શાલભંજિકા/પિરિયારકાંઠેથી
પ્રિય,
કોઈ સુંદર સ્થળે એકલા પહોંચી જતાં એક પ્રકારની મધુર બેચેનીનો અનુભવ થવાનો. જોકે એકલા હોવાનો એક પરમ લાભ એ છે કે આપણે છીએ અને સામે સૌંદર્ય છે એ અંતરંગ-મૈત્રી વચ્ચે કોઈ વ્યવધાન નથી. બસ, એક પ્રાચીન-પુરાતન જંગલનાં વૃક્ષો વચ્ચે સરસરાટ કરતો પવન વહે છે, જે તેની શાખાંતરાલોમાં બેઠેલાં પંખીઓના પ્રલંબ સ્વરોની ઓરકેસ્ટ્રા આપના કાન સુધી પહોંચાડી દે છે. જંગલમાં જાણે આ સિવાય કોઈ નથી. તને યાદ આવશે, મીરાંબાઈની પેલી પંક્તિ ‘જંગલ બીચ એકલી.’ મીરાંબાઈનું એ અદ્ભુત ચિત્ર છે. જંગલ બીચ એકલી એ તો કદાચ સંસારનું જંગલ – ભવાટવિ છે, અને એ ભવાટવિની વચ્ચે એણે તો પકડી હતી આંબાની ડાળ. ‘બાઈ મેં તો પકડી આંબલિયાની ડાળ, જંગલ બીચ એકલી…’ એ આમ્રવૃક્ષ તે શ્રીકૃષ્ણ હશે? હોય પણ, જંગલ વચ્ચે મીરાંને એક અવલંબન મળી ગયું, પરિચિત આંબલિયાની ડાળ.
પરંતુ હું જે જંગલમાં છું ત્યાં આવી કોઈ આંબલિયાની ડાળ ન મળી, એટલે બગલથેલામાં રાખેલા પોર્ટફોલિયામાંથી કોરા કાગળ કાઢી એનું અવલંબન લીધું અને આ પત્ર લખાય છે. મને અવશ્ય જંગલમાં હોવાનો ભય નથી. આ એવું ભયાનક જંગલ પણ નથી, નિર્જન પણ નથી; પણ મને એક બેચેની છે — એના પરિસરમાં વિસ્તરેલા સૌન્દર્યનાં દર્શનની.
અહીં, એટલે કે ભારતને દક્ષિણ છેડે કેરલમાં વિસ્તરેલા પશ્ચિમ ઘાટના પહાડોમાં છેક ઊંચાઈએ એક જંગલ છે, અને એ જંગલમાં એક નદી-સરોવર છે. નદીનું નામ છે પેરિયાર. મલયાલમ ભાષામાં ‘યાર’ એટલે નદી, પ્રવાહ, અને ‘પેરિ’ એટલે મોટો. મોટો પ્રવાહ. પેરિયાર બહુ મોટી નદી છે. આ એ નદી જેની વાત અગાઉ તને એક વાર લખી હતી. એ પેરિયાર નદીનું મૂળ નામ તો છે પૂર્ણા.
