શાહજહાં/નિવેદન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
નિવેદન


[પહેલી આવૃત્તિ]

અનુવાદોના અતિરેકથી તો હવે ગુર્જર સાહિત્ય પીડાતું હોવાનો કચવાટ ઊઠ્યો છે. એટલે આ અનુવાદનો નવો બોજો નાખવા જતાં ક્ષમા માગવી જ ઘટે છે. પરંતુ દ્વિજેન્દ્રની અમુક અમુક કૃતિઓને ગુજરાતીમાં ઉતારવામાં તો શુદ્ધ સર્જક સાહિત્ય નિપજાવવા જેટલો જ રસોલ્લાસ અનુભવાય છે. ગુર્જર નાટ્યસાહિત્ય સમક્ષ કંઈક સુગમ્ય આદર્શો ધરવાની પણ અત્યંત જરૂર છે. એ આદર્શ સરલમાં સરલ રીતે દ્વિજેન્દ્રલાલ પૂરો પાડે છે. તેથી એની કલાનો પરિચય ખુદ સર્જનની પ્રેરણા જાગ્રત કરવા માટે પણ આવશ્યક થઈ પડે છે. બંગાળાનો એ નાટ્ય-સમ્રાટ છે. બીજું પ્રયોજન વધુ સબળ છે. આપણી રંગભૂમિનું શુદ્ધીકરણ વ્યવસાયી નાટક-કંપનીઓ દ્વારા, તો કોઈ સમર્થ નાટ્યકારને હાથે જ સંભવી શકે. પરંતુ આજે કૉલેજોમાં, શાળાઓમાં, રસિકોનાં મંડળોમાં અને વિવિધ ઉત્સવોમાં શિષ્ટ સમુદાય સમક્ષ સંસ્કારી તરુણો જે નાટ્યપ્રયોગો ભજવી રહ્યા છે, તે દ્વારા નાટ્ય-કલાનું ઉજ્જ્વલ ભાવિ ચાલ્યું આવે છે. છતાં એ સહુને સંતોષે તેવી સામગ્રીનું આપણા સાહિત્યમાં મોટું દારિદ્ર્ય વર્તે છે. કંઈક વસ્તુઓ જીર્ણ થઈ ગયેલી છે, અને દૃશ્ય-નાટકો લખવાની બક્ષિસ ગુજરાતને વરી નથી. દ્વિજેન્દ્રની કૃતિઓમાં એ ગુણ સભર ભર્યો છે. ‘રાણો પ્રતાપ’ના એ દિશામાં થયેલા પ્રચુર ઉપયોગે દ્વિજેન્દ્રની કૃતિઓની માગણી ઉત્પન્ન કરી છે. અને એ માગણીઓમાંથી જ આ અનુવાદ જન્મે છે.

રાણપુર : 18-1-’38 [ઇ.સ. 1926] ઝવેરચંદ મેઘાણી


[બીજી આવૃત્તિ]

ગુર્જર નાટ્યરસિકોની સૃષ્ટિમાં ભારોભાર લોકપ્રિય થઈ ગયેલું ‘શાહજહાં’ નવી આવૃત્તિમાં છેક જતું બાર વર્ષ પ્રવેશે છે એ અનેકને મન કૌતુકનું કારણ બનશે. વાત તો ખરી આ છે, કે દસ વર્ષથી ‘શાહજહાં’ સિલકે જ નહોતું. આટલો લાંબો ગાળો પાડવા બદલ સૌરાષ્ટ્ર સાહિત્ય મંદિરના અટપટા સંજોગો જ જવાબદાર હતા. ‘શાહજહાં’ માત્ર અનુવાદ હોવા છતાં મને એને માથે મારી પ્રિય મૌલિક કૃતિ જેવો પક્ષપાત છે. આ પક્ષપાતમાં અનેક સ્નેહીઓ ભાગ પડાવનારા છે. ‘શાહજહાં’માં જે એક માનવતાનું નાટ્યતત્ત્વ છે, તે એને કોઈ પણ કાળ-પરિવર્તનથી પર રાખી શેક્સપિયરના ‘કિંગ લિયર’ની અમર કક્ષાએ મૂકે છે. ‘શાહજહાં’ હમેશાંને માટે રંગભૂમિને યોગ્ય કૃતિ રહેશે.

રાણપુર : 18-1-’38 ઝ. મે.