શાહજહાં/પાંચમો પ્રવેશ1

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પાંચમો પ્રવેશ

અંક બીજો

         સમય : પ્રાત :કાલ. સ્થળ : દિલ્હીનો શાહી દરબાર.

[ઔરંગજેબ સિંહાસન પર બેઠેલો છે. મીર જુમલા, શાયસ્તખાં વગેરે સેનાપતિઓ એક બાજુ બેઠા છે. અમાત્યો, બિકાનેરપતિ જયસિંહ અને અંગરક્ષકો બીજી બાજુ બેઠા છે. સામે જોધપુરપતિ રાજા જશવંતસિંહ ઊભો છે.]

જશવંતસિંહ : જહાંપનાહ! હું આવેલો તો હતો સુલતાન સૂજાની સામેની લડાઈમાં આપને મદદ કરવા, પરંતુ આંહીં આવ્યા પછી મારું મન પાછું હઠ્યું છે. હું આજે જ જોધપુર જવા માગું છું.
ઔરંગજેબ : મહારાજ જશવંતસિંહ! આપે નર્મદાની લડાઈમાં દારાનો પક્ષ લીધો એથી મને માઠું લાગ્યું છે એમ ન માનતા. આપની રાજભક્તિની ખાતરી મળ્યા પછી તો હું આપને મારા પોતાના જ માની લઈશ.
જશવંતસિંહ : જશવંતસિંહ ઉપર આપની કૃપા ઊતરે કે આપનો ક્રોધ ઊતરે તેની મને લગારે ચિંતા નથી. અને આજે આપની પાસે આવ્યો છું તે પણ કાંઈ આપની દયાની ભીખ માગવા નથી આવ્યો.
ઔરંગજેબ : તો પછી આપના આગમનનો સબબ શું છે?
જશવંતસિંહ : સબબ તો ફક્ત એટલું પૂછવાનો જ કે અમારા દયાળુ સમ્રાટ શાહજહાંને એવા કયા અપરાધે આપે કેદમાં પૂર્યા છે? અને બીજું એ કે આપના પિતાની હયાતીમાં જ આપ સિંહાસને ચડી બેઠા છો તે કયા અધિકારને બળે?
ઔરંગજેબ : એનો ખુલાસો શું મારે આપ મહારાજાને આપવો પડશે?
જશવંતસિંહ : આપવો ન આપવો એ આપની મુન્સફી. મારું કામ તો માત્ર પૂછવાનું જ છે.
ઔરંગજેબ : એમાં આપની મતલબ શું?
જશવંતસિંહ : આપના જવાબ ઉપરથી જ અમારું ભાવિ આચરણ નક્કી થશે.
ઔરંગજેબ : શું? ધારો કે હું ખુલાસો ન આપું તો?
જશવંતસિંહ : તો સમજી લઈશ કે આપની પાસે ખુલાસો આપવા જેવું કાંઈ છે જ નહિ.
ઔરંગજેબ : આપની મરજીમાં આવે તેમ સમજજો. મને એથી શું લાભ-હાનિ થવાની હતી? ઔરંગજેબ એક માત્ર ખુદા સિવાય બીજા કોઈની પાસે ખુલાસા કરવા બંધાયેલ નથી.
જશવંતસિંહ : બહુ સારું, તો પછી આપ ખુદાની પાસે જ ખુલાસો કરજો.

[જવાની તૈયારી કરે છે.]

