શૃણ્વન્તુ/નવલકથાની નવી ધારા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નવલકથાની નવી ધારા

સુરેશ જોષી

પંદરેક વર્ષ પહેલાં આપણી નવલકથાનો નાભિશ્વાસ ચાલે છે એવો અભિપ્રાય વ્યક્ત થયેલો. એનો ઘણે સ્થાનેથી વિરોધ થયેલો. આમ છતાં નવલકથા અલ્પસત્ત્વ અને અસાહિત્યિક બનતી જાય છે એ વાતનો તો મોટે ભાગે સ્વીકાર થયેલો દેખાતો હતો. સમાજજીવનનું દસ્તાવેજી આલેખન, કહેવાતા ઇતિહાસની રોમાંચક કથા અને થોડું moral journalism – આટલામાં મોટે ભાગે નવલકથાલેખનની પ્રવૃત્તિની ઇતિ આવી જતી હતી.

એની સરખામણીમાં કવિતા અને ટૂંકી વાર્તામાં સારા પ્રમાણમાં પ્રયોગશીલતા દેખાતી હતી. એ પ્રયોગોમાં જે પ્રગલ્ભતા હતી તે નવલકથાના ક્ષેત્રમાં દેખાતી નહોતી. ટૂંકી વાર્તા પણ કથાસાહિત્યનો જ પ્રકાર હોવા છતાં અને એને જીવનસન્દર્ભ સાથેનો અનિવાર્ય સમ્બન્ધ હોવા છતાં શુદ્ધ સાહિત્યની દિશામાં એ પ્રકારે સારી એવી પ્રગતિ કરી હતી. એમાં રચનારીતિના ઘણા પ્રયોગો થયા હતા. ગદ્યની પણ ઘણી છટાઓ એમાં ખીલતી આવતી દેખાતી હતી. એ કાવ્યના સ્તર નજીક પહોંચી ગઈ હતી.

નવલકથામાં આવી શક્યતાઓ દેખાતી નહોતી. વાસ્તવિકતાના રૂપાન્તરમાં એની ઝાઝી કળામયતા દેખાતી નહોતી. વળી જે જીવનસન્દર્ભ સાથે એને સમ્બન્ધ હતો તેના પરિચયમાં પણ ઝાઝી સૂક્ષ્મતા દેખાતી નહોતી. રચનારીતિ પરત્વેના પ્રયોગો કરવા તરફ ઝાઝું લક્ષ જ નહોતું કારણ કે એવી કશી અનિવાર્યતા ઊભી થયાનો અનુભવ જ થતો નહોતો. ગદ્યનાં અનેક પોત પ્રકટ કરવાની ગુંજાયશ પણ દેખાતી નહોતી. આમ છતાં નવલકથા જ સૌથી લોકપ્રિય સાહિત્યપ્રકાર હતો. નવલકથાઓ સંખ્યાબંધ લખાયે જતી હતી. વિદ્યાપીઠોમાં પણ, ટૂંકી વાર્તા નહીં, નવલકથા જ એક સાહિત્યસ્વરૂપ લેખે અભ્યાસનું ગૌરવ પામતી હતી.

આ દરમિયાન કાવ્યચર્ચાને નિમિત્તે પ્રતીક, કલ્પન, રૂપ વગેરે સંજ્ઞાઓના સંકેતો સ્પષ્ટ થતા આવ્યા, સંસ્કૃત કાવ્યશાસ્ત્રનો પરિચય વધુ પ્રત્યક્ષ સ્વરૂપનો થતો ગયો તેમ તેમ કેટલાક મૂળભૂત મુદ્દાઓ વિશેની સમજ ખીલતી આવી, કવિને ઇતિવૃત્ત માત્રથી ન ચાલે એવું આનન્દવર્ધન પાસેથી પણ આપણને જાણવા મળ્યું. ટંૂકી વાર્તામાં સૂક્ષ્મતા લાવવાના પ્રયત્નો થયા. કથાવસ્તુ પર વધારે ભાર મૂકવાનું વલણ ઓછું થતું ગયું. એને બદલે બને તેટલે અંશે ઘટનાનું તિરોધાન સિદ્ધ કરવાનું મહત્ત્વ સ્વીકારાવા લાગ્યું. થોડો વખત પાત્રોનાં મનનાં સંચરણો પણ ભાર મૂકાયો, પણ એવી મનોવૈજ્ઞાનિક ભૂમિકા પણ આખરે તો કળાની એક સામગ્રી જ છે, એનું રૂપાન્તર થયું હોય એ મહત્ત્વનું છે તે સ્વીકારાવા લાગ્યું. માનવસ્વભાવનું રહસ્ય વ્યંજિત કરવું એ પણ વ્યાપક દૃષ્ટિએ એક લક્ષ્ય તરીકે સ્વીકારાતું હતું. પણ ધીમે ધીમે કહેવું નહીં પણ બતાવવું એના પર વધુ ભાર મૂકાતો ગયો. આપણને જે અનુભૂતિ થાય છે તેનાં રૂપને પ્રગટ કરવું એ કળાકારનું કામ છે. એનું પૃથક્કરણ કે અર્થઘટન તે કળાનું લક્ષ્ય નથી. ફિલસૂફ કે સમાજશાસ્ત્રી એમાંથી ગમે તે નિર્ણયો તારવે, એ પ્રવૃત્તિ જુદા જ પ્રકારની થઈ.

