શાંત કોલાહલ/ગગન ઘનથી ગોરંભાયું
Jump to navigation
Jump to search
ગગન ઘનથી ગોરંભાયું
ગગન ઘનથી ગોરંભાયું વિભોર અષાઢનું:
લહર મહીં ના ઘેલી, વ્હીલી હવા જલશીતલ.
દ્રુમથી નીકળી વ્યોમે માંડે વિહાર વિહંગમ,
મયૂર ટહુકે, જાણે હૈયું દ્રવે અનુરાગનું.
દડમજલની દોડાદોડી નહીં, નહીં ગર્જન :
અવનિ તણી વાણીમાંયે ના અધૈર્યની મર્મર.
અહીં તહીં કુણી દુર્વાસોહે, ન તપ્ત મરીચિકા.
સકલ તણી તૃષ્ણાને લાધી સુધા પરિતૃપ્તિની.
જીવ કંઈ રમે છાયા માંહી લહાન શિલીંધ્રની,
તરુપરણના તંબુ માંહી નંચિત પિપીલિકા.
સરવર વિષે આછે આછે ઉઘાડ ખીલી કળી,
ભ્રમરમનનાં ગાણાં સાથે સુગંધ રહી ઝરી.
પ્રિયમિલનની વેળાની આ બધે લહું રમ્યતા !
નત નયનની નીચે નેહે લસંત પ્રસન્નતા !