ઔરંગજેબ : જરા ઠેરો, રાજા સાહેબ! હું ખુલાસો ન કરું તો આપ શું કરો?
જશવંતસિંહ : એટલું જ કે સમ્રાટ શાહજહાંને છોડાવવા બનતી કોશિશ કરીશ. છોડાવી શકું કે નહિ એ જુદી વાત છે. હું તો મારી ફરજ બજાવીશ.
ઔરંગજેબ : બંડ કરશો?
જશવંતસિંહ : બંડ? મારા સમ્રાટની ખાતર લડાઈ કરવી એને બંડ કહેવાય કે? બંડ તો આપે કર્યું છે. હું તો એ બંડખોરને સજા કરવા માગું છું — જો બની શકે તો.
ઔરંગજેબ : રાજા સાહેબ, અત્યાર સુધી તો આપની હિંમતની જ કસોટી કરી રહ્યો હતો. અત્યાર પહેલાં તો માત્ર સાંભળ્યું હતું. પણ આ પળે તો પ્રત્યક્ષ જોઈ રહ્યો છું કે આપ નિર્ભય મર્દ છો. મહારાજ! ભારતસમ્રાટ ઔરંગજેબ જોધપુરના અધિપતિ જશવંતસિંહની દુશ્મનીથી ડરી નહિ જાય. યુદ્ધક્ષેત્રમાં ફરી એક વાર ઔરંગજેબની પિછાન કરવી હશે તો થઈ શકશે.
જશવંતસિંહ : નર્મદા-યુદ્ધની વાત કરો છો, જહાંપનાહ? એ વિજયનું આપને ગુમાન થાય છે કે? જશવંતસિંહે કેવળ દયાની ખાતર આપના એ થાક્યાપાક્યા સૈન્ય ઉપર હુમલો ન કર્યો. નહિતર તો મારી સેનાની એક જ ફૂંકથી ઔરંગજેબ અને તેની ફોજ બન્ને ઊડી જાત. એટલી દયાના બદલામાં અમે ઔરંગજેબ તરફથી આટલી દગલબાજીની ધારણા નહોતી રાખી. દયા કરી એ જ જશવંતનો અપરાધ કે? એ વિજયનું આપ ગુમાન કરો છો, શહેનશાહ?
ઔરંગજેબ : મહારાજ જશવંતસિંહ! ખબરદાર! ઔરંગજેબની ધીરજની પણ હદ હોઈ શકે છે. ખબરદાર!
જશવંતસિંહ : સમ્રાટ! ડૉળા કોની સામે કાઢો છો? ડૉળા ઘુરકાવીને તો આપ જયસિંહ જેવાને જ ડરાવી શકો. સમજી લેજો કે જશવંતસિંહની પ્રકૃતિ કોઈ જુદાં જ તત્ત્વોની બનેલી છે. આપના લાલ ડૉળા અને આપની તોપોના ધગધગતા ગોળા એ બંનેને જશવંતસિંહ એક સરખા જ તુચ્છ માને છે.
મીર જુમલા : રાજા સાહેબ! આ તે કઈ જાતની બડાઈ!
જશવંતસિંહ : ચૂપ રહો, મીર જુમલા. રાજાઓ રાજાઓ લડે ત્યારે તમે વગડાનાં શિયાળિયાં શું મોં લઈને વચમાં આવી ઊભાં રહો છો? હજી અમારા બન્નેમાંથી કોઈ નથી મર્યું. તમારો વારો યુદ્ધને અંતે આવશે; તમે અને આ શાયસ્તખાં.

શાયસ્તખાં અને મીર જુમલા : [તરવાર કાઢી] સાવધાન, કાફર!

શાયસ્તખાં : હુકમ ફરમાવો, જહાંપનાહ!

[ઔરંગજેબે તેને ઇશારો કરી અટકાવ્યો.]

જશવંતસિંહ : ઠીક જોડી મળી છે. એક તરફ મીર જુમલા ને બીજી તરફ શાયસ્તખાં — એક વજીર ને બીજો સેનાપતિ : બન્ને નિમકહરામ! જેવા સ્વામી તેવા જ સેવકો.
શાયસ્તખાં : જહાંપનાહ, આ કાફરની શું આટલી બધી હિંમત કે ભારતના શહેનશાહની સામે–
જશવંતસિંહ : કોણ ભારતનો શહેનશાહ?
શાયસ્તખાં : ભારતનો શહેનશાહ પાદશાહ ગાઝી આલમગીર!

[બુરખો ઓઢીને જહાનઆરા પ્રવેશ કરે છે.]

