શશિન્ નટવરલાલ ઓઝા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

ઓઝા શશિન્ નટવરલાલ (૩-૨-૧૯૨૪): કવિ, વિવેચક, અનુવાદક. જન્મ વતન ભાવનગરમાં. ૧૯૪૦માં મૅટ્રિક. ૧૯૪૪માં ગુજરાતી મુખ્ય વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. અને ૧૯૪૬માં એમ.એ. ૧૯૪૮થી પૂનાની ફર્ગ્યુસન કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. ‘અભ્યર્થના' (૧૯૫૯)ની ગંભીર કાવ્યરચનાઓ કરતાં હળવી વિનોદ અને કટાક્ષપ્રધાન કાવ્યરચનાઓ વિશેષ ધ્યાનપાત્ર છે. ‘મધ્યકાલીન ગુજરાતી આખ્યાન' (૧૯૬૯) એમનો આખ્યાનના સ્વરૂપ અને મધ્યકાલીન ગુજરાતી કવિતામાં થયેલા તેના વિકાસની ચર્ચા કરતો વિવેચનગ્રંથ છે. એ સિવાય ‘માનવતાનાં લીલામ' (૧૯૫૧) અને ‘૮૦ દિવસમાં દુનિયાની પ્રદક્ષિણા' (૧૯૬૧) એ વિદેશી નવલકથાઓના અનુવાદો છે. ‘સુખી જીવનની પગદંડી’ (૧૯૫૪) એ ‘કણ આણિ ક્ષણ’ મરાઠી નિબંધપુસ્તકનો, ‘સદાચારને પગલે' (૧૯૫૯) એ મરાઠી નિબંધિકાસંગ્રહ ‘પુઢે પાઉલ’નો, ‘યુગાંત' (૧૯૮૦) એ ઇરાવતી કર્વેના ગ્રંથનો તથા ‘પુરાતત્ત્વને ચરણે' (૧૯૮૪) એ ડૉ. હસમુખ સાંકળિયાની અંગ્રેજી આત્મકથાનો અનુવાદ છે.