શબ્દલોકના યાત્રીઓ – ૨/વિષ્ણુકુમાર પંડ્યા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
વિષ્ણુકુમાર પંડ્યા

શ્રી વિશ્વકુમાર પંડ્યા નવલિકાકાર છે, રેખાચિત્રોના લેખક છે, પ્રેરક પ્રસંગોના આલેખક છે અને આજીવન પત્રકાર છે. તેઓ આર્યસંસ્કૃતિનાં સનાતન સત્યમાં અવિચલ શ્રદ્ધા ધરાવે છે અને પોતાના સાહિત્ય દ્વારા માનવજીવનને પ્રેરક ભાવનાઓ, આદર્શો અને ઉચ્ચ વિચારોની તેમણે રસલહાણ કરી છે. શ્રી વિષ્ણુકુમારનો જન્મ ઉત્તર ગુજરાતના પ્રાચીન નગર વડનગરમાં ૧૯મી ઑક્ટોબર ૧૯૨૧ના રોજ થયો હતો, તેમનું વતન સિદ્ધપુર તાલુકાનું બ્રાહ્મણવાડા ગામ; પરંતુ તેમણે વડનગરને જ પોતાનું વતન બનાવ્યું. મુખ્યત્વે તે મુંબઈમાં વસે છે, હમણાં અમદાવાદમાં પણ ઘર લીધું છે. થોડો થોડો સમય બંને સ્થળે રહેશે. શ્રી વિષ્ણુકુમારનું શિક્ષણ વડનગર અને પાટણમાં થયું હતું. પિતાજી શિક્ષક હતા. સંજેગવશાત્ તે કૉલેજમાં જઈ શક્યા નહિ, પણ ભલભલા પદવીધારીઓને પણ ટપી જાય એવી વિદ્યા તેમણે સ્વયં પ્રાપ્ત કરી છે. ખાસ તો જીવનના અનુભવોનું પાથેય જીવનયાત્રામાં તેમને ઉપકારક નીવડ્યું છે. આ બધાં વાચન, અનુભવ અને ચિંતનને પરિણામે તેમણે આગવી જીવનરીતિ ઊભી કરી. વર્ષો લગી તેમણે અંગ્રેજો સાથે કામ કર્યું એ કારણે પણ શિસ્ત, સંયમ, નિયમિતતા, ચોકસાઈ વગેરે ગુણો આપોઆપ ખીલી ઊઠ્યા. સાહિત્યની કલા કરતાંય જીવનની કલાને વધુ મહત્ત્વ આપનાર વિષ્ણુકુમાર પંડ્યાનું લેખન અને જીવન વર્તમાન પેઢીને ઉદાહરણરૂપ છે. વીસ વર્ષની નાની ઉંમરે તેમણે નોકરીનો આરંભ કર્યો. એક્સાઈઝ ઇન્સ્પેકટર, પબ્લિસિટી ઍસિસ્ટન્ટ વગેરે કામગીરીઓ સંભાળ્યા બાદ વડોદરાના ‘સયાજીવિજય’માં બે-ત્રણ વર્ષ ઉપતંત્રી તરીકે રહ્યા. એ પછી ૧૯૪૮માં બ્રિટિશ હાઈકમિશનની ઑફિસમાં નવી દિલ્હી ખાતે નિમાયા. ૧૯૪૮થી ૧૯૫૯ સુધી દિલ્હી રહ્યા. એ બધો સમય નવી દિલ્હીમાં કૃષ્ણલાલ શ્રીધરાણીના પ્રમુખપદે શરૂ થયેલા ગુજરાતી લેખક સંઘના તે મંત્રી રહ્યા. ગુજરાત અને ભારતના બીજા ભાગોમાંથી પાટનગર આવતા સાહિત્યકારોના તે વાર્તાલાપો ગોઠવતા. મિલન સમારંભો યોજતા. આ કાર્યમાં સ્વ. કનૈયાલાલ મુનશીની મદદ મળતી. તેમણે