હવે તો અનેક વિષયોનાં જ્ઞાન અને માહિતીનો એટલા તો વિપુલ પ્રમાણમાં આપણા પર ધસારો થતો હોય છે કે વિષય સાથેનો આપણો અપરોક્ષ સન્નિકર્ષ અશક્યવત્ બની રહે છે. એ બધી પરિભાષાની જટાજાળને વીંધીને ફરીથી અપરોક્ષ અનુભવ કે સંવેદનની કક્ષાએ પહોંચવું અઘરું બની જાય છે. ઘણું એવું છે જે આપણા અનુભવમાં આત્મસાત્ થયા વિનાનું રહી જાય છે. એટલે અંશે આપણે આપણી સમકાલીન સર્જક સંવેદનશીલતાના આવિષ્કારોને સ્વીકારીને સમૃદ્ધ થવામાં પાછળ પડી જઈએ છીએ.

નવલકથાને સામાજિક સન્દર્ભ જોડે નિકટનો સમ્બન્ધ છે. વ્યક્તિ અને વ્યક્તિ વચ્ચેના સમ્બન્ધો, વ્યક્તિ અને સમાજ વચ્ચેના સમ્બન્ધો, એમાંથી ઊભા થતાં સંઘર્ષો અને સમસ્યાઓ, સ્ત્રીપુરુષના સમ્બન્ધો, માનવીનું આત્મશોધન, પોતાના યુગને સમજવાના એના પ્રયત્નો – આ બધાં સાથે એને સમ્બન્ધ છે. આમાંના ઘણા પ્રશ્નો વિશે સમાજશાસ્ત્રીઓ, માનસશાસ્ત્રીઓ, ચિન્તકો અને ફિલસૂફો તો વિચારે જ છે. એ વિશે પુસ્તકો, પુસ્તિકાઓ પ્રકટ થયા જ કરે છે; એનાં કોષ્ટકો અને ગ્રાફ પણ તૈયાર થાય છે. એમ છતાં એ બધાંમાં એવી તે શેની ઊણપ વર્તાય છે કે જેને કારણે આપણે સાહિત્ય પાસે જઈએ છીએ? સાહિત્ય માનવની સમગ્રતાને વ્યંજિત કરવા ઇચ્છે છે. નવલકથાકારે દરેક કૃતિમાં નવી શોધ આરમ્ભવાની રહે છે, એ શોધ એ ટેકનિક દ્વારા જ કરી શકે. આથી જ્યાં આવી શોધનો પુરુષાર્થ જ દેખાતો નથી ત્યાં જૂનાં માળખાં કામ આવી જાય છે. ત્યાં માનવને જોવાને નવો દૃષ્ટિકોણ પ્રાપ્ત થતો નથી. જે રજૂ થતું હોય છે તેનો આપણે જે જાણતા જ હોઈએ છીએ તેની સાથે ઝટ તાળો મળી જાય છે. આથી ઘટના, પાત્ર, વાતાવરણ, સંવાદ – થોડી tricks of the tradeથી લેખકનું કામ ચાલી જાય છે. એવી કૃતિ આપણી ચેતનાના અક્ષાંશ-રેખાંશ બદલી શકતી નથી.

