શબ્દલોક/થોડી પ્રાસંગિક વાત
‘વિભાવના’ની જેમ આ ગ્રંથમાં પણ મેં છેલ્લાં દશ-બાર વર્ષો દરમ્યાન પ્રગટ થયેલા મારા અભ્યાસલેખોમાંથી પસંદ કરેલા દશ વિસ્તૃત લેખો રજૂ કર્યા છે. એ પૈકી પહેલા ચાર લેખો આપણા વર્તમાન સાહિત્યની ગતિવિધિને કે સર્જકોની સર્જનપ્રવૃત્તિને અનુલક્ષે છે જ્યારે બાકીના છ સાહિત્યની સિદ્ધાંતચર્ચાને લગતા છે. મારી એવી આશા છે કે સાહિત્યના વિદ્યાર્થીઓને એ લેખો કોઈક રીતે ઉપયોગી બનશે. આ પુસ્તકના પ્રકાશન કાર્યમાં પણ મને મારા સ્નેહાળ મિત્ર શ્રી જયંતભાઈ કોઠારીની મોટી સહાય રહી છે. હકીકતમાં આ પુસ્તકના છાપકામને લગતી બધી જવાબદારી પોતાને શિરે ઉપાડી લઈ તેમણે મને આરંભથી જ નચિંત કરી મૂક્યો છે. તેમનો હું હવે વિશેષ ઋણી બન્યો છું. જોકે જાહેરમાં તેમનો આભાર માનું તે તેમને પસંદ નથી પણ તેમની સદ્ભાવના બદલ અંતરની લાગણી વ્યક્ત કર્યા વિના રહી શકતો નથી. આ ગ્રંથની યોજનામાં આરંભથી જ રસ લેનાર અને કીમતી સૂચનો કરનાર સૌ મિત્રોનો પણ હું આભારી છું. એમાં નિકટવર્તી મિત્રો શ્રી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, શ્રી કાન્તિ પટેલ અને શ્રી અશ્વિન દેસાઈનો હું વિશેષ ઋણી રહ્યો છું. આ લેખો પાછળ, વળી, સાહિત્યક્ષેત્રના બીજા અનેક મિત્રો અને સામયિકોના તંત્રીઓ/સંપાદકોની પ્રેરણા અને પ્રોત્સાહન રહ્યાં છે. તેમનો સૌનો પણ અહીં ઋણસ્વીકાર કરું છું. અને અંતરની બીજી એક વાત કહું? મારા પ્રથમ વિવેચન-ગ્રંથ ‘વિભાવના’ના અભ્યાસલેખોની આલોચના કરનારા આપણા અભ્યાસી મિત્રોએ એની ત્રુટિઓ વિશે નિખાલસતાથી અને પ્રામાણિકતાથી નિર્દેશ કર્યો છે તેથી મારા જેવા અભ્યાસીને તો મોટો લાભ જ થયો છે. સાહિત્યના પ્રશ્નો વિશે બીજા પક્ષને શું કહેવાનું છે અને વિચારવિમર્શ માટે કેવા અભિગમની જરૂર છે તે વિશે નવી સભાનતા હું પામ્યો છું. આજે એ સૌ અભ્યાસી મિત્રોનેય પૂરા આદરથી યાદ કરું છું અને તેમને સૌને માટે આભારની ઊંડી લાગણી પ્રગટ કરું છું. ગુજરાત સરકારની ‘શિષ્ટમાન્ય ગ્રંથોના પ્રકાશન અર્થે આર્થિક સહાય’ની યોજના વિશે ઉલ્લેખ કરતાં મને આજે ખુશી થાય છે. ‘શબ્દલોક’નું’ પ્રકાશન એ યોજના હેઠળ જલદી શક્ય બન્યું છે. પ્રસ્તુત ગ્રંથને સહાય અર્થે સ્વીકાર્યો તે માટે ભાષાનિયામકની ઑફિસના અધિકારીઓ તેમજ પસંદગીસમિતિનો હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું.
૨૦ સપ્ટેમ્બર, ૧૯૭૮
પ્રમોદકુમાર પટેલ.