શાંત કોલાહલ/૭ જૂઠી રીસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૭ જૂઠી રીસ

જૂઠી તે રીસને રાગે
નેપુર તારાં રુમઝુમ રુમઝુમ વાગે;
રૂપાળવી !
કામનાં હજાર કાંઈ બ્હાનાં કાઢીને
આંહીં અમથી ન આવતી લાગે.

અમથી નજર વાળી લેતી ભલે ને
રહે છણકાની રીત નહિ છાની,
સાચા તે રૂપિયાની હોડ આ અમારી
જંઈ ઓછો ન, સોળસોળ આની.
કાચી તે આમ હોય ઝાઝી કઠિન
હોય ખાટી યે કંઈક તો સવાદે.

મીઠાને હાથ અમે મારીએ ખટાઈ
એને અમરત મીઠી તે કરી લઈએ,
અવળાની સંગ અમે અવળે વ્હેવાર
એલિ ! રાજીનાં રેડ બની રહીએ;
આવડો ફુંફાડો ન રાખીએ નકામ
એને નાનો ગોવાળિયો ય નાથે.