જહાનઆરા : જૂઠી વાત! ભારતનો સમ્રાટ ઔરંગજેબ ન હોય. ભારતનો સમ્રાટ તો શહેનશાહ શાહજહાં.
મીર જુમલા : કોણ છે એ ઑરત?
જહાનઆરા : કોણ છે એ ઑરત! એ તો સમ્રાટ શાહજહાંની કુમારી જહાનઆરા છે. [મોં પરથી બુરખો કાઢી નાંખી] કેમ, ઔરંગજેબ! એકાએક તારો ચહેરો ઊતરી કેમ ગયો?
ઔરંગજેબ : બહેન! તમે અહીંયાં શા માટે?
જહાનઆરા : હું આંહીં શા માટે? ઠંડે કલેજે સિંહાસન પર બેઠો બેઠો ઔરંગજેબ આજે ઇન્સાનના જેવા અવાજે આ સવાલ પૂછી રહ્યો છે? ઔરંગજેબ, હું આજે આંહીં તારી ઉપર મહા રાજદ્રોહનું તહોમત પોકારવા આવી છું.
ઔરંગજેબ : કોની સમક્ષ?
જહાનઆરા : ખુદાની સમક્ષ. ખુદા નથી એમ તું માને છે, ઔરંગજેબ? શયતાનની નોકરી કરી કરીને તેં એમ જ માની લીધું છે કે ખુદા નથી? ખુદા છે!
ઔરંગજેબ : બહેન! હુંયે આંહીં બેઠો બેઠો એ ખુદાની જ ફકીરી કરી રહ્યો છું ને!
જહાનઆરા : ચૂપ રહે, ધુતારા! ખુદાનું પાક નામ તારી જબાનથી ન લેતો. જબાન સળગી જશે. હે વીજળી! હે પ્રલયના વાયુ! હે ભૂમિકંપ! હે જલ-પ્રલય! હે દાવાનલ! હે મહામારી! લાખો લાખો નિર્દોષ નરનારીઓનાં ઘરને ઉડાડી, બાળી, તાણી ભાંગી ચૂરેચૂરા કરી તમે બધાં તો ચાલ્યાં જાઓ છો. શું ફક્ત આ પાપીઓને જ તમે કાંઈ ન કરી શકો?
ઔરંગજેબ : [પોતાના દીકરા મહમ્મદને] મહમ્મદ! આ દીવાનીને આંહીંથી લઈ જા. આ રાજસભા છે. આ પાગલખાનું નથી.
જહાનઆરા : જોઉં તો ખરી, કોની તાકાત છે કે આ રાજસભામાં સુલતાન શાહજહાંની બેટીને હાથ અડકાડે? ભલે તે પછી ઔરંગજેબનો પુત્ર હોય કે ખુદ શયતાન હોય!
ઔરંગજેબ : ઉપાડી જા, મહમ્મદ.
મહમ્મદ : માફ કરો, પિતાજી! એટલી હિંમત મારામાં નથી.
જશવંતસિંહ : બાદશાહજાદીની આવી બેઅદબી થાય એ અમારાથી પણ નહિ જોવાય.
બીજા બધા : કદાપિ નહિ.
ઔરંગજેબ : ખરેખર ત્યારે શું હું ગુસ્સામાં ભાન ભૂલી ગયો? મારી પોતાની જ બહેન અને સમ્રાટ શાજહાંની પુત્રી પ્રત્યે આવી બેઅદબી કરવાની આજ્ઞા હું આપી બેઠો? બહેન! જનાનખાનામાં પધારો. આ ખુલ્લા રાજદરબારમાં બૂરી-ભલી નજરોની સામે આવી ખડા રહેવું એ સમ્રાટ શાહજહાંની બેટીને શોભે નહિ; તમારું સ્થાન તો જનાનખાનામાં.
જહાનઆરા : એ હું જાણું છું, ઔરંગજેબ! પરંતુ જ્યારે એક પ્રચંડ ધરતીકંપથી આખી મહેલાત તૂટી પડતી હોય, ત્યારે સૂરજ-ચંદ્રે પણ જેઓનાં દર્શન નથી કર્યાં તે ઑરતોને પણ સંકોચ અને શરમ છોડી રસ્તામાં ખડી થવું પડે છે. આજ હિંદુસ્તાનની પણ એ જ દશા છે. આજ એક ઘોર અત્યાચારથી આખી સલ્તનત તૂટી પડી છે! એટલે હવે એ પરદેપોશીનો જૂનો નિયમ નભી શકે નહિ. આજે જે અન્યાય, જે નીતિની ઊથલપાથલ અને જે અસહ્ય અત્યાચારનું નાટક ભારતવર્ષની રંગભૂમિ ઉપર ભજવાઈ રહ્યું છે તેવું પૂર્વે કોઈ કાળે ક્યાંયે નહિ ભજવાયું હોય. આટલું ઘોર પાપ ને આટલી મોટી બદમાશી આજ ધર્મને નામે ચાલી રહ્યાં છે ને આ બધાં મેઢાંબકરાં, એક નજરે એની સામે નિહાળી રહ્યાં છે. ભારતવર્ષના મનુષ્યો શું આજ ફક્ત ચાબૂકને જોરે ચાલવાનું પસંદ કરી રહ્યાં છે? અનીતિનાં મહાપૂરની અંદર શું ઇન્સાફ, ઇમાન, ઇન્સાનિયત, માનવીની બધી ઉચ્ચ પ્રવૃત્તિઓ — એ બધાં તણાઈ ગયાં છે? અને હવે શું નીચ સ્વાર્થસિદ્ધિ જ મનુષ્યની ધર્મનીતિ બની બેઠી છે? સેનાપતિઓ! અમાત્યો! સભાસદો! હું જાણવા માગું છું કે સમ્રાટ શાહજહાંની હયાતીમાં જ તેના નાલાયક પુત્ર ઔરંગજેબને તમે બધાએ કઈ સત્તાને જોરે તખ્ત પર બેસાડવાની હિંમત ભીડી છે?
ઔરંગજેબ : મારી બહેન જો આંહીંથી ચાલી જવાનું ન માને તો, સભાસદો! તમે બધા બહાર ચાલ્યા જાઓ. સમ્રાટની શાહજાદીની અદબ સંભાળો.

