શાંત કોલાહલ/૧૩ શરત
Jump to navigation
Jump to search
પાતળી કેડી કેરકંટાળી
અંટેવાળે આવતાં એખણ એરું,
સાવજ કેરી ખાલની મને આલ મઝાની મોજડી
એને હોંશથી રે કંઈ પ્હેરું.
ગોફણના એક ઘાવથી ઉતાર
નભનો તેજલ તારો,
ભાલની મારી બિંદીએ મેલી
અંજવાળું જનમારો;
ઝરણાંનાં ઝાંઝરને તાલે રમતાં રે’તાં
ચડવો મારે એક અવિચલ મેરુ.
ઊગતા આ પરભાતનો રાતો-
રંગ ને ઘૂમર ભૂરું,
એકબીજાને તાંતણે વણી આણ
પ્હોળે પટ પૂરું :
આટલું મારું વેણ રૂડી જે રીતથી રાખે
એ જ તે મારા આયખાનો ભડ ભેરુ :
આટલી મારી પત રાખે તે પર
ઓવારી જાઉં રે જીવન, પારવનું વ્હાલ વેરું.