શાંત કોલાહલ/૧૫ કુંજમાં ઘડી ગાળીએ
Jump to navigation
Jump to search
૧૫. કુંજમાં ઘડી ગાળીએ
તમરાં બોલે તાનમાં, કાજળ રાતનું રેઢું રાન,
આવે ને અવસરિયે, વાલમ,
કુંજમાં ઘડી ગાળીએ તો યે કોઈ ન ભાળે વાન.
ફોરતી ફોરમ રાતની રાણી,
ઝરણાંને જલ ઝૂલતી વાણી,
કોઈ હિલોળે દીધ રે આણી
રોમની ઝીણી લ્હેરિયું,
એનું ઓળખી લેવું ગાન.
ઉરને જેવી લાગતી લગન,
આંખમાં એવી જાગતી અગન,
આંહિ ધરા આંહિ એક છે ગગન,
હાલ્ય, નિરાળા ભાવનું
આપણ ભૂલીએ રે કૈં ભાન.