[બધા બહાર જવા ઊઠે છે.]

જહાનઆરા : સબૂર! મારો હુકમ છે કે ઊભા રહો! આંહીં તમારી રૂબરૂ માત્ર રોદણાં રોવા નથી આવી. હું એક ઑરત મારી લાજશરમ, માનમર્યાદા અને પડદાની ઇજ્જત, તમામ છોડીને આવી છું તે કેવળ મારા બુઢ્ઢા બાબાની ખાતર. સાંભળો.
જહાનઆરા : હું એક વાર તમારી રૂબરૂ પૂછવા આવી છું કે તમે તમારા તે વીર, દયાળુ, પ્રજાપ્રેમી શહેનશાહ શાહજહાંને ચાહો છો કે આ ધૂર્ત, પિતૃદ્રોહી, લૂંટારા ઔરંગજેબને ચાહો છો? યાદ રાખજો, કે ધર્મનો હજુ ધરતી પરથી લોપ નથી થયો. હજુયે ચંદ્ર સૂર્ય ઊગે છે, હજુ પણ પિતા-પુત્રનો સંબંધ આબાદ છે, અને શું એક દિવસમાં જ ને એક જણના પાપે જ એ બધું પલટાઈ જવાનું? કદી નહિ! સત્તા શું એટલી બધી બહેકી ગઈ છે કે તેનાં વિજય દુંદુભિ તપોવનની શાંતિને પણ લૂંટી લે? અધર્મની તાકાત શું એટલી બધી ફાટી ગઈ છે કે તે પોતાના લોહીલોહાણ રથને સ્નેહ, દયા ને ભક્તિની છાતી ઉપર થઈને ચલાવી જશે? કોઈ નહિ સામે થાય? બોલો, બોલો. શું તમને ઔરંગજેબની બીક લાગે છે? ઔરંગજેબ તે કોણ? એનાં બાવડાંમાં કેટલું બળ છે? તમારું બળ એ જ એનું બળ. તમારી મરજી હોય તો જ એ સિંહાસને બેસી રહી શકે. તમે ચાહો તો એને ત્યાંથી ઉપાડીને ગંદી ખાઈમાં ફેંકી દઈ શકો. જો સમ્રાટ શાહજહાં તમને હજુયે વહાલો હોય, એ સિંહ હવે વૃદ્ધ થયો માટે જ લાત મારવી એવી તમારી ઇચ્છા ન હોય, અને ખરેખર જો તમે ઇન્સાન હો, તો બધા એક અવાજે બોલો ‘જય, સમ્રાટ શાહજહાંનો જય!’ પછી જોઈ લેજો કે જોતજોતામાં ઔરંગજેબના હાથમાંથી રાજદંડ ગબડી પડશે.
સર્વે : જય, સમ્રાટ શાહજહાંનો જય!
જહાનઆરા : બરાબર ત્યારે હવે —
ઔરંગજેબ : [સિંહાસન પરથી નીચે ઊતરીને] ઘણું સારું. તો પછી આ પળે જ હું સિંહાસનને છોડી દઉં છું, સભાસદો! પિતા શાહજહાં અત્યારે બીમાર છે, રાજ ચલાવવા અશક્ત છે. તેઓ જો રાજ ચલાવવા શક્તિમાન હોત તો મારે દક્ષિણ પ્રદેશ છોડીને આંહીં આવવાની કશી જરૂર નહોતી. મેં સલ્તનતની લગામ બાદશાહ શાહજહાંના હાથમાંથી નથી લીધી, દારાના હાથમાંથી લીધી છે. પિતા તો અસલની માફક આગ્રાના રાજમહેલમાં આરામ કરે છે. તમો સહુની એવી ઇચ્છા હોય કે દારા રાજા થાય, તો બોલો, હું હમણાં જ દારાને બોલાવું — અરે! દારા તો શું પણ જો કદી આ મહારાજ જશવંતસિંહ આ સિંહાસને બેસવા ચાહતા હોય; જો તે અથવા મહારાજા જયસિંહ, અથવા બીજો હરકોઈ માણસ આ રાજ્યની જબરી જવાબદારી લેવા તૈયાર હોય, તો મને તખ્ત સોંપી દેવામાં લગારે વાંધો નથી. આ તરફ દારા, બીજી તરફ સૂજા, અને ત્રીજી બાજુ મુરાદ — એવા ત્રણ-ત્રણ શત્રુઓને માથે રાખીને જો કોઈ સિંહાસને બેસવા માગતું હોય તો ખુશીથી બેસે. મારા મનમાં તો ખાતરી હતી કે હું આપ સહુની મંજૂરી સાથે, બલ્કે આપ સહુની આજીજીને લીધે, ગાદી પર બેઠો છું. એમ ન માનતા કે આ તખ્ત મને ઇનામ દાખલ મળ્યું છે. એ તો મને એક જાતની સજા છે. ઉપરાંત, મારે મક્કે જવું હતું એ સુખ પણ મને ન મળ્યું. આપને જો એમ થતું હોય કે ભલે દારા સિંહાસને બેસે, અને હિન્દમાં અંધાધૂંધી ને અધર્મ ફેલાય, તો હું હજુયે મક્કાની સફર પર જવા તૈયાર છું. એ તો મને પરમ સુખ જેવું છે. કહો —

