શાંત કોલાહલ/૧ કન્યા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ત્રિમૂર્તિ


૧ કન્યા

કંકાવટી કર મહીં ધરીને ગલીની
(તું) ગાયને કરતી ચંદ્રક ભાલદેશે,
ને અક્ષતે વળી વધાવતી, કૈં અધીરી
કો સ્વપ્નને નિરખતી તવ બાલવેશે.

તું ફૂલની કલિ હવાની લહેર સંગ
ડોલી જતી, ઊઘડતી, ઝરતી પરાગ;
ને તો ય, નિત્ય વ્રતનો તુજને ઉમંગ,
તું ધારતી દલ વિશે તપ કેરી આગ.

એવી તને, પ્રિય ! લહી કમનીય, સ્નિગ્ધ,
તેજસ્વિની હૃદયનાં બલને પ્રભાવ,
તું લાગતી’તી અતિ ચંચલ, વેગશીલ,
સ્વાધીન કિંતુ સહુ કેવલ જ્યાં વિભાવ.

તું (ગૌરી જેવી શિવને) મુજને ગમી’તી;
એકાન્ત મારું ભરી, ધ્યાન વિષે રમી’તી.