શાહજહાં/ત્રીજો પ્રવેશ4

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ત્રીજો પ્રવેશ

અંક પાંચમો


         સ્થળ : આગ્રામાં શાહજહાંનો મહેલ. સમય : રાત.

[બહાર વાવાઝોડું, વરસાદ અને ગાજવીજ મચેલ છે. શાહજહાં અને જહરતઉન્નિસા બેઠાં છે.]

શાહજહાં : કોની મગદૂર છે કે મારા દારાની હત્યા કરે? હું સુલતાન શાહજહાં — હું પોતે જ એની ચોકી કરું છું! મગદૂર કોની છે? ઔરંગજેબની? — હટ, કંગાલ! હું જરા આંખ લાલ કરું ત્યાં તો ઔરંગજેબ ડરથી કાંપી ઊઠશે કાંપી! હું કોણ? ખબર છે? હું જો હુકમ કરું કે તોફાન ઊઠો, તો તોફાન ઊઠે. ને હું જો કહું કે વજ્ર પટકાઓ, તો વજ્ર પટકાશે! ખબર છે?

[વાદળાં ગાજે છે.]

જહરત : ઓહ, કેવો ગડગડાટ! બહાર જેમ પંચ મહાભૂતોનો સંગ્રામ મચી રહ્યો છે, તેમ ભીતરમાં પણ આ અર્ધા દીવાના દાદાજીના હૃદયની અંદર પ્રચંડ જંગ ચાલી રહ્યો છે.

[ગડગડાટ] એ ફરી વાર!

શાહજહાં : અસ્ત્ર ઊઠાવો, અસ્ત્ર ઉઠાવો! તરવાર, ભાલાં, તીર અને તોપ લઈને છૂટો! ઓ પેલા આવે, ઓ આવે — અરે, હું જંગ ખેલીશ, હું! બજાવો યુદ્ધનાં વાજાં, ઉડાવો નિશાન! પેલા આવે છે દૂર થા, શયતાનના લોહીતરસ્યા દૂત! ઓળખતો નથી મને! હું સમ્રાટ શાહજહાં! બાજુ પર ખસી જા!
જહરત : દાદાજી, ઉશ્કેરાઓ ના. ચાલો, હું આપને સુવાડી દઉં.
શાહજહાં : ના! હું ખસું કે તરત જ પેલાઓ દારાને મારી નાખે — પાસે આવતા નહિ! ખબરદાર —
જહરત : દાદાજી —
શાહજહાં : ખબરદાર, નજીક આવતા ના. કહું છું કે તમારા શ્વાસમાં ઝેર છે — એ શ્વાસ બંધિયાર ટાંકાના વાયુથીયે વધુ ઝેરી છે, સડેલા હાડકાથીયે વધુ ગંધારો છે! હું કહું છું કે આગળ એક કદમ પણ ન ભરતો.
જહરત : દાદાજી! ઘોર અંધારી રાત જામી છે. ચાલો, સૂઈ જાઓ તો.

[જહાનઆરા આવે છે.]

