શાંત કોલાહલ/પડદો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પડદો

કુટીરના બંધ દ્વાર
વાતાયને જવનિકા
જન વન વ્યોમ સહુ
મેલી દીધ બ્હાર

અવ તો અવર કોઈ
અહીં નહીં...
એકલ હું - મુગ્ધ મારે છંદ ભંગ
ફાવે તેમ છેડું બીનતાર

સમીરલહરને ય કશું કુતૂહલ !
અહીંથી કે તહીંથી
એ ડોકાય તરલ
સંગમહીં રવિતેજ
ઝૂકી જાય સ્હેજ
‘ખલ’!

દ્રુમપુંજ થકી અટ્ટહાસ્ય-કોલાહલ
શૈશવસરલ
ચહુગમ ધ્વનિ એનો જાગે વારવાર
અનિવાર

એકાન્ત ન શાન્ત
નહિ સહ્ય
ભૂર ભાર
મૂક બીન
આ રે વિંડબનારવ
અવ એના કંઠ કેરો
અનાવૃત પૂર્વ-પરિચય
(અનાહૃત સકલનો સ્નિગ્ધ અભિનય)

સ્મૃતિ...
સ્ફુરે સ્મિત
જાગે પ્રીતિ...

ઉઘડે હૃદય શતદલ
નહિ જવનિકા
નહિ કુટિર દુવારને ય કોઈ કળ

પુનરપિ બ્હાર
ચારિઔર
સંગ મુજ વિશ્વ સમુદાર