આજે જે નવલકથાકાર સાર્થક કૃતિ રચવા માગતો હશે તેણે માનવસન્દર્ભની સંકુલતા અને સન્દિગ્ધતા સ્વીકારવાની જ રહેશે. પોતાના જ અનુભવોમાં રહેલી સન્દિગ્ધતાને પ્રામાણિકપણે ઓળખ્યા વિના કોઈ કશું સરજી શકે ખરો? અમુક હાથવગી ફિલસૂફીને આધારે, એનાં કોષ્ટકોમાં સમકાલીન જીવનની સંકુલતાને એ ઝટ દઈને ગોઠવી આપી શકે ખરો? તો તો આપણે એમ માનવું રહ્યું કે એને સમકાલીન વાસ્તવિકતા સાથેના અપરોક્ષ પરિચયમાં રસ નથી. એ ગૃહીતોને ધ્રુવપદે સ્થાપીને પ્રશ્નો ઊભા કરવા માગતો નથી, જે પ્રશ્નો છે તેને પણ કાને ધરવા માગતો નથી. જો આવો પ્રત્યક્ષ અને વ્યવધાન વિનાનો સમ્પર્ક સિદ્ધ કરવો હોય તો વપરાઈ ચૂકેલાં રૂપોનાં ચોકઠાં એને કામમાં નહીં આવે, કારણ કે એવાં આવિષ્કૃત ને વ્યવહૃત રૂપોના સ્વીકાર સાથે એની પાછળ રહેલાં બધાં ગૃહીતોનો પણ આપોઆપ સ્વીકાર થઈ જ જાય છે. આથી સર્જન દ્વારા થતા આવિષ્કારની આખી પ્રક્રિયા જ બાદ થઈ જાય છે. તો પછી રસાનુભવ શેને આધારે થશે? આથી જો એ ગમ્ભીરપણે સમકાલીન વાસ્તવિકતાને ઓળખવા મથતો હશે તો એણે reflexively અને symbolically જ મૂલ્ય-સંક્રમણનું કાર્ય કરવાનું રહેશે. આથી સૂક્ષ્મતા વગર હવે નહીં ચાલે. ઉછીની લીધેલી હતાશા અને વિચ્છિન્નતાની કે જીવનની અસારતાની વાત પણ ઉઘાડી પડી જશે. જો એ આત્મશોધનું પરિણામ હશે તો એ શોધને એની આગવી શૈલી હશે જ. નહીં તો આધુનિક ગણાતી અને ચલણી બનેલી વિચારક્ષેત્રની ફેશનોને યથાવત્ સ્વીકારી લેવાથી આધુનિક બની ગયાનો ભ્રમ ઊભો કરી શકાશે નહીં, કૃતિની રચનામાં જ એની authenticityનું પ્રમાણ રહ્યું હોય છે. વિચ્છિન્નતાની કે વેગળાપણાની લાગણી પણ જો રસવૃત્તિને સંતર્પે એવી રચનારીતિ દ્વારા મૂર્ત થઈ હશે તો જ આસ્વાદ્ય બનશે, કારણ કે તો જ રસકીય પરિસ્થિતિ સર્જાશે. સમ્ભવ છે કે ભાવકવર્ગ જો એટલી સૂક્ષ્મતા નહીં કેળવી શક્યો હોય તો આવી કૃતિઓની સવિનય ઉપેક્ષા થશે. પણ અણકેળવાયેલી રુચિ એને ભાવોદ્રેકથી સ્વીકારે એના કરતાં તો આવી ઉપેક્ષા વધુ સ્પૃહણીય.

હવે એમ કહેવાય છે કે કવિતાનું મોજું આવ્યું છે ને એની છાલક બધાં જ સાહિત્યસ્વરૂપોને વાગી છે. હરમાન હેસ્સે છેક 1921માં આવી પરિસ્થિતિને ખ્યાલમાં રાખીને કહેલું: ‘The novel as a disguised lyric, a borrowed lable for the experimentations of poetic spirits to express their feelings of self and world…’ ટૂંકી વાર્તા અને કવિતા તો આપણે ત્યાં પણ જોડાજોડ આવી ગયાં છે, હવે કેટલાક કવિઓ નવલકથાલેખન તરફ વળ્યા છે. પશ્ચિમમાં પણ કવિઓ નવલકથાકાર હોય એવું તો બન્યું જ છે, પણ ત્યાં બે પ્રતિભા જુદી રીતે વિહરતી દેખાય છે. આપણે ત્યાં હજી એવા પ્રયોગો ઝાઝા થયા નથી. એથી ભવિષ્યમાં નવલકથાનો lyrical novel જેવો પ્રકાર ઊભો થશે એવી આગાહી કરી ન શકાય.