જહાનઆરા : કેવો કરુણ દેખાવ! પિતાવિહોણી બેટી, પુત્રવિહોણા બુઢ્ઢા બાપને દિલાસો આપે છે — અને એની પોતાની છાતીમાં તો ભડ! ભડ! આગ સળગી રહી છે. કેવું કરુણ! જોઈ જા, ઔરંગજેબ, તારી કીર્તિ તું જોઈ જા!
જહરત : ફઈબા! તમે કેમ ઊઠ્યાં?
જહાનઆરા : વાદળાંના ગડગડાટથી નીંદ ઊડી ગઈ! — બાબા શું વળી પાછા પાગલની માફક બકે છે?
જહરત : હા, ફઈબા.
જહાનઆરા : દવા દીધી?
જહરત : દીધી — પરંતુ આ વખતે શુદ્ધિ આવતાં વાર કેમ થાય છે, તે સમજાતું નથી.
શાહજહાં : શું કર્યું? ઓ...ઓ તેં શું કર્યું?
જહરત : શું છે, દાદાજી?
શાહજહાં : મારી નાખ્યો! દારાને મારી નાખ્યો! આ જો ને, ખૂન ચાલ્યું જાય! અરર! આખું ઘર ખૂનમાં ડૂબી ગયું! જોઉં! [દોડી જઈ દારાના કલ્પિત લોહીમાં બન્ને હાથ નાખી] હજુ પણ ગરમ! — ઓહોહો! ઊની વરાળ નીકળે છે,
જહાનઆરા : બાબા! બહુ મોડી રાત થઈ. હજુ સૂતા નથી?
શાહજહાં : ઔરંગજેબ! મારી સામે ટાંપીને હસે છે કે? હસે છે, એમ? નહિ, બદમાશ. તને તો સજા કરીશ. ઊભો રહે. હત્યારા! હાથ જોડીને ઊભો રહે. શું, માફી જોઈએ છે? માફી — માફી નહિ મળે, નહિ! મારો દીકરો ગણીને માફી આપીશ એમ તું માને છે, ખરું? ના, ના, તને તો ઢૂંસામાં દાટીને જીવતો સળગાવી દેવાની આજ્ઞા કરું છું! જાઓ, લઈ જાઓ!
જહાનઆરા : બાબા, સૂઈ જાઓ તો!
જહરત : ચાલો, દાદાજી.

[હાથ ઝાલે છે.]

શાહજહાં : કેમ, મુમતાજ! તું પણ એનું ઉપરાણું લઈને માફી માગે છે? ના, હું માફી નહિ જ દઉં. મેં ઇન્સાફ તોળ્યો છે. એણે દારાને માર્યો છે, જાણતી નથી?
જહાનઆરા : ના બાબા, નથી માર્યો. જાઓ પોઢો.
શાહજહાં : નથી માર્યો? સાચે જ શું નથી માર્યો? ત્યારે આ મેં શું જોયું, સ્વપ્ન?
જહાનઆરા : હા, બાબા.
શાહજહાં : તો તો સારું! પરંતુ આ બહુ જ અમંગળ સ્વપ્ન! જો એ સાચું પડે! — કેમ જહરત! રડે છે કેમ? — ત્યારે શું આ સ્વપ્ન નથી? સ્વપ્ન નથી? — ઓ-હો-હો-હો-હો!

[આકાશમાં ગડગડાટ]