પૂર્ણા કહેતાં તને યાદ આવશે, જગદ્ગુરુ શંકરાચાર્યનું ગામ કાલડી. પૂર્ણાને કાંઠે એ ગામ. એ જ પૂર્ણા નદીમાં મગરે એમનો પગ પકડેલો તે. એની પણ વાત તને કહેવાની છે, પણ એ પહેલાં આ પહાડોની ઊંચાઈએ આવેલા પેરિયાર સરોવરની વાત કહું. પશ્ચિમઘાટના આ પહાડો ભરપૂર વરસાદથી વરસનો મોટો ભાગ તો નીતરતા રહે છે. પૂરવમાં બંગાળના ઉપસાગરથી વાદળીઓ ચઢે તેય તેને અથડાઈને વરસે. અને પશ્ચિમમાં અરબી સાગરથી વાદળીઓ ચઢે તે ય તેને અથડાઈને વરસે. પેરિયાર પશ્ચિમ ઘાટમાંથી નીકળતી નદી છે. પહાડોના જંગલમાંથી એ વહે છે, પણ પછી આગળ જતાં એ નજીક નજીક આવેલા પહાડો વચ્ચે બંધ બાંધી આ સ્વચ્છંદ રમણીને ગૃહિણી રૂપે એટલે કે સરોવરનાં સ્થિર જળ રૂપે પરિવર્તિત કરી છે. હું સરોવર કહું એટલે તને કોઈ સુંદર ગોળ સરોવરનો ખ્યાલ આવે; પણ ના, આ સરોવર તે પહાડોની વચ્ચે જ્યાં જ્યાં જગ્યા મળી છે તેમાં અનેક દિશાઓમાં વિસ્તરેલું છે – જાણે સરોવરની અનેક ભુજાઓ.
માઉન્ટ આબુ ઉપર પહાડી ઢોળાવો વચ્ચે સ્થિર થયેલા નખી સરોવરને તેં જોયું છે, પણ એ તો એવડું કે તેની આસપાસ કેટલીય વાર પ્રદક્ષિણા કરી શકાય. પણ પેરિયાર સરોવર તો ૨૬ કિલોમીટર જેટલો વિસ્તાર ધરાવે છે, અને તે વ્યાઘ્રગજાદિસેવિત જંગલો વચ્ચે. હા, આ જંગલોમાં વાઘ પણ છે. અને ગજ કહેતાં હાથીઓનાં ઝુંડ પણ છે. વાઘ ખાસ કોઈને દેખાયો નથી, એ શરમાળ પ્રાણી છે – પણ હાથીઓ – જંગલી-મુક્ત હાથીઓ ટોળાબંધ ફરતા દેખાઈ જાય તમારા ભાગ્યમાં હોય તો.
અમારા ભાગ્યમાં હસ્તિદર્શનયોગ હતો. હા, ગઈ કાલે નહોતો. કાલે જ્યારે હું તેક્કેડિ (આપણે કહીએ છીએ થેક્કડી) આવ્યો, ત્યારે સાંજે જ પેરિયાર સરોવરમાં નૌકાવિહાર બે કલાક સુધી કરેલો; પણ દૂર છાયાચિત્ર જેવા બેત્રણ હાથી દેખાયા એટલું. પણ આજે તો – ઝુંડ, એક નહિ, બે નહિ, ત્રણ ત્રણ.
પણ પહેલાં હું તેક્કેડિ સુધી પહોંચ્યો તેની વાત કરું. તારો હંમેશાં એવો આગ્રહ હોય છે કે માંડીને વાત કરવી – અને મને અહીં પેરિયારને કાંઠે જંગલમાં પૂરતો સમય છે. અને ખરી વાત એ છે કે સૌંદર્ય દર્શનજનિત વ્યગ્ર એકલતાને મારે ભરવી પણ છે…
કોટ્ટાયમમાં હું ત્રણ દિવસ રહ્યો. ત્રણેય દિવસ વિદ્વદ્ ગોષ્ઠિઓ. આખા દેશના તુલનાકારો (એટલે કે તુલનાત્મક સાહિત્યના અભ્યાસીઓ) ભેગા થયેલા. પરંતુ એ ગોષ્ઠિની વાત તો નિરાંતે ત્યાં આવીને કહીશ. કોટ્ટાયમથી બે સ્થળે આ વખતે મારે જવું જ હતું. એક તો જગદ્ગુરુના જન્મસ્થાન કાલડી, અને એક આ તેક્કેડિ. આગલા દિવસે તપાસ કરી લીધેલી. વહેલી સવારે છ વાગ્યે તેક્કેડિની એક ડાયરેક્ટ બસ.