કાવ્યની રીતે નવલકથાનું વિભાવન થાય એવું કદાચ શક્ય બને. સામગ્રીનું કળામાં રૂપાન્તર વધુ સફળ રીતે સિદ્ધ થાય. બાકી તો નવલકથામાં વર્ણનનો અંશ કાવ્યમય બને કે અહીંતહીં, પ્રસ્તુત ન હોય તોય, કાવ્યની ટીપકીઓ ચોંટાડી હોય એવું જો બને તો એ પ્રકારની કવિતા સમગ્ર રચનાનું અવિભાજ્ય અંગ બની રહે નહીં અને એથી નવલકથાને ઉપકારક ન નીવડે. આ તો કાવ્યનો બાહ્યાંગ લેખે, અલંકરણ રૂપે ઉપયોગ થયો કહેવાય. પણ નવલકથાનું જો કાવ્યની રીતે વિભાવન થયું હોય તો પાત્રના માનસના આલેખનમાં, ઘટનાના ઉપયોગમાં, સંકલનમાં – સર્વત્ર એ જ દૃષ્ટિ અનુસ્યૂત થયેલી દેખાય. આવું ઉત્કર્ષનું સાતત્ય ટૂંકી કાવ્યરચનાઓમાં પણ આપણે સિદ્ધ નથી કરી શક્યા તો લાંબી રચનાઓમાં સિદ્ધ કરવું તો વધુ મુશ્કેલ થઈ પડે.

નવલકથાના સ્વરૂપમાં ખરેખર આમૂલ પરિવર્તન આપણે ત્યાં સિદ્ધ થયું છે ખરું? જૂના માળખામાં અહીંતહીં ઉપર ઉપરથી થોડુંક નવું લાગે તેવું ચોંટાડવાથી રૂપરચનામાં ફેરફાર થતો નથી. આવા પરિવર્તનની પાછળ રહેલી રસકીય ભૂમિકા હજી આપણે ત્યાં સ્વીકૃત થઈ નથી. ટેકનિકની ઉપેક્ષા અને નર્યોનકરો જીવનનો સ્વીકાર – એવું સૂત્ર હજી નવીનો પણ ઉચ્ચારે છે. આથી પ્રયોગો ને સ્પર્શક્ષમ કળાઓમાં તો આમૂલ પરિવર્તનો થયાં છે. આથી તો શિલ્પની માટેની રૂઢ સંજ્ઞાઓ છોડીને assemblage કે construction જેવી સંજ્ઞાઓ સ્વીકારી લેવાય છે.

કથાસાહિત્યમાં જે વસ્તુસન્દર્ભ હોય તેને નહિવત્ કરી નાંખવાનો પ્રયત્ન હજી પૂરી પ્રગલ્ભતાથી થયો નથી. હજી આપણો નવો નવલકથાકાર પણ જીવન વિશેનાં મન્તવ્યો કે દૃઢ અભિપ્રાયો અભિનિવેશપૂર્વક ઉચ્ચારવાનો આગ્રહ રાખે છે. એ અભિપ્રાયો જીવન માટેની આસક્તિના નહીં હોય, હતાશાના હોય, વૈફલ્યના હોય એમ બને. આથી એવી રચનામાં કાવ્યતત્ત્વ પાંખા એવા સન્દર્ભની આજુબાજુ સ્ફટિકઘન દૃઢતા પામ્યા વિના, કંઈક વિશ્લિષ્ટ અને વિકીર્ણ એવી દશામાં રહી જાય છે. એવી વાયવી દશામાંથી એક ડગલું આગળ વધવાનું છે, પણ તે હજી ભરી શકાયું નથી. આની પાછળ કેટલીક વાર રોમેન્ટિક આવેગ પણ દેખાય છે. એને તન્ત્રની કે રૂપની કશી પડી નથી હોતી. રૂપરચના કાંઈ જડપણે નક્કી થયેલા નિયમોને વશ થઈને થતી નથી. પણ એનેય બન્ધન ગણીને ફગાવી દેવાનું વલણ દેખાય છે. એને પરિણામે આખરે તો તૈયાર જૂનાં માળખાંનું શરણ લેવાનું જ રહે છે. નવીનતાનું તત્ત્વ આગન્તુક કે આકસ્મિક જ બની રહે છે.