ભારતીય વિદ્યાભવનનો ઉપયોગ કરવાની છૂટ આપેલી અને સંઘનો પ્રથમ વાર્તાલાપ પણ તેમણે જ આપેલો. બંગાળી સાહિત્ય પરિષદના પ્રમુખ દેવેશ દાસ, વિજયરાય વૈદ્ય, ચં. ચી. મહેતા વગેરેના વાર્તાલાપો યોજેલા. તે સમય દરમ્યાન આકાશવાણી પર વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધેલો અને વાર્તાલાપો આપેલા. સાહિત્ય અકાદમી તરફથી પન્નાલાલની નવલકથાના ‘જીવી’ નામે હિંદી અનુવાદમાં તેમણે મદદ કરેલી. ઈન્ડિયન કમિટી ફૉર કલ્ચરલ ફ્રીડમ સાથે પણ સક્રિયપણે સંકળાયેલા રહેલા. ૧૯૫૯માં બ્રિટિશ હાઈકમિશનના ભાષા વિભાગો મુંબઈ ખાતે ખસેડાતાં તે બ્રિટિશ ડેપ્યુટી હાઈકમિશનની કચેરીમાં ગુજરાતી વિભાગના વડા અને તંત્રી તરીકે નિમાયા. ૧૯૭૬ના ઑક્ટોબર સુધી તે જગ્યાએ યશસ્વી કામગીરી બજાવ્યા બાદ તે નિવૃત્ત થયા. નિવૃત્તિમાં તે બધો વખત સામાજિક-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને અને અંગત અધ્યાત્મસાધના પાછળ આપે છે. તેમણે જુદાં જુદાં સામયિકોમાં કૉલમો પણ ચલાવેલી. ૧૯૫૦થી ૧૯૫૯ દરમ્યાન ‘ગુજરાતમિત્ર’માં ‘પાટનગરનો પત્ર’ નામે કૉલમ લોકપ્રિય નીવડેલી. આ કૉલમ સાથે ‘સવિતા’, ‘ચેતન’, ‘અખંડ આનંદ’, ‘પ્રતિમા’ વગેરેમાં વાર્તાઓ પ્રગટ થતી. ‘જન્મભૂમિ’માં તેમની ‘આપણી આસપાસ’ નામે કૉલમ વાચકોને ખૂબ ગમેલી. ‘આપણી આસપાસ’નાં મનુષ્યોના જીવનને તેમણે સહાનુભૂતિપૂર્વક આલેખ્યું છે. આ શીર્ષકથી જ એ બધાં લખાણો પુસ્તકાકારે પ્રગટ થયાં છે. એની પ્રસ્તાવનામાં ‘જન્મભૂમિ’ના એ વખતના તંત્રી શ્રી મનુભાઈ મહેતાએ વિષ્ણુકુમારની કલમને બિરદાવેલી. વળી ‘મુંબઈ સમાચાર’માં ‘વીણેલાં મોતી’ નામે કૉલમ તે ‘વિષ્ણુ’ ઉપનામથી લખતા. એમાં પ્રેરક પ્રસંગોનું આલેખન કરતા. એ લખાણો ‘સંપુટ’ પુસ્તકમાં સંગ્રહાયાં છે. તેમના ત્રણ વાર્તાસંગ્રહો પ્રગટ થયા છે. ‘દિલની સગાઈ’, ‘સંકલ્પ’ અને ‘ઝંખના’. આ વાર્તાઓમાં આપણા સંસારનું ઝીણું નિરીક્ષણ, ભાવનાબોધ અને અભિવ્યક્તિક્ષમતા દેખાય છે. વિવેચકોએ તેમની નવલિકાઓને પ્રશંસી આવકાર આપ્યો છે. તેમના પ્રથમ વાર્તાસંગ્રહની પ્રસ્તાવના શ્રી કરસનદાસ માણેકે લખેલી અને એમની વાર્તાકલાને