હમણાં અહીં શબરીમલાની યાત્રા માટે કેરલમાં લાખો યાત્રિકો ઊતરી પડ્યા છે, એટલે વાહનોમાં સર્વત્ર ભીડ થઈ જાય. એથી બચવા વહેલી સવારની બસ લીધી. કોટ્ટાયમથી તેક્કેડિ સુધીની ચાર હજાર ફૂટની ઊંચાઈનો આખો માર્ગ રમણીય. તું કહીશ, તમને તો બધું ‘રમણીય’ લાગે છે, પણ તું સાથે હોત તો ‘આ તો જુઓ!’ ‘આ પેલું તો જુઓ!’ કહેતી વારંવાર મારા જોવા છતાં હર્ષથી આંગળી ચીંધી બતાવતી હોત. આ પહાડો બધા જ લીલાછમ. આમેય સમગ્ર કેરલનો એક જ રંગ છે, અને તે લીલો – રાજકીય રીતે ભલે લાલ હોય. પણ આ પહાડોના ઢોળાવો પર રબ્બરનાં વૃક્ષો. જરા ઊંચે ચઢો એટલે ચાના બગીચા, કૉફીનાં ખેતર. વૃક્ષોને વીંટળાયેલી બાઝેલા મરીની લતાઓ, કેળ, નાળિયેરીનાં ઝાડ, ઇલાયચી–એલાલતા — એક તસુ જગ્યા જાણે ખાલી નથી.
સવારનો સમય હતો. સૂરજનાં કિરણો હજી ત્રાંસાં પથરાયેલાં અને પહાડીઓ વચ્ચેની ઘાટીઓમાંથી ધુમ્મસ રમ્ય આકારમાં ઉપર ચઢતું હોય. આ પેલા એલિયટના લંડન શહેરનાં મકાનોની કાચની બારીઓ સાથે બિલાડીની જેમ પેટ ઘસતું ચાલતું ધુમ્મસ નહિ. આ તો આપણે જે દાર્જિલિંગના પહાડોમાં જોયેલું એવું. એટલું ગાઢ નહિ, પણ એ રીતે ક્રીડામસ્ત, બસમાં જેમ શબરીમાલાના આદિવાસી યાત્રિકો હતા, તેમ કેટલાક વિદેશી યાત્રિકો – એકે તો બસની બારીમાં કૅમેરા ગોઠવી રાખેલો. સાચે, જાણે છબીઓ પર છબીઓ પાડી લઈએ એવા પહાડના વળાંકો પર વળાંકો અને ઊંડી ઘાટીઓ. રસ્તાની ધારે અડીને ઘર પણ હોય. ક્યાંક તો બારીમાંથી નીચે નજર કરું ને દેખાય થોડાંક ઘર, હરિયાળીની વચ્ચે. એવાં તો કેટલાંય ઘરોમાં વસવાનો વિચાર આવી જાય, પણ પંથીને વળી ઘરની માયામાં પડાય?
તને આશ્ચર્ય થશે કે આ બધા વિસ્તારમાં વચ્ચે આવતાં ગામ કે મોટા માર્ગમાં વધારેમાં વધારે દેખાશે ક્રાઇસ્ટનાં ચર્ચ અને કોમરેડોની ખાંભીઓ. કેરલમાં આખી દુનિયામાં સૌથી પહેલી ચૂંટાયેલી કોમ્યુનિસ્ટ સરકાર સ્થપાયેલી છે એ તો તને ખબર છે. આ વિસ્તારમાં ખ્રિસ્તીઓ પણ વધારે. અરે, ખુદ શંકરાચાર્યના ગામમાં પ્રવેશતાં પહેલાં સામે નજર ભરે તે ઈશુ ખ્રિસ્તનું ચર્ચ!