જીવનના પ્રત્યક્ષ પરિચયને નામે કેટલીક વાર hypostatic reality આલેખવાનો પ્રયત્ન થાય છે. એમાંય સૂક્ષ્મતા નથી હોતી ત્યારે એ વીગતોની યાદી બની જાય છે. એમાંની વ્યવહૃત અને અબખે પડી ગયેલી વાસ્તવિકતાને અવાસ્તવિક કરીને એને નવેસરથી વાસ્તવિકતા અર્પવાનું સર્જકકર્મ ત્યાં ગેરહાજર હોય છે. આથી નિરીક્ષણની ચોકસાઈ કે ઝીણવટ તે જ કળા છે એવું ભૂલથી માની લેવાય છે. આ વીગતો વર્ણવનાર પાત્ર કે કથાનાયક નિલિર્પ્ત ભાવે એ બધું કરે એવું દેખાડવાનો પ્રયત્ન હોય છે, પણ એવા સંયોજનને સૂક્ષ્મ દૃષ્ટિની અપેક્ષા રહે છે, જે ખાસ જોવા મળતી નથી. નર્યા animal sensationsના સ્તર પર વાસ્તવિકતાને અપરોક્ષ રીતે અનુભવાતી બતાવવી હોય તોય સૂક્ષ્મ કળાસૂઝની અપેક્ષા રહે. એ વીગતોની પસંદગી, એમાંનો એકાદ ઊપસી આવતો કાકુ, ઓછોવધતો મૂકાતો ભાર – આ બધું તરત લેખકના અભિગ્રહની ચાડી ખાય છે અને દેખાતી નિલિર્પ્તતાનો અંચળો સરી પડે છે, એ માત્ર એક વેશ હતો તે પકડાઈ જાય છે. પછી એ પ્રકારની ચતુરાઈ કે ચબરાકી સિવાય વધુ એનું કશું મૂલ્ય રહેતું નથી.

પ્રતીકોના ઉપયોગમાં પણ જો રસકીય દૃષ્ટિનો પુરસ્કાર નહીં હશે તો આવી જ મુશ્કેલી ઊભી થવાની. નવલકથાનું કાઠું પ્રતીકની માંડણી ઝીલી શકે એવું જો નહીં સિદ્ધ થયું હોય તો પ્રતીકોનું આરોપણ કૃતિને કુબ્જા બનાવી દેશે. વળી કેટલીક વાર પ્રતીકોને નામે રૂપકગ્રન્થિઓનો સમાવેશ થઈ જાય છે. એમાં તો કલ્પનાવિહારને અવકાશ જ રહેતો નથી. લેખકને અભિમત દૃષ્ટિબિન્દુ (જે અમૂર્ત હોય છે) અને રૂપકગ્રન્થિના અંકોડા યાન્ત્રિક સમીકરણની જેમ બંધબેસતા કરવાની પ્રવૃત્તિ તે રસાસ્વાદનો અંશ બનતી નથી. સન્દર્ભ પોતે જ પ્રતીકનું ગૌરવ પ્રાપ્ત કરે એવી ક્ષમતા એમાં સિદ્ધ થઈ હોવી જોઈએ. પ્રતીકના વિનિયોગ પાછળની રસકીય ભૂમિકાના સ્વીકાર વિના પ્રતીકોનો ફેશન-દાખલ કરેલો ઉપયોગ કળા માટે તો ઉપકારક નીવડી શકે નહીં. નવલકથાને ગૌરવ અર્પવા માટે કે એને જીવન સાથે ઘનિષ્ઠ સમ્બન્ધ છે એવું બતાવવા માટે હમણાં હમણાં કશીક ફિલસૂફીનો આશ્રય લેવાતો જોવામાં આવે છે. એ ફિલસૂફી રમણ મહષિર્ જેવા સન્તપુરુષની હોય કે પછી અસ્તિત્વવાદની હોય. આથી હંમેશાં novel of Idea સિદ્ધ જ થાય છે એવું બનતું નથી. જે જીવનદર્શન કૃતિમાં સિદ્ધ થયું નથી, જેને બહારથી આરોપવામાં આવ્યું હોય છે તે કળાતત્ત્વ સાથે આત્મસાત્ ભાગ્યે જ થઈ શકે છે, મોટે ભાગે જે મૂળ દર્શનનો આધાર લેવામાં આવ્યો હોય છે તે વિશેની સમજ કાચી હોય છે, એની સંકુલ દાર્શનિક સમૃદ્ધિનું હીનીકરણ કરવામાં આવ્યું હોય છે, અથવા તો આવી ફિલસૂફી કૃતક હોય છે. આથી ઘણી વાર, લેખકને ઉદ્દિષ્ટ નહીં હોય તોય, આખરે તો કૃતિમાં એવી ફિલસૂફીની વિડમ્બના જ થયેલી દેખાય છે. એમાં જીવનદર્શનની પીઠિકા કૃતિમાં બરાબર રચાઈ હોવી જોઈએ, પાત્રના આલેખનમાં એને માટેની જરૂરી બૌદ્ધિક ભૂમિકાની રચના થઈ હોવી જોઈએ, અને કળાકૃતિમાં તો વિચાર વિચારરૂપે નથી આવતો, એમાં તો drama of ideas હોય, માટે બે પરસ્પરવિરુદ્ધ અને તુલ્યબળ લાગે એવી વિચારણાનો સંઘર્ષ કૌવતથી નિરૂપાયો હોવો જોઈએ. વર્તમાન જીવનસન્દર્ભનું એની સર્વસંકુલતા સહિત આકલન કર્યા વિના આ પ્રકારની નવલકથાનું નિર્માણ થઈ શકે નહીં. ભૂતકાળના આ ક્ષેત્રમાં થયેલા નિષ્ફળ પ્રયત્નો આ પરત્વે દિશાસૂચક બની રહેવા જોઈએ.