આવકારેલી. એ પછી અનંતરાય રાવળ આદિ વિવેચકોએ એમની કૃતિઓને સત્કારી છે. પરિચય ટ્રસ્ટ માટે તેમણે ‘બ્રિટિશ પત્રકારત્વ’ નામે પરિચય પુસ્તિકા લખી છે. સાહિત્યિક પ્રવૃત્તિઓ ઉપરાંત શ્રી વિષ્ણુકુમારે સામાજિક-શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં પણ પોતાનો ફાળો આપ્યો છે. જ્યાં તે રહે છે ત્યાં અંધેરીમાં તેમણે કૉસ્મોપૉલિટન એજ્યુકેશન સોસાયટી સ્થાપી, છસાત વર્ષ એના પ્રમુખપદે રહ્યા, માતબર દાનો એકઠાં કર્યા, અંગ્રેજી માધ્યમની હાઈસ્કૂલ ઊભી કરી વગેરે તેમની સેવાઓ નોંધપાત્ર છે. એ ઉપરાંત ગુજરાતી કુટુંબોનું સંગઠન કરી ‘નવયુગ સમાજ’ નામની સંસ્થા સ્થાપી. એક દસકો પ્રમુખસ્થાને રહી એને સ્થિર ભૂમિકાએ મૂકી આપી. આ ઉપરાંત સાન્તાક્રૂઝની યોગ ઈન્સ્ટિટ્યૂટમાં તાલીમ મેળવી આ વિદ્યાના પ્રસાર માટે તેમણે કાર્ય કર્યું છે. તેમણે અમદાવાદમાં શ્રી ચતુર્ભુજ પૂજારા મંત્રવિદ્યોત્કર્ષ ટ્રસ્ટની સ્થાપનામાં ઘણી મહેનત કરી અને આ ટ્રસ્ટના ઉપક્રમે પ્રસિદ્ધ થયેલા ‘સંપ્રસાદ’ ગ્રંથના તે મુખ્ય સંપાદક હતા. આ ટ્રસ્ટ તરફથી ૧૯૭૮થી શરૂ થયેલા ‘સંપ્રસાદ’ માસિકના તે તંત્રી છે. ૧૯૬૩માં બ્રિટિશ સરકારના નિમંત્રણથી શ્રી વિષ્ણુકુમારે અન્ય પત્રકારો સાથે ઇંગ્લૅન્ડનો અભ્યાસ પ્રવાસ કર્યો હતો. સત્તાવાર પ્રવાસ પછી પણ તે ત્યાં રોકાયેલા અને ઇંગ્લૅન્ડની વિવિધ સંસ્થાઓ અને સ્થળો જોયેલાં. તેમનું આ પ્રવાસવર્ણનનું પુસ્તક ‘ઇંગ્લૅન્ડમાં ૪૫ દિવસ અને બીજા લેખો’ પ્રગટ થયું છે. એમાં પ્રવાસવર્ણન ઉપરાંત ઈંગ્લેન્ડના સાહિત્યકારોના જીવન-કવનનો પરિચય આપતા લેખો આપવામાં આવ્યા છે. રોચક પ્રવાસવર્ણનના પુસ્તક તરીકે આ પુસ્તક અને એના લેખકને અવલોકનકારોએ અભિનંદ્યા છે. શ્રી વિષ્ણુકુમાર પંડ્યાનું જીવન અને લેખન એ એક વિરલ પુરુષાર્થની કથા છે. ‘Work is worship’એ તેમનો મુદ્રાલેખ છે. તેમના જેવા ભાવનાશાળી લેખક, દૃષ્ટિસંપન્ન પત્રકાર અને સૌથી વિશેષ ઋજુ હૃદયના, સાત્ત્વિક પ્રકૃતિના સાધક પાસેથી હજુ વધુ ઊંચી કૃતિઓ આપણને મળે અને તેમના સેવાકાર્યથી ગુજરાતનું જાહેર જીવન સૂક્ષ્મ રીતે વધુ સમૃદ્ધ બને એમ ઈચ્છીએ.

૧-૭-૭૯