘અજાણ્યાં બે જણ’ એ એમની પ્રસિદ્ધ લઘુનવલ છે. માત્ર ત્રણ જ મુખ્ય પાત્રોની આસપાસ રચાયેલી આ કૃતિ જીવનરહસ્યને સ્પર્શે છે. એનું મુખ્ય પાત્ર અમિતા એક અંધને પરણે છે, પરંતુ દરેક પતિ પોતાની પત્ની તરફ અંધ જ હોય છે એવી લાગણી વાચકને થયા વિના રહેતી નથી. ‘ખેલ’ સાહિત્યકારોની સૃષ્ટિમાં ખેલાતા અવનવા ખેલને રજૂ કરતી નવલકથા છે. તેનું મુખ્ય પાત્ર નિશીથ આ બધા ખેલથી અલિપ્ત છે. તે સાચો કલાકાર છે. સતત પોતાની જાતને પામવા મથે છે. પોતાની જાતને અને પોતાના અસ્તિત્વના અંશ રૂપ ઉરુને તે પોતાની અભિવ્યક્તિમાં શોધે છે. ચિત્રકાર પૉલ ગોગેં ઘરબાર છોડીને નાસી ગયેલો એવી વાત ઉરુને કરનાર નિશીથ, ઉરુ પોતાના પ્રેમનો એકરાર કરી શકે એ પહેલાં ખુલ્લામાં નીકળી જાય છે. કળાકારના સર્જકકર્મ વિશે તે માને છે : “સર્જકને પોતાની જાતની જ શોધ કરવાની હોય છે. એ દ્વારા જ એ જીવનનાં રહસ્યોને અને જીવનના આનંદને પામી શકે છે. અને એવી શોધ માનવી જાણ્યેઅજાણ્યે ચાલુ જ રાખે છે...કારણ કે માણસ ‘પોતાનું’ કશુંક શોધે છે. એને પૂર્ણ બનવું છે, પરિપૂર્ણ બનવું છે, એ ઝંખના એને જંપવા દેતી નથી.” આમાં સાહિત્યકારોની સૃષ્ટિનો આબેહૂબ ચિતાર આપવામાં આવ્યો છે. માણસે પોતાને અસલ રૂપમાં પામવાના પ્રયત્નમાં આખરે તો ખેલનો વેશ ઉતારીને છેવટે નિરાવરણ બન્યે જ છૂટકો છે. તેમ કર્યા વિના કોઈ પોતાના સ્વરૂપને પામી શકતું નથી, એટલું જ નહિ પણ સ્વાભાવિક રીતે જીવી પણ શકતું નથી; તેવો ધ્વનિ ‘ખેલ’માં સતત સંભળાયા કરે છે. આ નવલકથામાં ઉરુના માસા અરવિંદકુમારના અસંબદ્ધ પ્રલાપો ટેપરેકર્ડર દ્વારા રજૂ કરાવીને પાત્રના આંતરમનની અભિવ્યક્તિમાં એનો જે ઉપયોગ થયો છે તે કલાત્મક છે. ‘ધુમ્મસ’ પણ મોહમ્મદભાઈની એક યશસ્વી નવલકથા છે. અહીં એક સંવેદનપટુ પત્રકારના આધ્યામિક મૃત્યુનું આલેખન થયું છે. આ પત્રકાર તે ગૌતમ. ગૌતમ તરુણ વયથી જ અત્યંત સંવેદનશીલ છે. વર્તમાન યુગમાં સર્જાયેલી વિષમ દશાથી તે અતિ વ્યગ્ર અને ક્ષુબ્ધ બની જતો જણાય છે. લોકો ‘પ્રગતિ’નો દંભ કરી આત્મવંચનામાં જીવી રહ્યા છે એથી તેનો રોષ ભભૂકી ઊઠે છે. માનવજાતની યાતનાઓના વિચારો કરે છે, પણ એનો બોજ અસહ્ય બને છે. સજીવ હોવું એટલે જ કદાચ યાતના અને વેદનાનો બોજ વેંઢારવો. પણ ગૌતમ એ ભાર ઊંચકી શકે એવો મજબૂત નથી. આરંભથી જ પોતાની સુંદર પત્ની ઊર્મિલાના સાંનિધ્યમાં પોતાની બેચેની ડુબાડી દેવા મથે છે પણ સફળ થતો નથી. વર્તમાન જીવનની હતાશામાંથી છૂટવા તે નિશા તરફ આકર્ષાય છે પણ ત્યાંય સફળ થતો નથી. આ સંઘર્ષોની વચ્ચે મધુ જેવા મિત્રની પત્ની ચારુનો સહવાસ સાંપડે છે. પોતે પત્નીને સુખ-વૈભવ ખરીદી આપે છે પણ છેવટે તેને પણ પતિએ કરેલી છલનાનો ખ્યાલ આવે છે અને ત્યારે તે ગૌતમને છોડીને ચાલી જાય છે. ગૌતમ ચારુ સાથે વિલાસ-વ્યભિચારમાં ડૂબી જાય છે; પણ આ મૃગજળ પાછળની દોટ હતી. તે શૂન્યતા અને ખાલીપણાનો અનુભવ કરે છે અને અંતે પોતે જ સર્જેલા વિષચક્રમાં ફસાઈને આપઘાત કરે છે! આ કથા આમ તો માનવીના પતનની કથા થઈ રહે છે, અને તે તેમણે લાઘવથી અને ધ્વનિમયતાથી કહી છે. બ્રોકરે ‘ધુમ્મસ’ને ૧૯૬૫ની શ્રેષ્ઠ નવલકથા તરીકે બિરદાવી હતી. ‘દંતકથા’ એ સાદી-સીધી પ્રણયકથા છે. આખી કૃતિ પ્રતીકાત્મક છે. મોહમ્મદ માંકડે ઘણી ટૂંકી વાર્તાઓ લખી છે. આઠેક સંગ્રહો પ્રગટ કર્યા છે. એમની વાર્તાઓનાં હિંદી, અંગ્રેજી, તામિલ, ઉર્દૂ, કન્નડ વગેરે ભાષાઓમાં ભાષાંતરો થયાં છે. એમની ‘તપ’ વાર્તાને અનેક ઇનામો મળ્યાં છે. એક લેખક તરીકે શ્રી માંકડને ગુજરાત સરકારનાં શ્રેષ્ઠ પુસ્તકનાં પારિતોષિક મળ્યાં છે. ‘ધુમ્મસ’ને ગોવર્ધનરામ ફેલોશિપ મળેલી. અત્યારે તેઓનો વ્યવસાય માત્ર લેખનનો જ છે. ‘સંદેશ’માં ધારાવાહિક નવલકથાઓ અને બેએક વર્ષથી ‘કેલિડોસ્કોપ’ નામની કૉલમ ચલાવે છે. છેલ્લા કેટલાક સમયથી તેમની તબિયત બરોબર રહેતી નથી. હાર્ટ ડિઝીઝ થયા પછી તે ખાસ બહાર નીકળતા નથી. સુરેન્દ્રનગરમાં જવાનું થાય ત્યારે મળવું. એકાદ ગુલાબ લઈને જશો તો મોહમ્મદભાઈને ગમશે, અને ગુલાબી સ્વભાવના સાહિત્યકારને મળ્યાનો તમને આનંદ થશે.

૧૦-૯-૭૮