શાહજહાં/ચોથો પ્રવેશ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ચોથો પ્રવેશ

અંક પહેલો


         સ્થળ : જોધપુરનો કિલ્લો. સમય : પ્રભાત મહામાયા અને ચારણીઓ

મહામાયા : ગાઓ, ચારણીઓ.

[ચારણીઓ ગાય છે.]
ઊઠો, સાવઝશૂરાની બેટડી, બાંધો કેશ, લૂછો અશ્રુધાર.
જો જો ઝૂઝે તમારા કંથડા, એના કામજો કીર્તિઅંબાર.
સાદ સૂણી સમરાંગણના, દેવા પ્રાણ તણાં બલિદાન
મૃત્યુના સિંધુ વલોવીને અમૃત વરવા સિધાવ્યા મેદાન રે
બેની! બંકા આપણ ભરથાર. — ઊઠો.
દુશ્મન કેરાં નોતરાં, બેની, બથ ભરી મળવા કાજ,
રક્તનાં કેસર છાંટણાં છંટાશે, ખેલાશે ખાંડાના રાસ રે
કંઠે પે’રી આંતરડાની માળ. — ઊઠો.
કાળ તણી એ ક્યારીઓમાં બેઠા પછી ન ઉઠાય,
કંથ કોડીલાનાં કાળાં કવચ ત્યાં તો રાતે શોણિતે રંગાય રે
બાજે રણ-રંભાના ઠમકાર. — ઊઠો.
અંતરની કાળી ઝાળો ઓલવવા કાળગંગાને ઘાટ
નણંદલવીર એ નીરમાં ન્હાતા ત્યાં સામાસામી દૈ થપાટ રે
ગાંડાતૂર જેવા ગજરાજ. — ઊઠો.
જીતીને વળશે તો રંગે રમાડશું, મરશે તોયે શા ઉચાટ!
ખોળે પોઢાડીને ચડશું ચિતા માથે, હસતા જાશું સૂરવાટ રે
એવા શૂરાપૂરાના અવતાર. — ઊઠો.

[પહેરેગીર પ્રવેશ કરે છે.]

પહેરેગીર : માઉજી —
મહામાયા : શા સમાચાર છે, કિલ્લેદાર?
પહેરેગીર : મહારાજ પધાર્યા છે.
મહામાયા : પધાર્યા? જુદ્ધ જીતીને પધાર્યા?
પહેરેગીર : ના, માઉજી, હારીને પાછા આવ્યા છે.
મહામાયા : હારીને પાછા આવ્યા છે? તું આ શું બોલે છે? કિલ્લેદાર! કોણ હારીને પાછું આવ્યું છે?
પહેરેગીર : મહારાજ.
મહામાયા : શું મહારાજ જશવંતસિંહ હારીને પાછા આવ્યા છે? આ હું શું સાંભળું છું? જોધપુરના મહારાજ — મારા સ્વામીનાથ — જુદ્ધમાં હારીને પાછા આવ્યા છે? ક્ષત્રીવટની શું આટલી હદ સુધી અધોગતિ થઈ ગઈ! બને નહિ. ક્ષત્રીવીર જુદ્ધમાંથી હારીને પાછો આવે જ નહિ. ને જોધાણનાથ જશવંતસિંહ તો ક્ષત્રિયોનો મુગટમણિ. કદાચ જુદ્ધમાં હાર્યાયે હોય. ને એવું બન્યું હોય તો મારા સ્વામીનાથની કાયા પણ ત્યાં જ પડે. મહારાજ જશવંતસિંહ જુદ્ધમાં હારીને કદાપિ પાછા આવે નહિ. ને જે આવ્યા હોય તે મહારાજ જશવંતસિંહ જ નહિ. એ તો કોઈક એનો વેશધારી ધુતારો. એને દાખલ થવા દેશો મા. કિલ્લાનાં કમાડ બંધ કરો. ગાઓ, ચારણી બહેનો, ફરી ગાઓ.

[ચારણીઓ ગાય છે.]


ઊઠો, સાવઝ શૂરાની બેટડી,
બાંધો કેશ, લૂછો અશ્રુધાર [વગેરે]