તેક્કેડિ સુધીનો રસ્તો જ પ્રસન્ન બનાવી ગયો. હવે પાછા ઊતરી જઈએ તોય વસાવસો ના રહે. હવે જાણે અહીં આવવાના પુરસ્કાર રૂપે આ તેક્કેડિનું અભયારણ્ય અને આ પેરિયાર સરોવર! બસ છેક સરોવરને કાંઠે આવેલા ‘અરણ્યનિવાસ’ સુધી લાવી. બસમાંથી ઊતરીને રિસેપ્શન કાઉન્ટર ઉપર ગયો. એક બહેને વિનયથી કહ્યું — એકેય રૂમ ખાલી નથી. પછી કહે – લેક પૅલેસમાં એક રૂમ ખાલી છે. ‘ટેરિફ’? ‘રૂ. ૯૯૦, એક દિવસના.’ ખભે બગલથેલો ભરાવેલા મને જોઈને એ મજાક તો નહોતી કરતી ને? મારે જંગલ વચ્ચે રહેવું તો હતું. બાજુમાં પેરિયાર હાઉસ છે, અડધો કિલોમીટર દૂર. ચાલતો ચાલતો ગયો. એ ચાલવાની મઝા હતી; પંખીઓના અવાજો કાનોને ભરતા હોય અને ઊંચાં વૃક્ષોનાં મોટાં પાંદડાં પવનમાં ઝૂમતાં હોય, પ્રવાસીઓ આમતેમ ચાલતા હોય. પેરિયાર હાઉસમાં તો શાની જગ્યા મળે? અહીંથી ચાર કિલોમીટર કુમિલીમાં જઈને રહેવું પડશે. ત્યાં તો ઘણી હોટેલો છે. પણ પછી જંગલનું સાન્નિધ્ય? પેરિયારની સાથે પ્રીતિ કેમ કરવી? કાઉન્ટર ઉપર પૂછ્યું. કહે: ‘ડબલ-બેડ-રૂમ ખાલી એકે નથી.’ અહીં કોને ડબલ બેડરૂમની જરૂર હતી! મેં કહ્યું, ‘જોઈએ છે જ સિંગલ બેડરૂમ’. મળી ગઈ. હાશ!
રૂમમાં જઈ બારી ખોલી–દૂર વૃક્ષાંતરાલમાંથી પેરિયારનાં જળની લકીર. પણ રૂમમાં રહેવાનું જ કેટલું? નીકળી પડ્યો. પ્રવાસીઓ પર પ્રવાસીઓ આવતા-જતા હતા. કોલાહલ વધતો જતો હતો. થોડી વાર તો થયું, આ તો મે-જૂનમાં આપણે આબુ ગયા હોઈએ એવું.
આવે વખતે આપણી જાતને ખેંચી લેવી પડે. વૃક્ષો વચ્ચે એકલા ફરવું, ક્યાંક બેંચ પર ચુપચાપ બેસી પંખીઓનાં વૃન્દગાનનું શ્રવણ કરવું. ક્યાંક પેરિયારની એક લંબાયેલી શાખાનાં જળ સુધી પહોંચી ચુપચાપ ઊભા રહેવું.
સાંજે બીજા પ્રવાસીઓ સાથે નૌકાવિહારમાં જોડાઈ ગયો. અભયારણ્ય છે. જંગલી પ્રાણીઓ કદાચ છે ને દેખાઈ જાય. પણ નૌકાયાત્રીઓનો પોતાનો ઘોંઘાટ એટલો કે ભાગ્યે જ વન્ય પ્રાણીઓ વિશ્વસ્ત બનીને સરોવરકાંઠે આવે.
