શાંત કોલાહલ/ફાગ
Jump to navigation
Jump to search
ફાગ
ફટાયા ફગવે રેલ્યો ફાગ
ઉમડ ઘુમડ ઉમટી
મારે ઘર ગોરંભે રાગ...
ડફની ઉપર દેય દેકારો કંઠને કામણ કાંઈ,
આગમાં રોળ્યો વાયરો એની લાલ ને પીળી ઝાંઈ,
જાય રે ઝૂલી કાય
નેપુરે ઝણકી રહે જાગ...
રતનું ઈજન આવિયું ત્યાં ના કાળજું માને બંધ,
પાંદડી કેરું પાંજરું મેલી મોકળી મ્હાલે ગંધ;
મનમાં એવી વન કેસુડે
સળગી સબળ આગ....
તાલની સામે તાલ, ને ઘેલા બોલની સામે બોલ,
સરખાં મળી ઝીલીએ રે કૈં કેસરિયો અંઘોળ;
પડખું ફરી જાય જો મોસમ,
ફેર ન આવે લાગ....