જહરત : આ બહાર શું થવા બેઠું છે? કયામતની રાત પડી કે શું? તમામ ચસકી ગયાં પાણી, આગ, પવન, આસમાન, પૃથ્વી — તમામ ચસકી ગયાં કે શું? — ઓહ, કેવી ભયાનક રાત!
શાહજહાં : આ બધું શું છે, જહાનઆરા?
જહાનઆરા : બાબા! રાત બહુ વીતી છે. પોઢી જાઓ. આપ કાંઈ દીવાના નથી.
શાહજહાં : ના, હું દીવાનો નથી. મને સમજાયું, સમજાયું. બહાર આ બધું શું થઈ રહ્યું છે, જહાનઆરા?
જહાનઆરા : બહાર એક તૂફાન મચેલું છે! સાંભળો, બાબા, વાદળાંનો ગડગડાટ! સાંભળો — આ વરસાદનો અવાજ! સાંભળો આ પવનના સુસવાટ! વારે વારે વીજળીના કડાકા થાય છે. વરસાદ તો ધોધમાર પડી રહ્યો છે. અને વાવાઝોડું એ વરસાદના ધોધને પૃથ્વીના ચહેરા પર છાંટી રહ્યું છે.
શાહજહાં : ઝીંકો, બેટા મારા! ખૂબ ઝીંકો. જોરથી ઝીંકો! પૃથ્વી ચૂપચાપ બનીને બધુંય ખમી લેશે. એણે તમને છાતી પર લગાવી મોટા શા માટે કર્યા? તમે તો હવે મોટા થઈ ગયા. હવે તમારે એનું શા માટે માનવું? — એનાં કર્યાં એ ભોગવે! ઝીંકો, મારા બાપા! શું કરવાની હતી એ? લાલ લાલ જ્વાળાઓ ઓકશે, એમ ને? ઓકવા દો. એ લાલ જ્વાળાઓ તો આસમાને ચડીને બમણા જોરથી એની જ છાતીએ આવી આગ લગાડશે. એ શું દરિયાના તરંગો ઉછાળી ગુસ્સાથી છલકાવા માંડશે, એમ ને? છલકાવા દો, એ તરંગો તો એના પોતાના જ હૈયા ઉપર ઊંડો નિઃશ્વાસ નાખીને પાછા પછડાશે. એ ક્યાંક એના અંતરમાં રૂંધાયેલી વરાળ છૂટી મૂકીને ધરતીકંપ ધ્રુજાવશે, એમ ને? કંઈ ડર નહિ. એથી તો એ પોતે જ ફાટી પડશે. તમને તો એ બેવકૂફ બુઢ્ઢી કશું જ નહિ કરી શકે! બહુ તો એ બુઢ્ઢી ફક્ત અનાજ આપી શકે, પાણી આપી શકે, ફૂલો આપી શકે; બીજું કાંઈ જ ન કરી શકે. ઝીંકો બચ્ચાઓ, એની છાતી ઉપર થઈને ચગદતા ચગદતા ચાલ્યા જાઓ! એ રાંડ બુઢ્ઢી કાંઈ નથી કરી શકવાની. ઝીંકો, મારા બાપા!

[થોડી વાર થંભીને]

શાહજહાં : ઓ મા! એક વાર તું ગર્જના કરી શકશે, મા? પ્રલયના પોકાર મચાવી, સો સો સૂર્યના પ્રકાશ જેટલો ભડકો સળગાવી, ફાડીને ચાર ફાડિયા થઈ, એક વાર તું મહાશૂન્યની અંદર છટકી જઈ શકશે, માડી? જોઉં પછી એ બિચારા ક્યાં રહે છે!

[દાંત પીસે છે.]

જહાનઆરા : બાબા! ખાલી આ ગુસ્સો કરવાથી શું વળશે? ચાલો સૂઈ જાઓ.
શાહજહાં : સાચું બેટા — ખાલી! ખાલી! ખાલી!

[ગડગડાટ]

જહરત : ઓહ! કેવી રાત, ફઈબા! ઓહ! કેવી ભયાનક!
શાહજહાં : દિલ થાય છે, જહાનઆરા, કે આ રાતના વરસાદ, વાવાઝોડાં અને અંધકારની અંદર એક વાર બહાર નીકળી પડું, અને સફેદ વાળ ઉખાડી, પવનમાં ઉડાવી, પાણીમાં ડુબાવી દઉં. દિલ થાય છે કે એક વાર આ છાતી ખોલી, વજ્રની સામે પહોળી કરું. દિલ થાય છે કે આંહીંથી મારા આત્માને ઉખાડી, ખેંચી બહાર કાઢી ખુદાને બતાવું! એ વળી ગડગડાટ! અરે ઓ વરસાદ! વારે વારે ખાલી ગર્જના શું કરી રહ્યો છે? એક પ્રહાર કરીને પૃથ્વીની છાતીના ટુકડેટુકડા ઉડાવી દેવાનીયે તાકાત નથી? અરે ઓ અંધકાર! તું અંધકાર શું જોઈને થયો છે? તારી પાછળ આ બધા સિતારા ઊભા છે એને તું એકસામટા ગળી પણ શકતો નથી?

[ગટગડાટ]

જહાનઆરા : ફરી વાર.
ત્રણેય જણાં એકત્રિત : ઓહ! કેવી રાત!