પણ મને તે મઝા પડી ગઈ. મારે જંગલી પ્રાણીઓ જોવાં નહોતાં. આ વૃક્ષછાયા, હરિયાળી છાયા, રમ્ય આકારોવાળા પહાડો જોવાં હતાં. ત્યાં કોઈએ બૂમ પાડી: એલિફન્ટ, વાઇડ એલિફન્ટ. દૂર છાયાચિત્ર જેવા હાથી પાણીને કાંઠે ઊભા હતા, બેટ એ તરફ વળતાં જંગલમાં એ અદૃશ્ય થઈ ગયા. પાણી વચ્ચે ડૂબમાં ગયેલાં વૃક્ષોના સુક્કા આકારો ઊભા હતા. ક્યાંક નિષ્પર્ણ ડાળી ઉપર કોઈ સુપર્ણ ફર ફર કરતું આવી બેસી જાય.
રાત તો એટલી બધી સ્વચ્છ કે આકાશમાંના તારા નિકટ ઊતરી આવ્યા લાગે. તને સાચું કહું – તેમ છતાં હજી જાણે જંગલ ચઢતું નથી, એમ થાય. વહેલી સવારે જાગી ગયો. બારી તો ખુલ્લી રાખી જ હતી, અરણ્યને અંદર આવવા દેવા માટે. વૃક્ષનાં પાંદડાં પરથી ટપ ટપ ટપાક્ પાણીનાં બુંદ ઝમતાં હતાં, પાંદડાંનો સરસરાટ અને પંખીનો કલબલાટ અંદર આવતો હતો. ચા પીઈને નીકળી પડ્યો માર્ગ ઉપર. સવારની એક વહેલી નૌકા ઊપડી રહી હતી, તેમાં બેસી ગયો – ફરી નૌકાયાત્રા.
ધીરે ધીરે જાણે એક સૌંદર્યલોક ઊઘડતો જાય છે. ગઈ કાલ સાંજનો જ માર્ગ, પણ આ સવારે અદ્ભુત ક્યાંક પહાડોનાં શિખર પર ધુમ્મસ આળોટે છે, ક્યાંક કાચો તડકો પ્રસરે છે, ક્યાંક વૃક્ષો વચ્ચેથી પ્રકાશના સ્તંભ લંબાય છે. અને આ પેરિયારજળ લહેરાય છે.
ત્યાં તો જોયું, ઊતરી આવ્યું છે પાણી પીવા હાથીઓનું એક ઝુંડ. નાનાં મદનિયાં સાથે હસ્તિનીઓ અને હસ્તીરાજો. એક-બે નહિ, દશ-બાર નહિ, ગણ્યા તો પૂરા છવ્વીસ હાથીઓનું ઝુંડ – મુક્ત વિચરણ કરતું. બોટનાં મશીન બંધ કરી દેવાયાં. સ્તબ્ધતા. હાથીઓ પાણીને કાંઠે કાંઠે ચાલે છે. જળને કાંઠે પાણીને અડીને ઊગેલું કુમળું ઘાસ સૂંઢથી તોડી, પાણીમાં વીંછળી, કોળિયા મોઢામાં મૂકે છે, મદનિયાં માની પાછળ સંતાય છે.
બોટથી થોડે દૂર પછી એક હાથી પાણીમાં ઊતરે છે, પાછળ બીજા અને પછી તો આખી હાર બની જાય છે. હાથીની જળક્રીડા તો જાણીતી છે. ગજેન્દ્રમોક્ષવાળી વાત તો તું જાણે છે. આટલા બધા હાથીઓને પાણીમાં તરતા ને સામે કાંઠે જતા જોઈ આરણ્યક સંસ્પર્શ અનુભવી રહ્યો.
ક્યાંક પહાડો તો એટલા સરસ, સુડોલ ને ગોળ હરિયાળીથી શોભતા — જાણે હાથ ફેરવી લઉં. થવા લાગ્યું કે સાચે જ એકલો છું, જંગલ બીચ…
કાંઠે આવ્યા પછી આ સૌંદર્યદર્શનથી પર્યુત્સુક મનનો છલકતો વ્યગ્ર આનંદ તને પત્ર દ્વારા પાઠવું છું. એકાદ છોર તને જરૂર અડકવી જોઈએ. ના, હવે જંગલ બીચ છતાં એકલો નથી.