[સર્વે ચૂપચાપ બેઠા રહ્યા.]

ઔરંગજેબ : લ્યો, આ મારો રાજમુગટ હું તખ્તની પાસે મૂકું છું. હું આ જ સિંહાસને બેઠો છું તે બાદશાહના નામની ખાતર — અને તે પણ વધુ વખત માટે નહિ. સામ્રાજ્યમાં ફરી શાંતિ ફેલાવી, દારાના નિરંકુશ રાજતંત્રને ફરી વ્યવસ્થિત કરી, અને પછી આપ સહુ કહેશો તેના હાથમાં રાજ સોંપી હું મક્કે ચાલ્યો જઈશ. આંહીં બેઠો બેઠો પણ હું મક્કા તરફ જ જોઈ રહ્યો છું. મારા વિચારોમાં, મારાં ખ્વાબની અંદર ને મારા ધ્યાનમાં પણ હું એ મહાતીર્થ મક્કાનો જ જાપ જપી રહ્યો છું. આપ જો કહો તો આજે જ રાજની લગામ છોડી મક્કા ચાલ્યો જાઉં. મક્કા જવું એ તો મારા જીવનનું પરમ સૌભાગ્ય છે. મારી ફિકર તમે ન કરતા. તમે તમારી જ સ્થિતિનો વિચાર કરી કહો કે તમારે જુલ્મ જોઈએ કે શાંતિનું રાજ્ય જોઈએ. કહી નાખો! હવે આપ સહુની મરજી વિરુદ્ધ તો મારે આ રાજદંડ ન ખપે. બોલો. આપ ઇચ્છતા હશો તો પણ આંહીં રહીને મારાથી દારાનો જુલમ તો નહિ જ જોવાય. કહો, ચોખ્ખે ચોખ્ખું કહો! આપની શી મરજી છે? ચાલ મહમ્મદ, મક્કે જવાની તૈયારી કર. કહો, આપનો શો મત છે?
સર્વે : જય, સમ્રાટ ઔરંગજેબનો જય!
ઔરંગજેબ : સારી વાત. આપ સહુનો ઇરાદો તો જાણી લીધો. હવે આપ બધા બહાર પધારો. મારી બહેનની, શાહજહાંની પુત્રીની, બેઇજ્જત થાય તે યોગ્ય નહિ.

[ઔરંગજેબ અને જહાનઆરા સિવાય બીજા બધા બહાર જાય છે.]

જહાનઆરા : ઔરંગજેબ!
ઔરંગજેબ : બોલો, બહેન!
જહાનઆરા : અદ્ભુત! તારાં વખાણ કર્યા વિના મારાથી રહેવાતું નથી. અત્યાર સુધી હું તાજુબીમાં ચૂપચાપ બની રહેલી. તારી પ્રપંચકલાનો તમાશો જોવામાં હું દિગ્મૂઢ થઈ હતી. જ્યારે મને ભાન આવ્યું ત્યારે મને માલૂમ પડે છે કે તું આખી બાજી જીતી ગયો છે. બસ, અદ્ભુત!
ઔરંગજેબ : હું ખુદાને નામે શપથ કરીને કહું છું કે જ્યાં સુધી હું સિંહાસને છું ત્યાં સુધી પિતાને કે તને લગારે દુઃખી થવા નહિ દઉં.
જહાનઆરા : ફરી વાર કહું છું કે ખૂબ અદ્ભુત!