ભાષા પરત્વેની રસકીય દૃષ્ટિ હજી પૂરતા પ્રમાણમાં ખીલી નથી. કળામાં પ્રમાણભૂતતા તે રસકીય દૃષ્ટિએ જ સિદ્ધ કરવાની હોય તેનો હજી પૂરતો સ્વીકાર થયો નથી. ભાષાના વિનિયોગ પરત્વે સૂઝપૂર્વકના પ્રગલ્ભ પ્રયત્નો થવા બાકી છે. સૂક્ષ્મ મનોવૈજ્ઞાનિક ભૂમિકા સ્વીકારીને પાત્રનું આલેખન કરવાને નિમિત્તે, મનોવિજ્ઞાનને નામે, ઝીણું કાંતવામાં આવે છે અને તરંગોના ગબારા ઉડાડવામાં આવે છે. થોડા વખત સુધી ‘સૂક્ષ્મતા’નો લોભ છોડી દેવો પડશે. બહાર અને અંદરના કૃત્રિમ ભેદને વિસારે પાડીને માનવીને કોઈ પદાર્થની હોય છે તેવી નક્કરતા ફરીથી અર્પવી પડશે. ભાષાને એના કાળક્રમની બદ્ધતામાંથી બહાર ખેંચી લાવીને અનુભૂત કાલના પરિમાણના આકારની કરવી પડશે. સંવાદો તે પણ ક્રિયાનો જ પ્રકાર છે તે યાદ રાખીને એને કથાપ્રવાહથી જુદા તારવીને મૂકવાની સ્થૂળ રીતિ છોડવી પડશે. સન્દર્ભમાં એકરસ થઈ જાય એવી રીતે એનું આલેખન કરવું પડશે. એમાં ચબરાકિયાવેડા કે એક જ અવાજનું એકસૂરીલાપણું ટાળવાનાં રહેશે. ભાષાનાં ઘણાં બધાં પોત પ્રકટ કરવાનાં રહેશે. એક જ કૃતિમાં સન્દર્ભને અનુસરીને વિવિધ શૈલીઓ શોધવાની રહેશે. Innovationનું તત્ત્વ મહત્ત્વનું છે તે સ્વીકારીને મૌલિકતાનું ફરીથી ગૌરવ કરવાનું રહેશે. એટલું તો નક્કી કે હવેના નવલકથાકારને, જો એક સાહિત્યપ્રકાર લેખે નવલકથા સિદ્ધ કરવી હશે તો externality પર મદાર બાંધીને સફળ થવાનો પ્રયત્ન છોડી દેવો પડશે. સૂક્ષ્મતા વિના હવે એને ચાલશે નહીં. દરેક સમર્થ સર્જક આ પડકારને ઝીલીને આ સાહિત્યસ્વરૂપને સિદ્ધ કરવા મથે એવી આશા રાખીએ.

ફેબ્રુઆરી, 1970